Delhi ni Vaat

સંખ્યાબળ હશે ત્યારે જ સરકાર બંધારણ સુધારા બીલ લાવશે

By GS Team
15 Jul 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રમાં સરકાર 2029 થી મહિલાઓને 33% અનામત અને સીમાંકન બીલ લાવવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રમાં ફડણવીસના ઘરે અજીત પવાર અને શરદ પવાર જૂથના NCP નેતાઓ વચ્ચે અડધી રાત્રે બેઠક થઈ, જેનાથી રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઉપરાંત, સોનમ વાંગચૂકના આંદોલનને અખિલેશ યાદવે સમર્થન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંખ્યાબળ હશે ત્યારે જ સરકાર બંધારણ સુધારા બીલ લાવશે

નવીદિલ્હી : 20મી જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસા સત્રમાં સરકાર કેટલાક અગત્યના બંધારણ સુધારા બીલ લાવવાની તૈયારી કરી રહી છે. આમા ૨૦૨૯થી મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની અને લોકસભા તેમજ વિધાનસભાના સિમાંકન બીલનો સમાવેશ થાય છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં આ બીલ પસાર કરવાની કોશિષ કરી હતી, પરંતુ ગૃહમાં બેતૃતિયાસ બહુમતી નહી હોવાને કારણે બીલ પસાર થઈ શક્યા નહોતા. ત્યાર પછી સરકાર બંને ગૃહોમાં બેતૃતિયાસ બહુમતી મેળવવાની કોશિષ કરી રહી છે જેમાં એને સફળતા મળતી હોવાનું લાગે છે. જોકે સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે આમ છતાં ચોમાસા સત્રમાં બંધારણ સુધારણા બીલ તો જ લાવવામાં આવશે જો સરકારને બેતૃતિયાસ બહુમતી હોવાની ખાતરી થશે. ગયા વખતની જેમ સરકાર પોતાની ઇમેજનો ફજેતો કરવા માંગતી નથી.
ફડણવીસના ઘરે અરધી રાતે રાજકીય મુલાકાતથી ઉત્તેજના
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના સરકારી નિવાસસ્થાને એનસીપી (અજીત પવાર) અને એનસીપી (શરદ પવાર)ના નેતાઓને અરધી રાતે મળ્યા હતા. આ મુલાકાત પછી રાજ્યમાં રાજકીય સમીકરણ બદલાવાની વાતો ચાલુ થઈ છે. આ બેઠક એવા સમયે થઈ છે કે જ્યારે કોંગ્રેસના નેતા પી ચીદમ્બરમએ એવો દાવો કર્યો છે કે ભાજપ, એનસીપી (શરદ પવાર) અને ડીએમકેના સંપર્કમાં છે. સંસદના ચોમાસુ સત્રમાં રજુ થનાર બીલોને પસાર કરવા માટે ભાજપ વિવિધ પક્ષોના સાંસદોની મદદ માગી રહી છે. આ મીટીંગ પછી એનસીપીના બંને જૂથ ભેગા થઈ જવાની સંભાવના હોવાની ચર્ચા પણ થઈ રહી છે. બંને જૂથના વિલિનીકરણનો વિરોધ કરી રહેલા એનસીપી (શરદ પવાર)ના નેતા જયંત પાટીલ પણ અરધી રાતની મીટીંગમાં હાજર રહ્યા હતા. આ મીટીંગ માટે એવું બહાનુ આપવામાં આવ્યું હતું કે સાંગલી જિલ્લાના પુરણ-ઇસ્લામપુર વિધાનસભાની એક બેઠકની સમસ્યા માટે કરવામાં આવી હતી. જોકે પહેલીનજરએ જ આ કારણ દરેકને હાસ્યાસ્પદ લાગ્યું હતું.
