નવીદિલ્હી : દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં થોડા સમય પછી વિધાનસભાની ચૂંટણી થવાની છે. બીજા રાજ્યોની જેમ ઉત્તર પ્દેશમાં પણ એસઆઇઆરની પ્રક્રિયા ચાલી રહી છે. મતદાર યાદીમાં સુધારા વધારા થઈ રહ્યા છે. વિશાળ રાજ્ય હોવાને કારણે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કમિશનનું કામ પણ સરળ હોતું નથી. હવે એસઆઇઆર અભિયાનની મુદત વધારીને છઠ્ઠી માર્ચ કરવામાં આવી છે. જે મતદારોને ફરિયાદ હોય તેઓ છઠ્ઠી માર્ચ સુધી પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ સિવાય મેપીંગ સાથે જોડાયેલી તમામ નોટીસોની છેલ્લી તારીખ ૨૭ ફેબુ્રઆરીને બદલે ૨૭ માર્ચ કરવામાં આવી છે. અંતિમ મતદાર યાદી ૧૦મી એપ્રિલે પ્રકાશીત થશે. મુખ્ય ચૂંટણી કમિશનર નવનીત રીણવાના જણાવ્યા પ્રમાણે ફોર્મ ૬ની અરજીઓ વધતી જાય છે. આ સિવાય મેપીંગ માટે મોટી સંખ્યામાં નોટીસ મોકલવામાં આવી છે. મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમનું નામ મતદાર યાદીમાં નથી. મતદાર યાદીમાં નામ નહી હોય એવા ૩૭,૮૦,૪૧૪ અરજીઓ મળી છે. નામમાં વીસંગતતા કે બીજી ભુલો માટે ૩.૨૬ કરોડ લોકોને નોટીસ મોકલવામાં આવશે.
આડકતરી રીતે હવે ઓવૈસીએ પણ રાહુલ ગાંધીને ટેકો આપ્યો
તેલંગાણામાં ૧૧મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને નગર નિગમની ચૂંટણીઓ થવાની છે. અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમએ મહારાષ્ટ્રની નગરપાલિકા અને નગર નિગમની ચૂંટણીઓમાં સારો દેખાવ કર્યો હોવાથી બધાની નજર ઓવૈસી પર છે. કેટલાક રાજકીય નીરિક્ષકો માને છે કે, ઓવૈસીનો પક્ષ ભાજપની બી ટીમ છે. જોકે કમસેકમ તેલંગાણામાં તો ઓવૈસીની આગવી ઓળખ છે. ભૂતકાળમાં ઓવૈસીએ કદી રાહુલ ગાંધીની વાતને સીધો કે આડકતરો ટેકો આપ્યો નથી. તેલંગાણાની ચૂંટણી સભાઓમાં ઓવૈસી જોકે રાહુલ ગાંધીના આક્ષેપને આડકતરી રીતે ટેકો આપી રહ્યા છે. ઓવૈસીએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરી છે કે, ચીનનું લશ્કર લદ્દાખમાં અંદર સુધી આવી ગયું હોવા છતાં કેન્દ્ર સરકાર સુતી રહી હતી. ઓવૈસીએ કદાચ પહેલી વખત ભાજપ અને આરએસએસ પર સીધા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર સૈન્યને સીધો આદેશ આપવાની હીમત કરી શકી નહોતી.
6 હજાર કરોડનું લીકર કૌભાંડ, ભાજપના આખી રાત દેખાવો
કર્ણાટક વિધાનસભામાં ભાજપ અને જનતા દળના એક્સાઇઝ મીનીસ્ટર આર બી તીમ્માપુર વચ્ચે જામી પડી છે. ભાજપ અને એના સાથીપક્ષ જનતાદળ (સેક્યુલર)એ એક્સાઇઝ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે મંત્રી તીમ્માપુરનું રાજીનામું માગ્યુ છે. વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપનો આક્ષેપ છે કે, રાજ્યના એક્સાઇઝ ખાતામાં ભ્રષ્ટાચાર થયો છે. લીકરનું લાયસન્સ આપવા માટે લાંચ માંગવામાં આવે છે. આ કૌભાંડ ૬ હજાર કરોડ રૂપિયાને આંબી ગયું છે. આક્ષેપ છે કે કોંગ્રેસ આ પૈસાનો ઉપયોગ જે રાજ્યોમાં ચૂંટણી હોય એના ફંડીંગ માટે કરે છે. લીકર માટે લાયસન્સ જરૂરી છે અને લાયસન્સ આપવા માટે કેટલાક અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. જોકે મંત્રીએ આક્ષેપોનો જવાબ આપતા વિધાનસભામાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર કોઈ નવી વાત નથી. ખાસ કરીને મારા વિભાગમાં તો આવા આક્ષેપ થતા જ રહે છે.
