'સૌરવ અને આશુ મારા કરતા મોટા નેતાઓ છે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : કોકરોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસને ૭ દિવસોના જેલવાસ પછી જામીન મળી ગયા. સીજેપીના નેતાઓએ નવી દિલ્હીમાં એક વિશેષ કાર્યકારી મેજીસ્ટ્રેટની કોર્ટમાં સોગંદ આપ્યા છે કે તેઓ જંતર મંતર પર કોઈપણ પ્રકારના પ્રોટેસ્ટ કરશે નહીં. જોકે મેજીસ્ટ્રેટે એમની સામેની તપાસ ચાલુ રાખવા કહ્યું હતું. બંને નેતાઓ જેલમુક્ત થવાથી અભિજીત દિપકે ખુબ ખુશ થયા છે. એમણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કહ્યું છે કે, સૌરવ અને આશુ એમના કરતા વધુ સારા અને વધુ મોટા નેતા છે. મારા નેતાઓ તમારા હુકમનું પાલન કરવામાં મને ખુશી થાય છે. તમારા માટે મારો જીવ હાજર છે. જોકે કેટલાકને દિપકેની આ પોસ્ટ વધુ પડતી નાટકીય લાગે છે. બીજી તરફ ડર્યા વગર આંદોલન કરવાની વાતો કરનાર સૌરવ અને આશુતોષે કોર્ટમાં વચન આપ્યુ છે કે તેઓ શાંતિનો ભંગ કરશે નહીં અને ન્યાયપાલિકા અને ન્યાયતંત્ર પર એમને સંપૂર્ણ ભરોસો છે. તેઓ જંતર મંતર પર હવે કોઈ વિરોધ પ્રદર્શન કરશે નહીં.
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શગુન પરિહાર કોણ છે
ભાજપે સંગઠનમાં કરેલી નવી નિમણૂક હેઠળ જમ્મુ-કાશ્મીરના ધારાસભ્ય શગુન પરિહારને પક્ષના યુવા વિંગ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ નિમ્યા છે. શગુન પરિહારને લાગે છે કે મા ભગવતીના આશિર્વાદને કારણે એમને આ હોદ્દો મળ્યો છે. શગુન પરિહારે ખાસ કરીને ગૃહ મંત્રી અમિત શાહ અને બી એલ સંતોષનો આભાર માન્યો હતો. જે સ્વાભાવિક છે. શગુન પરિહાર કિશ્તવાડ વિધાનસભાની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો સૌથી જાણીતો યુવા ચહેરો છે. તેઓ દિવંગત આરએસએસ નેતા અજીત પરિહારના પુત્રી છે. કિશ્તવાડ વિધાનસભા બેઠક પરથી પહેલી વખત ધારાસભ્ય બનેલા પરિહારની ગણના ભવિષ્યના રાષ્ટ્રીયસ્તરના નેતા તરીકેની થાય છે. ભાજપે પરિહાર સિવાય રાષ્ટ્રીયસ્તરના બીજા કેટલાક હોદ્દાઓ પર પણ નિમણૂક કરી છે. રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મંત્રી, ખજાનચી, સહખજાનચી, કાર્યાલય પ્રભારી, મીડિયા પ્રભારી અને સોશ્યલ મીડિયા પ્રભારીના પદ પર નિમણૂકો કરી છે. યુવા મોરચા રાષ્ટ્રીય કાર્યકારીણીમાં નિમણૂક પામેલા ૩૪ સભ્યોમાંથી ૫ ઉત્તર પ્રદેશના છે.
