વાંગચૂકના પારણા પાછળનું રહસ્ય !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : નીટ પેપર લીક વિરોધમાં આંદોલન કરી રહેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે ૨૬ દિવસના લાંબા ઉપવાસ પછી ગુરુવારે અડધી રાત પછી પારણા કર્યા હતા. જોકે, વાંગચુકે ઉપવાસ છોડવા માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પડતી મુકી તે દેખાવકારો માટે આશ્ચર્યજનક બાબતી હતી. વાંગચુકની પીછેહઠ મુદ્દે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ ચોમાસુ સત્રમાં વિદેશી ભંડોળથી ચાલતી એનજીઓ પર નિયંત્રણ માટે એફસીઆરએ કાયદામાં સુધારાનું બિલ લાવવાની છે. કેન્દ્રના આ બિલની વિપરિત અસર વાંગચુક લદ્દાખમાં જે એનજીઓ ચલાવી રહ્યા છે તેના પર પડવાની હતી. આથી કેન્દ્ર સરકારનું નાક દબાવવા માટે વાંગચુક નીટ પેપર લીકના સીજેપીના આંદોલનમાં કૂદી પડયા હતા. હવે પાછલા બારણે વાંગચુક અને કેન્દ્ર સરકાર વચ્ચે એફસીઆરએ કાયદા મુદ્દે કંઈક રંધાઈ ગયું હોવાથી વાંગચુક ઉપવાસ તોડવા માટે તૈયાર થઈ ગયા અને અગાઉથી તૈયાર સ્ક્રિપ્ટ મુજબ કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમને પારણા કરાવવા ગયા હતા.
મોદીના વીડિયોને રાહુલે અપમાનજનક ગણાવ્યો
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મોડી રાત્રે સોશ્યલ મીડિયા પર એક વીડિયો મુક્યો હતો. પેપર લીક બાબતે સરકારે જે પગલા લીધા છે અને ભવિષ્યમાં લેશે એ વિશે મોદીએ વીડિયોમાં કહ્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં બને એ માટે પણ સરકાર સચેત છે એવું મોદીનું કહેવું હતું. જોકે આ બધી વાતોથી રાહુલ ગાંધી પ્રભાવિત થયા નથી. એમણે મોદીના વીડિયોની રીપોસ્ટ કરીને મોદીએ કહેલી વાતોને વિદ્યાર્થીઓનું અપમાન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'શ્રી મોદીજી અમારા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહ્યા છે. અરધી રાતે ભંગાર જેવો વીડિયો પોસ્ટ કરીને એમની સમજદારીનું અપમાન નહીં કરો. ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરો, વિદ્યાર્થીઓને મારનાર પોલીસોને સજા કરો અને માફી માંગો.'
સીજેપીના નેતાઓ અને પ્રધાનો વચ્ચેની બેઠકમાં શું થયું
કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે આજે દિલ્હીની કોન્સ્ટીટયુશન કલબ ખાતે બેઠક મળી હતી. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ, સીજેપી તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકા હાજર રહ્યા હતા. બેઠક પછી સીજેપીના પ્રવક્તાઓએ કહ્યું હતું કે, અમને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંથી ઓછું કઈ ખપતું નથી. સરકારે વળતર તેમજ કેસ પાછા ખેંચી લેવાની માંગણી માન્ય રાખી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, 'બે કલાકની વાતચીતમાં સીજેપીએ સરકાર સામે ત્રણ મુખ્ય માંગણીઓ તેમજ પરીક્ષા પદ્ધતીમાં ફેરફાર કરવા પાંચ સૂચનો કર્યા હતા. અમે આ બધી માંગણીઓ પર વિચાર કરવા માટે એક દિવસનો સમય માંગ્યો છે. સરકાર ઘણા દિવસો પછી પ્રોએક્ટીવ થઈ છે એનો મતલબ એ થયો કે એને ખબર પડી ગઈ છે કે જો દેશભરમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો તો એને કન્ટ્રોલ કરવો મુશ્કેલ બનશે.
વિદ્યાર્થીઓના સમર્થનમાં રમતવીરો જંતર મંતર પહોંચ્યા
ફિલ્મસ્ટારો અને રાજકારણીઓ પછી હવે રમતવીરોએ પણ જંતર મંતર ખાતે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે. ક્રિકેટ વિશ્વમાંથી યુવરાજ સિંહ અને શિખર ધવન પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. એમણે વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો આપ્યો છે. હવે પહેલવાન બજરંગ પુનિયા અને બબીતા ફોગાટ આ બાબતે આગળ આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓને મળવા જંતર મંતર પહોંચી ગયા હતા. ઓલમ્પીક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એમણે કહ્યું છે કે, 'તમે અંધ ભક્ત બની રહો. જે સરકાર ભગવાન રામના નામે સત્તામાં આવી હતી એમણે ભગવાન રામને પણ છોડયા નથી. એમને પણ લૂંટયા છે. એમણે ભગવાનને છોડયા નથી તો જનતા કઈ વિસાતમાં? બધાનો વખત એક પછી એક આવવાનો છે.'
