Delhi ni Vaat

'મોદી હોય, શાહ હોય કે જ્ઞાનેશ, કોઈને છોડીશ નહીં'

By GS Team
7 Oct 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા વિરોધ પક્ષના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. ઇલેક્શન કમિશનની ઓફિસ પહોંચવા જતા પોલીસે તેમને રોક્યા હતા. કોંગ્રેસે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ કર્યો, જેમાં 27 લાખ મતદારો દૂર કરાયા હોવાનો દાવો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશદ્રોહ છે અને કોઈને છોડવામાં નહીં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મોદી હોય, શાહ હોય કે જ્ઞાનેશ, કોઈને છોડીશ નહીં'

નવીદિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલા આંદોલન દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઇલેકશન કમિશનની ઓફિસમાં પહોંચવા માટે આકાશવાણી ભવન પહોંચી ગયા હતા. એમને અટકાવવા માટે પોલીસે કરેલી કામગીરી નિષ્ફળ રહી હતી. ત્યાર પછી પોલીસે રાહુલ અને પ્રિયંકા સહિત કેટલાક વિરોધપક્ષના સાંસદોની અટકાયત કરી હતી. રાહુલ ગાંધી ખુબ જુસ્સામાં જોવા મળ્યા હતા. એમણે ઉંચા અવાજે કહ્યું હતું કે, 'દેશ સાથે જે કરવામાં આવ્યું છે એ દેશદ્રોહ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, આરએસએસના પ્રમુખ હોય કે જ્ઞાનેશ કુમાર હોય કોઈને છોડવામાં નહીં આવે.' રાહુલનું કહેવું છે કે ૩૦૦થી વધારે સાંસદો ચૂંટણી કમિશનરને મળવા માંગતા હતા. આ સાંસદો કરોડો ભારતીઓનું પ્રતિનિધિત્વ કરે છે છતાં ચૂંટણી કમિશનર એમને મળતા નથી.
'મતની હેરાફેરીને કારણે બંગાળ ચૂંટણી જીત્યા'
કોંગ્રેસે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી કમિશન અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પક્ષનો દાવો છે કે, ચૂંટણીમાં મોટા પાયે હેરાફેરી અને ગરબડ થઈ હતી. આ બધું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં થયું હતું. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ કહ્યું હતું કે, હવે 'પૂતળા'ને ધક્કો મારવાનો સમય આવી ગયો છે. રમેશે સોશ્યલ મીડિયા પર એક મીડિયા રીપોર્ટનો સ્ક્રીનશોટ મૂક્યો હતો. આ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં સુપ્રિમ કોર્ટના એક ડઝનથી વધુ ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ચૂંટણી કમિશનના આઇટી વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ડીજીટલ પોર્ટલમાં ઘણી ગંભીર ભૂલો બતાવી હતી. અપીલોમા દુર કરવામાં આવેલા ૨૭ લાખ મતદારોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતાનો આક્ષેપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોઈપણ કિંમતે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતવી હતી.
પૂર્વ સીબીઆઇ ડિરેક્ટર નાગેશ્વર
રાવની રાજકારણમાં એન્ટ્રી
સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવ હવે સક્રિય રાજકારણમાં આવી ગયા છે. કાશી ખાતેથી એમણે સર્વજન સનાતન પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની નવી ભૂમિકા જાહેર કરી હતી. એમણે પોતાના પક્ષની ચાર મુખ્ય પ્રાથમિકતા જણાવી અને કહ્યું હતું કે, સનાતન કોઈની વિરૂદ્ધમાં નથી. એ વખતે પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મહંત તિર્થાનંદ, ઉપાધ્યક્ષ ઋતુ રાઠોડ, મહાસચીવ રાજા સક્ષમ સિંહ યોગી, પ્રવક્તા બબીતા શર્મા, ઉત્તર પ્રદેશના પ્રભારી રાકેશ તિવારી અને સંગઠન મંત્રી નરનારાયણ સિંહ હાજર રહ્યા હતા. એમ નાગેશ્વર રાવ લગભગ ચાર દાયકા સુધી સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વહીવટ સાથે જોડાએલા હતા. પક્ષની વિચારધારામાં કહેવામાં આવ્યું હતું કે, ફક્ત સનાતન એટલે પૂજાનો પ્રકાર નથી, પરંતુ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ છે. નાગેશ્વર રાવે વાત તો મોટી મોટી કરી છે, પરંતુ સ્વાભાવિક છે કે એમનો ઉદ્દેશ પણ થોડા ઘણા મતો મેળવી કોઈ મોટી પાર્ટીમાં જોડાઈ જવાનો છે.
પ્રેમાનંદ આશ્રમ વિવાદમાં, ગુમ મયંક પ્રયાગરાજમાં મળ્યો
