સત્રના છેલ્લા ચાર દિવસો સરકાર માટે અગત્યના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : સંસદના ચોમાસુ સત્રના છેલ્લા ચાર દિવસો સરકાર અને વિરોધ પક્ષ માટે અગત્યના છે. શક્તિ પ્રદર્શનમાં કોણ આગળ રહે છે એના પર બધાની નજર છે. વિવિધ બીલ પસાર કરવા સરકાર સંખ્યા વધારવાની ચિંતામાં છે તો વિરોધ પક્ષો એકતા ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. બંને તરફ બેચેની એટલા માટે છે કે સિમાંકન તેમજ મહિલા અનામત બીલ નક્કી કરશે કે લોકસભાની બેઠકોની સંખ્યા ૫૪૩થી વધીને ૮૫૦ સુધી પહોંચી શકે છે કે નહીં. સરકારે બધા પત્તા હજી ખોલ્યા નથી અને વિરોધ પક્ષો પણ આ સસ્પેન્સને કારણે જાગૃત છે. સરકારે બુધવારનો એજન્ડા સાફ કરી દીધો છે, પરંતુ સોમવાર અને મંગળવાર બાબતે મૌન સેવ્યું છે. બુધવારે એફસીઆરએ બીલ પસાર કરવાની તૈયારી ચાલી રહી છે.
સંખ્યાની દ્રષ્ટિએ રાંચીનું આંદોલન નાનુ હોવા છતાં અસર વધી રહી છે
રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનની સરખામણી જંતર મંતર પર થયેલા આંદોલન સાથે થાય છે. જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીએ કરેલા આંદોલનને મીડિયામાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સરખામણીએ રાંચીના આંદોલનને બહોળી પ્રસિદ્ધિ મળી નથી. જોકે જંતર મંતરની માફક રાંચીમાં પણ એક સ્પષ્ટ રાજકીય અંડર કરંટ દેખાઈ રહ્યો છે. અહીં પણ રાજકીય ચહેરાઓ અને ટેકેદારો દેખાઈ રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ પણ દેખાય છે. સામાન્ય માણસો પણ ધીમે ધીમે અહીં આવી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓની માંગણી વ્યાજબી છે. જંતર મંતર પર પહેલી વખત જેન ઝીનો આક્રોશ દેખાયો હતો. એનાથી વિપરીત રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં મોટે ભાગે ૨૫ થી ૩૫ વર્ષની ઉંમરના લોકો વધુ દેખાઈ રહ્યા છે.
સુવેંદુ અધિકારીના પીએના હત્યારા ભાજપના જ કાર્યકરો
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીના અંગત સેક્રેટરી ચંદ્રનાથ રથની હત્યા થઈ હતી. એ વખતે એવો ઉહાપોહ થયો હતો કે, ટીએમસીના માણસોએ હારને કારણે હતાશ થઈને રથની હત્યા કરી છે. જોકે સમગ્ર કેસની તપાસ સીબીઆઇને આપવામાં આવી હતી. ત્યાર પછી આખો કેસ ભૂલાઈ ગયો હતો. હવે જ્યારે સીબીઆઇએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે ત્યારે હકીક બહાર આવી છે કે રથની હત્યાનું કાવતરૂ તો ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં ઘડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સીબીઆઇએ ભાજપના ૨ કાર્યકરો સહિત બીજા ૯ આરોપીઓની પણ ધરપકડ કરી છે. રથની ઓફિસમાં જ કામ કરતા ભાજપના કાર્યકર સાગર સોનકર અને એના ભાઈ સાહીબ સોનકરની પણ ધરપકડ કરવામાં આવી છે.
