મહિલા અનામત બાબતે રાહુલ ગાંધીના સોંસરા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રીજ્જુએ કોંગ્રેસને ટોણો માર્યો હતો કે, કોંગ્રેસને મહિલા અનામત બીલને કોઈપણ શરત વગર ટેકો આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાબતે હવે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, આ કાયદો લાગુ કરવાની પ્રક્રિયાને લોકસભામાં સિમાંકની પ્રક્રિયા સાથે શા માટે જોડવામાં આવે છે. રાહુલે 'નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩'ને કોઈપણ શરત વગર લાગુ કરવાની માંગણી કરી છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'રીજ્જુ સંસદીય કાર્યમંત્રી તરીકે તમારાથી વધુ કોણ જાણે છે કે, મહિલા અનામત બીલ, ૨૦૨૩ પહેલા જ કોંગ્રેસના સમર્થનથી પસાર થઈ ચૂક્યું છે. સવાલ એ છે કે ત્રણ વર્ષ પછી પણ એને લાગુ કરવામાં કેમ નથી આવતું? આ બીલને કારણ વગર સિમાંકન સાથે શા માટે જોડવામાં આવે છે? ૨૦૨૩નો કાયદો લાગુ કરો. કોઈપણ શરત વગર.'
સુપ્રિમ કોર્ટની ટીપ્પણીથી અભિજીત દિપકે નારાજ
કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દિપકેએ સુપ્રિમ કોર્ટની ટીપ્પણીની ટીકા કરી છે. સુપ્રિમ કોર્ટે ટીએમસીના સાંસદ મહોઆ મોઇત્રાની અરજી પર સુનાવણી વખતે ટીપ્પણી કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, દેશને અંગ્રેજો સામે આઝાદ કરનાર લડવૈયાઓ ગોળીથી ડર્યા નહોતા તો તમે ઇંડાથી કેમ ડરી ગયા. દિપકેનું કહેવું છે કે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ વિરોધપક્ષના નેતાઓ વિરુદ્ધ આ પ્રકારના નિવેદન આપે છે તો સામાન્ય માણસ માટે કોઈ આશા રહેતી નથી. મોઇત્રાએ ફેસબુક પર મૂકેલી એક કહેવાતી ભડકાઉ પોસ્ટ સાથે જોડાયેલા એક કેસમાં વીડિયો કોન્ફરન્સીંગથી પોલીસ પૂછપરછમાં સામેલ થવાની પરવાનગી માંગી હતી. સુપ્રિમ કોર્ટે મહોઆની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
સુખબીરની વડાપ્રધાન સાથે મુલાકાત કઈ રીતે થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (બાદલ)ના પ્રમુખ સુખબીર બાદલ વચ્ચે કઈ રીતે મીટીંગ થઈ એ વાત હવે બહાર આવી છે. બંને વચ્ચે મીટીંગ ગોઠવનાર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની છે. વડાપ્રધાન મોદી સાથે મીટીંગ કરતા પહેલા સુખબીર બાદલ મુખ્યમંત્રી સૈનીને ચંદીગઢ ખાતે મુખ્યમંત્રી નિવાસ 'સંત કબીર કુટીર'માં મળ્યા હતા. આ મીટીંગમાં બંને વચ્ચે વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન તેમજ લોકસભામાં સિમાંકન અને મહિલા અનામત બીલને ટેકો આપવા વિશે વાત થઈ હતી. ભાજપને લોકસભામાં સિમાંકન તેમજ મહિલા અનામત બીલ માટે અકાલી દળનું સમર્થન જોઈએ છે. અકાલી દળને પણ રાજકારણમાં ટકી રહેવા માટે પંજાબમાં ભાજપના ટેકાની જરૂર છે. આ મીટીંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની પૂર્વ ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી.
