Delhi ni Vaat

રાહુલ ગાંધીએ મોદીને 'કોમ્પ્રોમાઇઝ્ડ' વડાપ્રધાન કેમ કહ્યા?

By GS Team
16 Sep 20264 mins read
TukuTouch Logo
નવીદિલ્હીમાં રાહુલ ગાંધીએ ₹2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવા બદલ મોદી સરકારની ટીકા કરી છે. આ ફીનો બોજ ગ્રાહકો પર પડશે તેમ તેમણે જણાવ્યું. બીજી તરફ, IAS દિવ્યા મિત્તલનું રાજીનામું મંજૂર થયું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના CEOની પસંદગીમાં વિવાદ વચ્ચે ટ્રસ્ટે જણાવ્યું કે, જીતેન્દ્ર મિશ્રાએ ઇન્ટરવ્યુ આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીએ મોદીને 'કોમ્પ્રોમાઇઝ્ડ' વડાપ્રધાન કેમ કહ્યા?

નવીદિલ્હી : લોકસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ યુપીઆઇની લેણદેણ પર મર્ચંન્ટ ડિસ્કાઉન્ટ રેટ બાબતે મોદી સરકારની ટીકા કરી છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખેલી એક પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે સરકારે રૃા.૨૦૦૦ કરતા વધુના મર્ચંન્ટ યુપીઆઇ લેણદેણ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લગાડી દીધો છે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે આ આપ-લેની સંખ્યા ભલે યુપીઆઇના કુલ આપ-લેના પાંચ ટકા જ હોય, પરંતુ કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ૬૫ ટકા છે. કદાચ ગ્રાહક પાસે કોઈ રકમ વસુલ કરવામાં નહીં આવે તો દુકાનદાર પર લગાડવામાં આવેલી આ ફીનો બોજો કોના ગજવા પર પડશે? દુકાનદાર આ ફી ગ્રાહક પાસેથી જ છેવટે વસુલ કરશે.
ચર્ચાસ્પદ આઇએએસ દિવ્યા મિત્તલનું રાજીનામું મંજૂર
ઉત્તર પ્રદેશ કેડરના ચર્ચાસ્પદ આઇએએસ અધિકારી દિવ્યા મિત્તલનું રાજીનામું કેન્દ્ર સરકારે મંજૂર કર્યું છે. દિવ્યા મિત્તલે ૩૦મી ઓગસ્ટે અંગત કારણો, કૌટુંબિક જવાબદારી અને જિંદગીના નવા ઉદ્દેશોનું કારણ આપીને રાજીનામું આપ્યું હતું. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને આ જાણકારી આપી હતી. રાજીનામું મંજૂર થવાની જાણકારી શેર કરતા દિવ્યાએ કવિ જયશંકર પ્રસાદના જાણીતા નાટક ચંદ્રગુપ્તની એક પંક્તિ લખી હતી. 'પ્રસશ્ત પૂર્ણય પંથ હૈ, બઢે ચલો, બઢે ચલો.' ૨૦૧૩ની બેંચના આઇએએસ અધિકારી દિવ્યા મિત્તલે લગભગ ૧૩ વર્ષ સરકારી નોકરી કરી હતી. એમણે રાજીનામું આપ્યું ત્યારે લગભગ ૧૭ વર્ષની નોકરી બાકી હતી. દિવ્યાએ આઇઆઇટી દિલ્હીથી બીટેક અને આઇઆઇએમ બેગુલુરુથી એમબીએ કર્યું હતું, ત્યાર પછી એમણે લંડનમાં પણ નોકરી કરી હતી. દિવ્યા મિત્તલ મીરઝાપુર, બસ્તી અને દેવરિયામાં કલેક્ટર રહી ચૂક્યા છે. એમની ગણના કડક ઓફિસર તરીકે થતી હતી.
'જીતેન્દ્ર મિશ્રાએ ઇન્ટરવ્યુ આપ્યો હતો…'
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સીઇઓની પસંદગી બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે હવે ટ્રસ્ટએ કહ્યું છે કે, એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ ૧૧મી ઓગસ્ટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. એમણે પસંદગીની પ્રક્રિયામાં ભાગ લીધો નહીં હોવાની વાત ખોટી છે. સીઇઓના હોદ્દા માટે ૫,૫૮૫ અરજીઓ મળી હતી. એમાંથી આખરે ૧૬ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામના સામ સામે ઇન્ટરવ્યૂ ૧૧ અને ૧૨મી ઓગસ્ટે અયોધ્યામાં થયા હતા. જીતેન્દ્ર મિશ્રાએ પણ ૧૧મી ઓગસ્ટે આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના કેટલાક મીડિયાએ એવા અહેવાલ છાપ્યા હતા કે, જીતેન્દ્ર મિશ્રાએ ઇન્ટરવ્યુ આપ્યો નહીં હોવા છતાં એમને સીઇઓ બનાવવામાં આવ્યા છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટએ સીઇઓને પસંદ કરવા માટે છઠ્ઠી જુલાઈએ એક કમીટી બનાવી હતી.
વિદાય વેળાએ અબુ ધાબીના પ્રિન્સે લોકોના દિલ જીત્યા
