'ભાજપના હાર્ડકૉર ટેકેદારો પણ...', IBના રિપોર્ટે મોદી સરકારને CJP પ્રોટેસ્ટ સામે ઝૂકવા મજબૂર કરી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Protest and BJP : કોકરોચ જનતા પાર્ટીએ જ્યારે જંતર મંતર ખાતે આંદોલનની શરૂઆત કરી હતી ત્યારે મોદી સરકારને એમ હતું કે, થોડા દિવસ દેખાવો કરીને બધા વિખેરાઈ જશે. જોકે એમ થયું નહીં અને ધીરે ધીરે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓને દેશભરમાંથી ટેકો વધતો જ ગયો. ફક્ત વિરોધપક્ષો જ નહીં, રમતવીરો, ફિલ્મસ્ટારો, સામાજીક કાર્યકરો, લશ્કરના નિવૃત્ત અધિકારીઓ, તટસ્થ વિવેચકો પણ યુવાનોના ટેકામાં આવ્યા. મોદી સરકારે લોકોની નસ જાણવાનો પ્રયત્ન કર્યો. ફક્ત દિલ્હી નહીં, પરંતુ દેશ આખામાં એમના વિશે શું શું મનાઈ રહ્યું છે એ જાણવાનું કામ સેન્ટ્રલ આઇબીને સોંપવામાં આવ્યું. ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલો જાણીને સરકાર ચોંકી ગઈ. આઇબીના રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ આંદોલનને ટેકો ફક્ત વિરોધ પક્ષો કે સીજેપીના યુવાનોનો જ નથી, પરંતુ ભાજપના હાર્ડકોર ટેકેદારો પણ ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. આઇબીના રીપોર્ટ પછી ભાજપના નેતાઓ ઠંડાગાર થઈ ગયા. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી કેબિનેટ મંત્રીઓએ પણ આંદોલન બાબતે સોશ્યલ મીડિયા પર લખવાનું બંધ કરી દીધું હતું. સરકારને લાગ્યું કે જો આ આંદોલન લાંબુ ચાલ્યું તો એમના નેતાઓ જ કદાચ બળવો કરી બેસશે.
સરકારની વ્યૂહરચનાથી આરએસએસ પણ નારાજ
યુવાનોની માંગણી સ્વીકારવામાં સરકારે જે મનમાની કરી છે એનાથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવત ખૂબ નારાજ હોવાનું મનાય છે. મોહન ભાગવતે દિલ્હીમાં એવું નિવેદન આપ્યું હતું કે, 'આજની નવી પેઢી ખૂબ સારા સવાલો પૂછે છે. આપણે એમને આદેશો આપવા કરતા એમની સાથે વાતચીત કરવી જોઈએ. એમની દરેક વાત પાછળનો તર્ક સમજવો જોઈએ. એમને સંવાદ દ્વારા જ યોગ્ય રસ્તો બતાવી શકાય છે. આપણે મનમાની કરીને આપણી તાકાતથી માલિક બની જઈશું એવું નહીં થાય.' રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, મોહન ભાગવતે આ ટોણો વડાપ્રધાન મોદીને માર્યો છે. વડાપ્રધાન મોદીએ જે રીતે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન બાબતે રણનીતિ અપનાવી છે એનાથી આરએસએસના મોટા ભાગના સિનિયર નેતાઓ નારાજ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરએસએસની ભગીની સંસ્થાઓની પણ જે રીતે અવગણના કરવામાં આવી છે એની નોંધ પણ સંઘના નેતાઓ લઈ રહ્યા છે. એક જમાનામાં સંઘની યુવા પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશમાં થતા વિવિધ આંદોલનોનું કાઉન્ટર કરતી હતી, એ હવે લગભગ નિષ્ક્રીય થઈ ગઈ છે. એમ મનાય છે કે ભાજપના ટેકેદારોમાં યુવાનો કરતા રીટાયર્ડ લોકોની સંખ્યા વધુ છે.