સોનમ વાંગચૂકના ટેકામાં હવે અખિલેશ યાદવ
દિલ્હીના જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સોનમ વાંગચૂક અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર છે. હવે કેટલાક વિરોધપક્ષના નેતાઓએ પણ વાંગચૂકને સમર્થન જાહેર કર્યું છે. અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે પછી હવે અખિલેશ યાદવે પણ વાંગચૂકને ટેકો જાહેર કર્યો છે. એમણે વાંગચૂકને ટેકો જાહેર કરીને ઉપવાસ છોડી દેવા માટે વિનંતી કરી છે. અખિલેશે એમના સાંસદો પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજને જંતરમંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સ્થળે મોકલ્યા હતા. એમણે પોતે પણ વાંગચૂક સાથે ફોન પર વાતચીત કરી છે. અખિલેશે એમને સલાહ આપી છે કે થોડા દિવસ આરામ કરીને સમગ્ર દેશમાં આંદોલન શરૂ કરે. અખિલેશે ફોન પર વાંગચૂકને કહ્યું હતું કે લોકોના હિતમાં તેઓ ઉપવાસ છોડવા બાબતે વિચારે. દેશના તમામ યુવાનો અને એમના ચાહકો પણ એમ જ ઇચ્છી રહ્યા છે. જોકે કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે કે, આ આંદોલનમાં વિરોધપક્ષોના પ્રવેશને કારણે સમગ્ર આંદોલન રાજકીય બની જવાની શક્યતા છે.
'મૃત્યુદંડની સજા કાયમ રહેશે'
બાંગ્લાદેશે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બાંગ્લાદેશ પરત ફરવાના નિર્ણયને આવકાર્યો છે. જોકે બાંગ્લાદેશના પ્રવક્તાઓએ એમ કહ્યું છે કે, જાહેર કરવામાં આવેલી મૃત્યુદંડની સજા બાબતે એમણે ન્યાયનો સામનો કરવો પડશે. ૭૮ વર્ષના શેખ હસીના ૨૦૨૪ના વર્ષમાં સરકાર સામે થયેલા બળવા પછી બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા હસીનાના નજીકના સૂત્રોએ કહ્યું હતું કે, પોતાના પક્ષ અવામી લીગ પાર્ટીને મજબૂત કરવા માટે આ વર્ષના અંત સુધીમાં હસીના ઢાકા પરત ફરશે. બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર ઝાહેદ ઉર રહેમાનએ હસીનાને એમની સરકાર સામેના આરોપોનો બચાવ કરવા તેઓ ઇચ્છે તો વિશ્વના શ્રેષ્ઠ વકીલોને ઢાકા બોલાવી શકે છે. એમણે કહ્યું હતું કે, 'દેશના લોકો ચાહે છે કે એમણે કરેલા ગુના માટે એમને કરવામાં આવેલી મૃત્યુદંડની સજા કાયમ રહે.'
હવે રાજઘાટ ખાતે પ્રણવ મુખર્જીની સમાધી બનશે
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે ભાજપને પ્રેમ અને ધિક્કારનો સંબંધ રહ્યો છે. પ્રણવ મુખર્જી જ્યારે યુપીએ સરકારમાં નાણામંત્રી હતા ત્યારે ભાજપ અને પ્રણવ મુખર્જી વચ્ચે છત્રીસનો આંકડો હતો, પરંતુ કોંગ્રેસના આંતરીક રાજકારણને કારણે પ્રણવ મુખર્જીને મંત્રીમંડળમાંથી રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવ્યા. ત્યાર પછી નરેન્દ્ર મોદીને મુખર્જી એકાએક ગમવા માંડયા હતા. એનડીએ સરકારે પ્રણવ મુખર્જીને ભારતરત્નથી સન્માનિત પણ કર્યા હતા. પ્રણવ મુખર્જીનું મૃત્યુ થયું ત્યારથી દિલ્હીના રાજઘાટ ખાતે એમની સમાધી બનાવવાની માંગણી એમના કુટુંબીજનો કરી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે મુખર્જીની સમાધી રાજઘાટ ખાતે બનાવવાનું નક્કી કર્યું છે. પ્રણવ મુખર્જી પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા પહેલા એવા રાષ્ટ્રીય નેતા હશે કે જેમની સમાધી રાજઘાટ ખાતે બનાવવામાં આવશે. ભાજપએ અગાઉ પણ ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવ અને અટલ બિહારી વાજપેયના સ્મારક રાજઘાટ ખાતે બનાવ્યા છે.

