નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો લોકસભામાં આવશે તો એમના પર હુમલો થઈ શકે છે એવી શક્યતા દર્શાવીને સ્પિકર ઓમ બીરલાએ એમને લોકસભામાં નહીં આવવાની સલાહ આપી હતી. ઓમ બીરલાના કહેવા પ્રમાણે એમની સલાહ માનીને વડાપ્રધાન ગૃહમાં આવ્યા નહોતા. ઓમ બીરલાના આ નિવેદન પછી દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે કે, વડાપ્રધાન ખરેખર બીરલાની સલાહ માનીને ગૃહમાં નહોતા આવ્યા કે કોઈક બીજા કારણસર. કેટલાક ટીકાકારો નુકતેચીની કરી રહ્યા છે કે, વિરોધપક્ષની તમામ ધમકીઓ છતા વડાપ્રધાને ગૃહમાં આવવાની જરૂર હતી જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાત. આ બાબતે સાંસદ પ્રિયંકા વાડ્રા - ગાંધીએ કહ્યું હતું કે, 'વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. ગૃહમાં આવવાની એમની હીંમત થઈ નહીં. તમે સરકારને કેમ નથી પૂછતા કે ગૃહમાં વિરોધપક્ષના નેતાઓને કેમ બોલવા દેવામાં આવતા નથી. ચર્ચા એટલા માટે નહીં થઈ કે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નહોતી.'
શહબાઝ એક ભારતીય સમક્ષ કેમ ઝુકી ગયા
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફએ થોડા દિવસો પહેલા જાહેરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન માટે લોન માંગવી કેટલી મુશ્કેલ છે. તમારે મૂંડી નીચી કરીને લોન આપનારની શરતો માનવી પડે છે.
શહબાઝે આ વાતની સાબિતી પણ આપી દીધી. વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગા હમણા પાકિસ્તાનના પ્રવાસે છે.
પાકિસ્તાનને વિશ્વ બેન્ક પાસેથી લોન લેવાની હોવાથી પાકિસ્તાની નેતાઓ અજય બંગાના પગમાં પડી ગયા છે. એમના સ્વાગતમાં ઘોડેશ્વારો, સ્કૂલના બાળકોની લાઇનો, મોટા મોટા બેનરો અને તમામ સરકારી ભપકો કરવામાં આવ્યો હતો. ભારતીય મૂળના અજય બંગા શીખ છે. શીખ સમુદાય પાકિસ્તાનમાં અત્યત લઘુમતીમાં છે.
સામાન્ય રીતે પાકિસ્તાનનું વર્તન ત્યાના લઘુમતિ પ્રત્યે ખૂબ જ ક્રૂર રહ્યું છે. જોકે હવે આર્થિક જરૂરીયાત હોવાથી પાકિસ્તાનના નેતાઓ દેખાવ પૂરતા પણ અજય બંગાના પગમાં પડે છે.
મમતા બેનર્જીએ સુપ્રિમ કોર્ટમાં જાતે દલીલો શા માટે કરી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદાન યાદી બાબતે ચાલી રહેલા કેસમાં સુપ્રિમ કોર્ટમાં જાતે દલીલો કરી ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. જોકે સુપ્રિમ કોર્ટમાં કરેલી દલીલો પછી એક લડાકુ રાજકારણી તરીકેની મમતા બેનર્જીની ઇમેજ વધુ તેજ થઈ ગઈ છે.
ખાસ કરીને પશ્ચિમ બંગાળના લોકો માની રહ્યા છે કે મમતા બેનર્જી ફક્ત સંસદ કે રસ્તા પર જ નહીં સુપ્રિમ કોર્ટમાં પણ જાતે લડવા સક્ષમ છે. તૃણમુલ કોંગ્રેસનું કહેવું છે કે, મમતા બેનર્જી કોર્ટમાં એટલા માટે હાજર રહ્યા હતા કે તેઓ પશ્ચિમ બંગાળને થઈ રહેલા અન્યાય બાબતે જજોનું ધ્યાન ખેંચવા માંગતા હતા.
