Delhi ni Vaat

હાઇવે અને પુલો તૂટવાનું કારણ મોદી - ગડકરી વચ્ચેનું ઠંડુ યુદ્ધ?

By GS Team
10 Jul 20265 mins read
TukuTouch Logo
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 6695 કરોડના ખર્ચે બનેલો મિસિંગ લિંક તૂટ્યો છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને એકનાથ શિંદેની મુલાકાતથી 'ઓપરેશન તૂતારી'ની ચર્ચાએ જોર પકડ્યું છે. TMCના 440 કરોડ રૂપિયા EDએ ફ્રીઝ કર્યા. ISI યુકે-કેનેડામાં ભારતીય સમુદાય પર હુમલાનું કાવતરું કરી રહ્યું છે. અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાઇવે અને પુલો તૂટવાનું કારણ મોદી - ગડકરી વચ્ચેનું ઠંડુ યુદ્ધ?

નવીદિલ્હી : દર વર્ષે ચોમાસાની ઋતુ ચાલુ થાય છે કે તરત જ મીડિયામાં સમાચાર આવવા માંડે છે કે હજારો કરોડ ખર્ચીને ૨બનેલા એક્સપ્રેસ હાઇવે એક વરસાદમાં જ તૂટી ગયા છે.
મુંબઈ અને સુરત સહીત દેશભરમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ગુરુગ્રામમાં થોડા વરસાદમાં જ મોટી મોટી બીલ્ડીંગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈ - પૂણે એક્સપ્રેસ વે પર ૬૬૯૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો મીસીંગ લીંક એક્સપ્રેસ વે તૂટી પડયો છે.
આ બધું બનવા છતાં પણ કોઈ પણ કોન્ટ્રાક્ટર કે એજન્સી સામે પગલા ભરવામાં આવતા નથી. લોકસભામાં કે વિધાનસભામાં આ બાબતે સરકારને પૂછવામાં આવે છે ત્યારે ગોળગોળ જવાબ મળે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, તૂટતા પુલો કે તૂટતા એક્સપ્રેસ હાઇવે માટે વરસાદને જવાબદાર ગણી શકાય નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાહન વ્યવહાર મંત્રી નીતીન ગડકરી વચ્ચે ચાલી રહેલા ઠંડા યુદ્ધનો ભોગ તો આમ આદમી બની રહ્યો નથી ને?
શું શરદ પવાર એનડીએમાં જશે?
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમી આવી ગઈ છે. 'ઓપરેશન ટાઇગર' પછી હવે 'ઓપરેશન તૂતારી'ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. એ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે તેમજ એનસીપી (શરદ પવાર)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલને પણ મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચર્ચા ચાલી રહી છે કે શરદ પવાર એનડીએ સાથે ગઠબંધન કરી શકે છે. જોકે આ બાબતે પક્ષમાં નારાજગી હોવાનું કહેવાય છે. પક્ષના ધારાસભ્ય રોહિત પવાર કોઈપણ હિસાબે આ રાજકીય નિર્ણય સાથે સહમત નથી. શરદ પવાર મળવા આવતા હોવાના સમાચાર મળતા જ એકનાથ શિંદેએ પોતાની તમામ અગત્યની મીટીંગો રદ કરી હતી. એનસીપી (શરદ પવાર) પક્ષના કેટલાક નેતાઓ મહાવિકાસ અઘાડી સાથે રહેવાના પક્ષમાં છે.
પાર્ટી ફંડ ફ્રીજ થતા મમતા ભડક્યા
પશ્ચિમ બંગાળમાં પક્ષ હાર્યો અને ત્યાર પછી પક્ષના સિનિયર નેતાઓ પક્ષ છોડી ગયા ત્યારે પણ મમતા ખાસ વિચલીત થયા નહોતા. જોકે હવે મમતા સામે નવી મુશ્કેલી આવતા તેઓ અકળાઈ ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ તૃણમુલ કોંગ્રેસના બેન્ક એકાઉન્ટમાં રહેલા ૪૪૦ કરોડ રૂપિયા ફ્રીજ કરી દીધા છે. આ માટે ઇડીએ એવું કારણ આપ્યું છે કે એવીએશન કંપની ફેરવેલ અને એની સાથે જોડાયેલી એક કંપનીના ખાતામાં ૨૦૨૩ થી ૨૦૨૬ સુધી ૧૬૦ કરોડ ટ્રાન્સફર થયા એ શંકાસ્પદ છે. ઇડી હવે નાણાકીય લેવડદેવડમાં છેતરપીંડીના એંગલની તપાસ કરી રહી છે. ઇડીની આ કાર્યવાહીને ટીએમસીએ રાજકારણથી પ્રેરીત અને ગેરકાયદેસર ગણાવી છે. ટીએમસીના કહેવા પ્રમાણે ખાતામાં રહેલા પૈસાની સંપૂર્ણ જાણકારી ચૂંટણી કમિશન અને ઇન્કમટેક્સને આપવામાં આવી હતી. પક્ષને મળેલા દાનની જાણકારી ચૂંટણી કમિશનને હંમેશા આપવામાં આવી છે. ચૂંટણી કમિશનની વેબસાઇટ પર આ જાણકારી સાર્વજનિક પણ કરવામાં આવી છે.
આઇએસઆઇનું નવું કાવતરૂ
