Delhi ni Vaat

ગંગા કિનારે છઠની તૈયારી

By GS Team
1 Nov 20264 mins read
TukuTouch Logo
છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ સરકારે ગંગાઘાટ પર સફાઈ સહિતની તૈયારીઓ આરંભી છે. નકટા દિયારાથી દિદાર ગંજ બાલુઘાટ સુધીના 92 ઘાટોને 23 સેક્ટરમાં વહેંચી, દરેક સેક્ટર માટે અધિકારી નિમાયા છે. પાણીમાં 3 લેયરનું બેરીકેડીંગ કરાયું છે. જોખમી ઘાટોને લાલ કપડાથી દર્શાવી શ્રદ્ધાળુઓને ઊંડા પાણીમાં જતાં અટકાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંગા કિનારે છઠની તૈયારી

નવીદિલ્હી : છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. ગંગાઘાટ પર સફાઈ કામ પુરુ થયું છે. આ વખતે નકટા દિયારાથી દિદાર ગંજ બાલુઘાટ સુધી ૯૨ ગંગાઘાટોની સાથે શહેરના ૮૨ જેટલા તળાવો અને પાર્કોમાં અર્ધ્ય આપવા માટેની તૈયારી ચાલી રહી છે. સમયસર કામગીરી પુરી કરવા ૯૨ ઘાટોને ૨૩ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક સેક્ટર માટે એક અધિકારી નિમવામાં આવ્યા છે. સુરક્ષા માટે પાણીની અંદર ત્રણ લેયરનું મજબૂત બેરીકેડીંગ કરવામાં આવ્યું છે. જોખમી ઘાટોને ઓળખી લઈ ત્યાં લાલ કપડા બાંધવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ ઉંડા પાણીમાં જાય નહીં. પર્વના સમયે ગંગા નંદીનું જળસ્તર વધુ નીચે જઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ઘાટ સુધી પહોંચવા માટે વધુ સમય લાગી શકે છે. પાણી સુધી પહોંચવાના રસ્તાઓ પણ નવેસરથી બનાવવામાં આવી રહ્યા છે.
લાખો ફોલોઅર્સ પરંતુ મત ૩૦૦થી વધુ નહીં
ભૂતકાળમાં લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ આપણે જોયું છે કે, સોશ્યલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવનારા ઇન્ફલુઅન્સરોની ડીપોઝીટ જપ્ત થાય છે. દેશભરમાં જાણીતા ઇન્ફલુઅન્સરો પણ ચૂંટણીમાં ઊધા માથે પછડાય છે. ચૂંટણી વખતે દરેક રાજકીય પક્ષ પ્રચાર માટે આવા ઇન્ફલુઅન્સરોનો ઉપયોગ કરે છે.
જોકે આ ઇન્ફલુઅન્સરો જાતે જ ચૂંટણી લડવા નીકળે તો ફિયાસ્કો થાય છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના શાહપુરા તાલુકાની ફુલીયાખુર્દ ગ્રામપંચાયતમાં સોશ્યલ મીડિયા ઇન્ફલુઅન્સર પવન સાહુ સાથે આવું જ થયું છે. એમના પત્ની કોમલ સાહુને સરપંચની ચૂંટણીમાં ફક્ત ૨૭૭ મત મળ્યા હતા. પવન સાહુના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, દુનિયા આખીમાં એમની ઓળખ છે, પરંતુ ચૂંટણીમાં તેઓ પોતાની પત્નીને ફક્ત ૨૭૭ મત અપાવી શક્યા છે. આવી જ હાલત બીજા ઇન્ફલુઅન્સરોની પણ છે.
મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિ ગંભીર, કલેક્ટરોને ખાસ સૂચના
મહારાષ્ટ્રમાં દુષ્કાળને કારણે ઘાસચારાની તંગી ગંભીર બની છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા મહારાષ્ટ્ર સરકારે જિલ્લા વાર્ષિક યોજના ફંડનો પાંચમો ભાગ ચારા માટે બનાવેલી યોજનાઓ માટે ફાળવ્યો છે. ચારાનો અન્ય ઉપયોગ અટકાવી દેવામાં આવ્યો છે અને પડોશી રાજ્યોમાં ચારો મોકલવા પર પ્રતિબંધ મૂક્યો છે. પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્ય પાલન વિભાગ દ્વારા એક જીઆર બહાર પાડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે ચારા બેંક બનાવવામાં આવે. સુકા ચારાની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવે અને પશુ શિબિરોમાં બાયોમેટ્રિક ટ્રેકીંગ પણ લાગુ કરે. રાજ્યના એડિશનલ સેક્રેટરીએ બનાવેલી એક કમિટિએ આ ઉપાયો સૂચવ્યા હતા. રાજ્ય સરકારે ૩૦૪ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
