Get The App

દિલ્હીની વાત : સરકારની 34 પુસ્તકોને મંજૂરી તો નરવણેના પુસ્તક પર લટકતી તલવાર કેમ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સરકારની 34 પુસ્તકોને મંજૂરી તો નરવણેના પુસ્તક પર લટકતી તલવાર કેમ 1 - image

નવીદિલ્હી : ભારતીય સૈન્યના ભૂતપૂર્વ જનરલ એમ એમ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની'ને રક્ષા મંત્રાલયે પ્રકાશનની પરવાનગી આપી નથી. આ પુસ્તકમાંથી કેટલાક લખાણનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ લોકસભામાં કર્યો હતો અને ત્યાર પછી મોટો વિવાદ થયો હતો. છેલ્લા પાંચ વર્ષોમાં સૈન્યના અધિકારીઓએ લખેલા ઘણા પુસ્તકોને પ્રકાશિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જનરલ નરવણેનું એક માત્ર પુસ્તક એવું છે કે જેને હજી સુધી પરવાનગી મળી નથી. રક્ષામંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીમાં કુલ ૩૫ પુસ્તકોના પ્રકાશન માટે મંજૂરી માંગવામાં આવી હતી. આમાંથી ૩૨ પુસ્તકોના પ્રકાશનને મંજૂરી આપવામાં આવી હતી. ત્રણ પુસ્તકોને હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી જેમાં નરવણેના પુસ્તકનો પણ સમાવેશ થાય છે. જનરલ નરવણે ૨૦૧૯થી ૨૦૨૨ સુધી સેના પ્રમુખ હતા. આ સમયગાળા દરમિયાન લદ્દાખમાં એલોસી પર ટીમ સાથે તણાવ સૌથી વધુ હતો.

મલ્લીકાર્જૂન ખડગે વડાપ્રધાન પર કેમ બગડયા

કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગે રાહુલ ગાંધી જેટલા આક્રમક નથી. જોકે બજેટ સત્ર ચાલુ થયા પછી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી રહ્યા છે. વડાપ્રધાને રાજ્યસભામાં આપેલું પ્રવચન ખડગેને ખાસ પસંદ આવ્યું નથી. એમણે સોશ્યલ મીડિયા પર કડક ભાષામાં લખ્યું છે કે, 'પ્રધાનમંત્રીના ભાષણ બાબતે પ્રત્યાઘાત આપવા જેવો નથી. જોકે એમણે જેટલી નિમ્ન કક્ષાની વાત કરી છે એનો જવાબ મારે આપવો જોઈએ. જૂઠી વાતોને રીપીટ કરવાની એમને આદત છે. મારે આજે કહેવું પડે છે કે, રાજ્ય સભામાં એમણે આપેલા ૫૭ મીનીટના ભાષણમાં અમારી કોઈ પણ વાતનો જવાબ નહોતો. તેઓ ફક્ત ૧૦૦ વર્ષ, ૭૫ વર્ષ અને ૫૦ વર્ષની વાતો કરતા રહ્યા. એમણે બે કીલો ગાળોની વાતો કરી. હવે શું તેઓ ગાળોની ગણતરી પણ વજનથી કરશે? આટલા શબ્દોમાં મને ગાળો આપી એમ કહે ત્યાં સુધી ઠીક છે, પરંતુ ગાળોને બે-બે કીલો કે એક-એક ક્વીન્ટલ ગાળો... એટલે શું? અમે લોકસભા કે રાજ્યસભામાં જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા એમના કોઈ જવાબ એમની પાસે હોતા નથી.'

છેવટે અમેરિકાએ પીઓકેને ભારતનો હિસ્સો માન્યો

અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલનું ફેર્મવર્ક તૈયાર કર્યું છે. આ કારણે પાકિસ્તાનનું ટેન્શન વધી ગયું છે. છેવટે અમેરિકાએ એવું તે શું કર્યું છે કે શહબાઝ શરીફ અને આસીમ મુનીરની ઉંઘ ઉડી જાય? અમેરિકાએ છેવટે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે પીઓકેને ભારતનો હિસ્સો માન્યો છે. આમ પણ જોકે પીઓકે ભારતનો જ હિસ્સો છે. ભારત શરૂઆતથી આ દાવો કરી રહ્યું છે. હવે અમેરિકાએ પણ આ બાબતે ભારત સાથે સહમતી બતાવી છે. અમેરિકાએ જે નકશો બહાર પાડયો છે એમાં પીઓકેને પણ ભારતના હિસ્સા તરીકે બતાવ્યું છે. આ નકશો જોઇને પાકિસ્તાન ચિંતામાં પડી ગયું છે. અમેરિકાના બિઝનેસ પ્રતિનિધિ કાર્યાલયે એટલે કે યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રીપ્રેઝન્ટેટીવએ ભારત - અમેરિકાના ટ્રેડ એગ્રીમેન્ટની જાણકારી આપતા જે નકશાનો ઉપયોગ કર્યો છે એ જોઈને શાહબાઝ અને મુનીર માથુ પછાડે છે.