હાઇકોર્ટે મમતાને બીરલા તારામંડળ નજીક રેલી કરવાની પરવાનગી આપી
કલકત્તા હાઇકોર્ટે તૃણમુલ કોંગ્રેસને દક્ષિણ કોલકત્તાના બીરલા તારામંડળ સામે રેલી કરવાની પરવાનગી આપી છે. મમતા બેનર્જીએ એવો પ્રસ્તાવ રજુ કર્યો હતો કે, ૨૧મી જુલાઈએ એમને એસ્પ્લેનેડ સ્થિત વિક્ટોરિયા હાઉસ સામે આયોજીત શહિદ દિવસ રેલી કાઢવાની પરવાનગી આપવામાં નહીં આવે તો એને દક્ષિણ કોલક્તાના બીરલા તારામંડળ સામે આયોજન કરવાની પરવાનગી મળે. જસ્ટીસ સૌગતા ભટ્ટાચાર્યની કોર્ટે મમતા જૂથના વકીલ કલ્યાણ બેનર્જીને કહ્યું હતું કે, ૨-૩ વર્ષોને બાદ કરતા આ રેલી ૧૯૯૩થી મમતા બેનર્જીના નેતૃત્વમાં મધ્ય કોલકત્તા ખાતે વિક્ટોરિયા હાઉસ સામે આયોજીત કરવામાં આવતી હતી. એમણે મેટ્રો ચેનલ અથવા એસ્પ્લેનેડ સ્થિત ડોરીના ક્રોસિંગના વિકલ્પો પણ આપ્યા હતા. જસ્ટીસ ભટ્ટાચાર્યએ સાફ કહી દીધું હતું કે તેઓ વિક્ટોરિયા હાઉસ સામે રેલીની પરવાનગી નહીં આપે કારણ કે ટ્રાફીક વકરવાની સમસ્યા છે.
લોકપ્રિય આઇપીએસ તનુશ્રીની દિલ્હી ખાતે બદલી
૨૦૧૭ની બેચના આઇપીએસ અધિકારી તનુશ્રી સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. એમની બદલી જમ્મુ-કાશ્મીરથી દિલ્હી ખાતે કરવામાં આવી છે. તનુશ્રીએ જમ્મુ-કાશ્મીરના પોસ્ટીંગ દરમિયાન કેટલીક અગત્યની જવાબદારી સંભાળી હતી. એમનું નામ પ્રથમ વખત ૨૦૨૦ની ૧૮મી મેએ આતંકવાદી વિરોધી અભિયાન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. એ વખતે સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી હતી કે, હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર ઝુનેદ ખાન એક મકાનમાં છૂપાયો છે. ઝુનેદ કાશ્મીરના યુવાનોને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરાવતો હતો. જાણકારી મળતા જ જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને સીઆરપીએફની ટીમએ સમગ્ર વિસ્તાર ઘેરી લીધો હતો અને વિવિધ પડકારો વચ્ચે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ ઓપરેશનનું નેતૃત્વ તનુશ્રીએ કર્યું હતું. તનુશ્રીએ ટેક્સટાઇલ ડિઝાઇનનો અભ્યાસ કર્યો છે અને એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે મોદીએ એમને મજાકમાં કહ્યું હતું કે ટેક્સટાઇલ અને ટેરર સાથે કઈ રીતે ચાલશે? એ વખતે તનુશ્રીએ જવાબ આપ્યો હતો કે મને ટ્રેનિંગ બરાબર મળી છે સર, કરી લઈશ.