Delhi ni Vaat

બિહારમાં મોટા રાજકીય ફેરફારો થવાની ચર્ચા

By GS Team
20 Sep 20264 mins read
TukuTouch Logo
બિહારમાં નીતિશકુમારના ભાજપ છોડવાના પ્રશ્ન પર મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જવાબ આપવો પડ્યો છે. RJDની ઓફરથી સરકાર સંકટમાં છે. વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિએ વસ્તી નિયંત્રણની નીતિઓ બંધ કરવાની ભલામણ કરી છે. પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ પેટાચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. મેડિકલ સ્ટોર્સ પર CCTV કેમેરા ફરજિયાત કરવાના નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. દેશમાં મહિલાઓની રોજગાર ભાગીદારી જિલ્લા દીઠ બદલાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં મોટા રાજકીય ફેરફારો થવાની ચર્ચા

નવીદિલ્હી : ખુરશી પર બેઠાને ૧૫૦ દિવસોથી વધુ સમય થઈ ગયા પછી હવે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એ સવાલનો જવાબ આપવો પડી રહ્યો છે કે, નીતિશકુમારે ભાજપના કહેવાથી ખુરશી છોડી હતી? ભાજપના નેતૃત્વવાળી હમણાની રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન સરકાર સંકટમાં હોવાની વાત છે ત્યારે ધુમાડો છે તો આગ પણ લાગી હોઈ શકે. આરજેડીના કેટલાક સિનિયર નેતાઓએ એવી ઓફર કરી છે કે જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. બિહારમાં ખૂબ જોરશોરથી વાત થઈ રહી છે કે થોડા દિવસોમાં સરકાર બદલાશે. ભૂતકાળમાં ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૨, ૨૦૨૪માં જે પ્રકારના સરકારમાં ફેરફાર થયા હતા એવા ફેરફાર ફરીથી થઈ રહ્યા છે? નીતિશકુમારને કેન્દ્રમાં કોઈ અગત્યનું પદ મળ્યું નથી. મનમાં નીતિશકુમાર પણ ધૂંધવાઈ રહ્યા છે. બિહારના સ્થાનિક નેતાઓ પણ સમયની રાહ જોઈને બેઠા છે.
ભારત વસ્તી નિયંત્રણની જીદ છોડે
વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમીતીએ વસ્તી વિસ્ફોટના ડરમાંથી બહાર નિકળવા કહ્યું છે. ભારતમાં વસ્તી પર લગામ કસવા માટે બનાવવામાં આવેલી યોજનાઓ બંધ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. સાથે જ ચીને કરેલી ભૂલમાંથી શીખવાનું કહેવામાં આવ્યું છે. 'હાઉ પોપ્યુલેશન કન્ટ્રોલ પરસીસ્ટ્સ ઇન ઇન્ડિયા' નામના રીપોર્ટમાં સમીતીએ કહ્યું છે કે હવે વિચારસરણી બદલવાની જરૂર છે. ભારતનો કુલ પ્રજનન દર (ટીએફઆર) ઘટીને ૧.૯ થઈ ગયો છે. વસ્તીને સ્થિર રાખવા માટે ૨.૧ જેટલો દર હોવો જરૂરી છે. ઉત્તર પ્રદેશ (૨.૬) અને બિહાર (૨.૯)ને બાદ કરતા બાકીના દેશનો પ્રજનન દર ફક્ત ૧.૬ ટકા જેટલો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમીતીના સભ્ય સંજીવ સાનિયાલનું કહેવું છે કે, સ્વાસ્થ્ય માટે કે બે બાળકો વચ્ચેના અંતર બાબતે અમે કુટુંબ નિયોજન વિરુદ્ધ નથી. પરંતુ સરકારની નીતિનો હેતુ વસ્તી નિયંત્રણનો હોવો જોઈએ નહીં.
સાયોની ઘોષના નિવેદનથી રાજકારણ ગરમાયું
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ પેટા ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ પછી વિરોધ પક્ષો વચ્ચે આરોપ - પ્રતિઆરોપ થઈ રહ્યા છે. આ વચ્ચે ટીએમસીના બળવાખોર તેમજ નેસનાલીસ્ટ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ)ના સાંસદ સાયોની ઘોષએ કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેની સમજૂતીને આવકારી છે. સાયોનીનું નિવેદન એ વખતે આવ્યું છે કે જ્યારે ટીએમસીનું નામ અને ચૂંટણી ચીન્હને ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. સાયોની ઘોષે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ મમતા બેનર્જીની ટીએમસી સાથે ગઠબંધન કરશે. બંને પક્ષો વચ્ચે મજબૂત મિત્રતાથી એક મોટો રાજકીય સંદેશો પણ જશે. એવો સંદેશો જશે કે આ ગંઠબંધન વાસ્તવિકત છે અને ખાલી નામ ખાતરનું ગઠબંધન નથી.
