ભારતીય રાજનીતિ માટે ઓક્ટોબર મહિનો અગત્યનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ભારતીય રાજનીતિ માટે ઓક્ટોબર મહિનો ખૂબ વ્યસ્ત રહેશે. સપ્ટેમ્બર મહિનામાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) વખતથી સક્રિય રહેલી ભારતીય કુટનીતિ આ મહિનામાં પણ નવી દિલ્હી માટે મહત્વપૂર્ણ રહેવાની છે. આ મહિના દરમિયાન ભારતીય કુટનીતિના એજન્ડામાં યુરોપ, અમેરિકા, હિન્દ-પ્રશાંત સાથે જોડાયેલા અગત્યના કાર્યક્રમો છે. સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિંગ ૫ થી ૭ ઓક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસે છે. ભારત - ઇએફટીએ વેપાર સમજૂતી, અમેરિકા સાથેના સંપર્ક તેમજ ક્વાર્ડ અને જી-૨૦ બેઠક જેવા મુદ્દાઓ વિશે પણ આ મહિનામાં ચર્ચા થશે. ઓક્ટોબર મહિનામાં ભારત - અમેરિકા સંબંધોની રાજનીતિ વિશે પણ ઉચ્ચસ્તરે ચર્ચા થઈ શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીયો આ મહિનામાં ભારત આવવાના છે. ક્વાર્ડના સ્તર પર ઓક્ટોબર મહિનામાં વિદેશ મંત્રીઓની બેઠક થશે.
સીજેપીના વિરોધમાં ઉદ્ધવ - રાજ પણ જોડાશે
દિલ્હીમાં મળેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. એમણે કોંગ્રેસને એકલા આંદોલન નહીં કરવાની સલાહ આપી હતી. કોંગ્રેસ મુંબઈ સહીત સમગ્ર મહારાષ્ટ્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે ભાજપ વિરોધી પક્ષોએ એક મંચ પર આવીને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવો કરવા જોઈએ. ઉદ્ધવ ઠાકરે અને એમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શનને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજ અને ઉદ્ધવ ૪થી ઓક્ટોબરે સંયુક્ત મોરચો પણ કાઢશે. બંને પિતરાઈ ભાઈઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેપીને ટેકો જાહેર કર્યો હતો. ઉદ્ધવે કહ્યું હતું કે અમે આ વિરોધ પ્રદર્શનનું સમર્થન કરીએ છીએ, જોકે એનો મતલબ એ નથી કે અમે એક બીજાના વિરોધ પ્રદર્શનની જગ્યાએ જઈશું.
જેપીસીની કામગીરી બાબતે કોંગ્રેસના સવાલ
કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલએ લોકસભાના સ્પિકર ઓમ બીરલાને પત્ર લખીને 'ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૬'ને ચકાસી રહેલી જોઇન્ટ પાર્લામેન્ટ્રી કમીટી (જેપીસી)ના કામકાજ બાબતે ચિંતા દર્શાવી છે. એમણે આ બાબતે વધુ વાતચીતની માંગણી કરી છે. સોશ્યલ મીડિયા એક્સ પર મૂકેલી એક પોસ્ટમાં વેણુગોપાલએ આ માહિતી આપી હતી. એમણે લખ્યું છે કે આ એક અતિ સંવેદનશીલ બિલ છે. આ બીલની અસર લઘુમતી તેમજ સિવિલ સોસાયટીના સભ્યો પર વ્યાપક થવાની શક્યતા છે. જેપીસીનો ઉદ્દેશ તમામ સ્ટેકહોલ્ડર્સ પાસેથી ઇનપૂટ લેવા તેમજ ફરીથી રજુ કરતા પહેલા ડ્રાફ્ટ બિલની ઝીણવટભરી તપાસ કરવાનો હતો. શું વ્યાપક ફીડબેક મેળવાયા છે કે તપાસ પ્રક્રિયા પુરી કરવામાં આવી છે? અમારૂ માનવું છે કે જેપીસીમાંથી પસાર થનાર કોઈપણ બિલ ક્ષતિ વગરનું હોવું જોઈએ.
