Delhi ni Vaat

સંસદના ઇતિહાસમાં નવો રેકોર્ડ, 40 દિવસ પછી પણ ચોમાસુ સત્ર ચાલુ

By GS Team
23 Sep 20265 mins read
TukuTouch Logo
સંસદના બંને ગૃહો 40 દિવસથી સ્થગિત હોવા છતાં, ઔપચારિક રીતે સત્ર પૂરું કરાયું નથી. સરકાર 2029ની ચૂંટણી પહેલાં મહિલા અનામત કાયદો લાવવા વિચારે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 12 બેઠકો માટે 16 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. કેરળમાં ABVP એ SFI નો ગઢ ગણાતી ત્રિપુનીથુરા સરકારી સંસ્કૃત કોલેજ યુનિયનની તમામ બેઠકો જીતી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસદના ઇતિહાસમાં નવો રેકોર્ડ, 40 દિવસ પછી પણ ચોમાસુ સત્ર ચાલુ

નવીદિલ્હી : સંસદના ચોમાસુ સત્રના બંને ગૃહો સ્થગીત થયાના ૪૦ દિવસ પછી પણ ઔપચારીક રીતે પુરા થયેલા જાહેર કરવામાં આવ્યા નથી. એવી અટકળો થઈ રહી છે કે, સરકાર કદાચ નવુ સત્ર બોલાવ્યા વગર જ કોઈ અગત્યનો કાયદો લાવવા માંગે છે. જાણકારોના કહેવા પ્રમાણે બંને ગૃહો ૪૦ દિવસ સુધી સ્થગીત રહ્યા એ એક રેકોર્ડ છે. ૨૦૧૫માં સંસદના બંને ગૃહો ૨૮ દિવસો સુધી સ્થગીત કરવામાં આવ્યા હતા.
એ વખતે સરકાર જીએસટી કાયદા પર સંમતી બનાવવાની કોશિષ કરતી હતી. સરકાર કદાચ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી પહેલા મહિલા અનામત કાયદો લાગુ કરવા માટે પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહી છે. આ પહેલા બજેટ સત્રમાં આ માટેનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો, પરંતુ શાસક પક્ષ પાસે યોગ્ય સંખ્યા નહીં હોવાથી બીલ પસાર થઈ શક્યું નહોતું.
સીએમ કે પીએમ, યોગીએ ચતૂરાઈથી જવાબ આપ્યો
જ્યારે ભાજપમાં 'હવે પછીના વડાપ્રધાન કોણ'ની ચર્ચા થાય છે ત્યારે યોગી આદિત્યનાથનું નામ પણ લેવાય છે. જોકે આ વિષય ખૂબ જ સંવેદનશીલ છે. જો ભાજપનો કોઈ નેતા ભવિષ્યમાં વડાપ્રધાન બનવાની મહેચ્છા જાહેર કરે તો એની રાજકીય કારકિર્દી પુરી થઈ જાય. ૨૦૨૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. યોગીને ઘેરવા માટે જ્યારે મીડિયાએ એમને પૂછયું કે તેઓ મુખ્યમંત્રી બનવાનું પસંદ કરશે કે વડાપ્રધાન, ત્યારે યોગીએ ચાલાકીપૂર્વક જવાબ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે, 'મે જાહેર જીવનમાં જવાબદારીની ભાવનાને અને રાષ્ટ્રને પ્રથમ રાખીને પ્રવેશ કર્યો હતો. વડાપ્રધાને મને ઉત્તર પ્રદેશના લોકોની સેવા કરવા માટે જવાબદારી સોંપી છે, મારૂ સંપૂર્ણ ધ્યાન રાજ્યને આર્થિક અને સામાજીક રીતે ટોચ પર રાખવાનું છે.' ટૂંકમાં યોગીએ પોતાને વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષા નહીં હોવાનું કહીને સેઇફ ગેમ રમી છે.
રાજ્યસભાની ૧૨ બેઠકો પર ચૂંટણીની જાહેરાત
દેશના ચૂંટણી કમિશને રાજ્યસભાની ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશની ૧૦ અને ઉત્તરાખંડની ૧ બેઠક માટે નિયમીત ચૂંટણી થશે જ્યારે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની ૧ બેઠક માટે પેટા ચૂંટણી થશે. ત્રણે રાજ્યોમાં ૧૬મી ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે. ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. ઉમેદવારો ૬થી ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે.
૭મી ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની તપાસ થશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ ૯મી ઓક્ટોબર છે. મતદાન પુરુ થશે એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે મત ગણતરી શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં ૧૦ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેમાં અરૂણ સિંહ, ગીતા ઉર્ફ ચંદ્ર પ્રભા, નીરજા શેખર, ભુ્રજલાલ, પ્રો. રામગોપાલ યાદવ, રામજી, બી એલ વર્મા, સિમા, ડો. દિનેશ શર્મા અને હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
