Delhi ni Vaat

ઉ.પ્ર. વિધાનસભાની ચૂંટણી માટે સપામાં અત્યારથી ખેંચતાણ

By GS Team
11 Jul 20265 mins read
TukuTouch Logo
ઉત્તરપ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સપા અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે ટિકિટ વહેંચણી મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે. મેરઠ દક્ષિણ, સીવાલ ખાસ અને કેન્ટ જેવી મહત્વપૂર્ણ બેઠકો પર સપાના 10 નેતાઓ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે, જોકે ગઠબંધન મુજબ આમાંથી 2 બેઠકો કોંગ્રેસને આપવાની થશે. આંતરિક વિવાદ સપા માટે માથાનો દુખાવો બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉ.પ્ર. વિધાનસભાની ચૂંટણી માટે સપામાં અત્યારથી ખેંચતાણ

નવીદિલ્હી : ૨૦૨૭માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ રાજકીય ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. મીશન ૨૦૨૭ સફળ બનાવવા સમાજવાદી પાર્ટી અને કોંગ્રસનું ઇન્ડિયા ગઠબંધન ભલે જમીની રણનીતિ બનાવવામાં વ્યસ્ત હોય, પરંતુ જિલ્લા સ્તરે પરિસ્થિતિ અલગ છે. જિલ્લા સ્તરે ગઠબંધનમાં સપાના સ્થાનિક નેતાઓએ ટિકિટ માટે અત્યારથી જ દાવેદારી શરૂ કરી દીધી છે. સપાના સિનિયર નેતાઓ આ કારણે ટેન્શનમાં આવી ગયા છે. મેરઠ દક્ષિણ, સીવાલ ખાસ અને મેરઠ કેન્ટ જેવી મહત્ત્વની બેઠકો પર સમાજવાદી પક્ષની અંદર ટિકિટ માટે ધમાસાણ ચાલુ થઈ ગયું છે. જોકે ગઠબંધનની શરતો પ્રમાણે આ બેઠકોમાંથી બે બેઠકો કોંગ્રેસને આપવી પડે એમ છે. મેરઠ દક્ષિણ, સિવાલ ખાસ અને કેન્ટ વિધાનસભા બેઠકો પર સપાના લગભગ ૧૦ નેતાઓ છેલ્લા થોડા મહિનાઓથી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. આ નેતાઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તરફેણમાં નથી.
રાજા વડીંગને નહી હટાવવા કોંગ્રેસ મક્કમ
પંજાબ કોંગ્રેસમાં નેતૃત્વ માટે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદનો ઉકેલ લાવવા તમામ પક્ષો સક્રિય છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજિત સિંહ સન્ની પંજાબના પ્રભારી ભૂપેશ બધેલને મળી શકે છે. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડે કહી દીધું છે કે, પંજાબ કોંગ્રેસના નેતૃત્વ બાબતે લીધેલો નિર્ણય બદલવામાં આવશે નહીં. પંજાબ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતા બાબતે ખેંચતાણ ચાલી રહી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ મક્કમ છે કે, અમરિંદર સિંહ રાજા વડીંગને પ્રદેશ પ્રમુખ તેમજ પ્રતાપ સિંહ બાજવાને વિધાનસભા પક્ષના નેતા બનાવવાનો નિર્ણય આખરી છે. એ બાબતે પુન:વિચાર નહીં થાય. બધેલ સાથે મુલાકાત કરતા પહેલા ચન્ની પોતાના ટેકેદારો સાથે વાતચીત કરશે. ટેકેદારોનું શું માનવું છે એ જાણ્યા પછી ચન્ની છેવટનો નિર્ણય લેશે.
કર્ણાટક પીઆરસી પર બબાલ
કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખાસ અપીલ કરી છે. તેમણે અમિત શાહને કહ્યું છે કે, કર્ણાટક પરમેનન્ટ રેસિડન્ટ સર્ટિફિકેટ (પીઆરસી) ૨૦૨૬ બાબતે તાત્કાલીક હસ્તક્ષેપ કરે. આ માટે એમણે બંધારણીય અને રાષ્ટ્રીય સુરક્ષાને આગળ કર્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી ડી કે શિવકુમારે પાત્ર નાગરીકોના નામ મતદાર યાદીમાં આવે એ માટે એસઆઇઆર અભિયાનમાં મદદ કરવા પરમેનન્ટ રેસિડન્ટ સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરી છે. એમનું કહેવું છે કે, સરકારનું આ પગલું મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર કરતા રોકશે. જોકે શોભા કરંદલાજે આ વાત સાથે સહમત નથી. શાહને લખેલા પત્રમાં એમનું કહેવું છે કે, 'આ પત્ર લખીને હું તમને કર્ણાટક સરકારના નિર્ણય બાબતે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી રહી છું. પીઆરસી બાબતે કર્ણાટક સરકાર ગંભીર બંધારણીય અને સુરક્ષાની ભૂલ કરી રહી છે.'
'બાળકોના યૌન શોષણનો રિપોર્ટ નહીં કરવો એ પણ ગુનો'
