Delhi ni Vaat

ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ શું છે?

By GS Team
31 Oct 20265 mins read
TukuTouch Logo
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કેન્દ્ર સરકારને ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ ફરી સક્રિય કરવા માંગ કરી છે. મોદી સરકાર પર સીમાંકન બિલ પસાર કરવા માટે રાજ્યોને વિશ્વાસમાં ન લેવાનો આરોપ છે. થરૂરના મતે, આ માટે આર્ટીકલ 263 હેઠળની ઇન્ટર સ્ટેટ કાઉન્સિલને પુનર્જીવિત કરવી જરૂરી છે, કારણ કે સીમાંકન જેવા પ્રશ્નો પર સંસદમાં જ નિર્ણય ન લઇ શકાય. આ માટે રાજ્યો સાથે પરામર્શ અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ શું છે?

નવીદિલ્હી : કોંગ્રેસ સાંસદ શશી થરૂરએ કેન્દ્ર સરકારની ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ ફરીથી સક્રિય કરવાની માંગણી કરી છે. એમનો આરોપ છે કે મોદી સરકાર સિમાંકન બીલ પસાર કરવા તિકડમબાજી કરી રહી છે, પરંતુ ભારતીય સંઘના માળખા પ્રમાણે આ માટે રાજ્યોને પણ વિશ્વાસમાં લેવાની જરૂર પડે. આ માટે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલની વ્યવસ્થા પહેલેથી ઉપલબ્ધ છે. શશી થરૂરના કહેવા પ્રમાણે સિમાંકન માટે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલને ફરીથી જીવીત કરવાની જરૂર છે. સિમાંકન જેવા પ્રશ્ને ફક્ત સંસદમાં નિર્ણય લઈ શકાય નહીં. રાજ્યો સાથે વિચાર વિમર્શ કરવો જરૂરી છે. ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ વ્યવસ્થાની વાત આર્ટીકલ ૨૬૩માં કરવામાં આવી છે. એ પ્રમાણે સમાનહીત સાથે સંકળાયેલા મુદ્દાઓ માટે રાજ્યો અને કેન્દ્રો વચ્ચે પરસ્પર તાલમેલ બનાવી રાખવા માટેની વ્યવસ્થા હાલમાં છે જ. સરકારીયા કમિશનની ભલામણ પર ૧૯૯૦માં પહેલી વખત ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ બનાવવામાં આવી હતી.
પંજાબ જીતવા ભાજપની સ્ટ્રેટજી પશ્ચિમ બંગાળ જેવી
પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ભાજપે મોટો દાવ રમ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની વિનિગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. પંજાબમાં સરકારી કર્મચારીઓની ડિમાન્ડ જોઈને સરકાર બનાવ્યા પછી ૬૩ ટકા સુધી મોંઘવારી ભથ્થું આપવાનું વચન ભાજપે આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે ૭મું વેતનપંચ લાગુ કરવાનું અને ડીએ આપવાનું વચન આપ્યું હતું. બંગાળમાં ભાજપની આ ફોર્મ્યુલા કામ કરી ગઈ હતી અને ત્યાના સરકારી કર્મચારીઓ ભાજપ તરફી થઈ ગયા હતા. બંગાળમાં ભાજપે પહેલી કેબિનેટ મીટીંગમાં સરકારી કર્મચારીઓનો પગાર ૨૦ ટકા વધારી દીધો હતો. થોડા દિવસો પહેલા પંજાબના સરકારી કર્મચારીઓએ પણ ડીએ વધારવાની માંગણી કરીને હડતાળ પાડી હતી.
પશ્ચિમ બંગાળના પુસ્તકોમાં ભાજપના એજન્ડા પ્રમાણે ફેરફાર
પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા પછી હવે ભાજપ સરકાર બીજા શાસીત રાજ્યોની જેમ પાઠય પુસ્તકોથી માંડીને રાજ્યની પોલીસીમાં પણ ફેરફાર કરી રહી છે. હિન્દુ રાષ્ટ્રવાદી નેતા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જીવન કથનીનો સમાવેશ પાઠયપુસ્તકોમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોગલ શાસન તેમજ માર્ક્સવાદી વિચારધારાને લગતા કેટલાક પ્રકરણ પાઠય પુસ્તકમાંથી બાદ કરવામાં આવ્યા છે. હવે પશ્ચિમ બંગાળના પાઠય પુસ્તકોમાં પાણીની જગ્યાએ જળ અને અબ્બાની જગ્યાએ બાબા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. સરકારના આ પગલાની ટીકા વિરોધીઓ કરી રહ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે શ્યામાપ્રસાદ મુખર્જીની અંગ્રેજો સાથેની સાંઠગાંઠ વિશે આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવશે? બાબા શબ્દ મૂળભૂત રીતે ફારસી, અરબી અને તૂર્કી ભાષા પરથી લેવામાં આવ્યો છે, તો આવા સુધારાનો અર્થ શું?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધપક્ષોનો મહાભિયોગ કાર્યક્રમ મોકુફ
