અમરનાથ યાત્રા પર ગંભીર હુમલાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : આગામી અમરનાથ યાત્રા બાબતે દેશની જાસૂસી સંસ્થાઓએ સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓનું કહેવું છે કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર, ખૈબર પખ્તૂનખ્ખા અને બલુચીસ્તાનમાં બગડી રહેલી પરિસ્થિતને કારણે પાકિસ્તાન ધ્યાન ભટકાવવા માંગે છે. લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ અમરનાથ યાત્રા વખતે મોટો આતંકવાદી હુમલો કરાવે એવી શક્યતા છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૩જી જુલાઈથી શરૂ થઈ રહી છે. ખાસ કરીને પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે દેખાવો થઈ રહ્યા છે અને ઇસ્લામાબાદ ચિંતામાં છે. અફઘાનિસ્તાન પર પાકિસ્તાને કરેલો હવાઇ હુમલો પણ અંદરના દબાણથી ધ્યાન બીજે હટાવવા માટે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૩૫ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આઇએસઆઇ પ્રેરિત આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના જંગલમાં છુપાઈને સ્થાનિક સંપર્કોનો કોન્ટેક્ટ કરવાની કોશિષ કરે છે.
લોકસભામાં બહુમતિ વધારવા એનડીએ શોધે છે ફોર્મ્યુલા
સરકાર લોકસભાની બેઠકો વધારવા માટે કેટલાક નવા ફોર્મ્યુલા વિચારી રહી છે. દક્ષિણના રાજ્યોની ચિંતા દુર કરવા માટે દરેક રાજ્યમાં લોકસભાની બેઠકોની સંખ્યા ૫૦ ટકા જેટલી વધારવાનો પ્રસ્તાવ રજૂ થઈ શકે. સરકાર મહિલા અનામત કાયદો લાગુ કરવા માટે નવું બીલ રજુ કરવાની તૈયારી કરી રહી છે. નવુ બીલ એ રીતે તૈયાર થઈ રહ્યું છે કે, દક્ષિણના રાજ્યોની ચિંતા ઓછી થાય. દક્ષિણના રાજ્યોને ચિંતા છે કે જો વસ્તીને આધારે સિમાંકનની પ્રક્રિયા નક્કી થાય તો લોકસભામાં એમની તાકાત ઓછી થઈ જશે. પહેલું બીલ ૧૭મી એપ્રિલે પસાર થઈ શક્યું નહોતું, કારણ કે સરકાર પાસે ૨/૩ બહુમતિ નહોતી. નવા ડ્રાફ્ટમાં ૨૦૧૧ની વસ્તી ગણતરીને આધારે રાજ્યોની બેઠકો નક્કી કરવામાં આવશે એવું વિચારાય રહ્યું છે.
વિહિપએ ચંપત રાયને પડતા મૂક્યા
અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની થયેલી ચોરીના વિવાદ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદએ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટ મહામંત્રી ચંપત રાયથી અલગ થવાનું નક્કી કર્યું છે. ચંપત રાયએ લીધેલા નિર્ણયો સાથે વિહિપને લાગતુ વળગતું ન હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વિહિપએ સંપૂર્ણ કિસ્સાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માંગણી કરી છે. વિહિપના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારએ કહ્યું છે કે, રામ મંદિરના નિર્માણ પછી ટ્રસ્ટે લીધેલા નિર્ણયોની જવાબદારી વિહિપની નથી. રામ જન્મભૂમિ આંદોલનનો ઉદ્દેશ પૂર્ણ થતા વિહિપની ભૂમિકા પુરી થઈ ગઈ હતી. આલોક કુમારએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, 'ચંપત રાયએ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી તરીકે લીધેલા નિર્ણયોથી હું મારી જાતને અલગ કરૃં છું.'
'દેવેન્દ્ર ફડણવીસ પીએમ પદ માટે દાવો કરશે તો મારો ટેકો'
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે, તેઓ દેવેન્દ્ર ફડણવીસના શુભચિંતક છે. જો ફડણવીસ વડાપ્રધાન બનવા માંગતા હોય તો તેઓ એમને ટેકો આપશે. ઠાકરેએ પત્રકારોને એમ પણ કહ્યું હતું કે, 'જો ફડણવીસ વિચારતા હોય કે હું એમનો દુશ્મન છું તો હું કહી દઉં કે હું એમનો શુભચિંતક છું. હું એમના મનની વાત કરી રહ્યો છું. એવું આયોજન થઈ રહ્યું છે કે ૨૦૨૯માં ફડણવીસ વડાપ્રધાનપદની રેસમાં સામેલ થઈ શકે નહીં. જો મહારાષ્ટ્રની કોઈ વ્યક્તિ વડાપ્રધાન બનતી હોય તો મારા પક્ષનો એમને ટેકો છે.' હકીકતમાં ઉદ્ધવ ઠાકરે ફડણવીસ પર કટાક્ષ કરવા માંગતા હતા. ત્યાર પછી એમણે તરત જ કહ્યું હતું કે જો ફડણવીસ વડાપ્રધાન બનવાની ઇચ્છા રાખતા હોય તો તેઓ પક્ષમાં ટકી શકે પણ નહીં. આવો વિચાર પણ એમને માટે રાજકીય આત્મહત્યા જેવો ગણાય.
કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ ૨૩ વિરોધ પક્ષોની કાર્યવાહી
એસઆઇઆર અભિયાન બાબતે ઇન્ડિયા ગઠબંધન, ચૂંટણી કમિશન અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરે છે. હવે ઇન્ડિયા ગઠબંધને આ મામલે મોટી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. એસઆઇઆર, 'મતની લૂંટ'નો આક્ષેપ અને ચૂંટણીમાં થયેલી ગરબડ બાબતે વિરોધ પક્ષોએ ચીફ જસ્ટીસ સૂર્યકાંતને પત્ર લખ્યો છે. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશએ સોશ્યલ મીડિયા એક્સ પર આ બાબતે પોસ્ટ મૂકી છે. જયરામ રમેશએ લખ્યું છે કે, '૮ જૂન, ૨૦૨૬ને દિવસે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી, જેમાં ૨૧ રાજકીય પક્ષો અને ૧ અપક્ષ ઉમેદવારે ભાગ લીધો હતો. બેઠકમાં ચીફ જસ્ટીસને એક સંયુક્ત પત્ર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પત્ર લખવાનો ઉદ્દેશ એસઆઇઆરનું અભિયાન અને ચૂંટણીને લગતા બીજા કેટલાક મુદ્દાઓ હતો. એ નિર્ણયને કારણે આજે ચીફ જસ્ટીસને એક સંયુક્ત પત્ર મોકલવામાં આવ્યો છે, જેના પર ૨૩ રાજકીય પક્ષો અને ૧ અપક્ષ ઉમેદવારની સહી છે.'
ભૂતપૂર્વ તંત્રી બોલ્યા 'આ અપમાનજનક છે'
કોલકત્તાથી પ્રકાશિત થતા એક અંગ્રેજી દૈનિક અખબારના ભૂતપૂર્વ તંત્રીનું નામ એસઆઇઆર અભિયાનને કારણે મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું હતું. નામ કમી થઈ જવાને કારણે ભૂતપૂર્વ તંત્રીનું પાસપોર્ટ વેરીફિકેશન પેન્ડીંગ રહી ગયું છે. તંત્રીએ આ વાતને બેહદ અપમાનજનક ગણાવી છે. એમણે એક નિવેદનમાં કહ્યું છે કે, 'મારૂ નામ એકાએક મતદાર યાદીમાંથી દુર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમે મત આપી શકશો નહીં. એક નાગરીક માટે આનાથી વધુ અપમાનજનક કઈ હોઈ શકે નહીં. મતદાન તમારો પવિત્ર અધિકાર છે.' વોટર લીસ્ટમાંથી નામ રદ થયા પછી આ પત્રકારનો પાસપોર્ટ પણ અમાન્ય થઈ ગયો છે. આ ભૂતપૂર્વ તંત્રી જે અખબાર એડીટ કરતા હતા એમા છપાતા સમાચારોથી ભાજપના કેટલાક નેતાઓ નારાજ હોવાનું મનાય છે.
રામ મંદિર વિવાદમાં સબરીમાલાની ચોરી ભૂલાઈ ગઈ
અયોધ્યાના શ્રી રામ મંદિરના ચઢાવામાં થયેલી ચોરીનો વિવાદ ચગ્યો એટલે કેરળના સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીનો વિવાદ થોડા સમય માટે ભૂલાઈ ગયો છે. જોકે કેરળના સ્થાનિક લોકો આ ઘટના ભૂલ્યા નથી. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ ભાર દઈને કહેવું પડયું છે કે સબરીમાલા મંદિરમાંથી થયેલી સોનાની ચોરી કેસમાં જવાબદારોએ ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ બાબતની તપાસ કરવા માટે નીમાયેલી એસઆઇટી પાછળ કોઈ રાજકારણ નથી. કેરળ હાઇકોર્ટે એસઆઇટીની રચના કરી છે અને તપાસ એની દેખરેખ હેઠળ ચાલી રહી છે. ગૃહમંત્રીનું કહેવું હતું કે આ તપાસમાં સરકારની કોઈ ભૂમિકા નથી. ગૃહમંત્રી બન્યા પછી એસઆઇટીના કોઈપણ સભ્યને તેઓ મળ્યા નથી અને એ બાબતે કોઈ હુકમ પણ આપ્યો નથી.