નોઇડાના કુખ્યાત મોલમાં ફરીથી બાઉન્સરોનો આંતક
દિલ્હી - એનસીઆરનું કુખ્યાત પાર્ટી હબ 'ગાર્ડન ગેલેરિયા મોલ' ફરીથી ચર્ચામાં છે. આ મોલમાં વારંવાર મારામારી થતી રહે છે. ભૂતકાળમાં પણ અહીં સિક્યુરીટી માટે રખાયેલા બાઉન્સરોએ ગુંડાગીરી કરી હતી. મોલના ઇમ્પલ્સ બારમાં કેટલીક વ્યક્તિઓ વચ્ચે સામાન્ય બોલચાલ થતા વાત વધીને મારામારી સુધી પહોંચી ગઈ હતી. પહેલા એવા સમાચાર બહાર આવ્યા હતા કે, બારમા આવેલા ગેસ્ટ સાથે બાઉન્સરને ઝઘડો થઈ ગયો હતો. બે જૂથો વચ્ચે પણ વાત મારામારી સુધી પહોંચી ગઈ ત્યારે બાઉન્સરોએ પહોંચી જઈ વાત વધારી હતી. આરોપ છે કે બાઉન્સરોએ બે યુવાનોને ઘેરી લઈ એમને જમીન પર સુવડાવી ક્રૂરતાથી માર માર્યો હતો. પોલીસે અત્યાર સુધી ૭ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટનાનો વિડિયો દિલ્હીમાં વાયરલ થઈ રહ્યો છે.
માયાવતીએ વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક જમાનામાં ખમતીધર દલીત નેતા ગણાતા માયાવતી છેલ્લા કેટલાક સમયથી રાજકીય રીતે પાછળ રહી ગયા છે. એમના પક્ષ બીએસપીનો દેખાવ છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ખૂબ જ નબળો રહ્યો છે. હવે માયાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે નવેસરથી તૈયારી શરૂ કરી રહ્યા છે. તેઓ સંગઠનમાં મોટા ફેરફાર કરશે એવી શક્યતા છે. માયાવતીના કહેવા પ્રમાણે એસઆઇઆરના કારણે એમના પક્ષને અસર થઈ છે. હવે બાકીના કામો પુરા કરવામાં આવશે. બીજા પક્ષો કઈ રીતે બીએસપીને નબળી પાડવા માંગે છે એ બાબતે પણ પદાધિકારીઓને સમજાવવામાં આવશે. ગરીબો, દલીતો, શોષિતો, વંચીતો, મુસ્લિમો તેમજ બીજા લઘુમતિઓ અને વેપારીઓ, ખેડૂતોની સ્થિતિ બગડી રહી છે એવો આક્ષેપ માયાવતીએ કર્યો હતો. રાજ્યની હમણાની તેમજ અગાઉની સરકારોએ લોકોના હિત પર ધ્યાન આપવાને બદલે જાતી અને ધર્મ આધારીત રાજકારણ પર ધ્યાન આપ્યું છે.
રજનીકાંતે મહિલા સફાઇ કર્મચારીનું સન્માન શા માટે કર્યું
જ્યારે માનવીય મુલ્યોની વાત આવે છે ત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા દક્ષિણ ભારતના ફિલ્મસ્ટાર્સ ઘણા આગળ હોવાનું કહેવાય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સની જેમ તેઓ હવામાં ઉડાઉડ કરતા નથી એનો વધુ એક દાખલો જાણવા મળ્યો છે. દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે એક મહિલા સફાઈ કર્મચારીને ઘરે બોલાવીને એને સોનાની ચેન પહેરાવી સન્માન કર્યું હતું. પદમા નામની આ મહિલા કર્મચારી ચેન્નાઇના કેટીનગર વિસ્તારમાં કામ કરે છે. ડયુટી વખતે એને એક લાવારીસ પાઉચ મળ્યું હતું જેમાં ૩૬૦ ગ્રામ સોનાના દાગીના હતા. આ ઘરેણા પોતાની પાસે રાખી લેવાને બદલે પદ્માએ પોતાના ઉપરી અધિકારીઓને આ માહિતી આપી હતી અને પાઉચ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું. પોલીસે તપાસ કરીને આ પાઉચ એના માલિક સુધી પહોંચાડયું હતું. રજનીકાંતને આ વાતની ખબર પડી ત્યારે એમણે સફાઇ કર્મચારીને પોતાના ઘરે બોલાવી સોનાની ચેન ભેટમાં આપી હતી.
સેલીના જેટલીની વડાપ્રધાન મોદીને વિનંતી
હિન્દી ફિલ્મોની અભિનેત્રી સેલીના જેટલીના ભાઈ યુએઇમાં કેદ છે. એમને છોડાવવા માટે સેલીના જેટલી વકીલો ઉપરાંત સોશ્યલ મીડિયાની મદદ પણ માંગી રહી છે. હવે એણે લાગણીશીલ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ પણ માંગી છે. એક ટીવી ચેનલ પર જઈને સેલીનાએ એમના ભાઈ મેજર (રીટાયર્ડ) વિક્રાંતકુમાર જેટલીના મામલે દખલ કરવાની વડાપ્રધાનને અપીલ કરી છે. આંખમા આંસુ સાથે સેલીનાએ કહ્યું હતું કે, 'પ્લીઝ અમારા સૈનિકને પાછો લઈ આવો.' વિક્રાંતકુમાર જેટલી ભારતીય સૈનાના ભૂતપૂર્વ સ્પેશિયલ ફોર્ર્સીસ અધિકારી છે. યુએઇએ ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં એમની ધરપકડ કરી હતી. આ મામલો આ અઠવાડીયે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ થવાનો છે. કોર્ટે વિદેશ મંત્રાલયને સૂચન કર્યું છે કે મેજર વિક્રાંતને કાયદાકીય મદદ કરવામાં આવે.