બ્રિક્સ શિખર સંમેલન માટે દિલ્હી આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બીન મોહમદ બીન જાયદ અલ નાહિયાનનો એકવીડિયો વાયરલ થયો છે. તેઓ દિલ્હીથી પોતાના દેશ પરત ફરી રહ્યા હતા. મોટરમાંથી ઉતરીને પ્લેન સુધી જવા રવાના થયા ત્યારે એમને યાદ આવ્યું કે તેઓ ડ્રાઇવરને અલવિદા કહેવાનું ભૂલી ગયા છે. તેઓ તરત પરત ફર્યા અને ડ્રાઇવર સાથે હાથ મેળવ્યા. ત્યાર પછી એમણે ડ્રાઇવર સાથે કેટલીક ક્ષણો ટૂકી વાતચીત કરી. સોશ્યલ મીડિયા પર એમની નમ્રતાના વખાણ થઈ રહ્યા છે. આ ડ્રાઇવર ભારતીય હતો. સોશ્યલ મીડિયા પર કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે કે, આપણે ત્યાં સત્તાધારી પક્ષના નેતાઓ ભાગ્યે જ આવી નમ્રતા બતાવે છે.
ડીઆઇજી જામીન માટે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા, મળ્યો ઠપકો
ભ્રષ્ટાચારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પંજાબ પોલીસના સસ્પેન્ડેડ ડીઆઇજી હરચરણ સિંહ ભુલ્લરની બીજી જામીન અરજીની સુનાવણી ચાર અઠવાડિયા ટાળી દેવામાં આવી છે. ભુલ્લરની બીજી જામીન અરજીની સુનાવણી વખતે સુપ્રિમ કોર્ટે કડક ટીપ્પણી કરી હતી. સુપ્રિમ કોર્ટે કેસને 'સો ટકા હકાલપટ્ટીનો કેસ' ગણાવ્યો હતો. કોર્ટનું માનવું છે કે અગત્યના સાક્ષીઓના નિવેદનો નોંધાયા પછી જામીન બાબતે વિચાર કરવામાં આવશે. ભ્રષ્ટાચારના એક કેસમાં ગયા વર્ષે ઓક્ટોબર મિહનામાં ભુલ્લરની ધરપકડ કરવામાં આવી હતી. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચી તથા જસ્ટીસ વી મોહનાની બેંચે કેસ ચાર અઠવાડિયા પછી સૂચિબદ્ધ કર્યો છે. ભુલ્લરના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી અને બીજા કેટલાક અગત્યના સાક્ષીઓની હજી સુધી પૂછપરછ થઈ નથી.
સસ્પેન્સને કાંશીરામને કઈ રીતે નેતા બનાવ્યા
ઉત્તર પ્રદેશમાં હમણા ભલે બહુજન સમાજ પાર્ટીનું વજન ઓછુ થઈ ગયું છે, પરંતુ થોડા વર્ષો પહેલા બીએસપીનું વર્ચસ્વ ભારે હતું. માયાવતીની નબળી પડેલી નેતાગીરીને કારણે ધીરે ધીરે ઉત્તર પ્રદેશમાં બીએસપીનું વર્ચસ્વ ઘટતુ ગયું. બીએસપીની સફળતાનો સંપૂર્ણ યશ કાંશીરામને આપવો પડે. કાંશીરામનો જન્મ પંજાબના એક નાના ગામમાં શીખ કુટુંબમાં થયો હતો. તેઓ રામદાસીયા શીખ હતા જેમની ગણના દલીત - વંચીત તરીકે થાય છે. કાંશીરામના દાદા ધીલુરામ સૈન્યમાં હતા. એમના કુટુંબની આર્થિક પરિસ્થિતિ બીજાઓ કરતા થોડી વધુ સારી હતી. બીએસસી પુરુ કર્યા પછી કાંશીરામને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં નોકરી મળી ગઈ હતી, પરંતુ ત્યાં બંધુઆ મજૂર જેવી સ્થિતિ હોવાથી એમણે બીજી નોકરી પસંદ કરી હતી. એમના ઉપરીઓએ બાબા સાહેબ આંબેડકરની જયંતીને દિવસે રજા આપી નહીં એનો વિરોધ કાંશીરામે કરવાથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી એમણે રાજકારણમાં ઝપલાવ્યું હતું.
યોગી આદિત્યનાથનો વકીલોને ખુશ કરવા પ્રયત્ન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના વકીલોને ખુશ કરવા કેટલીક યોજનાઓ જાહેર કરી છે. પ્રયાગરાજમાં એમણે વકીલો માટે ત્રણ મોટા નિર્ણયો જાહેર કર્યા છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં લગભગ ૧૦ હજાર વકીલો માટે મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય ૪૦૦ જેટલા લો ઓફિસરોને ટેક્નોલોજીથી જોડવા ટેબલેટ આપવામાં આવશે. રાજ્યના તમામ વકીલોને પાંચ લાખ રૂપિયા સુધીનો કેસલેસ મેડિકલ ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે. પ્રયાગરાજના ન્યાયીક ઇતિહાસનો ઉલ્લેખ કરતા એમણે કહ્યું હતું કે, અહીંના વકીલોએ હંમેશા યોગ્ય દિશા બતાવી છે. અહીંથી ઘણા ન્યાયી નિષ્ણાંતો અને જનનેતા નિકળા છે જેમણે ભારતના બંધારણીય વિકાસમાં અગત્યની ભૂમિકા નિભાવી છે. સ્વતંત્રતા આંદોલનમાં પણ અહીંના વકીલોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.