ભારતીય જાસુસી એજન્સીઓએ યુકે અને કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મળતી ઇન્ટેલિજન્સ પ્રમાણે પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇ અને ખાલિસ્તાનના સમર્થકો ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો મનાતા લોકો પર હુમલો કરવાનું કાવતરૂ કરી રહ્યા છે. ઇન્ટેલિજન્સ અધિકારીના કહેવા પ્રમાણે હમણાના વર્ષોમાં યુકે અને કેનેડામાં રહેતા મૂળ ભારતીય લોકો વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ધૃણા ફેલાવીને હિંસક હુમલાઓની ઘટના વધી રહી છે. પહેલા આવી ઘટનાઓ છૂટીછવાઈ જોવા મળતી હતી, પરંતુ હવે સંગઠીત રીતે આવી ઘટનાઓ બની રહી છે. ભારતીય સમુદાય પર હુમલાઓ રોકવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ પશ્ચિમના દેશોની સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. ખાલિસ્તાન આંદોલનને સમર્થન આપનાર આઇએસઆઇએ યુરોપમાં સક્રિય નેટવર્કને યુકે અને કેનેડામાં ભારતીય લોકો પર હુમલા કરવાની સૂચના આપી છે.
બાંકીપુરી પેટા ચૂંટણી પહેલા ભાજપનું ટેન્શન વધ્યું
બાંકીપુર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. જનસુરાજ પક્ષના પ્રમુખ પ્રશાંત કિશોર અહીંથી પેટા ચૂંટણી લડી રહ્યા છે. પ્રશાંત કિશોર પોતાની ટીમ સાથે બાંકીપુર ક્ષેત્રમાં ઘરેઘરે ફરી રહ્યા છે. તેઓ લોકોને સમજાવવાની કોશિષ કરે છે કે ભાજપના અભિમાનને તોડવું પડશે. લાલુના ડરથી ભાજપને અને ભાજપના ડરથી લાલુને મત આપવાની પ્રથાનો અંત આવવો જોઈએ. એક તટસ્થ અને સારી વ્યક્તિને ચૂંટવા માટે એમણે કહ્યું હતું, પરંતુ જોવાનું રહ્યું કે લોકો એમની વાત કેટલી સ્વિકારે છે. બિહારની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને ઘણી મહેનત કરી હતી, પરંતુ એમને સફળતા મળી નહોતી. આ વખતે જોકે પ્રશાંત કિશોરને વિશ્વાસ છે કે એમના પ્રચારને કારણે ભાજપ ડરી ગઈ છે. એમણે જોકે લોકોને અપિલ કરી હતી કે લોકો એમની સાથે ફોટો પડાવવા માટે જોડાય નહીં, પરંતુ એમના પક્ષ માટે મતદાન પણ કરે.
અમેરિકા - ઇરાન વચ્ચે ફરીથી સંબંધો કઈ રીતે બગડયા
અમેરિકા અને ઇરાન વચ્ચે ફરીથી યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ૧૭મી જૂને યુદ્ધ વિરામ માટે બંને પક્ષ તૈયાર થયા હતા. એકાએક ફરીથી યુદ્ધ કેમ શરૂ થઈ ગયું? ઇરાને મંગળવારની સાંજે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. ત્યાર પછી અમેરિકાએ ઇરાન પર રાતોરાત કેટલાક હુમલા કર્યા હતા. નવાઇની વાત એ છે કે ઇરાને જહાજો અને ટેન્કરો પર એ વખતે હુમલા કર્યા હતા કે જ્યારે સુપ્રિમ લીડર અલી ખામેનેઇની અંતિમ ક્રિયા ચાલી રહી હતી. જે ત્રણ કોમર્શિયલ જહાજો પર ઇરાને હુમલા કર્યા હતા એમાંથી એક જહાજ કતરનું હતું જે એલએનજી લઈને જઈ રહ્યું હતું. એ સિવાય સાઉદી અરબનું કાચુ તેલ લઈને જતું ટેન્કર 'વેધ્યાન'ને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. એમ મનાય છે કે ઘટતા તેલની કિંમતથી અકળાઈ ગયેલા ઇરાને યુદ્ધવિરામ ભંગ કરવાનું નક્કી કર્યું છે.
ભગવંત માનએ એસઆઇઆર અભિયાનની તરફેણ કરી
સામાન્ય રીતે વિરોધપક્ષના મુખ્યમંત્રીઓ એસઆઇઆર અભિયાનની આકરી ટીકા કરતા હોય છે. એમના મતે એસઆઇઆરને કારણે કેટલાક મતદારોને મતદાર યાદીમાંથી દુર કરવામાં આવે છે જેને કારણે વિરોધ પક્ષને નુકસાન થાય છે. જોકે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અલગ સુર આલાપી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે એસઆઇઆર અભિયાનમાં સહકાર આપવો જરૂરી છે. એમણે રાજ્યમાં ચાલી રહેલા વોટર લીસ્ટ પરીક્ષણને એટલે કે એસઆઇઆર અભિયાનને પૂરતો ટેકો આપવા અપીલ કરી છે. માનનું કહેવું છે કે એસઆઇઆરનો ઉદ્દેશ લોકશાહીને જમીનીસ્તર પર મજબૂત કરવાનો છે. રાજ્ય સરકાર આ માટે પુરો સહયોગ આપશે. એસઆઇઆરના ફોર્મ ભરવામાં કોઈને તકલીફ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકરો એમને મદદ કરશે. ખુદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સમજી શક્યા નથી કે, ભાજપે શરૂ કરેલા આ અભિયાનને માનએ એકાએક ટેકો કેમ આપ્યો.