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેના રહેઠાણએ વિરોધપક્ષોના નેતાઓ મળવાના હતા. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મળીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધ પ્રતિકાત્મક 'જન મહાભિયોગ' કાર્યક્રમ કરવાના હતા. ભૂતપૂર્વ લોકસભા પ્રમુખ મીરા કુમાર કાર્યવાહીની અધ્યક્ષક્તા કરતે અને ખડગે પ્રસ્તાવ લાવવાના હતા. રાહુલ ગાંધી કાર્યક્રમનું સમાપન સંબોધન કરવાના હતા. વિરોધપક્ષના બીજા નેતાઓ એસઆઇઆર અને મતદાન યાદી સાથે જોડાયેલા પ્રશ્નો ઉઠાવવાના હતા. આ કોઈ વાસ્તવીક બંધારણીય મહાભિયોગની પ્રક્રિયા નહોતી, પરંતુ એક પ્રકારનું નાટયાત્મક આયોજન હતું. જોક ખરાબ હવામનને કારણે આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. ભાજપના નેતા સુશિલકુમાર સિંહએ આ કાર્યક્રમની ટીકા કરી હતી. એમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખના ઘરે મોક પાર્લામેન્ટનું આયોજન કરવું એ દેશની લોકશાહીનું અપમાન છે.
ઉત્તર પ્રદેશની સાથે દિલ્હીમાં પણ ઠંડક પ્રસરી
દિલ્હી - એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન બદલાઈ ગયું છે. ગુરુવારે રાતથી શરૂ થયેલો વરસાદ અને વાવાઝોડા અર્નબની અસર મેદાની વિસ્તારોમાં પણ દેખાઈ રહી છે. દિલ્હીમાં પણ ગરમી ઓછી થઈને ઠંડક પ્રસરી છે. પહાડી વિસ્તારોમાં અચાનક પડેલા બરફને કારણે લોકો ફસાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે મુશ્કેલી થઈ છે. દિલ્હીમાં વરસાદ પડવાને કારણે એકક્યુઆઇ પણ ઓછો થયો છે. કાશીથી અયોધ્યા અને ગોરખપુરથી મેરઠ સુધી હવામાન બદલાયું છે. કેટલાક જિલ્લાઓમાં તેજ પવનની સાથે વરસાદ પડયો તો કેટલાક પ્રદેશોમાં વાદળોને કારણે ગરમી ઓછી થઈ ગઈ હતી. ઉત્તરાખંડના કેદારનાથ યાત્રા સ્થળે સફેદ બરફની ચાદર ઓઢાઈ ગઈ હતી.
આઝમ ખાનની ધરપકડ કરવા માટે પોલીસ કોર્ટમાં
ઇડીએ દાખલ કરેલી એફઆઇઆર પછી પોલીસે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની ધરપકડ કરવા માટે એમપી - એમએલએ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર સુનાવણી સોમવારે થશે. આ પહેલા ઇડીએ ૧૩મી ઓક્ટોબરે અજીમનગર થાણામાં સપા નેતા આઝમ ખાન અને જોહર ટ્રસ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસની તપાસ ટાંડાના સીઇઓ પંકજ પંથ કરી રહ્યા છે. પોલીસ હવે આ કેસમાં આઝમ ખાનની અટકાયત કરીને એમની પૂછપરછ કરવા માંગે છે. આઝમ ખાન અને એમના કુટુંબીઓના જોહર ટ્રસ્ટની તપાસ પછી ઇડીએ જોહર યુનિવર્સિટીની સંપત્તિ કબજે કરી હતી. હવે એમની નજીકની વ્યક્તિઓની મિલકતોની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ઇઝરાયલમાં આરબોની શું ભૂમિકા
ઇઝરાયલમાં આરબ સંપ્રદાયના લોકોની વસ્તી અને રાજકીય પ્રતિનિધિત્વનો ઇતિહાસ ખૂબ અગત્યનો છે. દેશની સ્થાપના પછી આરબ સંપ્રદાયની સ્થિતિમાં ઘણા ફેરફાર થયા છે. ૧૯૪૭ની ૨૯મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રસ્તાવ ૧૮૧ પ્રસાર કર્યો હતો. આ પ્રસ્તાવ પ્રમાણે પેલેસ્ટાઇનને બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું હતું એક યહુદી અને બીજુ આરબ રાજ્ય. જેરૂસલમને આંતરરાષ્ટ્રીય પ્રશાસન હેઠળ રાખવામાં આવ્યું હતું. યહુદીઓએ આ આયોજન સ્વિકારી લીધું હતું પરંતુ પેલેસ્ટાઇન અને આરબોએ આ આયોજનનો વિરોધ કર્યો હતો ત્યાર પછી યહુદી અને આરબ વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. ઇઝરાયલની સ્થાપના પછી ઇઝરાયલમાં રહેતા આરબોને નાગરીકતા મળી છે. એમની પાસે મતદાનનો અધિકાર પણ છે. ઇઝરાયલમાં આરબોની વસ્તી ૨૧.૧ ટકા છે. ઇઝરાયલની રાષ્ટ્રીય ચૂંટણીમાં આરબ મતદારની સંખ્યા ૨૦ ટકા હોવાથી કેટલેક અંશે તેમની ભૂમિકા છે, પરંતુ કોઈપણ વિરોધ પક્ષ આરબોના સમર્થિત પક્ષ સાથે ગઠબંધન કરવાની હીંમત કરી શકે એમ નથી.