કોંગ્રેસની મહારેલી પર વરસાદનું સંકટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાનાર રેલીને કારણે દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. વરસાદને કારણે રામલીલા મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું. મેદાનમાં કાદવ અને પાણીની અસર રેલીની તૈયારી પર થઈ છે. રેલીમાં લગભગ ૫૦ હજાર લોકો પહોંચવાની શક્યતા હોવાથી મેદાનને ૧૪ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. સુરક્ષા તેમજ ભીડની વ્યવસ્થા માટે લગભગ ૪ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈયાર રહેશે. રામલીલામાં પ્રવેશ માટે મેટલ ડીટેક્ટર લગાવવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા તપાસ થયા પછી જ એમને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. રેલીને કારણે દિલ્હીના અગત્યના સ્થળોએ ૧૫૦ જેટલા ટ્રાફીક પોલીસ કર્મચારીઓ તૈયાર રહેશે. રેલીનો સમય સવારે ૧૦ થી સાંજે ૫ સુધીનો છે. દરેક ઝોનની જવાબદારી એસીપી રેંકના અધિકારીને સોંપવામાં આવી છે. બે ઝોનની જવાબદારી એડીશનલ ડીસીપી રેંકના અધિકારી પાસે છે.
ઇન્ડિયા બ્લોકની રેલી પહેલા ધનાધની
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે તેમજ એસઆઇઆર રદ કરવા માટે કોંગ્રેસ આંદોલન ચલાવી રહી છે. સામે ભાજપ પણ એજ ભાષામાં જવાબ આપે છે. રવિવારે ઇન્ડિયા બ્લોકની રેલી પહેલા સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે ટનાટની જોવા મળી છે. કેન્દ્રીય મંત્રી કિરેણ રીજીજુએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રીજીજુએ કોંગ્રેસને પાંચ સવાલો કર્યા હતા. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને કોંગ્રેસને પ્રશ્નો કર્યા છે. રીજીજુએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક, મતદાર યાદીમાંથી નામ દુર કરવા અને એસઆઇઆરની પ્રક્રિયા બાબતે સવાલો પૂછયા હતા. દિલ્હીના વેપારીઓ પણ ૧લી નવેમ્બરએ યોજાનારી રેલીથી ચિંતીત છે. જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે દિલ્હીના આ વેપારીઓ કદી કોંગ્રેસને મત આપતા નથી અને ભાજપ સાથે જ રહ્યા છે.
'તમે સરદાર પટેલની ઇમેજને નુકસાન કરી રહ્યા છો'
રાષ્ટ્રીય એક્તા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસની ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ સતત સરદાર વલ્લભભાઈ પટેલની અવગણના કરીને એમને ભૂલાવવાની કોશિષ કરે છે. શાહના આરોપનો જવાબ કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદે આપ્યો. ખુરશીદે કહ્યું હતું કે, 'આ પ્રકારની વાતોને કારણે દેશના પહેલા ઉપ-વડાપ્રધાનની ઇમેજને નુકસાન થાય છે. અમારુ માનવું છે કે સરદાર પટેલ સન્માનના એટલા જ હકદાર છે જેટલા બીજા મહાન નેતાઓ. અમે સરદાર પટેલના વિચારો, એમના શબ્દો અને એમના કાર્યો પ્રતિ પૂરેપૂરા સમર્પિત છીએ. અમિત શાહ આ પ્રકારની વાતો કેમ કરે છે? આવી વાતો કરીને તેઓ સરદાર પટેલની ઇમેજને નુકસાન કરી રહ્યા છે અને એમના માટેનું સન્માન ઓછું કરે છે.'
દિલ્હીની રેલી માટે તામિલનાડુ કોંગ્રેસ, વીસીકેએ કાર્યકરોને ઉત્સાહિત કર્યા
૧લી નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર કોંગ્રસની માર્ચ માટે તામિલનાડુ કોંગ્રેસ અને વીસીકેએ કાર્યકરોને ઉત્સાહિત કરી દિલ્હી મોકલવાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા તામિલનાડુ કોંગ્રેસના નેતાઓને તેમજ સાથી પક્ષ વીસીકેને વધુમાં વધુ કાર્યકરોને દિલ્હી મોકલવા જણાવવામાં આવ્યું હતું. એમ મનાય છે કે તામિલનાડુના દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા ૧૫૦ કાર્યકરો દિલ્હી આવશે. મેલીયાડુથૂરીના સાંસદ આર સુધાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીની હાકલ સાંભળીને તામિલનાડુ ર્કાંગ્રેસના કાર્યકરો ખૂબ ઉત્સાહીત છે. દેશભરમાંથી ઓછામાં ઓછા પાંચ લાખ કાર્યકરો દિલ્હી આવશે. કાર્યકરો ઉપરાંત મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને પક્ષના બીજા સંગઠનોમાંથી પણ કાર્યકરો દિલ્હી આવવાના છે. વીસીકેના એક નેતાએ પણ કહ્યું હતું કે, સમગ્ર તામિલનાડુમાંથી એમના ટેકેદારો દિલ્હી પહોંચશે.
