Delhi ni Vaat

એનડીએ બે તૃતીયાંશ બહુમતીની વધુ નજીક

By GS Team
8 Jul 20265 mins read
TukuTouch Logo
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ પેટાચૂંટણી જાહેર કરી છે. TMCના 3 સાંસદોના રાજીનામાથી આ બેઠકો ખાલી પડી હતી. ભાજપની મજબૂત સ્થિતિને કારણે રાજ્યસભામાં ભાજપના સાંસદો વધવાની શક્યતા છે, જે NDAને બે તૃતીયાંશ બહુમતીની નજીક લાવશે. ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એનડીએ બે તૃતીયાંશ બહુમતીની વધુ નજીક

નવીદિલ્હી : ચૂંટણી કમિશને જાહેર કર્યું છે કે, પશ્ચિમ બંગાળ રાજ્યસભાની ત્રણ બેઠકો પર ૨૪ જુલાઈએ પેટા ચૂંટણી કરાશે. ગયા મહિને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના ત્રણ રાજ્યસભા સાંસદોએ રાજીનામા આપ્યા બાદ આ બેઠકો ખાલી થઈ હતી. આ પેટા ચૂંટણી પછી રાજ્યસભામાં ભાજપની બેઠકો વધશે અને એનડીએ બે તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચશે. સુખેદુ શેખર રોય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચિકના રાજીનામા પછી આ બેઠકો ખાલી થઈ છે. ચૂંટણી કમિશને રાજ્યસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આજથી ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ૧૪ જુલાઈ સુધી ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે. રાજ્યસભાની ચૂંટણીના રાજ્યના ધારાસભ્યો મતદાન કરે છે. સ્વાભાવીક છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપની સ્થિતિ મજબૂત હોવાથી ભાજપના સાંસદો વધવાની શક્યતા વધુ છે.
પંજાબ કોંગ્રેસમાં ૨૦૨૧નું રીરન
પંજાબ કોંગ્રેસ ફરીથી ૨૦૨૧ સમયમાંથી પસાર થઈ રહી છે. ૨૦૨૧માં આંતરિક કલહને લીધે પક્ષ સંકટમાં મૂકાઈ ગયો હતો. એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે લાંબા સમયથી ચાલતી ખેંચતાણએ કોંગ્રેસ સરકારને નબળી કરી દીધી હતી. હવે ૨૦૨૬માં પણ હાલત એવી જ છે. ફરક એટલો છે કે આ વખતે રાજકીય વર્ચસ્વની લડાઈ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ પ્રમુખ અરવિંદર સિંહ રાજા વડીંગ વચ્ચે છે. રાજકીય નીરિક્ષકો માને છે કે કોંગ્રેસ પોતાની ભૂલોમાંથી શીખતી નથી. પંજાબ કોંગ્રેસના સંગઠનમાં હમણા ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફારને કારણે કેટલાક નેતાઓ નારાજ થઈ ગયા હતા. ચરણજીત સિંહ ચન્નીના ટેકેદારો સંગઠનમાં થયેલા ફેરફાર અને નેતાગીરી બાબતે જાહેરમાં નિવેદનો આપે છે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના અંગત સચીવની છુટ્ટી
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રિય મંત્રી અમિત શાહના ખાસ માણસ છે. અમિત શાહના ખાસ મીશનો પુરા કરવામાં ભૂપેન્દ્ર યાદવ એમની સાથે જ રહે છે. દિલ્હીમાં એવી ચર્ચા થાય છે કે, જો અમિત શાહ સુધી તમારી પહોંચ નહીં હોય તો, ભૂપેન્દ્ર યાદવને પકડી લો, તમારૂ કામ થઈ જશે. સ્વાભાવીક છે કે, ભૂપેન્દ્ર યાદવના અંગત સચિવ પણ ખૂબ શક્તિશાળી હોય. ભૂપેન્દ્ર યાદવે એમના અંગત સચિવ અમર સિંહને એકાએક એમના હોદ્દા પરથી દુર કર્યા છે. ભૂપેન્દ્ર યાદવને કારણે અમર સિંહનો પાવર પણ ઘણો હતો. એમની સાથે આયુષ શરણ અને શૈલેષકુમાર સિંહની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. અમર સિંહને એમના મૂળ કેડર મહેસૂલ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. અમર સિંહ આઇઆરએસ અધિકારી છે અને ૨૦૧૦ના બેચના છે. એમને શા માટે હટાવવામાં આવ્યા એના કારણની કોઈને ખબર નથી, પરંતુ એવું અનુમાન લગાડવામાં આવે છે કે, કોઈક કારણસર એમને ભૂપેન્દ્ર યાદવને નારાજ કર્યા હશે.
વિરોધપક્ષો ભેગા થવા માંગે છે ત્યારે થલપતિ વિજયનું રાજકારણ અલગ છે
