Delhi ni Vaat

સોનિયા ગાંધીના નિવાસસ્થાને વિરોધપક્ષોની અગત્યની બેઠક

By GS Team
15 Jul 20265 mins read
TukuTouch Logo
ચોમાસુ સત્રની રણનીતિ માટે ૧૬ જુલાઈએ સોનિયા ગાંધીના દિલ્હી નિવાસસ્થાન ૧૦ જનપથ ખાતે વિરોધપક્ષના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. પેપર લીક, ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ, અયોધ્યા મંદિર દાન ચોરી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરાશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ મુદ્દાઓ તૈયાર કર્યા છે. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની ગેરહાજરી પર સૌની નજર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીના નિવાસસ્થાને વિરોધપક્ષોની અગત્યની બેઠક

નવીદિલ્હી: ચોમાસા સત્રની રણનીતિ બનાવવા માટે વિરોધપક્ષના તમામ નેતાઓ ૧૬મી જુલાઈએ ૧૦ જનપથમાં સોનિયા ગાંધીના રહેઠાણે અગત્યની મીટિંગ કરશે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીના રહેઠાણે મળનારી આ બેઠક બાબતે કહેવાય છે કે ચોમાસા સત્રમાં વિરોધપક્ષોએ એક થઈને સરકારને કઈ રીતે ઘેરવી એની રણનીતિ બનાવવામાં આવશે. પેપર લીક, ઇ-૨૦ ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ અને અયોધ્યા મંદિરની દાન ચોરી જેવા મુદ્દા ગજવવાની તૈયારી થશે. પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ રાહુલ ગાંધી સાથે મળીને મીટિંગના મુદ્દા તૈયાર કર્યા છે. આ મીટિંગમાં વિરોધપક્ષના કયા નેતા ગેરહાજર રહેશે એના પર બધાની નજર છે. એમ મનાય છે કે પશ્ચિમ બંગાળમાં મળેલી હાર પછી મમતા બેનર્જી હવે કુણા પડયા છે અને કોંગ્રેસનો સાથ લીધા વગર એમને ચાલી શકે એમ નથી. અરવિંદ કેજરીવાલ માટે એવું મનાય છે કે તેઓ આ બેઠકમાં હાજર નહીં રહે, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવ બેઠકમાં ચોક્કસ હાજર રહેશે.
પ્રબલ પ્રતાપ કોણ છે?
સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજેઆઇ માટે બિભત્સ શબ્દો બોલીને કાગળો ફેંકનાર પ્રબલ પ્રતાપનો વીડિયો દેશભરમાં જાણીતો થઈ ગયો હતો. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ તો પ્રબલ પ્રતાપને માફ કરી દીધો છે, પરંતુ લોકોને જિજ્ઞાાસા થાય છે કે આ પ્રકારનું વર્તન કરનાર માથાભારે યુવાન કોણ છે. પ્રબલ પ્રતાપ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાનો રહેવાસી છે. પ્રબલ પ્રતાપ લખનૌની એક સોફટવેર કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાં મહિલા સહકર્મચારીને પરેશાન કરવા માટે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. નોકરી ગુમાવતા જ પ્રતાપે કંપની વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. કંપની સામે એણે દેશદ્રોહી પ્રવૃત્તિ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને એફઆઇઆર નોંધવાની માંગણી કરી હતી. છેવટે એફઆઇઆર કરાવવા માટે એ કોર્ટમાં ગયો હતો.
નિમણૂકના બે મહિનામાં તામિલનાડુના ડીએવીસીની હકાલપટ્ટી
તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયના એક નિર્ણયને કારણે તામિલનાડુમાં ચર્ચા થઈ રહી છે. તામિલનાડુની સરકારે ડિરેક્ટરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (ડીએવીસી)ના વડા એ અરૂણની બદલી કરી નાખી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ પદ પર એમની નિમણૂકના ૨ મહિનામાં જ એમને પદ પરથી દુર કરવામાં આવ્યા છે. એ અરૂણની બદલી પછી હવે એમની જગ્યાએ સિનિયર મહિલા આઇપીએસ ઓફિસર સી મંગેશ્વરી નવા ડિરેક્ટર તરીકે નિમાયા છે. એડિશનલ ચીફ સેક્રેટરી કે મણીવાસનના હુકમ પ્રમાણે આ ફેરફાર તાત્કાલીક અસરથી થશે. એડિશનલ ડીજીપી રેન્કના અધિકારી એ અરૂણની જગ્યાએ ચેન્નઇ સ્થિત 'તામિલનાડુ પોલીસ એકેડમી'માં ડિરેક્ટર તરીકે કામ કરનારને મુકવામાં આવ્યા છે. જ્યારે તામિલનાડુમાં વિજય મુખ્યમંત્રી બન્યા ત્યારે ભારે આશા સાથે એ અરૂણને ડીવીએસીના વડા તરીકે મૂકવામાં આવ્યા હતા.
'રાજકારણનો બહુ શોખ હોય તો ચૂંટણી લડો, હેસિયત ખબર પડી જશે'
