મોદીની ઓસ્ટ્રેલિયા વિઝીટ ટાણે નવી મુસીબત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ભારતની ૪૪ ફ્યુમીગેશન (કીટ નિરીક્ષક) સેવા આપનાર કંપનીઓને ઓસ્ટ્રેલિયાએ મોટો આંચકો આપ્યો છે. આ તમામ કંપનીઓના લાયસન્સ ઓસ્ટ્રેલિયાએ રદ કર્યા છે. આ નિર્ણય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત ટાણે જ લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ભારતથી ઓસ્ટ્રેેલિયા મોકલનાર બાસમતી ચોખા અને બીજા કૃષિ ઉત્પાદનોની નિકાસ પર અસર પડી શકે છે. નિકાસનો ખર્ચ વધવાની સાથે માલની નિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની બાયો સિક્યોરીટી એજન્સીએ ઓડિટ પછી આ કાર્યવાહી કરી છે. જે કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે એમાં હરિયાણાની પાંચ અને પંજાબની ત્રણ કંપની છે. ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે જે નિકાસકારોએ ફ્યુમીગેશન આ રદ થયેલી કંપની પાસે કરાવ્યું હશે એમણે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી ફરીથી ફ્યુમીગેશન કરાવવું પડશે.
મા બગલામુખી ચઢાવાનો વિવાદ વકર્યો
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપો પછી મધ્યપ્રદેશના જાણીતા મા બગલામુખી મંદિર, નલખેડામાં દાન અને ચઢાવા બાબતે કહેવાતા નાણાકીય ગોટાળાની વાત બહાર આવવાથી રાજકારણ ગરમાયું છે. શ્રદ્ધાળુઓના રોકડ દાન, સોના-ચાંદીના આભુષણો અને ચઢાવાના હિસાબમાં ગરબડ થઈ હોવાની ફરિયાદ મળતા જીલ્લા વહીવટી તંત્રએ ત્રણ સભ્યોની તપાસ સમીતી બનાવી છે. ૭ દિવસની અંદર તપાસ સમીટીને રીપોર્ટ સોપી દેવા કહેવામાં આવ્યું છે. આ બાબતે કોગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે. ધર્મ અને સંસ્કૃતિ મંત્રી ધર્મેન્દ્ર લોઢીએ તપાસ પછી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. આગર -માલવાના કલેક્ટર પ્રીતિ યાદવએ હમણા જ મા બગલામુખી મંદિરની અચાનક મુલાકાત લીધી હતી. એ વખતે દાન અને ચઢાવામાં થયેલી ગરબડ બહાર આવી હતી.
અખિલેશ યાદવે ભાજપના સાંસદને બદનક્ષીની નોટીસ મોકલી
રામ મંદિર દાન વિવાદમાં ચોરીના આરોપી રમાશંકર યાદવ ઉર્ફ ટીન્નુ યાદવને લઈને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને ભાજપના સાંસદ નીશિકાંત દુબે વચ્ચે રાજકીય વિવાદ થયો છે. અખિલેશ યાદવએ સપા પ્રદેશ પ્રમુખ કે કે પાલ દ્વારા નીશિકાંત દુબેને બદનક્ષીની નોટીસ મોકલી છે. સમાજવાદી પાર્ટીના નેતાઓએ ઇટાવાની ફ્રેન્ડ્સ કોલોનીના પોલીસ સ્ટેશનમાં દુબે અને બીજી વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદનો જવાબ આપતા દુબેએ કહ્યું હતું કે, 'ભારતીય ન્યાય સંહિતાના કાયદા પ્રમાણે ખુદ અખિલેશ યાદવે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરવી પડે. કાયદાનું પાલન કરો.' સાંસદે સોશ્યલ મીડિયા એક્સ પર પણ એક પોસ્ટ મૂકી છે. પોસ્ટમાં એમણે લખ્યું છે કે, 'અખિલેશજી વકીલો તમને આ રીતે બદનામ કરે છે. બદનક્ષી તમારી થઈ હોય તો નોટીસ પણ તમારે આપવી પડે. કાયદો તો એમ જ કહે છે. આ કાયદો બનાવનાર કમીટીમાં હું પણ સભ્ય હતો એટલે મને જાણકારી છે.'