'સાબિત કરે નહીં તો એફઆઇઆર કરીશ'
જનસુરાજ પક્ષના સ્થાપક અને બાકીપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રશાંત કિશોરના આક્ષેપો બાબતે ભરત તિવારીના ભાઈ ચંદન તિવારીએ પ્રતિ ઉત્તર આપ્યો છે. પ્રશાંત કિશોરે આક્ષેપ કર્યો હતો કે, ભરત તિવારીના કુટુંબે સમ્રાટ ચૌધરીની સરકારને ૫૦ લાખ રૂપિયા આપ્યા હતા. ભરત તિવારીના ભાઈ ચંદન તિવારીએ કહ્યું હતું કે આ આરોપ તથ્યહિન છે એમાં કોઈ સચ્ચાઈ નથી. જો પ્રશાંત કિશોર પાસે કોઈ સાબિતી હોય તો એમણે લોકો સમક્ષ સાબિત કરવું જોઈએ કે અમે સરકારને ૫૦ લાખ રૂપિયા આપ્યા હતા. પ્રશાંત કિશોરે અમને ભરોસો આપ્યો હતો કે, ૧૦-૧૫ દિવસોમાં ન્યાય મળશે, પરંતુ ત્યાર પછી તેઓ ગાયબ થઈ ગયા અને અમારા ફોનના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું. એમના કોઈ માણસે એમને ફોન કરીને કહ્યું હતું કે જો અમારે ન્યાય જોઈતો હોય તો એમને માટે પ્રચાર કરવો પડશે. જો તેઓ આક્ષેપ સાબિત નહીં કરે અને માફી નહીં માંગે તો એમની સામે હું એફઆઇઆર દાખલ કરાવીશ.
સીએમ વિજયના પત્નીએ એકાએક કેસ પાછો ખેંચ્યો
તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય અને એમના પત્ની સંગીતા વચ્ચે ઘણા વર્ષોથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. વિજય હવે મુખ્યમંત્રી બન્યા છે અને અંગત જીવનનો વિવાદ લાંબો ચાલે તો રાજકીય રીતે એમને નુકસાન થઈ શકે એમ છે. વિજય અને એમના પત્ની અલગ થવાની વાતો હતી, પરંતુ હવે સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પરત ખેંચી છે. કોર્ટે પણ આ કેસ બંધ કરી દીધો છે. ૭મી ઓગસ્ટે થયેલી સુનાવણી વખતે સંગીતા વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સાથે જોડાઈ હતી અને કેસ પાછો ખેંચવાની વિનંતી કરી હતી. એમણે જજને કહ્યું હતું કે તેઓ આ કેસ આગળ ચલાવવા માંગતા નથી. આ માટે કેટલાક કારણો પણ છે. વિજય અને એમના પત્ની વચ્ચેના સંબંધોમાં તડ પડવાનું કારણ એક અભિનેત્રીને ગણવામાં આવે છે.
અભિજીત દિપકે પોલીસ પર કેમ ભડક્યા
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ એમના ઘરની સુરક્ષા સંભાળનાર એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર ગુસ્સે થઈ ગયા હતા. એમનો આક્ષેપ છે કે એમને મળવા આવનાર વ્યક્તિઓ સાથે આ પીએસઆઇની વર્તણૂક બરાબર હતી નહીં. કેટલાક મુલાકાતીઓને ઘરમાં આવતા રોકવામાં આવતા હતા. દિપકે પોલીસ કર્મીઓને ઘરની બહાર નિકળી જવા માટે કહે છે એ પ્રસંગનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. એમણે ઉચ્ચ અધિકારીને ફોન કરીને એમના ઘરની બહાર ફરજ બજાવતા પોલીસ અધિકારીને દુર કરવાની માંગણી કરી હતી. એમનું કહેવું છે કે, એમના ઘરની બહાર જે પોલીસ કર્મચારીઓ ફરતા રહે છે એમણે 'હીટ સ્પ્રે' નામથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગુ્રપમાં પોલીસો રીપોર્ટ મોકલતા હતા. દિપકેને ધમકી મળ્યાની ફરિયાદ થયા પછી એમને પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે કોલસા ગોટાળાની સુનાવણી કરતા બે જજોને હટાવ્યા
દિલ્હીમાં કોલસા ગોટાળાની સુનાવણી માટે નિયુક્ત થયેલા ન્યાયાધીશને માત્ર ૬ મહિનામાં સુપ્રિમ કોર્ટે દુર કર્યા છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટની એક અસામાન્ય માંગ પછી આ નિર્ણય લીધો છે. હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે, આ જજ ઉપરાંત બીજા એક સીબીઆઇના જજ પણ બીજી જવાબદારી માટે વધુ યોગ્ય છે. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચી અને વી મોહનાની બેંચે હુકમ કર્યો છે કે, દિલ્હી હાઇકોર્ટના વિશેષ જજ સુનૈયના શર્મા અને ધીરજ મોરની બદલીની માંગણી કરવામાં આવી હતી કે જેથી એમને બીજી જવાબદારી સોંપી શકાય. સુપ્રિમ કોર્ટને દિલ્હી હાઇકોર્ટના રજીસ્ટર જનરલ તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં આ માંગણી કરવામાં આવી હતી.









