Delhi ni Vaat

'ક્રિમિનલ અને રેડ લાઇટ વિસ્તારમાં મને ૯૨ ટકા મત મળ્યા'

By GS Team
9 Sep 20265 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં જણાવ્યું કે તેમને શિક્ષિત લોકો કરતા ગુનેગાર, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારમાંથી 92% વધુ મત મળ્યા છે, જ્યારે શિક્ષિત વિસ્તારોમાંથી 70% મત મળ્યા હતા. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત સામે OBC કાર્યકર્તાઓએ જરાંગેના આંદોલનથી 400 મીટર દૂર ભૂખ હડતાળ શરૂ કરી છે. પંજાબના CM ભગવંત માને દિલ્હી જેલમાં બંધ મંત્રી સંજીવ અરોરાની મુલાકાત લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ક્રિમિનલ અને રેડ લાઇટ વિસ્તારમાં મને ૯૨ ટકા મત મળ્યા'

નવીદિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. થોડા દિવસો પહેલા જ એમણે કહ્યું હતું કે એમણે હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું છે. જોકે થોડા કલાકોમાં જ એમણે બોલેલું ફેરવી તોળ્યું હતું. હવે એમણે ફરીથી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં એમને મળેલા મત વિશે વિશ્લેષણ કરતા કહ્યું હતું કે, 'એમને શિક્ષિત વ્યક્તિઓ કરતા ક્રિમિનલ, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારમાં વધારે મત મળ્યા છે.' પોતાની ચૂંટણી વિશે વાત કરતા એમણે કહ્યું હતું કે, શહેરના શિક્ષિત વિસ્તારોની સરખામણીએ અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારમાં એમના મતદાર વધુ છે. શિક્ષિત વિસ્તારોમાં એમને ૭૦ ટકા જેટલા મત મળ્યા હતા જ્યારે ક્રિમિનલ, અંડરવર્લ્ડ અને રેડ લાઇટ વિસ્તારમાં એમને ૯૨ ટકા મત મળ્યા હતા.
ઓબીસી ક્રીમી લેયર બાબતે સરકાર અસમંજસમાં
ઓબીસી ક્રીમી લેયરના નિયમોને લઈને સુપ્રિમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ૧૧ માર્ચના પરિણામો, સિવિલ સર્વિસની પરીક્ષા ૨૦૨૫ના ઉમેદવારો પર લાગુ કરવા બાબતે જવાબ માંગ્યો છે. જસ્ટીસ આર મહાદેવન અને જસ્ટીસ સી નરસિમ્હાની બેંચે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ૧૭મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટનો એપ્રોચ કર્યો હતો અને કહ્યું હતું કે ૧૧મી માર્ચના ચુકાદાને લાગુ કરવામાં ઘણી મુશ્કેલી છે. સરકારના કહેવા પ્રમાણે જે ઉમેદવારો પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે એના પર આ ચૂકાદાની અસર પડશે. સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે સીએએસઇ - ૨૦૨૫ના ૯૫૮ ઉમેદવારોની પોસ્ટિંગ બાબતે જુના ઓબીસી ક્રીમી લેયરની પદ્ધતિ લાગુ કરવામાં આવે. સરકારનું માનવું છે કે માતા-પિતાના પગાર કે પછી કુલ આવકના આધારે કોઈપણ ઉમેદવારને ક્રીમી લેયરમાં મૂકી શકાય નહીં. મા-બાપનો હોદ્દો અને એમની સંપત્તિ પણ ધ્યાનમાં લેવી જોઈએ.
જેલમાં બંધ મંત્રીને મળવા મુખ્યમંત્રી માન દિલ્હી આવ્યા
ભારતીય જનતા પાર્ટીની ઇમેજ છે કે એના કોઈ નેતા કે કાર્યકર કોઈપણ કારણસર તકલીફમાં મૂકાય ત્યારે એને બચાવવા કે એની ખબર પૂછવા પક્ષના સિનિયર નેતાઓ દરકાર કરતા નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીની ઇમેજ એવી છે કે પક્ષના કોઈ મંત્રી કે સામાન્ય હોદ્દેદાર પણ સંકટમાં હોય ત્યારે પક્ષના ટોચના નેતાઓ એને પડખે ઉભા રહે છે. મની લોન્ડરીંગ કેસમાં પંજાબના કેબીનેટ મંત્રી સંજીવ અરોરા દિલ્હીની જેલમાં કેદ છે. અરોરાને મળવા માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે જેલમાં પહોંચ્યા હતા. આ મુલાકાત રાજકીય રીતે અગત્યની ગણાય રહી છે. સંજીવ અરોરા સામે ઇડીની તપાસ ચાલી રહી છે. ઇડીના જણાવ્યા પ્રમાણે ૧૦૦ કરોડથી વધારેનું જીએસટી કૌભાંડ થયું હતું. આ કૌભાંડ સાથે અરોરા સંકળાયેલા છે. અરોરા આરોપી છે કે નહીં એ આ તબક્કે અગત્યનું નથી. ખુદ મુખ્યમંત્રી એમને મળવા આવતા હોય ત્યારે પક્ષમાંથી બીજાનો પણ ટેકો મળી રહે એમ મનાય છે.