દિલ્હી યુનિવર્સિટી પછી જેએનયુની પણ વિદ્યાર્થીઓને ધમકી
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)એ પોતાના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમૂદાયના સભ્યોને આડકતરી ધમકી આપતા કહ્યું છે કે દિલ્હીના જંતર મંતર ખાતે કે આસપાસ થતી કોઈપણ સભાઓમાં ભાગ લેવાનું ટાળે. જેએનયુએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'જેએનયુના વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે તેઓ જવાબદારી પૂર્વક વ્યવહાર કરે અને પોતાની વ્યક્તિગત સુરક્ષાને પ્રાથમિકતા આપે. દેશની સર્વોચ્ચ કોર્ટે સાર્વજનિક દેખાવો બાબતે જે માર્ગદર્શિકા જાહેર કરી છે એ પ્રકારે વર્તન કરે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ પણ જવાબદારી સાથે કરે. નિયમો તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીની આચારસંહીતા પ્રમાણે એમની સામે શિસ્તભંગના પગલા પણ લેવામાં આવશે. આ પહેલા દિલ્હી યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓને જંતર મંતર પર જતા રોકવા માટે ચેતવણી આપી હતી.'
પોલીસનો દાવો કેટલો સાચો
૨૦મી જુલાઈએ દિલ્હીના જંતર મંતર ખાતેથી કોકરોચ જનતા પાર્ટીએ સંસદ સુધી માર્ચ કાઢી હતી. એ વખતે દેખાવકારોને સંસદ સુધી જતા રોકવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. કાશ્મીરમાં જ્યારે પથ્થરબાજો ભારતીય લશ્કર પર પથ્થરબાજી કરતા હતા ત્યારે એમની સામે પેલેટ ગનનો ઉપયોગ થતો હતો. પ્રદર્શનમાં ભાગ લેનાર કેટલાક યુવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને રેપીડ એક્શન ફોર્સ (આરએએફ)ના જવાનોએ પેલેટ ગનનો ઉપયોગ કરીને એમને ઘાયલ કર્યા હતા. જોકે દિલ્હી પોલીસ તેમજ પીઆઇબીએ આ આરોપોને નકારી કાઢયા હતા. દિલ્હી હાઇકોર્ટે હવે દિલ્હી પોલીસને ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ સુરક્ષીત રાખવાનો હુકમ કર્યો છે. એક યુવાને કહ્યું હતું કે દેખાવ દરમિયાન પથ્થરબાજી અને ટીયર ગેસ વચ્ચે એક આરપીએફ જવાને તેની સામે બંદુર તાંકી હતી. એ ભાગતો હતો ત્યારે એની પીઠમાં જ કેટલાક છરા વાગ્યા હતા. આ છરા પેલેટ ગનમાંથી નિકળ્યા હોવાની પુરી શક્યતા છે.
કોંગ્રેસે વડાપ્રધાનને કેટલાક પ્રશ્નો પૂછયા
કોંગ્રેસે આજે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે પેપર લીક બાબતે એક વીડિયો સંદેશો આપીને મૌન તોડયું છે. જોકે પોતાની જવાબદારી નક્કી કરવાની એમની કોઈ ઇચ્છા લાગતી નથી. પોતાના સંદેશામાં વડાપ્રધાને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી અને એમની સામે થયેલી પોલીસ કાર્યવાહીની કોઈ ટીકા કરી નથી. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે, 'પ્રધાન મંત્રી કોઈપણ વાત કરે, સમાધાનની શરૂઆત માટે ત્રણ વસ્તુ કરવી જરૂરી છે. પ્રધાનને પદ પરથી હટાવવામાં આવે, વિદ્યાર્થીઓને મારનાર પોલીસોને સજા થાય અને વડાપ્રધાન માફી માંગે. વડાપ્રધાન હતાશ અને વ્યથિત દેખાતા હતા. રાત્રે બે વાગ્યે એમણે મૌન તોડયું એ પણ વીડિયો સંદેશો દ્વારા. મોદી સરકાર લાંબા સમય સુધી તો નીટની પરીક્ષામાં પેપર લીક થયું હોવાની વાત સ્વિકારી જ નહોતી.