સુપ્રિમ કોર્ટે એક ચુકાદો આપતા ટીપ્પણી કરી હતી કે, કોઈ સ્કૂલના અધિકારીને બાળકના યૌન શોષણની ફરિયાદ મળે તો તેઓ પોતે તપાસ કરીને કિસ્સાને દબાવી શકે નહીં. અધિકારી આવા બનાવની ફરિયાદ કરવાની જવાબદારીમાંથી બચી શકે નહીં. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, બાળકોના યૌન અપરાધ સંરક્ષણ એક્ટ ૨૦૧૨ની કલમ ૧૩ હેઠળ આવી ઘટનાનો રીપોર્ટ કરવો પોક્સો એક્ટની કલમ ૨૧ હેઠળ જવાબદારી બને છે. જો આમ ન કરવામાં આવે તો ૬ મહિનાની જેલ કે દંડની સજા થઈ શકે છે. એક સ્કૂલના પ્રિન્સીપાલ પર આરોપ હતો કે એમણે સિનિયર વિદ્યાર્થી દ્વારા ૮ વર્ષની વિદ્યાર્થિની પર કરેલા દુષ્કર્મની ફરિયાદને દબાવી દીધી હતી. હવે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ મનોજ મિશ્રા અને જસ્ટીસ કે વી વિશ્વનાથનની બેંચે આ બાબતે સ્કૂલના પ્રિન્સીપાલને નિર્દોષ ઠેરવવાનો હુકમ રદ કર્યો છે.
છેવટે મમતાના સ્ટાર્સ સુધર્યા
વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી મમતા બેનર્જીને સતત પછડાટ મળી રહી હતી. તૃણમુલ કોંગ્રેસના એમના મોટા ભાગના સાથીદારો એમને છોડી ગયા હતા. એમના ભત્રીજા અભિષેક બેનર્જી સામે જાતભાતના કેસ કરવામાં આવ્યા. તૃણમુલ કોંગ્રેસના બેન્ક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા. હવે એમ લાગે છે કે, મમતા બેનર્જીના ગ્રહો સુધરી રહ્યા છે. કલકત્તા હાઇકોર્ટે તૃણમુલ કોંગ્રેસના ફ્રીજ કરેલા ત્રણ બેન્ક એકાઉન્ટોનું સંચાલન કરવા માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરી છે. બીજી તરફ કોર્ટે ભૂતપૂર્વ મંત્રી અરૂપ વિશ્વાસ પર કોર્ટે કમ્પાઉન્ડમાં ઇંડા ફેકવાની ઘટના બાબતે પણ કડક ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, કોઈપણ આરોપીનું સાર્વજનિક અપમાન અને એના પર ઇંડા ફેકવા જેવી પ્રવૃત્તિ અટકાવવી જોઇએ. મમતા બેનર્જીને સોથી મોટી રાહત એ થઈ છે કે અધિકારીની દેખરેખ હેઠળ તેઓ બેંક ખાતા ઓપરેટ કરી શકશે.
પાળેલા કૂતરાને મળવા દેવા મહુવા મોઇત્રાની માંગણી
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઇત્રા સતત સમાચારોમાં રહે છે. થોડા દિવસો પહેલા એમણે એવી જાહેરાત કરી હતી કે, ભાજપમાં જોડાવા કરતા તેઓ મરવાનું પસંદ કરશે. હવે એમણે પોતાના ભૂતપૂર્વ પાર્ટનર અને વકીલ જય અનંત દેહાદ્રયીના કબજામાં રહેલા એમના પાળેલા કૂતરાને મળવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. રોટવાઇરલ બ્રીડના કૂતરા 'હેન્રી'ની કસ્ટડી બાબતે વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ જસમીત સિંહએ દેહાદ્રયીના વકીલ પર્સીવલ બીલીમોરિયાને પૂછયું હતું કે, શું તેઓ મહુવા મોઇત્રાને પાળેલા કૂતરાને મળવા દેવા તૈયાર છે કે જે હમણા દેહાદ્રયીની કસ્ટડીમાં છે. બીલીમોરિયાએ કોર્ટને કહ્યું હતું કે આવી વ્યવસ્થા સંભવ નથી. આની પાછળ કૂતરાના ભલા માટે નક્કર કારણ છે. મને ધમકાવવાની કોશિષ કરવામાં આવી હતી. મોઇત્રાએ દેહાદ્રયી સામે જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કૂતરાની જોઇન્ટ કસ્ટડી માટે થયેલી સમજૂતીને લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી.
હમાસે કરેલી જાહેરાતનો શું અર્થ
હમાસે ગાઝાની સત્તા છોડવાની જાહેરાત કરી છે. હમાસે કહ્યું છે કે, તે પોતાની સરકાર ભંગ કરીને શાસન 'નેશનલ કમીટી ફોર ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ગાઝા' (એનસીએજી)ને સોંપી દેશે. જ્યારે અમેરિકાએ યુદ્ધવિરામનો નિર્ણય લીધો હતો ત્યારે પણ ઇઝરાયલે ગાઝામાં હુમલા બંધ કર્યા નહોતા. ગાઝા પરના ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ૭૩ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. બે વર્ષ સુધી ચાલેલા યુદ્ધ પછી બંને પક્ષોએ યુદ્ધવિરામ માટે સમજૂતી કરી હતી. આમા કેદીઓની અદલાબદલીનો સમાવેશ પણ થાય છે. હમાસે સત્તા છોડયા પછી આશા રાખી છે કે હવે ઇઝરાયલ ગાઝા પર વધુ હુમલા નહીં કરે અને ગાઝામાંથી ઇઝરાયલની સેના હટી જશે. સત્તા છોડીને હમાસ ઇઝરાયલ પર દબાણ લાવવા માંગે છે. હમાસ માને છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એવો સંદેશો જવો જોઈએ કે ગાઝાની સત્તા છોડયા પછી એ વિસ્તારના પુન:નિર્માણ માટે તૈયાર છે.