કેરલમમાં એબીવીપીએ સામ્યવાદીઓનો ગઢ તોડયો
કેરલમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (એબીવીપી)એ સામ્યવાદીઓના ગઢમાં બાકોરૂ પાડયું છે. કોલેજ યુનિયનોની ચૂંટણીઓમાં એબીવીપીએ તમામ બેઠકો જીતીને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ) પાસેથી ત્રિપુનીથુરા ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજ યુનિયન પર કાબુ મેળવ્યો છે.
આ પરિણામ પછી કેરલમમાં એસએફઆઇનો ગઢ ગણાતા કોલેજમાં એમનો દબદબો પુરો થયો છે. એસએફઆઇ ઘણા વર્ષોથી કોલેજ યુનિયન ચલાવતી હતી, પરંતુ આ વખતે એબીવીપીએ ચૂંટણીમાં મોટી જીત મેળવી છે અને તમામ છ મુખ્ય હોદ્દાઓ પર કબજો કર્યો છે. વિસ્તારમાં બીજો પણ એક રાજકીય ફેરફાર થયો છે. હાલમાં ભાજપએ ત્રિપુનીથુરા નગરપાલિકાની કમાન પણ સંભાળી છે. સ્થાનીક નગરપાલિકામાં ૪૫ વર્ષ જૂના સામ્યવાદીઓના શાસનનો અંત આવ્યો છે.
ફક્ત પાસપોર્ટ હોવાથી વિદેશ જવાનો હક મળતો નથી
અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું છે, કે કોઈપણ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય એનો મતલબ એ નથી કે એને આપોઆપ વિદેશ જવાનો હક મળી જાય. જો કોઈ વ્યક્તિ સામે ફોજદારી કેસ દાખલ થયો હોય અને પોલીસને શંકા હોય કે વિદેશ ગયા પછી એ વ્યક્તિ પરત ભારત આવવાની શક્યતા ઓછી છે ત્યારે પોલીસ કે કોર્ટ જે તે વ્યક્તિને પાસપોર્ટ જમા કરાવવા કહી શકે છે.
જસ્ટીસ જે જે મુનીર અને જસ્ટીસ ઇન્દ્રજીત શુક્લાની બેંચે કહ્યું હતું કે, પાસપોર્ટ મળવાથી બીજા દેશની સરહદ પાર કરવાનો અધિકાર મળી જતો નથી. વિદેશ યાત્રા માટે જે તે દેશના વીસા અને ઇમિગ્રેશન પ્રક્રિયા પુરી કરવાની રહે છે.
અરજી કરનારે હાઇકોર્ટને કહ્યું હતું કે, એની સામે બે ફોજદારી કેસ ચાલી રહ્યા હોવાથી એને પાસપોર્ટ આપવાની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, ફોજદારી ગુનો કરનારાને દેશ બહાર જતા રોકવા હમેશા જરૂરી નથી. કોર્ટ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈ શકે છે.
'વંદે માતરમ' પર તુષાર મહેતાની દલીલ નિષ્ફળ
'વંદે માતરમ'ના બધા સ્ટૈંઝા ફરજીયાત કરવા સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ આપી હતી. સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. જોકે સુપ્રિમ કોર્ટે એમની એક પણ દલીલ સ્વિકારી નહોતી.
સુપ્રિમ કોર્ટ અરજી કરનારની વાત સાથે સંમત હોય એમ લાગ્યું હતું. ત્યાર પછી સુપ્રિમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સરકારે બે અઠવાડિયામાં આ જવાબ રજૂ કરવાનો છે. કર્ણાટકના સંગીતકાર ટી એમ કૃષ્ણાએ કરેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. રાષ્ટ્રીય સન્માનનું અપમાન રોકવાના કાયદા ૧૯૭૧માં જે ફેરફાર કરવામાં આવ્યો એની બંધારણમાં યોગ્યતાને ચેલેન્જ કરવામાં આવી છે. તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ર્ટને નોટીસ નહીં મોકલવા વિનંતી કરી હતી.
મહિલા સુરક્ષા મામલે પ્રિયંકા ચિંતીત
કોગ્રેસના નેતા અને વાયનાડ લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી અને બિહારમાં મહિલાઓ પર થયેલા હુમલા વિશે ચિંતા જાહેર કરી છે. એમના કહેવા પ્રમાણે દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરી વધી રહી છે અને પહેલા કરતા આ હુમલાઓ વધુ હિંસક થઈ રહ્યા છે.
એમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે રસ્તાઓ પરની મહિલાઓને વધુ સુરક્ષા આપવામાં આવે. એમણે કહ્યું હતું કે, 'પહેલા કરતા પરિસ્થિતિ બગડી રહી છે. મહિલાઓ માટે હંમેશા વાતાવરણ અસુરક્ષીત જ રહ્યું છે, પરંતુ હવે મહિલાઓ સામેની હિંસા વધુ બર્બર થઈ રહી છે. જો આપણે રસ્તા પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરી શકીએ તો મોટી યોજનાઓની વાતો અને કાર્યક્રમોનો કોઈ અર્થ નથી.'