મોદીએ કેપ્ટન સ્મિત સાથે વાત કરવાનો મોકો છોડયો નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : વડાપ્રધાન મોદી સતત સમાચારમાં છવાઈ રહેવા માટે કોઈપણ મોકો છોડતા નથી. આજકાલ ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર પોતાની બહાદુરીને કારણે ચર્ચામાં છે. સ્મિત મચ્છરની ચર્ચા પૂરા વિશ્વમાં થઈ રહી છે. સ્મિત હમણા સંયુક્ત આરબ અમીરાત ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ પીએમઓનો ઉપયોગ કરીને કેપ્ટન સ્મિત સાથે વીડિયોકોલ દ્વારા સંવાદ કર્યો હતો જેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની આ વાતચીત ખુદ મોદીએ પોતાના સોશ્યલ મીડિયા પર મૂકી હતી અને દેશભરના મીડિયાએ એ વાતચીતનો વીડિયો વાયરલ કર્યો હતો. વાતચીતના અંતે ગુજરાતીઓને ખુશ કરવા માટે મોદીએ સ્મિત સાથે ગુજરાતીમાં પણ વાતચીત કરી હતી. મોદીએ વાતચીત દરમિયાન સ્મિતના ખૂબ વખાણ તો કર્યા જ હતા, પરંતુ સ્મિતે હીમત માટે કોકપીટમાં હનુમાન ચાલીસા કર્યા હતા એનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. મોદી જાણે છે કે કયા પ્રસંગનો કઈ રીતે ઉપયોગ કરવો.
'આતો અમિત શાહનો જનરલ ડાયર છે'
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયું હતું. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને જંતર મંતર તેમજ આજુબાજુના વિસ્તારોમાં કલમ ૧૬૩ લાગુ કરી હતી. દિલ્હી પોલીસના ડીસીપી સચીન શર્માએ સુરક્ષા બાબતની તૈયારીની જાણકારી આપી હતી. આ વીડિયો જોઈને કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ ટીકા કરી હતી. અભિજીત દિપકેએ સોશ્યલ મીડિયા પર આ વીડિયોની નીચે કેપ્શન લખ્યું હતું કે, 'આતો અમિત શાહનો જનરલ ડાયર છે.' અગાઉ જંતર મંતર પર થયેલા દેખાવો વખતે પોલીસે લાઠીચાર્જ કરીને બળનો ઉપયોગ કર્યો હતો અને મોટો વિવાદ થયો હતો. ત્યાર પછી સુપ્રિમ કોર્ટે વચ્ચે પડીને દેખાવો દરમિયાન પોલીસે કરેલી તમામ ફરીયાદો પાછી ખેંચી લેવા હુકમ કર્યો હતો.
'મને પડકારશો નહીં, હું તકવાદી નથી'
લુધિયાણાના સાંસદ અમરિંદર સિંહ રાજા વડીંગએ ભાજપના નેતા રવનીત સિંહ બિટ્ટુ પર નિશાન તાક્યું છે. એમણે સ્પષ્ટ કર્યું હતું કે, હોદ્દો બદલવાથી એમના કોંગ્રેસ સાથેના સંબંધો બદલાવાના નથી. તેઓ તકવાદી નથી અને વફાદાર છે. હંમેશા તેઓ રાહુલ ગાંધી સાથે રહેવાના છે. બિટ્ટુએ રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું હતું કે રાહુલ યુઝ એન્ડ થ્રોની નિતિ અપનાવે છે. આ ટીકાનો જવાબ વડીંગએ આપ્યો હતો. અમરિંદર સિંહ રાજા વડીંગએ પંજાબ કોંગ્રેેસ પ્રમુખનો હોદ્દો છોડયો ત્યારે બિટ્ટુએ સોશ્યલ મીડિયા એક્સ પર એમને ટોણો માર્યો હતો. પંજાબ કોંગ્રેેસના પ્રમુખપદ માટે છેલ્લા ૨૪ કલાકથી ચાલી રહેલી ચર્ચા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રદેશ કોંગ્રેેસ પ્રમુખ તરીકે રાજીનામા આપ્યા પછી અમરિંદર સિંહે દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે પંજાબ કોંગ્રેસના નવા પ્રમુખ ટૂંક સમયમાં જાહેર થશે.