સંત પ્રેમાનંદ મહારાજનો આશ્રમ રાધાકેલી કુંજની બહાર ગુમ થયેલા બાળકો બાબતે પ્રદર્શન કરી રહેલા કુટુંબીઓને એમના બાળકો સલામત મળી ગયા છે. હાથરસ ખાતેના સાદાબાદના અનુજ ચૌધરી પછી પોલીસે કાસગંજના મયંક ચૌહાણને પણ હેમખેમ શોધી કાઢયો છે. મયંક પ્રયાગરાજના દારાગંજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. અનુજને સાદાબાદ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પ્રેમાનંદના અનુયાયીઓનું કહેવું છે કે આ બંને કિસ્સા પૂરવાર કરે છે કે ગુમ થયેલા બાળકોને આશ્રમ સાથે જોડવા પાછળ મોટુ ષડયંત્ર છે. છેલ્લા થોડા દિવસોથી સ્વામી પ્રેમાનંદના આશ્રમ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. એમના એક શિષ્યએ આત્મહત્યા કર્યા પછી સોશ્યલ મીડિયા પર વિવાદ વધ્યો છે. આશ્રમના પ્રવક્તાઓનું કહેવું છે કે, હવે કોઈપણ અજાણી વ્યક્તિને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
'મને માફ કર્યો એ માટે આભારી છું'
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદએ ફરીથી પક્ષના રાષ્ટ્રીય સંયોજક બનાવવા માટે ફોઈનો આભાર માન્યો છે. આકાશ આનંદને લાગે છે કે છેલ્લા કેટલાક સમયમાં એમને ઘણું બધું શીખવા મળ્યું છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ફરીથી એકવાર પોતાના ભત્રીજાને માફ કરી દઈ પક્ષનો રાષ્ટ્રીય સંયોજક બનાવ્યો છે. જોકે માયાવતીએ આડકતરો ઇશારો આપ્યો છે કે હવે પક્ષના સંગઠનમાં વારંવાર ફેરફાર નહીં થવો જોઈએ. જોકે આ બાબત આકાશ આનંદ પર પણ નીર્ભર કરે છે. જાહેરાતના થોડા કલાકો પછી જ આકાશ આનંદએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી હતી. એમણે માયાવતીની માફી માંગતા લખ્યું હતું કે, 'તમે મને માફ કરીને ફરીથી બીએસપીના રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી આપી છે આ વિશ્વાસ માટે હું તમારો દીલથી આભારી છું.'
નેશનલ કોન્ફરન્સ પાર્ટી પોતાનું બંધારણ બદલશે
જમ્મુ-કાશ્મીરના બંધારણમાં થયેલા ફેરફાર અને વહીવટી વ્યવસ્થાના બદલાવનો પ્રભાવ સત્તાધારી પક્ષ નેશનલ કોંગ્રેસ પર પણ પડયો છે. પક્ષ નજીકના ભવિષ્યમાં પોતાના બંધારણમાં ફેરફાર કરવાની યોજના બનાવે છે. આ ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને એને કાર્યકારી સમીતિમાં પસાર કરવામાં આવશે. નેશનલ કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. ફારૂક અબ્દુલ્લાએ પક્ષના ધારાસભ્ય અને જિલ્લાના પદાધિકારીઓ સાથે મીટીંગ પણ કરી હતી. જમ્મુ-કાશ્મીર રાજ્યને ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯એ બે કેન્દ્ર શાસીત પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર શાસીત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે જેનું ગઠન ઓક્ટોબર ૨૦૨૪માં થયું હતું. જમ્મુ-કાશ્મીરનું પોતાનું બંધારણ અને ધ્વજ હતો. કોઈપણ કેન્દ્રીય કાયદો તત્કાલીન જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મંજૂરી વગર લાગુ કરી શકાતો નહોતો.
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ બાબતે સુપ્રીમનો કેન્દ્રને ફટકો
કેન્દ્ર સરકારના ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ સામે એક ભૂતપૂર્વ અધિકારીએ જાહેર હીતની અરજી કરી હતી. આ અરજી સાથે જોડાવા માટે એક ખાસ સંપ્રદાયના લોકોએ પણ પક્ષકાર બનવા વિનંતી કરી હતી. આ સામે કેન્દ્ર સરકારની અરજી પર વિચાર કરવા માટે સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો છે. કલકત્તા હાઇકોર્ટે આ જાહેર હીતની અરજીનો સ્વિકાર કર્યો છે અને ૨૫ તેમજ ૨૬ નવેમ્બરે સુનાવણી નક્કી કરી છે. આ જાહેર હીતની અરજી ભૂતપૂર્વ સરકારી અધિકારી નીના ગુપ્તાએ દાખલ કરી છે જેણે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયમાં ઉંચા હોદ્દા પર રહીને કામ કર્યું છે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વી મોહનાની બેંચે ભારતના એટર્ની જનરલ આર વેંકટરમણીને કહ્યું હતું કે પીઆઇએલનો સ્વિકાર પહેલા જ કરવામાં આવ્યો છે. જસ્ટીસ બાગચીના કહેવા પ્રમાણે આ અરજીમાં નિકોબાર ટાપુ સાથે જોડાયેલા અગત્યના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.