અભિજીત દિપકેની ટીકા પર દિલજીત દોસાંઝનો જવાબ
દિલ્હીમાં ઓરા ટુર ૨૦૨૬ના પરફોર્મન્સ વચ્ચે દિલજીત દોસાંઝએ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેના નિવેદનનો જવાબ આપ્યો હતો.
દિપકેએ કહ્યું હતું કે, કલાકારોએ સરકાર વિરુદ્ધ એમને ટેકો આપવો જોઈએ, જો તેઓ તેમ કરે તો શું તેમની ફિલ્મ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે? હવે દિલજીતે જવાબમાં કહ્યું છે કે પંજાબીને નહીં શીખવો કે લડાઈ કઈ રીતે કરવી. થોડા સમય પહેલા અભિજીત દિપકેએ દિલજીતના શિકાગો કોન્સર્ટમાં ભાગ લીધો હતો. દિલજીતી દિલ્હી કોન્સર્ટ વખતે મંચ પરથી કહ્યું હતું કે, 'હું તમને બધાને પ્રેમ કરૂ છું, કારણ કે હું એક આર્ટીસ્ટ છું. હું ચૂપ છું તો મને ચૂપ જ રહેવા દો. હું તમારા બધાને ટેકો આપું છું પરંતુ પંજાબીઓને લડતા શીખવવું જોઈએ નહીં.'
તામિલનાડુની જેલમાંથી ૧૭ કેદી ફરાર, ૨૭ કર્મચારીઓ સસ્પેન્ડ
તામિલનાડુના થેની જિલ્લાની જેલમાંથી ૧૭ કેદીઓ ફરાર થઈ જવાથી મુખ્યમંત્રી જોસેફ વિજય ખુબ નારાજ છે.
જેલની સુરક્ષામાં મોટી ખામી જણાતા એમણે ડેપ્યુટી જેલ સુપ્રિટેન્ડેન્ટ સહિત બીજા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. સાથે જ રાજ્યની તમામ જેલોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. ૨૬મી ઓક્ટોબરે આ ઘટના બની હતી.
થેની જિલ્લાની થેક્કમપટ્ટી ઉપજેલમાં બંધ ૧૭ કેદીઓએ ભાગતા પહેલા મેડીકલ ઇમર્જન્સીનું નાટક કર્યું હતું. ત્યાર પછી તેઓ જેલના કર્મચારીઓને બંદી બનાવી ભાગી ગયા હતા. જોકે તમામ ફરાર કેદીઓને ફરીથી પકડી લેવામાં આવ્યા હતા. બનાવ પછી મુખ્યમંત્રીએ જેલની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી જેલ સુપ્રિટેન્ડેન્ટ એન રામ લિંગમને તાત્કાલીક સસ્પેન્ડ કર્યા હતા.
કેનેડા બનશે યુરોપીય સંઘનું પહેલું 'એસોસીએટ સભ્ય'
કેનેડા અને યુરોપીય સંઘ (ઇયુ)એ સંબંધો સુધારીને એક મોટુ પગલુ ભર્યું છે. બંને પક્ષ એટલે કે કેનેડા અને યુરોપીય સંઘ પહેલા 'એસોસીએટ સભ્ય' બનવાની દીશામાં કામ કરશે. આ વ્યવસ્થા પૂર્ણ સભ્ય બનવાથી એક કદમ પાછળ હશે, પરંતુ એને કારણે કેનેડા, યુરોપીય સંઘ સાથે આર્થિક, વ્યાપારીક, ટેક્નીકલ અને રક્ષા સહયોગ કરી શકશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ શુક્રવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ જાહેરાત કરી હતી. એમણે લખ્યું હતું કે કેનેડા હવે યુરોપીય સંઘનું પહેલું એસોસીએટ સભ્ય બની શકશે. કાર્નીએ લખ્યું હતું કે 'મોન્ટ્રેએલમાં મળેલી બેઠકમાં બંને પક્ષોએ ૨૦ થી વધુ નવા ઉપાયો પર સમતી દર્શાવી છે.' યુરોપીય પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ આ સમજૂતીને એક ઐતિહાસીક ગણાવ્યું છે.
હવે એક્સપાયરીની નજીકવાળી દવાઓ ભારત નહીં આવે
બિમારીમાંથી સાજા થવા માટે મોટા ભાગના દર્દીઓ દવા પર આધાર રાખતા હોય છે. ઘણી વખત વિદેશથી આયાત કરવામાં આવતી દવાઓની એક્સપાયરી ડેટ નજીક હોવાને કારણે દર્દીઓ માટે સંકટ ઉભુ થાય છે. આવી દવાનો ઉપયોગ કરતી વખતે કે સ્ટોક પડી રહેવાને કારણે દવા નકામી થઈ શકે છે.
આ સમસ્યાનો રસ્તો કાઢતા કેન્દ્ર સરકારે દવા આયાત કરતા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે દેશમાં આયાત થતી દવાઓની એક્સપાયરી ડેટ નજીકની હોય તો ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ વાત એ છે કે નવા નિયમોને કારણે દવા કંપનીઓ અને આયાતકારોએ પોતાની સપ્લાય ચેન અને સ્ટોક સંગ્રહ બાબતે વધુ સાવધ રહેવું પડશે. કેન્દ્ર સરકારે એક વર્ષથી ઓછા એક્સપાયરી સમયની દવાના આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.