પક્ષમાં તડ પડે તો નામ - ચીન્હ કોને મળી શકે
પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમુલ કોંગ્રેસની અંદર નામ અને ચૂંટણી ચીન્હનો વિવાદ વધી રહ્યો છે. આ વિવાદ ચૂંટણી કમિશન સુધી પહોંચ્યો છે અને ચૂંટણી કમિશને બંને જૂથોને અલગ અલગ નામ આપ્યા છે, પરંતુ તૃણમુલ કોંગ્રેસનું મૂળ ચૂંટણી ચીન્હ વાપરવાની પરવાનગી કોઈને આપવામાં આવી નથી. ચૂંટણી ચીન્હ વહેંચવાની શરૂઆત દેશ આઝાદ થયો પછી થઈ હતી. ૧૯૪૭માં દેશની સાક્ષરતા ખૂબ ઓછી હતી એટલે બહુમતી મતદારો ઉમેદવાર કે પક્ષોના નામ વાંચી શકે એમ નહોતા. આ માટે ચૂંટણી ચીન્હની પ્રથા શરૂ થઈ હતી. ચૂંટણી ચીન્હ આપવાની સત્તા ચૂંટણી કમિશન પાસે છે. જ્યારે પક્ષો તૂટે છે ત્યારે ચૂંટણી કમિશનને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. ચૂંટણી કમિશન નક્કી કરે છે કે, કયા જૂથની બહુમતી એવી છે કે જેમની સાથે મૂળ પક્ષના વધુ ધારાસભ્યો -સાંસદો જોડાયા છે.
મેડિકલ સ્ટોર પર સીસીટીવી લગાડવાના નિર્ણયનો વિરોધ
ઓવર ધ કાઉન્ટર અપાતી કેટલીક દવાઓ હવે પ્રિસ્ક્રીપ્શન વગર વેચી શકાશે નહીં. સરકાર આ માટે કડક કાયદા લાવી રહી છે. આ ઉપરાંત સરકારે એ પણ નક્કી કર્યું છે કે દરેક મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા મૂકવા ફરજીયાત બનશે. ગ્રાહક કઈ દવાની ખરીદી કરી રહ્યો છે એની જાણ સીસીટીવી કેમેરાથી મળી શકશે. સરકારનું કહેવું છે કે, નશો કરતી દવાઓના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે સીસીટીવી કેમેરા જરૂરી છે. જોકે આ નિર્ણયથી દેશભરના નાના મેડિકલ સ્ટોરના વેપારીઓ ખૂબ નારાજ છે. હમણા તો આ પ્રસ્તાવ દેશના ડ્રગ કન્ટ્રોલર જનરલ (ડીસીજીઆઇ) ડો. રાજીવ સિંહ રઘુવંશી પાસે છે. સરકારનું માનવું છે કે સીસીટીવીને કારણે ડીજીટલ રેકોર્ડ બનશે જેને કારણે ખબર પડશે કે કયા દુકાનદારે પ્રિસ્ક્રીપ્શન વગર દવા વેચી છે. કેમિસ્ટો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
દેશના રોજગારમાં મહિલાઓની ભાગીદારી જિલ્લા દીઠ બદલાય છે
દેશના રોજગારમાં મહિલાઓની ભાગીદારી જિલ્લા અને તાલુકા દીઠ બદલાતી રહી છે. કોઈક જગ્યાએ ૧૦માંથી ૮ મહિલાઓ શ્રમબજારનો હિસ્સો છે તો કોઈક જગ્યાએ આંકડો ૫માં ૧ થી પણ ઓછો છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ (એનએસઓ)એ આખા દેશમાં પહેલી વખત જિલ્લાસ્તરે શ્રમબજારનું સર્વેક્ષણ કરીને આંકડા બહાર પાડયા છે. આ આંકડા ચોંકાવનારા છે. આંકડા પ્રમાણે મહિલાઓની વસ્તીનું પ્રમાણ ગણતા, ૧૦ સૌથી મોટા જિલ્લાઓમાં હિમાચલ પ્રદેશના હમીરપુરમાં મહિલા શ્રમ બળ ભાગીદારી ૮૦.૯ ટકા જેટલી છે. દેશમાં આ દર સૌથી વધુ છે. પૂર્વ દિલ્હીના આંકડા પ્રમાણે અહીં મહિલાઓની શ્રમમાં ભાગીદારી ફક્ત ૧૮.૯ ટકા છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં ૭૧.૪ ટકા, ઓડિસાના મયૂરભંજમાં ૭૧.૮ ટકા અને છત્તીસગઢના સરગુજામાં ૬૯ ટકાનો દર છે. દેશના લગભગ ૫૭.૮ ટકા જિલ્લાઓમાં આ દર ૪૦ ટકા અથવા એનાથી ઉપર છે. સમગ્ર શ્રમબજારને જોતા ગુજરાતનું સુરત મોટા જિલ્લાઓમાં સૌથી આગળ છે અહીં કુલ શ્રમ ભાગીદારી ૬૮.૬ ટકા છે.