લાલુ-તેજસ્વી દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : દિલ્હીના રામલીલા ખાતે યોજાયેલી વિશાળ રેલી પછી ઘણા રાજકીય સમીકરણો બદલાયા છે. વિરોધપક્ષોએ મળીને જ્યારે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું ત્યારે ગઠબંધનના નેતા કોણ હશે એ બાબતે ઘણો વિવાદ થયો હતો. પહેલી નવેમ્બરની રામલીલા રેલી પછી હવે લગભગ એ નક્કી થઈ ગયું છે કે, ઇન્ડિયા ગઠબંધનના દરેક પક્ષોએ રાહુલ ગાંધીને પોતાના નેતા તરીકે હમણા તો સ્વિકારી લીધા છે. રેલીમાં ખુલ્લી બસમાં બેસીને જ્યારે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથે નિકળ્યા હતા ત્યારે બંનેની બોડી લેંગ્વેજ એમ કહેતી હતી કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે બંને ખભા મેળવીને કામ કરશે. રેલી પછી આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સોનિયા ગાંધીને મળ્યા હતા. લાલુ પ્રસાદ અને તેજસ્વીએ પણ રાહુલ ગાંધીને સંપૂર્ણ ટેકો આપવાનું વચન આપ્યું છે.
દિલ્હીમાં અમિત શાહને એનસીપીના છ મોટા નેતા મળ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપી (અજીત પવાર)ને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. એનસીપી (અજીત પવારના) છ સિનિયર નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ધનંજય મુંડે, સુનીલ તટકરે, પ્રફુલ પટેલ, હસન મુશરીફ, છગન ભુજબળ અને દિલીપ વળશે પાટીલ કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા હતા. એમ કહેવાય છે કે આ મીટિંગ દરમિયાન મહારાષ્ટ્ર સરકારનું નાણામંત્રાલય ફરીથી એનસીપીને (અજીત પવાર)ને આપવાની માંગણી કરવામાં આવી હતી. મુલાકાતમાં જોકે સુનેત્રા પવાર અને પાર્થ પવાર ગેરહાજર રહ્યા હતા. હવે બધાની નજર મુંબઈ તરફ છે. મુંબઈમાં અજીત પવારના નિવાસસ્થાને એનસીપીની કોર કમીટી મળવાની છે. હમણા જ મહારાષ્ટ્રમાં એમએલસીની પાંચ બેઠકોનું પરિણામ આવી ગયું છે. આ ચૂંટણીમાં સત્તાપક્ષ મહાયુતિ અને વિરોધ પક્ષ મહાવિકાસ અઘાડી વચ્ચે કાંટાની ટક્કર હતી.
દાન ચોરી કેસમાં સુપ્રિમ કોર્ટે તમામ અરજીનો નિકાલ કર્યો
અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રિમ કોર્ટે તમામ અરજીઓનો નિકાલ કર્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિરમાં મળેલા દાનની રકમમાં થયેલી ગેરરીતિ બાબતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે અરજી કરનારાઓને કેસ દરમિયાન સ્થાનિક મેજીટ્રેેટને મદદ કરવા મંજૂરી આપી છે. સીજેઆઇ સૂર્યકાંતની બેંચે સાફ કહ્યું છે કે, આ કેસમાં આરોપોની ખરાઈ કે ગુણદોષ પર એણે કોઈ અભિપ્રાય આપ્યો નથી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, મંદીરમાં મળેલા દાનની ગણતરી વખતે ચોરી થઈ હતી. એમણે કહ્યું હતું કે દાનની રકમ ગણવામાં આવે ત્યારે કેટલાક અધિકારીઓ અમુક રકમ લઈ લેતા હતા અને પોતાના બેંક ખાતામાં જમા કરાવતા હતા. કિસ્સામાં જાહેરહીત જોતા કોર્ટે અરજી કરનારાઓને મેજીસ્ટ્રેટની કાર્યવાહીમાં મદદ કરવાની પરવાનગી આપી છે.
'ભાડુ પોસાતુ નહીં હોય તો હવાઇ યાત્રા નહીં કરો'
હવાઈ યાત્રાના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ભાવ વધારાથી ત્રસ્ત વ્યક્તિએ સુપ્રિમ કોર્ટમાં જાહેરહીતની અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે અરજી કરનારને કડક ભાષામાં સંભળાવી દીધું હતું. કોર્ટે કહ્યું હતું કે તેઓ વિમાન યાત્રા નહીં કરે. વકીલે સુપ્રિમ કોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરીને કહ્યું હતું કે વિમાનનું ભાડુ ૭૦૦ ટકા વધી ગયું છે. આ એક જરૂરી સેવા છે અને આટલો મોટો ભાડા વધારો બંધારણની કલમ ૧૪નો ભંગ કરે છે. ત્યાર પછી સુપ્રિમ કોર્ટના જજ જે વિક્રમનાથએ ટીપ્પણી કરી હતી કે તો પછી હવાઈ યાત્રા નહીં કરો. ચાલો આગળ વધો. હવે પછીનો કેસ લાવો. કેન્દ્ર સરકારે ભારતીય વાયુ યાન નિયમ ૨૦૨૬ જાહેર કરતા કહ્યું હતું કે ભાડુ નક્કી કરવાની છૂટ કંપનીઓને આપવામાં આવે છે. આ નવો નિયમ ૨૦૨૭ની ૧લી જાન્યુઆરીથી લાગુ થશે. આ નિયમ પ્રમાણે હવે ભાડુ વધારવા માટે એર લાયન્સ કંપનીઓએ સરકારની પરવાનગી લેવી નહીં પડે.