પિતા નારાયણ રાણે જેવી ઇમેજ બનાવવા નીતેશના પ્રયત્નો
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નીતેશ રાણે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ પરાકાષ્ઠાએ છે. બોલવામાં બેફામ સંજય રાઉતના નિવેદનનો જવાબ નીતેશ રાણેએ એમની જ ભાષામાં આપ્યો છે. નીતેશ રાણેએ આરોપ મૂક્યો છે કે, ઉદ્ધવ ઠાકરે દાઉદ ઇબ્રાહીમની ભૂમિકા ભજવી રહ્યા છે. સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સરખામણી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ સાથે કરી હતી. રાઉતની આ ટીકાનો જવાબ મહારાષ્ટ્ર ભાજપના કોઈ નેતાએ આપ્યો નહોતો. જોકે સમાચારમાં ચમકવા માટે હંમેશા તૈયાર નીતેશ રાણે બોલવામાં એમના પિતા નારાયણ રાણે જેવા જ છે. નીતેશ રાણેએ સંજય રાઉતને ત્વરીત જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, જે રીતે દાઉદ ઇબ્રાહીમ માફિયાતત્વો, બાંગ્લાદેશી નાગરીકો અને રોહિંગ્યાઓને પ્રોત્સાહન આપતો હતો એવું જ ઉદ્ધવ ઠાકરે પણ કરી રહ્યા છે.
બિશ્નોઇ જેલમાં હોવા છતાં એની ગેંગ કઈ રીતે ચાલે છે
સલમાન ખાનથી માંડીને ટાઇગર શ્રોફ ઉપર થયેલા ગોળીબાર માટે લોરેન્સ બિશ્નોઇ જવાબદાર હોવાનું બહાર આવે છે. લોરેન્સ બિશ્નોઇ ઘણા વર્ષોથી અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. ઘણાને નવાઈ લાગે છે કે જેલમાં રહીને લોરેન્સ બિશ્નોઇ કઈ રીતે એમનું નેટવર્ક ચલાવે છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાથીદારોની 'શેડો કેબિનેટ' વિદેશમાં છે. જેમ એક જમાનામાં દાઉદ ઇબ્રાહીમની ગેંગ કંપની બનાવીને કામ કરતી હતી એ રીતે લોરેન્સના નવા સભ્યોની ભરતી, ગુનાખોરીનું આયોજન, ફંડીંગ તેમજ સ્થાનિક સાગરીતો સાથે સંપર્ક જાળવી રાખવાનું કામ કરે છે. બિશ્નોઇની આ કેબિનેટમાં ટાઇસન બિશ્નોઇ, અનિલ પંડિત, હરમન સંધુ, હિમાંશુ સોનીપત, હરી બક્ષર છે. નેટવર્કના તમામ સભ્યો એક બીજા સાથે સોશ્યલ મીડિયાથી સંપર્કમાં રહે છે. આ જૂથ કોને ટાર્ગેટ કરવા તેમજ પૈસાની લેવડ-દેવડ કઈ રીતે કરવી એ કામગીરી પણ સંભાળે છે. ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન પણ આ નેટવર્કનો ભાગ હતો. જોકે અમેરિકાની જાસુસી એજન્સી એફબીઆઇએ કડકાઈથી કામગીરી શરૂ કરતા તે હમણા અજ્ઞાત સ્થળે જઈ રહ્યો છે.
રેજીમ ચેંજની માંગણી બાબતે આંદોલનકારીઓમાં તડ
કોકરોચ જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણએ સત્તાપલટો એટલે કે રેજીમ ચેંજની વાત કરી હતી. ભૂષણના આ નિવેદન પછી સરકારને કહેવાનું કારણ મળી ગયું હતું કે, જો અમે તો પહેલેથી જ કહેતા હતા કે આંદોલનકારીઓને સરકાર બદલવી છે અને બાંગ્લાદેશ તેમજ નેપાળ જેવી અવ્યવસ્થા ઉભી કરવી છે. જોકે પીઢ આંદોલનકારી યોગેન્દ્ર યાદવ પહેલેથી પ્રશાંત ભૂષણની વાત સાથે સંમત નહોતા. એમનું માનવું હતું કે, આંદોલનકારી નેતાઓએ જનતાથી એક ડગલુ આગળ રહીને એમની આગેવાની કરવી જોઈએ અને જનતાનો અવાજ હોય એ પ્રમાણે જ કાર્યવાહી થવી જોઈએ. છેલ્લા કેટલાક દિવસોથી કોકરોચ જનતા પાર્ટીના મંચ પર ૬૫ વર્ષના નેતાઓ વધુ નજર આવે છે. શરૂઆતના દિવસોમાં સીજેપી સાથે સંકળાયેલા યુવા નેતાઓ પણ હવે નાસીપાસ થવા માંડયા છે. એમનું માનવું છે કે નેહા બોરા જે રીતે ખુલ્લે આમ બાંગ્લાદેશની પદ્ધતિએ સત્તા બદલવાની વાતો કરે છે એને કારણે આંદોલનને નુકસાન થઈ રહ્યું છે અને આંદોલન-૨ સફળ થઈ શક્યું નથી.