જેએનયુ અને ડીયુએ વિદ્યાર્થીઓને દબાવવા કરેલી કોશિષથી વિવાદ
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ) અને દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)એ પોતાના વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફને કહ્યું હતું કે, જંતર મંતર અને એની આસપાસ થઈ રહેલા આંદોલનમાં ભાગ લીધો તો આવી બનશે. એ જ રીતે દિલ્હી યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને આંદોલનમાં નહીં જોડાવા માટે સલાહ આપી હતી. જોકે બંને યુનિવર્સિટીના મોટા ભાગના વિદ્યાર્થીઓ આ દબાણથી ડર્યા નહોતા. આ બંને યુનિવર્સિટીઓએ સૂચના આપતી વખતે સુપ્રિમ કોર્ટના ચૂકાદાની વાત પણ કરી હતી. આ બાબતે સુપ્રિમ કોર્ટના જાણીતા વકીલ સંજય હેગડેએ બંને યુનિવર્સિટીઓને આડે હાથ લીધી હતી. એમણે કહ્યું હતું કે મહેરબાની કરીને સુપ્રિમ કોર્ટનો ચુકાદો બતાવો કે જેમાં લોકોને જંતર મંતર પર પ્રદર્શન કરતા રોકવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે કદી કહ્યું નથી કે તમે દેખાવ નહીં કરી શકો.
આંદોલનનો સૌથી જાણીતો ચહેરો સૌરવ દાસ કોણ છે
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે વાતચીત કરવા ગયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ દેશભરમાં જાણીતા થઈ ગયા છે. અભિજીત દિપકે ભલે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક હોય, પરંતુ સરકાર સાથે વાતચીતની જવાબદારી સૌરવ દાસ સંભાળે છે. સૌરવ દાસ પોતે પત્રકાર છે અને સામાજીક કામ પણ કરે છે. પત્રકારીત્વમાં મુખ્યત્વે તેમણે ન્યાય પાલીકાની બીટસ સંભાળી હતી. જે રીતે આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલાથી જ પત્રકાર મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલ સાથે રહ્યા હતા એ જ રીતે સૌરવ દાસ પણ અભિજીત દિપકે સાથે રહ્યા છે. ભૂતકાળમાં સૌરવ દાસે પર્યાવરણની રક્ષા માટે પણ આંદોલન કર્યા છે. તેઓ કોલેજમાં હતા ત્યારથી જ એમણે આરટીઆઇના કાયદાનો ઉપયોગ શરૂ કર્યો હતો. આરટીઆઇની મદદથી તેમણે ઘણા ભ્રષ્ટાચાર પણ ઉઘાડા પાડયા હતા.
નરેન્દ્ર મોદીની જાહેરાતથી દિપકે ખુશ થયા નહોતા
વિદ્યાર્થી આંદોલનને ઠંડુ પાડવા માટે નરેન્દ્ર મોદીએ પેપર લીકના ગુનેગારોને સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલુ કરવાની વાત કરી હતી. દિપકેનું કહેવું હતું કે દેશમાં આવી ઘણી કોર્ટો બને છે, પરંતુ એનાથી ન્યાય ઝડપી થતો નથી. શું નરેન્દ્ર મોદી ધર્મેન્દ્ર પ્રધાનને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જશે? જો તેઓ ધર્મેન્દ્ર પ્રધાનને સજા નહીં અપાવી શકતા હોય તો આવી ફાસ્ટ ટ્રેક કોર્ટનો અર્થ શું? ભાજપના આઇટી સેલે નરેન્દ્ર મોદીએ બહાર પાડેલા વીડિયોની ખુબ વાહવાહી કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર રાતોરાત મોદીના ફોલોઅર્સ વધી ગયા હતા એના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક લોકોનું માનવું હતું કે, આ બધા ફોલોઅર્સ પૈસા ખર્ચીને વધારવામાં આવ્યા છે. ઓર્ગેનિક ફોલોઅર્સ ખૂબ ઓછા છે. સોશ્યલ મીડિયાને નજીકથી જાણનારાઓને ખબર છે કે કઈ રીતે યુ-ટયુબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર બોગસ ફોલોઅર્સ વધારી શકાય છે.