કોલકત્તા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ટીએમસીની હાલત ખરાબ
કોલકત્તા નગર નિગમ (કેએમસી)ની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં થવાની છે. જોકે ચૂંટણી પહેલા જ તૃણમુલ કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. પક્ષના કેટલાક સિનિયર કોર્પોરેટરોએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. કોલકત્તાના ભૂતપૂર્વ મેયર ફિરહાદ હકીમ અને શોભન ચેટર્જી પણ ચૂંટણીની રેસમાંથી હટી ગયા છે. આ ઉપરાંત મેયર ઇન કાઉન્સિલના ઘણા ભૂતપૂર્વ સભ્યો અને ચેરમેનો પણ ચૂંટણી લડવા માંગતા નથી. સિનિયર નેતાઓ ચૂંટણીથી દુર થઈ જવાને કારણે તૃણમુલ કોંગ્રેસના બંને જૂથો માટે ૨૦૯ વોર્ડોના ઉમેદવાર શોધવાનું મુશ્કેલ થઈ ગયું છે. એક જૂથનું નેતૃત્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી કરી રહ્યા છે જ્યારે બીજા જૂથની કમાન વિધાનસભા વિરોધપક્ષના નેતા ઋતબ્રત બેનર્જી કરી રહ્યા છે. નવા સિમાંકન પછી શહેરમાં વોર્ડોની સંખ્યા ૧૪૪થી વધીને ૨૦૯ થઈ ગઈ છે. ચાર વખત તૃણમુલ કોંગ્રેસના કોર્પોરેટર રહેલા ફીરહાદ હકીમે જાહેરાત કરી છે કે, એમને ચૂંટણી લડવામાં કોઈ રસ નથી. તેઓ ઋતબ્રત બેનર્જીની આગેવાની વાળા જૂથના પ્રમુખ નેતા ગણાય છે.
બીએમસીએ દિયા મીર્ઝાનો વીડિયો હટાવતા વિવાદ થયો
જમણેરી વિચારકોનો હંમેશનો વાધો છે કે, પ્રદુષણ હોય કે પક્ષી, હિન્દુઓના તહેવાર વખતે જ કેટલાકને ચિંતા થઈ આવે છે. હવે જ્યારે દિવાળી નજીક છે ત્યારે મુંબઈમાં પ્રદુષણ મુક્ત દિવાળી કરવાની અપીલ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. નવાઈને વાત એ છે કે જ્યારે ભાજપના ટેકેદારો જ આવા વીડિયોનો વિરોધ કરે છે ત્યારે બીએમસીએ અભિનેત્રી દિયા મીર્ઝા પાસે એક વીડિયો બનાવડાવ્યો હતો, કે જેમાં દિયા મીર્ઝા લોકોને ફટાકડાથી દુર રહીને દિવાળી મનાવવાની અપીલ કરે છે. આ વીડિયો જોયા પછી ભાજપના ટેકેદારો ઉશ્કેરાયા હતા. સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થયા પછી બીએમસીએ આ વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પરથી હટાવી દીધો હતો. આ વીડિયો હટાવ્યા પછી વિરોધ પક્ષે હવે બીએમસીને કઠેરામાં ઉભી કરી છે. વિરોધ પક્ષો પૂછી રહ્યા છે કે બીએમસીએ આ વીડિયો શા માટે હટાવ્યો?
લદ્દાખના દારૂ વેચનારાઓ વાંગચુકથી ભારે નારાજ
'ઓલ લદ્દાખ હોટલ્સ એન્ડ બાર્સ એસોસીએશન્સ'ના સભ્યોએ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકને લપેટમાં લીધા છે. લદ્દાખમાં દારૂના વેચાણ બાબતે વાંગચૂકની નિતિને વેપારીઓએ દંભી અને બેવડા માપદંડવાળી ગણાવી છે. વાંગચૂક થોડા દિવસો પહેલા કેટલીક મહિલાઓ સાથે બેઠા હતા જેમણે લદ્દાખને શરાબ મુક્ત (ડ્રાય સ્ટેટ) બનાવવાની માંગણી કરી હતી. એ જ વખતે એમણે સ્થાનિક દારૂ બનાવનારાઓનો ટેક્સ માફ કરવાની માંગણીને પણ ટેકો આપ્યો હતો. સોનમ વાંગચૂકના આ વિરોધાભાસી વલણને કારણે લદ્દાખના લીકર ટ્રેડર્સ નારાજ થયા હતા. લેહના એનડીએસ મેમોરિયલ પાર્કમાં ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલી કેટલીક મહિલાઓ દારૂ વિરુદ્ધ દેખાવ કરી રહી હતી ત્યારે વાંગચૂક પણ વિરોધમાં બેસી ગયા હતા. લદ્દાખના કેટલાક લોકો હવે એવી ટીપ્પણી કરે છે કે કોઈપણ સ્થળે વિરોધ થતો દેખાય ત્યારે વાંગચૂક વિચાર કર્યા વગર વિરોધ કરનારાઓ સાથે જોડાય જાય છે.