રાહુલ ગાંધીએ ફોર્મ-૬ બાબતે પ્રશ્નો કર્યા
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફોર્મ-૬ બાબતે સવાલો કર્યા છે. એમણે સોશ્યલ મીડિયા પર આ બાબતે લખ્યું છે કે, ફોર્મ-૬ બદલવાનો હુકમ કોણે કર્યો હતો? ફોર્મ-૬માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણી કમિશનના કમિશનરોએ આ બાબતે વાંધો લીધો છે. રાહુલ ગાંધીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસને લઈને પણ સવાલ કર્યો છે. એમણે લખ્યું છે કે, 'ચૂંટણી કમિશનમાંથી કોણે ટાટા કન્સલ્ટન્સી સર્વિસને આ ફેરફાર કરવાની સૂચના આપી હતી? ટીસીએસમાં કોણે આના પર સહી કરી હતી? શું આમ કરવા માટે ટીસીએસ પર દબાણ લાવવામાં આવ્યું હતું?' કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશનો દાવો છે કે, ફોર્મ-૬માં થયેલો ફેરફાર પીએમ - એચએમની જોડીએ કરાવ્યો છે. ફોર્મ-૬માં ફેરફાર જુલાઈ ૨૦૨૬ના મધ્યમાં મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ગેરબંધારણીય રીતે કરવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં પણ પાયલોટો અને કેબિન ક્રુએ પ્રવાસીઓના જીવ બચાવ્યા છે
દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફલાઇદુબઈની ફલાઈટમાં સહપાયલટએ કેપ્ટન સ્મિત મચ્છર પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઘાયલ થયા પછી પણ સ્મિતે હિંમત પૂર્વક કોકપીટનો દરવાજો ખોલી પ્રવાસીઓનો જીવ બચાવ્યો હતો. જોકે આ પ્રકારની હિંમતનું પ્રદર્શન ભૂતકાળમાં પણ કેટલાક પાયલટ અને ક્રુએ કર્યું છે. ૧૯૮૬માં પેનએએમની ફાલાઇટ મુંબઈથી ન્યુયોર્ક જઈ રહી હતી. પ્લેન પાકિસ્તાનના કરાંચી એરપોર્ટ પર ઉભુ રહ્યું હતું ત્યારે ચાર આતંકવાદીઓ પ્લેનમાં ઘૂસી ગયા હતા અને પ્રવાસીઓને બંધક બનાવ્યા હતા. પ્લેનમાં ૨૪ વર્ષની નિરજા ભનોત એરહોસ્ટેસ હતી. નિરજાએ હિંમત કરીને જોખમની જાણકારી પાયલટને આપી દીધી જેને કારણે ૩૭૯ પ્રવાસીઓના જીવ બચ્યા હતા. જોકે નિરજાની હત્યા આતંકવાદીઓએ કરી હતી. ૨૦૦૯માં આ રીતે અમેરિકા એરલાઇન્સનું એક વિમાન ઉડયું કે તરત પક્ષીઓ સાથે અથડાયું હતું જેને કારણે બંને એન્જિન નિષ્ફળ થતા બે પાયલટોએ વિમાન હડસન નદીમાં ઉતારી ૧૫૦ પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા.
રામ મંદિર દાનચોરી મામલે સુપ્રિમ કોર્ટ જલ્દી સુનાવણી કરશે
અયોધ્યા રામ મંદિર ચઢાવામાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલા કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટ બીજી નવેમ્બરે કરશે. આ સુનાવણી શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહામંત્રી ચંપત રાય અને બીજાઓ સામે પગલા લેવાની માંગણી કરતી અરજી પર થશે. આ અરજી અખિલ ભારત હિન્દુ મહાસભાએ દાખલ કરી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ચંપત રાય રામ મંદિર નિર્માણ દરમિયાન મળેલા પૈસાની ગેરરીતિ સાથે જોડાયેલા છે. અરજીમાં માંગણી થઈ છે કે ચંપત રાય અને બીજા દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે હમણાના ટ્રસ્ટને ભંગ કરીને નવેસરથી ટ્રસ્ટ બનાવવાની માંગણી પણ કરવામાં આવી છે. આ કેસ ભારતના સીજેઆઇની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આવ્યો હતો. બેંચે આશ્વાસન આપ્યું છે કે, આ અરજીને રામ મંદિરની દાનચોરી સંબંધે કરવામાં આવેલી બીજી અરજીઓ સાથે જ સાંભળવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ખેડૂતો પર સંકટ વધ્યું
ઉંચાઈથી જોતા મરાઠાવાડ ભલે હર્યુભર્યું દેખાતું હોય, પરંતુ જમીની હકીકત કંઈ જુદી છે. ખેતરોમાં ઉભેલી સોયાબીન પીળી થઈ ગઈ છે, કપાસનું ઉત્પાદન અટકી ગયું છે, તુવેર સુકાઈ ગઈ છે અને શેરડી સામાન્ય ઊંચાઈ સુધી પહોંચે એ પહેલા જ મરી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠાવાડના ત્રણ જિલ્લા લાતુર, બીડ અને ધારાશિવમાં ૮૦ ટકા પાક નષ્ટ પામ્યો છે. આ વિસ્તારમાં ચોમાસુ અતી નબળુ રહ્યું છે. દુષ્કાળની અસર ફક્ત ખેતરો સુધી સીમીત રહી નથી. આ અસર પશુઓના ચારા, ગ્રામીણ મજૂરી, સામાન્ય માણસની મિલકત પર પણ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના નદી અને તળાવોમાં ૧૨ ટકા પાણી જ બચ્યું છે. દિવસે દિવસે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેડૂતોની પરિસ્થિતિ અતિ ગંભીર થઈ રહી છે.




