વડાપ્રધાનનો ચહેરો રાહુલ જ રહેશે, વિજય નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : તામિલનાડુમાં કોંગ્રેસ અને શાસકપક્ષ ટીવીકે વચ્ચે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનનો ચહેરો કોનો હશે એ બાબતે વિવાદ શરૂ થઈ ગયો છે. પ્રવાસ મંત્રી અને કોંગ્રેસના નેતા એસ રાજેશકુમારએ ચેતવણી આપી છે કે, જો ટીવીકે ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને સમર્થન નહીં કરે તો કોંગ્રેસના મંત્રીઓ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપશે. એમણે ટીવીકેને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું હતું. એમનું કહેવું હતું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ફક્ત રાહુલ ગાંધીને જ પ્રોજેક્ટ કરશે. શાસકપક્ષ અને મુખ્યમંત્રી જોસેફ વિજયના મંત્રીઓ અને ધારાસભ્યો લોકસભાની આગામી ચૂંટણી માટે વિજયનું નામ વડાપ્રધાન તરીકે આગળ કરવાની માંગણી કરે છે. રાજેશકુમારનું કહેવું છે કે જો સાથીપક્ષ આ બાબતે કોંગ્રેસને ટેકો નહીં આપે તો કોંગ્રેસના તમામ મંત્રીઓ રાજીનામું આપવા તૈયાર છે.
સીજેપીનું પ્રદર્શન અટકાવવા માટે સુપ્રિમનો નનૈયો
સુપ્રિમ કોર્ટે પાંચમી સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનાર કોકરોચ જનતા પાર્ર્ટીની માર્ચ રોકવાનો ઇન્કાર કર્યો છે. આ માર્ચને કારણે કોઈ અપ્રિય ઘટના થશે એવું સુપ્રિમ કોર્ટ માનતી નથી. ચીફ જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું હતું કે, શાસકો પાસે અપેક્ષા છે કે, કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લેવામાં આવશે અને તમામ પક્ષો જવાબદારી પૂર્વક અને કાયદા હેઠળ કામ કરશે. આ અરજી ભૂતપૂર્વ દિલ્હી પોલીસ અધિકારી રાજેન્દ્ર સિંહે દાખલ કરી હતી. એમની દલીલ હતી કે દિલ્હીમાં બ્રિક્સ સમીટ યોજાવાની છે ત્યારે દેખાવો અને પ્રદર્શનની પરવાનગી આપવી જોઈએ નહીં. સીજેપીએ સરકાર પર આરોપ મૂક્યો છે કે ચારમાંથી એમની ત્રણ માંગણી માનવામાં નથી આવી. સોશ્યલ મીડિયા એક્સ પર સીજેપીએ લખ્યું હતું કે સરકાર દર વખતે ખોટા વાયદા કરીને બચી શકે નહીં.
'સીજેપી નેતાઓ સંત નથી…', સોનમ વાંગચૂકનો ધડાકો
ક્લાઇમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂકે કહ્યું હતું કે, કોકરોચ જનતા પાર્ટી આંદોલનના આયોજક અભિજીત દિપકે અને એમના સાથીઓ રાજકીય રીતે બહુ મહત્વકાંક્ષી છે. જોકે એમાં કંઈ ખોટુ નથી. શરત એટલી કે તેઓ પોતાની બીનરાજકીય ઓળખ જાળવી રાખે. વાંગચૂકે કહ્યું હતું કે, રાજકીય મહત્વકાંક્ષા હોવી સામાન્ય વાત છે. મને એમના ભૂતકાળના રાજકીય સંપર્કોથી કોઈ ફેર પડતો નથી. વર્તમાન અને ભવિષ્યની રાજકીય મહત્ત્વકાંક્ષા પણ કોઈ સમસ્યા નથી. તેઓ એવા સંત નથી કે જેમને કંઈ જોઈતું નથી અને સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે સારો ઉદ્દેશવાળા પરંતુ કુશળ નહીં હોય એવા લોકો મુશ્કેલી પેદા કરી શકે છે. એજ રીતે બહુ હોશિયાર હોય પરંતુ જેમનો ઇરાદો ખોટો હોય તેઓ પણ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. સીજેપી પ્લેટફોર્મનો રાજકીય ઉપયોગ થવો જોઈએ નહીં.
