Delhi ni Vaat

મોદીએ તમામ મંત્રાલયો પાસે પાંચ વર્ષનો રોડ મેપ માંગ્યો

By GS Team
26 Sep 20265 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓની બેઠક બોલાવી, જ્યાં તેમણે આગામી 5 વર્ષનો રોડમેપ માંગ્યો. બીજી તરફ, CJP એ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા માટે 24 કલાકનો સમય આપ્યો છે, અન્યથા 2 ઓક્ટોબરે દેશવ્યાપી પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી. કોંગ્રેસે જેન ઝી મતદારોને યાદીમાંથી દૂર કરવાના કાવતરાનો આરોપ લગાવ્યો. દરમિયાન, IPS મોહિબુલ્લાહ અંસારીને અમેરિકામાં 'ધ એશિયન હીરો એવોર્ડ'થી સન્માનિત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદીએ તમામ મંત્રાલયો પાસે પાંચ વર્ષનો રોડ મેપ માંગ્યો

નવીદિલ્હી : છેલ્લા થોડા સમયથી ભાજપની ઘટી રહેલી લોકપ્રિયતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતીત થઈ ગયા છે. એમણે તમામ કેન્દ્રીય મંત્રીઓની બેઠક બોલાવી હતી. એમણે સૂચના આપી હતી કે સરકારના કામકાજને વધુ પારદર્શી અને પ્રભાવશાળી તેમજ પરિણામ લક્ષી બનાવવા માટે મંત્રીઓએ લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. લોકો સાથે જોડાઈને એમનો ફીડબેક લેવો તેમજ સરકારની નીતિઓને જમીનસ્તરે લાગુ કરવાનો પ્રયત્નો કરવાનું પણ એમણે મંત્રીઓને કહ્યું હતું. મોદીએ ચિંતન શીબીરના બીજા દિવસે તમામ મંત્રીઓ પાસે પાંચ વર્ષનો રોડ મેપ માંગ્યો છે. આવતા પાંચ વર્ષ દરમિયાન દેશની પ્રગતિ અને વિકાસ માટે શું કરી શકાય એની માહિતી માંગવામાં આવી છે. ચિંતન શીબીરમાં પીયુષ ગોયલ સહિત ૬ મંત્રીઓના પ્રેઝન્ટેશન પછી વડાપ્રધાને કહ્યું હતું કે, કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ ફક્ત કાગળ પર રહેવી જોઈએ નહીં. છેવટના માનવી સુધી પણ વિકાસ અને બદલાવ પહોંચે એ જરૂરી છે. વડાપ્રધાને એક ડઝન મંત્રાલયના કામકાજની સમીક્ષા કરવાથી કેન્દ્રીય મંત્રીઓ ફફડી ગયા છે.
બીજી ઓક્ટોબરે સીજેપીનું દેશ વ્યાપી પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારને રાજીનામું આપવા માટે ૨૪ કલાકની મહેતલ આપી છે. પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું છે કે જ્ઞાાનેશ કુમાર જો શનિવાર સુધીમાં રાજીનામું નહીં આપે તો સીજેપી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે મુંબઈથી દેશ વ્યાપી પ્રદર્શનની શરૂઆત કરશે. ત્યાર પછી આંદોલનને દેશના વિવિધ શહેરો સુધી લઈ જવામાં આવશે. દિપકેએ ગાંધી જયંતીના દિવસે લોકતંત્ર બચાવવા સંકલ્પ કરવાની અપીલ કરી છે. પાર્ટીએ 'ઇલેકશન કમિશન ઠીક કરો' અભિયાનની શરૂઆત કરી છે. સીજેપીનો આક્ષેપ છે કે ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં એસઆઇઆરને નામે મતદાર યાદીમાંથી ૧૩ કરોડ જેટલા મતદારો બહાર કરવામાં આવ્યા છે. આ કારણે લોકોના મતદાન કરવાના અધિકાર પર અસર પડે છે.
જેન ઝી મતદારો પર રાજકારણ જોરમાં
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધીને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નિર્ણયને યાદ કર્યો હતો. રાજીવ ગાંધીએ ૧૯૮૮માં મતદાનની લઘુત્તમ ઉંમર ૨૧થી ઘટાડીને ૧૮ વર્ષ કરી હતી. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે, એક વડાપ્રધાને યુવાન મતદારોને હક આપ્યો હતો, જ્યારે બીજા વડાપ્રધાન જેન ઝીના હકને ઝૂટવી લેવાની કોશિશ કરે છે. કોંગ્રેસનો આરોપ છે કે, જેન ઝીને મતદાર યાદીમાંથી બહાર રાખવાનું કાવતરુ ઘડાયું છે. પક્ષે મુખ્ય ચૂંટણી કમીશનર જ્ઞાાનેશ કુમારનું રાજીનામું માગ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કાવતરા માટે જવાબદાર ગણવામાં આવે. વડાપ્રધાનની ઇચ્છા છે કે, જેન ઝી મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર થાય.
કોંગ્રેસના ગઢમાં અખિલેશનું શક્તિ પ્રદર્શન
