દિલ્હીના પ્રદુષણ પર રાજકીય સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : જ્યારે શિયાળો આવે છે ત્યારે દિલ્હીમાં પ્રદુષણ વધી જાય છે. દરેક રાજકીય પક્ષ આ માટે અલગ અલગ કારણો આપે છે. ત્યાર પછી શરૂ થાય છે રાજકીય બહાનાબાજી અને આક્ષેપો. દિલ્હીમાં જે સરકાર હોય એ પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો જે પાક સળગાવે છે એને જવાબદાર ગણે છે જ્યારે વિરોધ પક્ષો સરકારની અણઆવડતને જવાબદાર ગણાવે છે. હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ દિલ્હીમાં વધતા પ્રદુષણ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારને સાથે રહીને કામ કરવા અપીલ કરી છે. એમણે કહ્યું છે કે હમણાની પરિસ્થિતિ એવી છે કે, જ્યારે કેન્દ્ર સરકારની સાથે દિલ્હી, હરિયાણા અને પંજાબની સરકારોએ હવે બેસીને પ્રદુષણ ઓછુ કરવાની યોજના બનાવવી જોઈએ. આ માટે રાજકીય ઇચ્છા શક્તિ જરૂરી છે.
રાહુલ ગાંધીએ અમિત શાહને કહ્યું, મોદીને સમજાવો
રાહુલ ગાંધીએ ફરી એક વખત નરેન્દ્ર મોદીને ઓપન ડીબેટ માટે ચેલેન્જ કર્યા છે. એમણે કહ્યું છે કે કોઈપણ મંચ પર, કોઈ પણ સમયે અને કોઈપણ જગ્યાએ તેઓ વડાપ્રધાન સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે કે, તેઓ વડાપ્રધાનને આ ચર્ચા માટે મનાવે અને એમને ભ્રમિત નહીં કરે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'અમિત શાહજી, મોદીજીને ભ્રમિત નહીં કરો. એમને મારી સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે મનાવી લો. કોઈપણ મંચ પર, કોઈ પણ સમયે. ગભરાવ નહીં.' ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે એવી ટીપ્પણી કરી હતી કે જો રાહુલ ગાંધીએ ચર્ચા કરવી હોય તો સંસદમાં કરે અમે તૈયાર છીએ. જો કોંગ્રેસની તૈયારી હોય તો અમે આ માટે વિશેષ સત્ર બોલાવવા માટે પણ તૈયાર છીએ.
સરકાર ઉથલાવવા ૩૦ કરોડની ઓફર?
મદુરાઇમાં તમીલગા વેતરી કડગમ (ટીવીકે)ના ધારાસભ્યને લાંચ આપવાની કોશિષ કરવાના આરોપ હેઠળ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવીડ મુનેત્ર કડગમ (એઆઇએડીએમકે)ના નેતા અને મદુરાઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર પી એમ મનનની ધરપકડ કરવામાં આવી છે. જોકે ધરપકડ પછી થોડા કલાકોમાં જ કોર્ટે એમને ૨૫ હજાર રૂપિયાના જાત જામીન પર છોડી દીધા છે. આરોપ છે કે મનનએ અવિશ્વાસ પ્રસ્તાવ વખતે ટીવીકેના ધારાસભ્યને સરકાર વિરુદ્ધ મત આપવા માટે ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી. આરોપ હતો કે, મનનએ મદુરાઈ સેન્ટ્રલથી ચૂંટાયેલા ટીવીકેના ધારાસભ્ય મધર બદરુદ્દીન જેને મુસ્તફા નામથી પણ ઓળખવામાં આવે છે એમને ફોડવાની કોશિષ કરી હતી. કિસ્સાની તપાસ માટે પોલીસે ખાસ ટીમ બનાવી છે.
ઝોમેટોના સ્થાપકના નવા તીકડમથી ડોક્ટરો નારાજ
મગજમાં લોહીના ભ્રમણથી માંડીને શરીર પર પડતા ઓર્ગેનિક તણાવ સુધીની જાણકારી ફક્ત ૮૫ હજાર રૂપિયાના ડિવાઇસ ટેમ્પલથી મળી જશે એવી વાત ઝોમેટોના સ્થાપક દિપીદર ગોયલએ કરી છે. જોકે આ ટેક્નીક સામે ડોક્ટરોએ પ્રશ્નો કર્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ડિવાઇસની ઉપયોગીતા જે રીતે સાબિત કરવામાં આવે છે એની કોઈ વૈજ્ઞાનિક કે સ્વતંત્ર શોધ કરવામાં આવી નથી. લમણા સાથે ચોંટાડવાનું આ ડિવાઇસ નાની ગોળી આકારનું છે જેમાં પ્રકાશ આધારીત સેન્સર લગાડવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડિવાઇસ બ્રેેઇનફલો દ્વારા મગજમાંના લોહિના ભ્રમણ 'એન્ટ્રોપી' સ્કોર દ્વારા શરીર પર પડનાર ઓર્ગેનિક દબાણ માપી શકશે. ડિવાઇસ ત્વચાની નીચેની રક્તવાહીનીઓ મારફકે સંદેશો લે છે જેને કારણે મગજમાં થતું લોહીનું ભ્રમણ માપવાનો દાવો સાચો લાગતો નથી.