ઓપરેશન સિંદુર પછી આઇએસઆઇએ જાસુસી પદ્ધતિ બદલી
ઓપરેશન સિંદુર પછી દેશની સુરક્ષા એજન્સીઓ સમક્ષ જાસુસીની એક નવી અને ચિંતાજનક પદ્ધતિ સામે આવી છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ સાથે જોડાયેલા હેન્ડલર્સ સંવેદનશીલ સૈન્ય વિસ્તારોની બહાર ઇન્ટરનેટ અને સોલરથી સંચાલીત સીસીટીવી કેમેરા લગાડી રહ્યા છે. આ કેમેરાથી લાઇવ ફીડ સીધી પાકિસ્તાન પહોંચે છે. છેલ્લુ ઉદાહરણ લુધિયાણામાં જોવા મળ્યું છે. અહીં રીછપાલ સિંહ નામની વ્યક્તિએ બદોવાલ છાવણી પાસે પોતાની દુકાનની બહાર આવા સીસીટીવી કેમેરા મૂક્યા હતા. આ કેમેરાઓ દ્વારા સૈન્યના વાહનોની મૂવમેન્ટ જોવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ કેમેરાના યુઝર આઇડી - પાસવર્ડ પાકિસ્તાની હેન્ડલર્સને આપી રાખ્યા હતા. મોબાઇલ એપ દ્વારા કેમેરાની લાઇવ ફીડ તેઓ જોઈ શકતા હતા. દુકાનના ભાડા માટે મહિને ૪૦ હજાર રૂપિયા આપવામાં આવતા હતા.
'અમે એફઆઇઆરથી ડરતા નથી', રાહુલ સામેના કેસ પછી કોંગ્રેસનો વળતો જવાબ
ઉત્તરાખંડના હલદાનીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની સભા પછી જે કહેવાતો શુદ્ધિકરણ કાર્યક્રમ થયો હતો એ બાબતે રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને કારણે એમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઇઆર પછી પક્ષે કહ્યું છે કે, એફઆઇઆરનો જવાબ કાયદાકીય રીતે આપવામાં આવશે. જાતીવાદી માનસિકતા સામે કોંગ્રેસની લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તરાખંડના પ્રભારી કુમારી સેલજાએ એફઆઇઆર સંદર્ભે ભાજપ સરકારને સવાલો કર્યા છે. સેલજાનું કહેવું છે કે શુદ્ધિકરણ પછી ગુનેગારો સામે કાર્યવાહી નથી થઈ, પરંતુ રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ થઈ. શુદ્ધિકરણ કાર્યક્રમનો બચાવ ઉત્તરાખંડ પ્રમુખે જાહેરમાં કર્યો છે. ભાજપ - આરએસએસની દલીત વિરોધી અને બંધારણ વિરોધી વિચારધારાનો આ નમૂનો છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે.
શુભેન્દુ અધિકારીની ચેતવણી પછી જેયુની દિવાલો પર ચિત્રો બનાવાવનું ફરી શરૂ
પ.બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સૂચનાથી જાદવપુર યુનિવર્સિટીની દિવાલો પર લખવામાં આવેલા દેશ વિરોધી સૂત્રો ભૂસી નાખવામાં આવ્યા હતા. જાદવપુર યુનિવર્સિટીમાં થયેલા સૂત્રોચ્ચાર અને દિવાલો પર લખવામાં આવેલા સ્લોગનને લઈને શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, આ સ્લોગનોની સાથે ઘણુબધુ નષ્ટ કરવામાં આવશે. યુનિવર્સિટીના શાસકોએ ત્યાર પછી વિવાદાસ્પદ ભીત ચિત્રો દુર કરવાનું શરૂ કર્યું હતું. મુખ્યમંત્રીના નિવેદન પછી યુનિવર્સિટીના શાસકોએ આ પગલું લીધુ હોવાનો વિવાદ ત્યાર પછી વધ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, આ કામ નિયમિત સાફ સફાઈનો હિસ્સો છે, કોઈના દબાણમાં આ થયું નથી. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ)એ યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ કર્યો હતો અને યુનિવર્સિટીની દિવાલો પર ફરીથી ભીત ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું.
માલદીવ હવે ભારતનો આભાર માને છે
થોડા વર્ષો પહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમદ મૂઇજ્જુએ ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. હવે માલદીવે એકાએક યુટર્ન માર્યો છે. મોહમદ મૂઇજ્જુએ ભારતના રાજદુત બાલાસુબ્રહ્મણન સાથે 'ગ્રેેટર માલે કનેક્ટીવીટી પ્રોજેક્ટ'ની મુલાકાત લીધી હતી. એ વખતે એમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ખૂબ અગત્યનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જે માલદીવ અને ભારતની વચ્ચે હંમેશની મિત્રતાનું પ્રતિક છે. જે રીતે મૂઇજ્જુ આ પ્રોજેક્ટ જોવા ખાસ ગયા અને ભારતના વખાણ કર્યા એને કારણે માલદીવ ભારત વિરોધી હોવાની ઇમેજ દુર થઈ છે. માલદીવ મીડિયાના કહેવા પ્રમાણે મૂઇજ્જુ પહેલી વખત ખીલામાલે બ્રીજ પસાર કરીને માલેથી વીલીમાલે સુધી ચાલતા ગયા હતા. એમણે બંને ટાપુઓને જોડતા બ્રીજ પર ચાલતુ કામકાજ નિહાળ્યું હતું. ખીલામાલે બ્ર્રીજ હમણાના સમયમાં માલદીવમાં ચાલી રહેલો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે.