ફિલ્મ ધૂરંધરથી પ્રખ્યાત થયેલા કરાંચીના લ્યારી વિસ્તારમાં એક સભાને સંબોધન કરતા જમીયત ઉલેમા-એ-ઇસ્લામના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન એકાએક જોશમાં આવી ગયા હતા. પાકિસ્તાનમાં આજકાલ વડાપ્રધાન કરતા લશ્કરી વડા આસીર મુનીરનો ડર વધુ છે. મૌલાનાએ ઊંચા અવાજે મુનીરને ચેતવણી આપી દીધી હતી.
મુનીરને પડકાર ફેકતા ફઝલુર રહેમાને કહ્યું હતું કે જો રાજકારણનો એટલો જ શોખ છે તો વર્દી ઉતારીને ચૂંટણીના મેદાનમાં ઉતરો, જનતા તમારી હેસિયત બતાવી દેશે. મૌલાનાના આ ભાષણનો વીડિયો પાકિસ્તાનમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની સેના નાગરિકોને આતંકવાદીઓ સામે હથિયાર ઉઠાવવાની અને લશ્કર બનાવવાની અપીલ કરે છે એની ટીકા આ વીડિયોમાં કરવામાં આવી છે. મૌલાનાએ મુનીરને સીધુ સંભળાવતા કહ્યું હતું કે, દેશની સુરક્ષાની જવાબદારી રાજ્યની સંસ્થાઓની છે, સામાન્ય નાગરીકોની નહીં.
'વાંગચૂક મરશે ત્યારે તમને શાંતિ થશે'
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતરમંતર વિસ્તારમાં કોકરોચ જનતા પાર્ટીના ટેકેદારો આંદોલન કરી રહ્યા છે. આ બધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે. લદ્દાખના ચળવળકર્તા સોનમ વાંગચૂક ૧૬ દિવસથી અનિશ્ચિત ભૂખ હડતાળ પર ઉતર્યા છે. સીજેપીના પ્રમુખ અભિજીત દિપકે હવે કોઈપણ હિસાબે રસ્તો કાઢવો છે.
કેટલાક કાર્યકરો મીડિયાને એવું જણાવી રહ્યા છે કે કોઈપણ ભોગે ૨૦ હજાર જેટલા યુવાનો જંતર મંતર ખાતે હાજર થાય તો કદાચ વાંગચુક પારણા કરશે.
અભિજીત દિપકેએ પણ એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ પોલીસ અધિકારી સામે હાથ જોડીને કરગરી રહ્યા છે. તેઓ પોલીસ અધિકારીને કહી રહ્યા છે કે, 'સર, હું આપની સામે હાથ જોડી રહ્યો છું. પેલા માણસ (વાંગચૂક)ને તડકો લાગે છે. એ માણસ ખૂબ મુશ્કેલીમાં છે. તમે એમને માટે વધુ મુશ્કેલી શા માટે ઉભી કરો છો, શા માટે તમે એમનું જીવવું હરામ કરી નાખ્યું છે. શું એમનું મૃત્યુ થશે તો તમને શાંતિ મળશે?'
પંજાબ કોંગ્રેસના કલહમાંથી રસ્તો કાઢવા કોંગ્રેસના નેતાઓ ચિંતીત
પંજાબમાં જ્યારે બીજા પક્ષો વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે ત્યારે પંજાબ કોંગ્રેસમાં આંતરીક કલહ વધતો જાય છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને સુખવિંદર સિંહ રંધાવા મોરચો ખોલીને બેઠા છે. એમની માગણી છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદેથી અમરિંદર સિંહ રાજા વડીંગને દુર કરવામાં આવે. ચન્ની અને રંધાવાને કારણે પંજાબમાં ફરીથી સત્તા પર આવવાનું કોંગ્રેસનું સપનું તૂટી શકે છે. છેલ્લા એક અઠવાડિયાથી કોંગ્રેસનો આંતરીક મતભેદ દુર કરવા માટે પંજાબના પ્રભારી ભૂપેશ બધેલ પ્રયત્ન કરતા હતા જેમાં એમને સફળતા મળી નથી. ચરણજીત ચન્ની સાથે ભૂપેશ બધેલે બે કલાક માથાકૂટ કરી પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. હવે દડો કોંગ્રેસ હાઇકમાન્ડની કોર્ટમાં છે. કદાચ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે ગૂંચવણ ઉકેલવા મેદાનમાં ઉતરશે.
'મોદીજી હું મા છું, મને ન્યાય જોઈએ'
પૂણેના યુવાન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં હવે કેતનની માતા રાખી અગ્રવાલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇમેલ કર્યો છે. કેતન અગ્રવાલની હત્યા એની જ મંગેતર અને મંગેતરના પ્રેમીએ સાથે મળીને કરી હતી. કેતનની માતાએ વડાપ્રધાન પાસે હવે ન્યાયની અપીલ કરી છે. કેતનના મોત માટે જવાબદાર લોકોને કડકમાં કડક સજા કરાવવાની એમની માંગણી છે. પત્રમાં રાખીએ લખ્યું છે કે, એમને કદી કલ્પના પણ નહોતી કે એમણે પોતાના બાળક માટે ન્યાય મેળવવા વડાપ્રધાનને પત્ર લખવો પડશે. દરેક માની જેમ મે પણ કેતનને એક સુંદર જિંદગી જીવતો, લગ્ન કરીને અમારી સાથે અમારા વૃદ્ધાવસ્થામાં રહેતો જોયો હતો. એને બદલે મારે મારા દિકરાના અંતિમ સંસ્કાર કરવા પડયા. કેતનની હત્યાને એમણે અતિક્રુર ગણાવી છે. વડાપ્રધાનને લખેલા લાંબા પત્રમાં ઠેર ઠેર લાગણી ટપકે છે.