'ઇતિહાસ મનમોહન સિંહને પ્રામાણીકતા માટે યાદ રાખશે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ૨૦૧૪ના જાન્યુઆરી મહિનામાં પોતાની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, 'મારૂ માનવું છે કે ઇતિહાસ મારા પ્રત્યે એ સમયના મીડિયા કે સંસદના વિરોધ પક્ષોની સરખામણીએ વધુ ઉદાર રહેશે.'
એ વખતે મનમોહન સિંહ પર વિરોધપક્ષો અને મીડિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ૨૯મી જુલાઈએ મનમોહન સિંહની આ વાત સાચી સાબિત થઈ.
સુપ્રિમ કોર્ટે કોલસા વિતરણ કૌભાંડના કેસમાં મનમોહન સિંહને ક્લીનચીટ આપી હતી. આ બાબતે હવે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે પ્રમાણીકતા અને જવાબદારી મામલે મનમોહન સિંહનો રેકોર્ડ મોદી સરકાર કરતા અલગ જ છે. ઇતિહાસ એમને એક શાંત, સોમ્ય પરંતુ અગત્યના વડાપ્રધાન તરીકે સારા શબ્દોમાં યાદ રાખશે. પ્રમાણીક અને સાચા વ્યક્તિ ડો. સિંહ વિરુદ્ધ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.
આરએસએસને આતંકી સંગઠન જાહેર કરવા પૂર્વ કાર્યકરની માંગ
આરએસએસના એક ભૂતપૂર્વ પ્રચારક યશવંત સહદેવ શિંદેએ કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, આરએસએસના નેતા ઇન્દ્રેશકુમાર અને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી મીલીંદ પરાડે સહિત કેટલાક સિનિયર નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. એમણે કહ્યું છે કે ૨૦૦૦ના દશકમાં દેશની અલગ અલગ જગ્યાઓએ જે બોમ્બ ધડાકા થયા હતા એની તપાસ કરવામાં આવે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવે. ૨૦૦૦ના દશકમાં દેશમાં થયેલા કેટલાક બોમ્બ વિસ્ફોટો માટે જમણેરી વિચારધારાની કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. વિવિધ એજન્સીઓએ એની તપાસ પણ કરી હતી જોકે છેવટે આરોપીઓ નિર્દોષ છૂટયા હતા. શિંદે ૧૯૯૦થી પુર્ણકાલીન આરએસએસ કાર્યકર્તા હતા. શિંદેનું કહેવું છે કે એમને આરએસએસ સાથે સંબંધ ત્યારે કાપી નાખ્યા હતા કે જ્યારે એમને બોમ્બ બનાવવાનું શીખનાર ટીમમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું હતું. પરાંદેના નેતૃત્વમાં બીજા ૨૦ લોકો સાથે એમણે બોમ્બ બનાવવાનું શીખવાની ટ્રેનિંગ લીધી હતી.
જેએનયુએ ખાલીદના પુસ્તક પરનો કાર્યક્રમ રદ કેમ કર્યો
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના સત્તાધિશોએ ઉમર ખાલીદના પુસ્તક 'ફ્રેક્ચર્ડ કોમ્યુનિટિઝ' પર ચર્ચા માટે જે ઓડીટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. દેશદ્રોહના આરોપ હેઠળ ઉમર ખાલીદ હમણા જેલમાં છે. આ કાર્યક્રમ હવે રદ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ ૧૦મી ઓગસ્ટે થવાનો હતો. જેએનયુના વિદ્યાર્થી સંગઠન દ્વારા આદિવાસી દિવસના પ્રસંગે સાર્વજનીક ચર્ચા થવાની હતી. જેએનયુ દ્વારા આપવામાં આવેલી નોટિસ પ્રમાણે આ બુકિંગ રદ કરવામાં આવ્યું છે કારણ કે ઓડિટોરિયમ બુકિંગ માટે આપવામાં આવેલા ફોર્મમાં કાર્યક્રમની રૂપરેખાનો ઉલ્લેખ થયો નહોતો. સત્તાધિશોનું કહેવું છે કે, ઓડિટોરિયમમાં અને બીજા સ્થળનો જે કારણસર ઉપયોગ થવાનો છે એ વિશે પારદર્શિતા હોવી જોઈએ. આ કાર્યક્રમમાં પ્રો. પ્રભુ મહાપાત્રા, પ્રો. ઉમા ચક્રવર્તી, શુદ્ધબ્રત સેન ગુપ્તા, હર્ષ મંદર અને બાનો જ્યોત્સના નાહેદી ભાગ લેવાના હતા. આ બધા જ મોદી અને જમણેરીઓ વિરુદ્ધ ગણાતા બૌદ્ધિકો છે.