સુપ્રીમકોર્ટ આવતા પહેલા મહિલા ગરીબ હતી કે પછી થઈ

સુપ્રિમ કોર્ટમાં રોજ ઘણા દાવાઓની સુનાવણી થાય છે. હમણા સુપ્રિમ કોર્ટમાં એક એવા દાવાની સુનાવણી થઈ કે જે લાંબા સમયથી હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. આ બાબતે સીજેઆઇ સુર્યકાંત એક મહિલાની પેન્ડીંગ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. વકીલે જ્યારે કહ્યું કે, આ મહિલા ગરીબ છે ત્યારે સીજેઆઇએ જે જવાબ આપ્યો એની ચર્ચા થઈ રહી છે. વકીલે જ્યારે મહિલાને ગરીબ બતાવી ત્યારે સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, 'તે સુપ્રિમ કોર્ટ આવ્યા પછી ગરીબ થઈ ગઈ?' સીજેઆઇએ વકીલને સમજાવતા કહ્યું હતું કે પ્લીઝ તમે એમ નહીં કહો કે એ એક ગરીબ મહિલા છે. તમારે કહેવું જોઈએ કે એ એક ફાઇટર મહિલા છે. આ મહિલા જ્યાં સુધી ઘરે નહીં બેસે ત્યાં સુધી એના કેસનું લોજીકલ પરિણામ નહીં આવે. જ્યારે આ મહિલા સુપ્રિમ કોર્ટ સમક્ષ છે ત્યારે એને આપ ગરીબ મહિલા કેમ કહી રહ્યા છો? આ મહિલાનો કેસ હિમાચલ હાઇકોર્ટમાં ૧૧ વર્ષથી પેન્ડીંગ છે.

રાજ ઠાકરેએ રંગ બતાવ્યો, ઉદ્ધવ ઠાકરે પાસે કરી નવી માંગણી

રાજકીય રીતે રાજ ઠાકરે અને એમનો પક્ષ એમએનએસ કઈ ઉકાળી શક્યા નથી. લોકસભા, વિધાનસભા કે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં રાજ ઠાકરેના પક્ષને સમ ખાવા પૂરતી બેઠકો પણ મળતી નથી. મરાઠી અસ્મિતાનું કાર્ડ રમીને એમણે શીવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે હાથ મેળવ્યો તો પણ એમને નિષ્ફળતા મળી હતી. હવે મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ અને શીવસેના (એકનાથ શિંદે)ની બહુમતી છે. મહાનગરપાલિકાના કોર્પોરેટરો બાબતે રાજ ઠાકરેએ નવી માંગણી મૂકી છે. રાજ ઠાકરેની માંગણી છે કે, મુંબઈ મહાનગરપાલિકામાં શીવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ક્વોટામાંથી એક કોર્પોરેટર એમએનએસને આપવામાં આવે. આંકડા પ્રમાણે મુંબઈ મહાનગરપાલિકામાં કોઈપણ પક્ષને એક કોર્પોરેટરની નિમણૂક કરવા માટે ૨૨.૭ કોર્પોરેટરોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. આ આધારે ઉદ્ધવ ઠાકરેએ ત્રણ કોર્પોરેટરોની નિમણૂક કરી શકે છે.

ફિલ્મસ્ટારોને ડરાવતો નવો માફિયા ડોન

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મસ્ટારોને ડરાવવા માટે હવે એક નવો માફિયા પેદા થયો છે. ફિલ્મ ડિરેક્ટર રોહીત શેટ્ટીના ઘર બહાર થયેલા ફાયરીંગ પછી એક નવું નામ ચર્ચામાં છે. ફિલ્મસ્ટાર્સ હવે માફિયા ડોન શુભમ લોનકરના નામથી ફફડી રહ્યા છે. શુભમ, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો જમણો હાથ ગણાય છે. લોરેન્સ બિશ્નોઇ ભલે ગુજરાતની સાબરમતી જેલમાં કેદ હોય, પરંતુ એનું નેટવર્ક હજી સક્રિય છે. વિદેશમાં બેઠેલો ગોલ્ડી બરાડ આ નેટવર્ક સંભાળી રહ્યો છે. શુભમ લોનકર અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાંચ સ્ટાર્સને નિશાન બનાવી ચૂક્યો છે. એણે પાંચ મોટા સ્ટાર્સને ખંડણી માંગવા માટે ફોન કર્યા હતા. સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર તેમજ બાબા સીદ્દીકીની જાહેરમાં થયેલી હત્યા પછી ફિલ્મવાળાઓ કોઈ ચાન્સ લેવા માંગતા નથી.

દિલ્હીમાં ખોદેલા ખાડામાં પડતા યુવાનના મોતનો કિસ્સો ચકચારી બન્યો

દિલ્હીના જનકપુરી વિસ્તારમાં સીવર માટે ખોદાયેલા ખાડામાં મોટર સાયકલ પર જતો ૨૫ વર્ષનો યુવાન કમલ ધ્યાની પડી જતા એનું મૃત્યુ થયું છે. યુવાનના મૃત્યુને કારણે દિલ્હી ચોંકી ઉઠયું છે. પોલીસના કહેવા પ્રમાણે ટૂક સમયમાં યુવાનના મોત માટે જવાબદારોની ધરપકડ થશે. સૌથી પહેલા સબ કોન્ટ્રાક્ટર રાજેશ પ્રજાપતીની ધરપકડ કરવામાં આવી છે. જે સમયે ઘટના બની એ વખતે એક કુટુંબ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. આ કુટુંબે કમલને ખાડામાં પડતા જોયો અને તરત જ ત્યાં હાજર રહેલા સીક્યુરીટી ગાર્ડ અને બાજુના ટેન્ટમાં રહેતા એક વ્યક્તિને ઘટનાની જાણ કરી હતી. ટેન્ટમાં રહેતી વ્યક્તિ સબ કોન્ટ્રાક્ટર રાજેષ પ્રજાપતિની નોકરી કરતો હતો. આમ તો દેશના ઘણા ભાગમાં આ પ્રકારના અકસ્માતો થાય છે અને જવાબદારો છટકી જાય છે. જોકે જનકપુરીના બનાવ પછી દિલ્હીવાસીઓ ખૂબ ગુસ્સામાં છે અને આ ઘટનાની તસવીરો અને માહિતી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.