થલપતિ વિજય જ્યારે તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા ત્યારે કેટલાક એમને રાજકારણના કાચા ખેલાડી સમજતા હતા. ધીરે ધીરે વિજય પુરવાર કરી રહ્યા છે કે, એમના માટે કરવામાં આવેલી ધારણા સંદતર ખોટી હતી. તેઓ બીજા વિરોધપક્ષોના રસ્તે ચાલવાને બદલે પોતાનો અલગ રસ્તો પકડે છે. તેઓ લાંબા સમયનું નફા-નુકસાન વિચારીને ફૂંકી ફૂંકીને નિર્ણય લઈ રહ્યા છે. વિજય માને છે કે, કોઈની સાથે દોસ્તી પણ રાખવી નહીં અને જરૂર વગર દુશ્મની પણ કરવી નહીં. એમના રાજકારણમાં ભાજપનો વિરોધ જરૂર છે, પરંતુ અંગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ સારા સંબંધ રાખે છે. વિજયએ જ્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારે એમનું સ્ટેન્ડ ભાજપ વિરોધી હતું. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે એમણે હિન્દી અને રાષ્ટ્રીય શિક્ષાનીતિ મામલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. આમ છતા એમણે ત્યારે પણ નરેન્દ્ર મોદીની ટીકા કરી નહોતી.
ગોવામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનો વિવાદ
ગોવામાં મોર્મુગાઓ પોર્ટ ઓથોરીટી (એમપીએ)ની જમીન પર આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા હટાવવા માટે બોમ્બે હાઇકોર્ટે હુકમ કર્યો હતો. આ હુકમ સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ વિવાદમાં પડવાની ના પાડીને કહ્યું છે કે, તેઓ આ બાબતે કોઈ હુકમ કરશે નહીં. ત્યાર પછી અરજી કરનારાઓએ સ્પેશિયલ લીવ પીટીશન (એસએલપી) પાછી લીધી હતી. જસ્ટીસ એમ એમ સિદ્રેશ અને જસ્ટીસ સીલનાગુની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. બોમ્બે હાઇકોર્ટે કેસની સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી હતી કે, પ્રતિમાનું નિર્માણ અને સ્થાપના સ્થાનીક કાયદાઓનો ભંગ કરે છે. સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન લાગ્યુ હતું કે, સુપ્રિમ કોર્ટ આ બાબતે કોઈ હસ્તક્ષેપ કરશે નહીં ત્યારે અરજી કરનારના વકીલે અરજી પરત ખેંચવાની પરવાનગી માંગી હતી.
૧૧૩ કરોડની પ્રાણ પ્રતિા, ૩૫ કરોડના ટેન્ટ…
ઉત્તર પ્રદેશ સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન આયોજીત કાર્યક્રમો માટે થયેલા ખર્ચની તપાસ શરૂ કરી છે. આ ખર્ચ રૂ. ૧૨૪ કરોડથી વધુનો છે. જાણવા મળ્યા પ્રમાણે ૨૦૨૪નો પ્રાણ પ્રતિા સમારોહ, ૨૦૨૫ની મહાકુંભની વ્યવસ્થા અને નવેમ્બર ૨૦૨૫માં થયેલા ધ્વજરોહણ સમારોહનો સમાવેશ થાય છે. એસઆઇટી ટ્રસ્ટના છેલ્લા બે વર્ષના આર્થિક રેકોર્ડનું ઓડીટ કરી રહી છે. તપાસ કરનારાઓએ ઓડીટ રીપોર્ટ, પેમેન્ટ વાઉચર, બીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટના રેકોર્ડ અને ખર્ચના સ્ટેટમેન્ટની તપાસ કરી છે. એસઆઇટી જાણવા માંગે છે કે, ફંડનો ઉપયોગ ટ્રસ્ટએ નક્કી કરેલી પ્રક્રિયાઓ દ્વારા થયો છે કે નહીં. આ તમામ દસ્તાવેજો એસઆઇટીએ પોતાના કબજામાં લીધા છે. પ્રાણ પ્રતિામાં એક હજાર મહેમાનો આવ્યા હતા અને ૧૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. શેડ અને ટેન્ટ બનાવવા માટેનો થયેલો ખર્ચ અલગ.
અન્ના હજારે બનવા નિકળેલાએ જ હજારેની મજાક ઉડાવી
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક - પ્રમુખ અભિજીત દિપકે અન્ના હજારે પર કટાક્ષ કર્યો છે. એમણે કહ્યું છે કે, 'જેમનો સમય પુરો થઈ ગયો છે. એમણે સામાજીક - રાજકીય જીવનમાંથી નિવૃત્ત થઈને આશ્રમમાં આરામ કરવો જોઈએ. આવી વ્યક્તિઓએ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યના નિર્ણય લેવા જોઈએ નહીં.' દિપકેએ આ ટીપ્પણી મહારાષ્ટ્રમાં કરી હતી. દિપકેએ જ્યારે આંદોલન શરૂ કર્યું હતું ત્યારે મીડિયાએ એમની સરખામણી અન્ના હજારેના આંદોલન સાથે કરી હતી. જોકે શરૂઆતથી જ દિપકેના આંદોલનને સફળતા મળી નથી. અન્ના હજારેને ન્યાય આપતા એટલું કહેવું જોઈએ કે, હજારેના આંદોલને તરત જ વેગ પકડી હતી અને ટેકામાં લાખો લોકો ભેગા થઈ ગયા હતા. કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ૧૫ દિવસથી દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવો કરી રહી છે, પરંતુ એમના ટેકામાં માંડ ૧૦૦ વ્યક્તિઓ પણ ભેગી થતી નથી.