જરાંગેના પ્રદર્શનના વિરોધમાં
ઓબીસી એક્ટીવીસ્ટો
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મનોજ જરાંગે મરાઠા અનામત માટે આંદોલન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હવે પહેલી વખત જરાંગેના આંદોલનની સમાંતર ઓબીસી આંદોલનકારીઓએ જવાબી ભૂખ હડતાળ શરૂ કરી છે. જરાંગેથી હંમેશા ડરીને રહેતી મહારાષ્ટ્ર સરકારે જોકે કાયદો વ્યવસ્થા, તણાવ અને ટ્રાફિક સમસ્યાનું બહાનું આપીને વિરોધ પ્રદર્શન કરવાની સહમતી આપી નથી. ઓબીસીના ૪ આંદોલનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજી તરફ જરાંગેની ભૂખ હડતાળ ૧૦મે દિવસે પણ ચાલુ છે. એમની માંગણી છે કે, મરાઠા સમુદાયના યોગ્યતાવાળા લોકોને કુણબી પ્રમાણપત્ર હેઠળ ઓબીસી અનામતના લાભ મળવા જોઈએ. ઓબીસીના આંદોલનકારીઓએ જરાંગેના આંદોલન સ્થળથી ફક્ત ૪૦૦ મીટર દુર સારતી ગામમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. એમનો આરોપ હતો કે રાજ્ય સરકાર ઓબીસી સંપ્રદાયના હક્કને અવગણી રહી છે.
રાજકીય દાદાગીરીથી સુપ્રિમ કોર્ટ નારાજ
મહારાષ્ટ્રમાં ડોક્ટરો સાથે વારંવાર મારપીટ થતી રહે છે. કેટલીક વખત રાજકીય દબાણને કારણે ગુનેગારો સામે પગલા લેવામાં આવતા નથી. અમુક કિસ્સામાં તો રાજકારણીઓ જ ડોક્ટરો સાથે મારપીટ કરતા જોવા મળ્યા છે. આ બાબતે હવે સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારોને સૂચના આપી છે કે ડોક્ટરો પર હુમલા કરનાર રાજકારણીઓ સામે તરત પગલા લેવામાં આવે. મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી રીલીફ હોસ્પિટલમાં દહીં હાંડીમાં ઘાયલ થયેલા ગોવીંદાઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી એમને રજા આપવા બાબતે વિવાદ થયો હતો. આ કિસ્સામાં શીવસેના સાથે જોડાયેલા ૧૭ હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ચોખ્ખુ કહ્યું છે કે હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો કરનારાઓ છૂટ્ટા ફરવા જોઈએ નહીં.
સચીન પાયલોટ પ્રભારી બનતા જ પંજાબ કોંગ્રેસનું રાજકારણ બદલાયું
પંજાબ કોંગ્રેસના નવા પ્રભારી તરીકે સચીન પાયલોટની નિમણૂક થઈ છે. સચીન પાયલોટની નિમણૂક પછી પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ હાલ પૂરતી અટકી ગઈ છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડીંગએ પાયલોટને ઉચ્ચ કક્ષાના નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે એમને કારણે પંજાબ કોંગ્રેસમાં ફેરફાર જોવા મળશે. જોકે 'પોલીટીકલી કરેક્ટ' રહેવા માટે એમણે એમ પણ કહ્યું છે કે, ભૂપેશ બધેલએ પણ પંજાબ માટે સારૂ કામ કર્યું હતું, પરંતુ એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. કોંગ્રેસના નેતાઓ પંજાબના લોકોની લડાઈ લડવા માટે હવે બધા એક મંચ પર ભેગા થશે. એમણે સંકેત આપ્યો છે કે હવે સંગઠન રાજ્યના અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવા માટે અને સરકારને ઘેરવા માટે તૈયારી શરૂ કરશે.
ઉર્દૂ પત્રકાર નદીમુલ હકના ઘરે ઇડી શા માટે પહોંચી
તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નદીમુલ હક ઇડીના રડાર પર આવી ગયા છે. એમના ૭ જેટલા સ્થાનો પર ઇડીએ તપાસ શરૂ કરી છે. નદીમુલ સામે શંકાસ્પદ વ્યવહારોના ઘણા આરોપ છે. આ તપાસ દિલ્હીથી લઈને રાંચી અને કોલકત્તા સહિત ઘણા રાજ્યોમાં ચાલી રહી છે. અખબાર - એ - મશરીક પ્રાઇવેટ લીમીટેડ સાથે જોડાયેલા કેટલાક કેસ સંદર્ભે આ તપાસ શરૂ કરવામાં આવી છે. અખબાર - એ - મશરીક એક ઉર્દુ દૈનિક અખબાર છે અને હક એના ડાયરેક્ટર છે. ઇડીના અધિકારીઓએ કહ્યું હતું કે, 'મની લોન્ડરીંગના એક કિસ્સામાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ હકની તપાસ કરવામાં આવી રહી છે. હકના છાપાએ કોમવાદી તણાવ વધે એ પ્રકારના સમાચારો પણ છાપ્યા હતા.'