સંગકારાનો આક્ષેપ, ડબલીન એરપોર્ટ પર એમનું અપમાન થયું
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને સિનિયર ક્રિકેટર કુમાર સંગકારાએ આયર્લેન્ડના ડબલીન એરપોર્ટ પર એરલાઇન કર્મચારીઓએ એમની સાથે વંશીય ભેદભાવ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે. સંગકારાના કહેવા પ્રમાણે રાયનએરના ગેટ કર્મચારીઓએ એમની સાથે અને એમના કુટુંબીજનો સાથે અપમાનજનક તેમજ ધમકી આપતો વ્યવહાર કર્યો હતો. કર્મચારીઓએ એમના પાસપોર્ટને લઈને પણ અપમાન કર્યું હતું. સોશ્યલ મીડિયા પર એક યુઝર્સ સાથે દલીલ કરતા સંગકારાએ આ અનુભવને વંશીય ભેદભાવ સમાન ગણાવ્યું હતું. એમણે રાયનએરને ટેગ કરીને લખ્યું હતું કે, 'શું બીજા કોઈને પણ ડબલીનમાં રાયનએરના ગેટ કર્મચારીઓના ખરાબ વ્યવહારનો અનુભવ થયો છે? એમની વાત કરવાની પદ્ધતિ તેમજ વ્યવહાર ધમકી આપતા હોય એવો હતો. મને કહેવામાં આવ્યું હતું કે, તમારા જેવા પાસપોર્ટવાળા સાથે આ પ્રકારનો વ્યવહાર જ થઈ શકે.'
મહારાષ્ટ્રમાં ભાજપ -શિવસેના (એકનાથ શિંદે) વચ્ચે તાણ
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો પછી સરકારના મહાયુતિ ગઠબંધનમાં આંતરીક ખેંચતાણ વધી છે. કેટલાક નેતાઓ ખાનગીમાં તો કેટલાક જાહેરમાં સાથીપક્ષો પર નિવેદન આપી રહ્યા છે. શિવસેના (એકનાથ શિંદે)ના કેટલાક નેતાઓએ તો જાહેર મંચ પરથી એવી માંગણી કરી છે કે ફડણવીસને મુખ્યમંત્રી તરીકે દુર કરીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. એમએલસીની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા નાગપુરમાં કોંગ્રેસની જીત થઈ છે. એમ કહેવાય છે કે, કોંગ્રેસની જીતથી શિવસેના (એકનાથ શિંદે)ના કેટલાક નેતાઓ ખુશ થયા છે. એમને લાગ્યું છે કે હવે લાગ આવ્યો છે ત્યારે ફડણવીસ વિરુદ્ધ પ્રચાર તેજ કરવો જોઈએ. ભાજપનો આક્ષેપ છે કે ચૂંટણીમાં શિવસેના (એકનાથ શિંદે)એ ભાજપને મદદ કરી નહોતી. હકીકત એ છે કે મહારાષ્ટ્ર સરકારમાં બંને પક્ષો વચ્ચે તાલમેલ નથી.
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આપની પહેલી યાદી જાહેર
પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ માટે આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. બીજા પક્ષો કરતા આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ૪૦ ઉમેદવારોની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં કેબીનેટના કોઈપણ મંત્રીનું નામ નથી. મુખ્યમંત્રી ભગવંત માન અને પંજાબના મનીષ શિસોદીયાએ આ જાહેરાત કરી હતી. દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલના ઘરે આપના સિનિયર નેતાઓ ભેગા થયા હતા અને ઉમેદવારોના નામ મંજૂર કર્યા હતા. નામો જાહેર થતા જ ટિકિટ વહેંચણી બાબતે આપની રણનીતિ વિશે ચર્ચા થઈ રહી છે. પહેલાથી જ પક્ષમાં એવી ચર્ચા થઈ રહી છે કે, હમણાના ૩૦ થી ૪૦ ધારાસભ્યોની ટિકિટ કપાશે. પહેલી યાદીમાં એક પણ કેબિનેટ મંત્રીનું નામ નહીં હોવાથી ઘણાને આંચકો લાગ્યો છે.