મોદી મામલે પ્રિયંકા ચર્તુવેદી કોંગ્રેસ સાથે ભીડયા
કેટલીક વખત એવી ઘટના બને છે કે, રાજકીય સમીકરણ સામાન્ય માણસની સમજમાં આવતા નથી. હમણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયા હતા. એ વખતે ઇન્ડોનેશિયાની સંસદમાં ત્યાના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવના સ્પિકર પુઆન મહારાણી સાથે એમની એક તસવીર પર કોંગ્રેસના એક્સ હેન્ડલ પરથી એક ટીપ્પણી કરવામાં આવી હતી. આ ટીપ્પણી મોદી પ્રત્યેની હોવા છતાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા પ્રિયંકા ચર્તુર્વેદી ભડકી ગયા હતા. તસવીરમાં મોદીની બીજી તરફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવ સુબીઆંતો અને ત્યાના ઉપરાષ્ટ્રપતિ જીબ્રા રાકાબુમીંગ બેઠા હતા. જોકે કોંગ્રેસે જે વિડિયો શેર કર્યો હતો એમાં ફક્ત મહારાણી અને મોદી દેખાતા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે, 'કંટ્રોેલ ઉદય કંટ્રોલ' આ વાત પ્રિયંકા ચર્તુર્વેદીને ખૂંચી હતી. એમણે જવાબ આપ્યો હતો કે, 'કોંગ્રેસને આ શોભા આપતું નથી. ફક્ત મોદીને નિશાન બનાવવા માટે કોઈ મહિલાનો ઉપયોગ કરવાનું બંધ કરો.' એમ લાગે છે કે, ટૂંક સમયમાં કદાચ પ્રિયંકા ચતુર્વેદી ભાજપ સાથે સંબંધ બાંધે તો નવાઈ નહીં.
સિંધુ જળ સમજૂતી પર પાકિસ્તાનની લુખ્ખી ધમકી
સિંધુ જળ સમજૂતી બાબતે શરતોનું પાલન કરવા માટે એક વાર ફરીથી પાકિસ્તાનનું નિવેદન આવ્યું છે. કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલએ ટીવી ચેનલને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, પાકિસ્તાનને એક ટીપુ પણ પાણી મળશે નહીં. આ બાબતે પાકિસ્તાનના વિદેશમંત્રી નારાજ થયા હતા અને એમણે ભારત વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. હવે પાકિસ્તાની લશ્કર અને પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી તરફથી વધુ નિવેદનો કરવામાં આવ્યા છે. એમનું કહેવું છે કે પાણી બાબતે પાકિસ્તાન સાથે જે સમજૂતી કરવામાં આવી છે અને પાકિસ્તાનને જે અધિકાર મળ્યા છે એની રક્ષા પાકિસ્તાન કરશે અને ભારતને બરાબર જવાબ પણ આપવામાં આવશે. આ બાબતે પાકિસ્તાન યુદ્ધ છેડવા પણ તૈયાર છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કરેલું નિવેદન વિદેશ મંત્રાલય કે પીએમઓને પૂછીને કરવામાં આવ્યું હતું કે નહીં એની ખબર નથી.
રામ મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક ગોપાલ રાવે મંદિર પરિસર છોડયું
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચાલી રહેલા વિવાદ વચ્ચે રામ મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક ગોપાલ રાવે મંદિર પરિસર છોડી દીધું છે. એવું જાણવા મળે છે કે ૬ જુલાઈએ મળેલી ટ્રસ્ટની બેઠક વખતે જ તેઓ કારસેવક પુરમમાં શિફ્ટ થઈ ગયા હતા. ગોપાલ રાવને ટ્રસ્ટના વિશેષ આમંત્રિત સભ્યના પદ પરથી પહેલા જ દુર કરી દેવામાં આવ્યા હતા. એ સાથે જ એમનો કાર પાસ પણ લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર પછી મંદિર પરિસરમાં એમની હેરફેર બંધ થઈ ગઈ હતી. ચઢાવા પ્રકરણ અને ત્યાર બાદ ટ્રસ્ટમાં થયેલા ફેરફાર વચ્ચે ગોપાલ રાવે મંદિર પરિસર છોડયું એની ચર્ચા થઈ રહી છે. ટ્રસ્ટ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
લોરેન્સ બિશ્નોઇ ગેંગ વિરુદ્ધ એફબીઆઇનું ઓપરેશન
અમેરિકાની જાસુસી સંસ્થા એફબીઆઇએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. એફબીઆઇ અને એમની બીજી સાત જેટલી સહયોગી એજન્સીઓએ ૭મી જુલાઈએ અમેરિકાના કેલિફોર્નિયા સહિત બીજી અનેક જગ્યાઓએ ઓપરેશન કરીને ઓછામાં ઓછા ૨૦ લોકોની ધરપકડ કરી છે. ગેંગસ્ટર પાસેથી પ્રતિબંધીત સામાન, હથિયારો અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. એફબીઆઇએ આ ઓપરેશનને 'ઓપરેશન હાર્ડ બોલ' નામ આપ્યું છે. એફબીઆઇ અને એના એજન્ટોના નેતૃત્વમાં અમેરિકા, કેનેડા અને યુરોપમાં લગભગ ૫૦ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પ્રતિબંધીત સામાન જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ડ્રગ્સનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઇની ગેંગના સાથીદારો ગોલ્ડી બરાડ અને જગ્ગુ ભગવાનપુરીયાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.