'રાહુલની વિદેશ યાત્રાના સવાલથી થરૂર ભડક્યા'
રાહુલ ગાંધી આજકાલ વિદેશ પ્રવાસે છે. કોઈપણ આંદોલનની અધવચ્ચે રાહુલ ગાંધી વારંવાર વિદેશ ચાલ્યા જતા હોવાથી ટીકાકારોને કારણ મળી જાય છે. હમણા પણ સરકાર વિરુદ્ધ થઈ રહેલા દેખાવોની વચ્ચે રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ ગયા છે. આ બાબતે પત્રકારોએ જ્યારે કોંગ્રેસના સાંસદ અને સિનિયર નેતા શશી થરૂરને પૂછયું હતું ત્યારે શશી થરૂર અકળાઈ ગયા હતા અને કહ્યું હતું કે, હું કોઈ ટ્રાવેલ એજન્ટ નથી. ભાજપનો આરોપ છે કે, વિરોધ પ્રદર્શનો દરમિયાન જૂઠું બોલી બોલીને થાકી જનાર રાહુલ ગાંધી આરામ કરવા માટે વિદેશ જાય છે. શશી થરૂરને પત્રકારોના સવાલો ગમ્યા નહોતા. થરૂરે કહ્યું હતું કે મને આવા સવાલો પૂછવાનો કોઈ અર્થ નથી. દરેક વ્યક્તિની કોઈ જવાબદારી હોય છે. એ માટે હું આ બાબતે કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી. રાજકીય વર્તુળોમાં બધા જાણે જ છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી શશી થરૂર અને રાહુલ ગાંધી વચ્ચે બોલવાનો કોઈ વ્યવહાર નથી. શશી થરૂરની ગણના રાહુલ ગાંધીની નજીકની વ્યક્તિઓમાં થતી નથી.
અખિલેશ યાદવ જેલમાં જઈને આઝમને મળ્યા
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવ રામપુર જેલમાં પક્ષના સિનિયર નેતા આઝમ ખાનને મળવા માટે ગયા હતા. બંને નેતાઓની મુલાકાતને કારણે રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે. એક એવી વાત હતી કે, આઝમ ખાન પર આવેલા સંકટ વખતે અખિલેશ યાદવ એમને પડખે ઉભા રહ્યા નહોતા. હવે ઉત્તર પ્રદેશમા વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે મુસ્લિમ મતોને ધ્યાનમાં રાખીને અખિલેશ યાદવ ફરીથી આઝમ ખાનને પોતાની તરફ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જેલમાં આઝમ ખાનને મળવા ગયા પછી તેઓ બહાર નીકળીને અખિલેશ યાદવના રહેઠાણ પર ગયા હતા. ૨૦૨૫ના ઓક્ટોબર મહિનામાં અખિલેશ યાદવ આઝમ ખાનને મળવા એમના ઘરે ગયા હતા. અખિલેશ યાદવ એવો સંદેશો આપવા માંગે છે કે સમાજવાદી પાર્ટી આઝમ ખાનની સાથે છે.