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ કોંગ્રેસના પ્રભુત્વવાળા રાયબરેલી વિસ્તારમાંથી પીડીએ રથયાત્રાની શરૂઆત કરી છે. આ સ્થળેથી યાત્રાની શરૂઆત કેટલાક રાજકીય સંદેશાઓ આપે છે. રાહુલ ગાંધીની લોકસભા બેઠકના જિલ્લામાં શક્તિ પ્રદર્શન કરીને અખિલેશ યાદવ કોંગ્રેસને પણ મેસેજ આપવા માંગે છે. એ સાથે મનોજ પાંડેય, રાકેશ પ્રતાપ સિંહ અને અભય સિંહ જેવા બળવાખોર નેતાઓની ગેરહાજરી અનુભવાય નહીં એનું પણ ધ્યાન રાખ્યું છે. સમાજવાદી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં રાયબરેલીની ૬ બેઠકોમાંથી ૪ બેઠકો જીતી હતી. એમાં ઊંચાહારથી જીતેલા મનોજ પાંડેય હવે ભાજપમાં છે. ૨૦૨૪ની રાજ્યસભાની ચૂંટણીમાં મનોજ, ગૌરીગંજના ધારાસભ્ય રાકેશ, તેમજ ગોસાઈગંજના અભયએ ભાજપના ઉમેદવાર તરફે ક્રોસ વોટીંગ કર્યું હતું. ત્યાર પછી સપાએ ત્રણેને પક્ષમાંથી હાંકી કાઢયા હતા.
ઓબીસી ક્રિમિલેયર બાબતે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
ઓબીસી ક્રિમિલેયર નક્કી કરવા માટે સુપ્રિમ કોર્ટે આપેલા ૧૧ માર્ચના ચૂકાદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે બે વર્ષનો સમય માંગ્યો છે. જસ્ટીસ પી એસ નરસિંહમ્હાની બેંચ સમક્ષ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, માર્ચમાં આવેલા ચુકાદાને છ મહિનાની અંદર લાગુ કરવો શક્ય નથી. સરકારે કોર્ટને આ બાબતે પોતાના પક્ષનો વિરોધ રેકોર્ડ પર લેવા વિનંતી કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ક્રિમિલેયરનો દરજ્જો નક્કી કરવા તેમજ નવી નીતિ બનાવવા માટે સમયની જરૂર છે. નીતિ એ પ્રકારની બનાવવી પડશે કે, ઓબીસી ઉમેદવારો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ થાય નહીં. તેમજ નિયમો લાગુ કરવામાં વ્યવહારીક તકલીફ આવે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, જો ચુકાદાનો અમલ પાછલી તારીખથી કરવામાં આવે તો એની અસર પહેલેથી નોકરી કરતા ઉમેદવારો પર પડશે.
અમેરિકાનો એવોર્ડ મેળવનાર આઇપીએસ
મોહિબુલ્લાહ અંસારી કોણ છે
બિહારના મુઝફરપુર શહેરમાં એસપી તરીકે ફરજ બજાવતા આઇપીએસ અધિકારી મોહિબુલ્લાહ અંસારી સ્કૂલના દિવસોમાં ભણવામાં ખૂબ કાચા હતા. તેઓ પ્રીબોર્ડની પરીક્ષામાં પણ ફેલ થયા હતા. ત્યાર પછી પિતાના ઠપકાને કારણે તેમણે મહેનત કરી. હવે મોહિબુલ્લાહને અમેરિકામાં 'ધ એશિયન હીરો એવોર્ડ'થી સન્માનીત કરવામાં આવશે. ૧૩ ડિસેમ્બર ૨૦૨૬ને દિવસે ફલોરિડાના ટામ્પામાં યોજાનાર ૭મા વર્લ્ડ ફેર એન્ડ ફેસ્ટીવલ ૨૦૨૬માં એમનું સન્માન કરવામાં આવશે. સન્માન કરનાર સંસ્થાએ મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મોહિબુલ્લાહને સારી લોકસેવા, નેતૃત્વ અને ઇમાનદારી સાથે આપેલા યોગદાનને કારણે સન્માનીત કરવામાં આવશે. અંસારી બિહારના શિવાન જિલ્લાના રહેવાસી છે. પિતાના ગુસ્સા પછી મોહિબુલ્લા ભણવા પ્રત્યે ગંભીર થયા હતા. ૨૦૧૧માં એમણે આઇઆઇટી દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરીંગમાં બીટેકની પદવી મેળવી હતી.
અભ્યાસ ઃ બે પુત્રીઓના માતા-પિતા વધુ ખુશ રહે છે
ચીનમાં થયેલા એક રીસર્ચમાં જણાયુ છે કે જેમને બાળકો નથી એના કરતા બાળકોવાળા માતા-પિતા વધુ ખુશ હોય છે. જે માતા-પિતાની ફક્ત બે બેટીઓ હોય છે તેઓ બે પુત્રોવાળા માતા-પિતાની સરખામણીએ વધુ ખુશ જણાયા છે. આ રીસર્ચ પત્ર એક્ટા સાઇકોલીકામાં પ્રકાશીત થયો છે. આનંદ, જીવનની ગુણવત્તાનું મહત્વનું એક અંગ છે. વ્યક્તિની ખુશી વ્યક્તિગત પરિસ્થિતિ તેમજ સામાજીક સ્થિતિ પર નિર્ભર રહે છે. કુટુંબની ભૂમિકા એટલા માટે અગત્યની છે કે, કોઈ વ્યક્તિ કેટલો ખુશ છે, ખાસ કરીને બાળકોની સંખ્યા, તેમની ઉંમર અને એમના દ્વારા મળતા પ્રેમ પર નિર્ભર કરે છે. પુત્રીઓ કુટુંબ સાથે સંપર્ક બનાવી રાખવામાં અને માનસીક રીતે ટેકો આપવામાં વધુ સમર્થ હોય છે.