જયંતને એનડીએ ક્વોટામાંથી રાજ્યસભામાં મોકલવાની તૈયારી
આરએલડીના પ્રમુખ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ચૌધરી જયંત સિંહને એનડીએ ક્વોટામાંથી રાજ્યસભા મોકલવાની ચર્ચા થઈ રહી છે. જયંત હમણા રાજ્યસભાના સભ્ય છે અને એમનો કાર્યકાળ ૨૦૨૮ સુધી છે. થઈ રહેલી ચર્ચા પ્રમાણે એમનો કાર્યકાળ પુરો થતા પહેલા એનડીએના ક્વોટામાંથી એમને ફરીથી રાજ્યસભામાં મોકલવાનું આયોજન થઈ રહ્યું છે. જોકે આ બાબતે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. જૂન ૨૦૨૨માં સમાજવાદી પાર્ટી અને આરએલડી વચ્ચે ગઠબંધન હતું. એ વખતે આરએલડીના ૯ ધારાસભ્યો હોવા છતા સમાજવાદી પાર્ટીએ પોતાના ક્વોટામાંથી જયંત ચૌધરીને રાજ્યસભામાં મોકલ્યા હતા. આરએલડીના નેતાઓ વચ્ચે થતી ચર્ચા પ્રમાણે સમાજવાદી પાર્ટી પોતાના ક્વોટામાંથી જયંતને રાજ્યસભામાં મોકલવાને આગામી વિધાનસભામાં રાજકીય મુદ્દો બનાવી શકે છે.
કૌટુંબિક વિવાદ પછી રોહિણી આચાર્ય પહેલી વખત પટણા પહોંચ્યા
કૌટુંબિક વિવાદ પછી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય લાંબા સમય પછી પહેલી વખત પટણા પહોંચ્યા છે. પટણા એરપોર્ટ પર કુટુંબીઓ વચ્ચેના લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંગાપુરથી પરત ફરેલા રોહિણી આચાર્યને લેવા માટે એમના પિતા લાલુ પ્રસાદ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એમની સાથે રોહિણીના માતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, મોટા બહેન મિસા ભારતી પણ હાજર હતા. રોહિણીનું સ્વાગત ખૂબ જોશભેર કરવામાં આવ્યું હતું. રાબડી દેવીને ભેટતી વખતે રોહિણીની આંખોમાં આસુ આવી ગયા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન રોહિણી આચાર્યને કેટલાક કારણોસર લાલુ અને રાબડી સામે વાંધો પડયો હતો. ત્યાર પછી રોહિણી આચાર્ય સિંગાપુર ચાલ્યા ગયા હતા.
કર્ણાટક એસઆઇઆર વિવાદ, ભાજપ નેતા સહીત ઘણા નેતાઓ સામે એફઆઇઆર
કર્ણાટકમાં ભાજપના નેતા રવિ પાટીલ અને બીજા લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એમના પર આરોપ છે કે બેલગાવી જિલ્લામાં ચાલી રહેલી એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ ૭ એપ્લીકેશનનો ઉપયોગ કરીને લઘુમતિ સંપ્રદાયના ૧૯૮ મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર કરવાની કોશિષ કરી હતી. ૩૦મી સપ્ટેમ્બરે બેલગાવી માર્કેટ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ મિરસાબ સનાદીએ કરી હતી, જેઓ બેલગાવી ઉત્તર વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર ૧૨માં બુથ લેવલ એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એફઆઇઆરમાં આક્ષેપ છે કે આરોપી પાટીલ, શંકર વિરપ્પા નાઇક અને પ્રશાંત દિપક મુડીમની ૨૦ થી ૨૫ લોકો સાથે આવ્યા હતા અને મુસ્લિમ સંપ્રદાયના મતદારોને નિશાન બનાવ્યા હતા.
સીજેપીને વકીલોનો સાથ મળ્યો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ લોયર્સ એસોસીએશનએ કોકરોચ જનતા પાર્ટીને ટેકો આપવાની વાત કરી છે. સંગઠનનું કહેવું છે કે, સીજેપીના સભ્યોને કોઈપણ અત્યાચારનો સામનો કરવો પડે અને એમની સામે કોઈ કેસ દાખલ થાય તો એમને મફત મદદ કરવામાં આવશે. એસોસીએશનના પ્રવક્તા દિગમ્બર દેસાઈના કહેવા પ્રમાણે લોકશાહી ટકાવવી જરૂરી છે. લોકશાહી ટકાવવા જરૂર પડશે તો એમની સંસ્થા ન્યાયીક મંચ પર મદદ કરવા તૈયાર રહેશે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે સીજેપીનું આંદોલન ચાલી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશન જ્ઞાાનેશ કુમારના રાજીનામાંથી ઓછું એમને કઈ ખપતું નથી. મુંબઈ પોલીસે સીજેપીને દેખાવ કરવાની પરવાનગી આપી નથી.