મતુઆ સંપ્રદાયની પ્રતિક્ષા પૂરી થશે?
પશ્ચિમ બંગાળમાં સીએએને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ જાહેરાત કરી હતી કે, સીએએ હેઠળ નાગરીકતા મેળવવા માટે યોગ્ય તમામ લોકોની અરજીઓનો નિકાલ ૩૧મી ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે. એમણે વચન આપ્યું છે કે કોઈપણ યોગ્ય વ્યક્તિ નાગરીકતા મેળવવાથી વંચીત નહીં રહે.
નિશ્ચિત સમયમાં દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે. નદિયા જિલ્લાના અરંગહાટા ખાતે આવેલા કાલી પૂજા પંડાલનું ઉદઘાટન કરવા ગયેલા શુભેંદુ અધિકારીએ કહ્યું હતું કે નદિયા અને ઉત્તર ૨૪ પરઘણા જિલ્લામાં સીએએ હેઠળ લગભગ ૨.૫ લાખ અરજીઓ મળી છે. આ બંને જિલ્લા બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા છે. અહીં બાગ્લાદેશના ઘૂસણખોરોની મોટી વસ્તી હોવાનું કહેવાય છે એમા મતુઆ સંપ્રદાયના લોકો પણ છે જેઓ લાંબા સમયથી ભારતની નાગરીકતા માંગી રહ્યા છે.
કોલકત્તા મહાનગરપાલિકાની ચૂંટણી હાઇકોર્ટે અટકાવી
પશ્ચિમ બંગાળમાં કોલકત્તા મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી કલકત્તા હાઇકોર્ટના હુકમને કારણે અટકી ગઈ છે. હાઇકોર્ટની ખંડપીઠે ચૂંટણી કમિશનને સૂચના આપી છે કે વોર્ડ સિમાંકન સાથે જોડાયેલી અરજી પર બેંચનો નિર્ણય આવતા પહેલા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે નહીં. મામલો એટલા માટે અગત્યનો છે કે કોલકત્તા નગરનિગમમાં વોર્ડોની સંખ્યા હમણા ૧૪૪થી વધારીને ૨૦૯ કરવાની તૈયારી છે. આ સિમાંકનને ચેલેન્જ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ શબ્યસાચી ભટ્ટાચાર્ય અને જસ્ટીસ અર્જૂન રે મુખર્જીની બેંચે આ હુકમ કર્યો છે. અરજી કરનાર અને કોલકત્તા મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર દીપુ દાસે સિમાંકન પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવીને જાહેરનામુ રદ કરવા માટે દાદ માંગી હતી. એમનું કહેવું છે કે વોર્ડોની સિમા નક્કી કરતી વખતે વાસ્તવીક વસ્તીની ગણતરી કરવાને બદલે મતદાર યાદીને આધાર બનાવવામાં આવી હતી.
અભિષેક બેનર્જીના ઘરની બહાર અડધી રાત્રે બબાલ
કોલકત્તામાં તૂણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના ઘરની બહાર મોટી બબાલ થઈ હતી. આ બબાલ એમના જન્મદિવસની ઉજવણી વખતે થઈ હતી.
ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. અભિષેક બેનર્જીનો આરોપ છે કે ભાજપના સમર્થકોએ એમના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી અને પથ્થરોથી હુમલો કર્યો હતો.
એમના કહેવા પ્રમાણે છેલ્લા છ મહિનામાં એમનો જીવ લેવા માટે સાતમી વખત કોશિષ કરવામાં આવી છે. જોકે ભાજપએ આ આરોપોને નાટક ગણાવ્યું છે. કોલકત્તાના કાલીઘાટ સ્થિત અભિષેક બેનર્જીના રહેઠાણે રાત્રે લગભગ ૨ વાગ્યે બંને પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી. એ વખતે ટોળામાંથી કોઈકને ચોર કહીને સૂત્રોચ્ચાર થયા હતા. ત્યાર પછી વિવાદ વધી ગયો હતો. કેટલાક કાર્યકરોને ઝપાઝપીમાં ગંભીર ઇજા પણ થઈ હતી.




