Delhi ni Vaat

સીમાંકન બીલ માટે એનડીએને 45 સાંસદોની અછત

By GS Team
24 Nov 20265 mins read
TukuTouch Logo
સંસદના શિયાળુ સત્ર પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 'INDIA' ગઠબંધને દાવો કર્યો છે કે, ભાજપ પાસે જરૂરી સાંસદોનો આંકડો નથી, તેથી તેઓ શિયાળુ સત્ર ટાળી રહ્યા છે. સંજય રાઉતે 150 કરોડ રૂપિયામાં સાંસદોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ ભાજપ-આરએસએસને 'અસંસ્કારી' ગણાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આઝાદ સમાજ પાર્ટીએ 9 વિધાનસભા પ્રભારીઓની યાદી જાહેર કરી છે, જ્યારે પંજાબમાં 2027ની ચૂંટણી માટે નવું ગઠબંધન આકાર લઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બીલ માટે એનડીએને 45 સાંસદોની અછત

નવીદિલ્હી : સંસદના શિયાળુ સત્ર માટે હજી સુધી તારીખની જાહેરાત થઈ નથી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી સીમાંકન બીલ સાથે જોડાયેલા બંધારણ સંશોધન બીલ અને મહિલા અનામત બીલને લઈને ચર્ચાઓ થઈ રહી છે.
હવે વિરોધપક્ષના ગઠબંધન ઇન્ડિયા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે સરકારને ૪૦ થી ૫૦ સાંસદો ઓછા પડી રહ્યા છે. ભાજપ આ કારણે વિવિધ પક્ષના સાંસદોને તોડવાની કોશિષ કરે છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતનો દાવો છે કે, સરકાર પાસે જરૂરી આંકડા નહીં હોવાથી એનડીએ શિયાળુ સત્રને ટાળી રહી છે. સાંસદોને ખરીદવા માટે ૧૫૦ કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ કામ માટે મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીને સક્રિય કરવામાં આવ્યા છે. સરકાર જીદ અને ઘમંડ પર ઉતરી આવી છે.
રાહુલે ભાજપ અને આરએસએસને અસંસ્કારી કહ્યા
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. મહારાષ્ટ્રની એલીફન્ટ કોતરોમાંની અર્ધનારીશ્વરની મૂર્તિની તસવીર રાહુલે શેર કરી છે જે આશરે ૧૫૦૦ વર્ષ જૂની છે. રાહુલે પોસ્ટમાં લખ્યું છે કે તેઓ ભારતની આધ્યાત્મિક અને ધાર્મિક ભાવનાઓને સમજી રહ્યા છે. ભાજપ અને આરએસએસ અસંસ્કારી, લોભી, જાતીવાદી અને પુરુષ પ્રધાન છે. તેમને આપણી આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓની સમજણ નથી. આ પહેલા રાહુલે શિવ-પાર્વતીની તસવીર શેર કરી હતી જેમાં પાર્વતી ભગવાન શિવના ખોળામાં બેઠા હતા. 'જમતી વખતે મારી માતા, પિતાની ગોદમાં બેસતા હતા.' જેવા નિવેદન પછી રાહુલ ગાંધી ટ્રોલ થયા હતા અને એમણે શિવ-પાર્વતીની તસવીર શેર કરી હતી.
ચંદ્રશેખર આઝાદએ ૯ વિધાનસભા પ્રભારીઓની યાદી બહાર પાડી
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭ની તૈયારી શરૂ થઈ ગઈ છે. આઝાદ સમાજ પાર્ટીએ વિધાનસભા પ્રભારીઓની ચોથી યાદી બહાર પાડી છે. ભવિષ્યમાં આ પ્રભારીઓના નામોની જાહેરાત ઉમેદવાર તરીકે થશે. ચોથી યાદીમાં છ વિધાનસભા બેઠકોના પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ ઓબીસી, એક મુસ્લિમ અને બે એસસી જ્ઞાાતિના છે. હાથરસ સદર બેઠક પરથી રમેશ ચંદ્રને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આગ્રાની એત્માડપુર બેઠક પર પ્રભારી તરીકે રીંકુ શેઠને નિમવામાં આવ્યા છે. શાહજહાપુરની કટરા બેઠકના પ્રભારી સલીમ ચાંદ ઉર્ફ ચાંદબુબા બન્યા છે. એજ રીતે શાહજહાપુર સદર બેઠક પરથી હરીરામ વર્માને પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગોંડાની કર્નલગંજ વિધાનસભા બેઠક પર ઉષા દેવી નિષાદ અને ગોરખપુરની પીપરાઇચ બેઠક પરથી વિજય શાહની પ્રભારી રહેશે. ચંદ્રશેખર આઝાદની પાર્ટીએ ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ૨૦૨૨ની ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીને એક પણ બેઠક મળી નહોતી.
પંજાબમાં ચૂંટણી પહેલા નવુ ગઠબંધન
પંજાબમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા નવુ ગઠબંધન બની રહ્યું છે. જેલમાં કેદ સાંસદ અમૃત પાલના પક્ષ અકાલી દળ -વારીસ પંજાબ દે, શીરોમણી અકાલી દળ (પુનરસુરજીત) અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન થશે. આ માટે ફરીદ કોર્ટ ખાતે અકાલી દળ (પુનરસુરજીત)ના પ્રમુખ જ્ઞાાની હરપ્રિત સિંહ અને બસપા પ્રદેશ પ્રમુખ અવતાર સિંહ કરીમપુરીની મીટીંગ થઈ હતી. બસપા અને અમૃત પાલના પક્ષો પહેલેથી જ ગઠબંધન માટે રાજી છે. અકાલી દળ પુનરસુરજીત ફરીદ કોર્ટના સિનિયર નેતા અમનીંદર સિંહ બન્નીએ બસપા સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવાની તૈચારી કરવાની વાતને સમર્થન આપ્યું છે. આ ત્રણે પક્ષના ગઠબંધનને કારણે સ્થાનિક વિરોધીઓને ટક્કર આપવામાં સરળતા રહેશે. સાંસદ અમૃત પાલના પક્ષનો મજબૂત આધાર ૨૫ બેઠકોવાળા માઝા વિસ્તારમાં છે. ત્યાં બસપાની કોર વોટબેંક દલીત છે જેનું વર્ચસ્વ ૨૩ બેઠકો પર છે.
ક્રિકેટર ચહલ માટે રાજકારણમાં સફળ થવું અતિ મુશ્કેલ
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ઉગતા સુરજને નમન કરે એ રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. એમને પક્ષની નવી નેશનલ ઓબીસી મોરચા કાર્યકારણીમાં સ્થાન પણ મળ્યું છે. ચહલને આ કાર્યકારણીમાં ખાસ આમંત્રીત બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સભ્ય અમર પાલ મોર્યના કહેવાથી તેઓ ભાજપમાં જોડાયા છે. અમરપાલ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય પ્રમુખ છે. થોડા દિવસો પહેલા ભાજપએ ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબ વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપી હતી. યુઝવેન્દ્ર ચહલ કયારે પણ લોકપ્રિય ક્રિકેટર રહ્યા નથી. એમનાથી વધુ લોકપ્રિય ક્રિકેટરો વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ રાજકારણથી દુર રહેવાનું પસંદ કર્યું છે. રાજકારણમાં ફક્ત તમે ભૂતપૂર્વ ક્રિકેટર હો એટલે સફળતા મળી જતી નથી.
ધનરાજ હત્યાકાંડ માટે ત્રણ ભાજપ-આરએસએસના કાર્યકરો દોષિત
કેરળની એક સ્થાનીક કોર્ટે ૨૦૧૬માં પયનનુરમાં સીપીઆઇ(એમ) નેતા સીવી ધનરાજની હત્યા કેસમાં ત્રણ ભાજપ -આરએસએસ કાર્યકરોને દોષિત જાહેર કર્યા છે. જ્યારે બીજા ૧૬ આરોપીઓને છોડી દીધા છે. તલિપમ્બાના કોર્ટના ન્યાયાધીશ કે એન પ્રશાંતએ ટી પી બીજુ (૩૪), એમ વી પીન (૩૪) અને એમ વૈશાખ (૩૧)ને ગુનેગાર જાહેર કર્યા છે. એજી માલાના સીપીઆઇ(એમ) શાખાના મંત્રી ધનરાજની હત્યા ૧૧મી જુલાઈ ૨૦૧૬માં થઈ હતી. એ વખતે તેઓ રમંથલીમાં પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ફરિયાદ પક્ષ પ્રમાણે હુમલો કરનારાઓનું ટોળુ મોટરસાઇકલ પર એમનો પીછો કરી રહ્યું હતું. ધનરાજના ઘર નજીક આ ટોળાએ ધારદાર હથિયારોથી એમના પર હુમલો કર્યો હતો અને એમની માતા અને પત્ની સામે જ એમને કાપી નાખ્યા હતા.
'કેરળના વિકાસ પર ધ્યાન આપો, રાજકીય ઝઘડા છોડો'
કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસી સાંસદ શશી થરૂરએ પોતાના પક્ષના જ નેતાઓને સલાહ આપી છે. એમની સલાહ છે કે, કોંગ્રેસના તમામ નેતાઓએ વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. રાજ્યના વિકાસની સમસ્યા મોટી છે. આવા સમયે રાજકીય ઝઘડામાં સમય બરબાદ કરવો જોઈએ નહીં. થરૂરે કહ્યું હતું કે, 'મારા સાથીઓ, તમને મારી સલાહ છે કે, કામ પર પુરુ ધ્યાન આપો. અમારી સામે વિકાસની મોટી સમસ્યા છે. હમણા પરિસ્થિતિ એવી છે કે રાજ્ય લગભગ દેવાળુ ફુકવાની તૈયારીમાં છે. આનું કારણ અગાઉની સામ્યવાદી સરકારની ગંભીર બેદરકારી અને નિષ્ફળતા છે. કેરળની આર્થિક સ્થિતિને અગાઉની સરકારે ખૂબ નુકસાન કર્યું છે. આપણે આગળ આવવું પડશે. મૂડી રોકાણ લાવવું પડશે. મૂડી રોકાણમાં જે નિયમો બંધક બને છે એ દુર કરવા પડશે.