ડીએમકે-એઆઇએડીએમકે ઓલ પાર્ટી મીટીંગનો બહિષ્કાર કરશે
તામિલનાડુના બે મોટા પક્ષો ડીએમકે અને એઆઇએડીએમકેએ મોટો નિર્ણય લીધો છે. લોકસભાની બેઠકોનું નવેસરથી સિમાંકન કરવાની કેન્દ્ર સરકારની યોજના પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી જોસેફ વિજયએ એક બેઠક બોલાવી હતી અને એમાં તમામ પક્ષોના સાંસદોને આમંત્રીત કર્યા હતા. જોકે આ બંને પક્ષના સાંસદો આ મીટીંગમાં હાજર રહેવાના નથી. ડીએમકેના સાંસદો આ બેઠકથી દુર રહેવાનું કારણ એ છે કે, વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી એના સંબંધ કોંગ્રેસ સાથે બગડી ગયા છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે સિમાંકન બાબતે ડીએમકે એનડીએને મદદ કરશે. ડીએમકેના મહામંત્રી દુરઇ મુરઘનએ કહ્યું હતું કે ડીએમકે સિમાંકન બાબતે મીટીંગમાં તોજ ભાગ લેશે કે જ્યારે રાજ્ય સરકાર પહેલા મેકેદાતુ બંધ મુદ્દે પણ આજ પ્રકારની બેઠક બોલાવે.
અતિકના પુત્રની એક્સીડન્ટવાળી કારને લઈને વિવાદ
જાણીતા ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અબાનનું મૃત્યુ ઝાંસી નજીક એક કાર અકસ્માતમાં થયું હતું. હવે પોલીસે આ કાર બાબતે જે જાહેરાત કરી છે એનાથી ઘણા ચોંકી ગયા છે. કારનું રજીસ્ટ્રેશન ખોટા સરનામે કરવામાં આવ્યું હતું. ૪ વર્ષમાં કારને ૧૬ વાર દંડવામાં આવી હતી. વારંવાર ઓવરસ્પીડીંગ બાબતે આ દંડ કરવામાં આવ્યો હતો. આ કાર મોહત્સિમગંજના નિવાસી મહોમદ જૈદના નામે હતી. એના સાસરા પક્ષ તરફથી આ કાર ભેટમાં આપવામાં આવી હતી. આરટીઓના રેકર્ડ પ્રમાણે કાર જે સરનામે રજીસ્ટર થઈ હતી એનો મકાન નંબર ૧૦૪ હતો. જ્યારે મોહમદ જૈદ ૨૦૪ નંબરના મકાનમાં રહે છે. અતિક અહેમદના મોટા પુત્રનું મૃત્યુ પોલીસ એન્કાઉન્ટરમાં થયું હતું. અતિક અહેમદ અને એના ભાઈની હત્યા પણ કેમેરા સમક્ષ કરવામાં આવી હતી.
યુસુફ પઠાણ પણ બળવાખોરોને રસ્તે
પશ્ચિમ બંગાળમાં મળેલી હાર પછી તૃણમુલ કોંગ્રેસના કેટલાક સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ મમતા બેનર્જીને છોડી ગયા છે. એમ મનાતું હતું કે, ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને યોગ્યતા કરતા વધુ મમતા બેનર્જીએ આપ્યું હોવાથી તેઓ મમતાનો સાથ છોડશે નહીં. જોકે હવે એમ લાગે છે કે યુસુફ પઠાણ પણ મમતાને છોડીને ભાજપ સાથે જોડાઈ શકે એમ છે. યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના મુરસીદાબાદ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. હમણા યુસુફ પઠાણ ખલીલુર રહેમાન અને અબુતાહીર ખાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બહાર તો એમ કહેવામાં આવ્યું કે આ ત્રણ સાંસદોએ પોતાના ક્ષેત્રના વિકાસ અને સમસ્યા વિશે વડાપ્રધાન સાથે વાત કરી હતી. જોકે આ વાતમાં કોઈ દમ લાગતો નથી, કારણ કે પોતાના મત ક્ષેત્રની સમસ્યા વિશે વાત કરવા માટે વડાપ્રધાન એમને કોઈ સમય આપે નહીં. મોદીએ તો યુસુફ પઠાણ સાથે લાગણીશીલ થઈને એમના પિતાની મુલાકાત વિશે લાંબી વાતો કરી હતી.