પંજાબ કોંગ્રેસમાં પ્રતાપ બાજવાનો ખેલ શરૂ
પંજાબ કોંગ્રેસમાં ઘણા સમયથી આંતરીક ખેંચતાણ ચાલી રહી છે. અત્યાર સુધી ચન્ની - વડીંગ વચ્ચે તણાવ ચાલતો હતો, પરંતુ હવે વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ પણ મોરચો ખોલી દીધો છે. એમણે કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો સાથે ચંદીગઢમાં ખાનગી બેઠક કરીને રાહુલ ગાંધીને મળવાનું નક્કી કર્યંે છે. ત્યાર પછી ધારાસભ્યોએ પણ રાહુલ ગાંધીને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. પંજાબ કોંગ્રેસમાં જે ખેંચતાણ ચાલી રહી છે એ વિશે ધારાસભ્યો રાહુલ ગાંધીને વાત કરવા માંગે છે. પ્રતાપસિંહ બાજવા દિલ્હી પહોંચી ગયા છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી ભૂપેશ બધેલ જુલાઈ મહિનાની ૬ તારીખે ચંદીગઢ પહોંચ્યા હતા. પ્રતાપસિંહ બાજવાના સરકારી રહેઠાણ પર ત્યાર પછી મીટીંગ થઈ હતી આ મીટીંગમાં રાજા વડીંગ અને ચન્ની ગુ્રપના કોઈ નેતા હાજર રહ્યા નહોતા.
લાલ કિલ્લા પરથી પહેલી વખત વંદે માતરમ ગવાશે
૮૦ વર્ષ પહેલા ભારતના ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓએ જે રાષ્ટ્રીય ગીત દીલ દઈને ગાઈ ભારતને આઝાદી અપાવી હતી એ વંદે માતરમ હવે ૮૦મા સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં લાલ કિલ્લા પરથી પહેલીવાર ગાવામાં આવશે. રક્ષામંત્રાલયે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે ૨૦૨૬માં વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થયાના પ્રસંગે આ ગીત લાલ કિલ્લા પરથી ગાવામાં આવશે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમની શરૂઆતમાં જ આ ગીત ગવાશે. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને ત્યાર પછી રાષ્ટ્ર ગીત ગાવામાં આવશે. છેલ્લે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે. હમણા જ મોદી સરકારે સંસદમાં રાષ્ટ્રીય સન્માનના અપમાનનું સુધારા બીલ પસાર કર્યું હતું અને વંદ માતરમના અપમાન કરનારા કૃત્યને કડક શીક્ષા કરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો.
ઇન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર ચૂંટણી લડશે
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે અમૃત પાલ સિંહના પક્ષ વારીસ પંજાબ દેએ પોતાના પહેલા ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. પક્ષે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારા કેહર સિંહના પુત્રને બસ્તી પઠાણા બેઠક પરથી ઉમેદવાર નક્કી કર્યા છે. ઇન્દિરા ગાંધીની હત્યાનું કાવતરૃં ઘડવા માટે કેહર સિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી. પક્ષના ઉમેદવારની જાહેરાત કરતી વખતે તરસેમ સિંહએ કહ્યું હતું કે, પક્ષનો ઉદ્દેશ ફક્ત સત્તા મેળવવાનો નથી. પંજાબ માટે કુરબાની આપનારાઓના પરિવારનું સન્માન કરવાનો ઉદ્દેશ પણ પક્ષનો છે. જોકે પંજાબમાં વારીસ પંજાબ દે પક્ષને અછૂત ગણવામાં આવે છે, કારણ કે મોટા ભાગના ખાલિસ્તાનવાદીઓ પક્ષ સાથે જોડાયા છે. ૬૧ વર્ષના સંતવંત સિંહ કેહર સિંહના પુત્ર છે જેઓ એક રીટાયર્ડ બેંક અધિકારી છે.
ગુલામ મોહમદે કાવડીયાઓ પર ફૂલ વરસાવતા ઓવૈસી ભડક્યા
ઉત્તર પ્રદેશમાં હમણા શ્રાવણ મહિનો મનાવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા કાઢી રહ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ શિવભક્ત કાવડીયાઓ હરીદ્વારથી ગંગાજળ લઈને પોતપોતાના શહેરોના શિવ મંદીરોમાં પરત ફરી રહ્યા છે. ગયા અઠવાડિયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ મેળામાં જોડાઈને મેરઠ ખાતે કાવડીયાઓ પર પુષ્પ વર્ષા કરી હતી. એ વખતે સીવાલખાસ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આરએલડીના ધારાસભ્ય ગુલામ મોહમદે પણ મંચ પર હાજર રહીને કાવડીયાઓ પર ફૂલ વરસાવ્યા હતા. આ બાબતે હવે અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ એઆઇએમઆઇએમ નારાજ થઈ ગયો છે. પક્ષના પ્રવક્તા શાદાબ ચૌહાણએ ગુલામ મોહમદને પૂછયું છે કે શું આ રીતે એમણે કદી નમાઝીઓ પર ફૂલ વરસાવવાની હીંમત કરી છે ખરી?