તૃણમુલ કોંગ્રેસ માટે આ એક મહત્ત્વનો મુદ્દો છે. મતદારોને એમ લાગ્યું છે કે પ્રજા માટે મમતા કોઈપણ હદે જઈ શકે છે.
મુસ્લિમ દેશોમાં બદલાતા સમીકરણ, ભારતને કેટલા અસર કરશે
પશ્ચિમ અને દક્ષિણ એશિયાના દેશોની સુરક્ષા પદ્ધતિઓમાં શાંત પરિવર્તન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં વિચારધારા કરતા વધારે સ્થાનીક રાજકારણ અને આથક બાબતો વધુ અગત્યની બની રહી છે. અમેરિકાનો ઘટતો પ્રભાવ, યુરોપનું આતરીક વિભાજન અને વૈશ્વિકશક્તિ સમતોલનમાં થઈ રહેલા ફેરફારને કારણે આ વિસ્તારના દેશો હવે સુરક્ષા માટે પોતે તૈયાર થઈ રહ્યા છે. પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોની સુરક્ષા વ્યવસ્થા લાંબા સમય સુધી અમેરિકાની લીડરશીપ અને ગેરંટી પર આધાર રાખતી હતી. જોકે ટ્રમ્પના પ્રમુખ બન્યા પછી હવે અમેરિકાની નીતિ બદલાઈ રહી છે. એક જમાનાના અમેરિકાના સાથી દેશો પણ હવે અમેરિકાનો ચંચૂપાત સહન કરવા માંગતા નથી. યુક્રેન યુદ્ધ પછી યુકે પણ ઊર્જા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય નીતી બદલવા માંગે છે.
'ઘુસખોર પંડીત'નો વિવાદ વધુ વકર્યો
ઓટીટી પ્લેટફોર્મ નેટફલીક્સ પર બતાવવામાં આવનાર ફીલ્મ 'ઘુસખોર પંડીત'ના ટાઇટલ બાબતે દેશનો પંડીત અને બ્રાહ્મણ સમાજ વિરોધ કરી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શક નીરજ પાંડેએ સ્પષ્ટતા કરી છે કે આ એક કાલ્પનીક પોલીસ ડ્રામા છે અને કોઈપણ જાતિ કે સંપ્રદાયને અપમાનીત કરવામાં આવ્યા નથી. હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ ફિલ્મની વિરુદ્ધ થઈ ગઈ છે. ફિલ્મની સામે વિવિધ રાજ્યોમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. ફિલ્મનું ટાઇટલ બદલવા માટે દબાણ વધી રહ્યું છે. વિરોધ જોઈને દિગ્દર્શક નીરજ પાંડેએ છેવટે નિવેદન આપવું પડયું છે. ફિલ્મની વાર્તા પણ નીરજ પાંડેએ જ લખી છે એમના કહેવા પ્રમાણે વપરાયેલો પંડીત શબ્દ એક કાલ્પિનક પાત્રનું નામ છે. ફિલ્મની વાર્તા એક વ્યક્તિ પર ફોકસ કરે છે. યાદ રહે કે આ જ નીરજ પાંડેએ વેનસડે ફિલ્મ બનાવી હતી ત્યારે રાષ્ટ્રપ્રેમીઓ તેના પર આફરીન પોકારી ગયા હતા.
જન સુરાજ પાર્ટી રહી રહીને જાગી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા પછી લાંબા સમય સુધી પ્રશાંત કિશોરનો પક્ષ જન સુરાજ પાર્ટી શાંત થઈ ગયો હતો. હવે લાંબા સમય પછી એનું કહેવું છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોટા પાયે ગરબડ કરવામાં આવી હતી. રાજ્યમાં ફરીથી ચૂંટણી કરવા માટે સુપ્રિમ કોર્ટમાં લેખીત અરજી કરવામાં આવી છે. ખાસ કરીને બિહારમાં મહિલા મતદારોના ખાતામાં સીધા ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ આચાર સંહિતાનો ભંગ છે. આર્ટીકલ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનામાં નવા હીત ધારકોને જોડવામાં આવ્યા હતા. આચાર સંહિતા દરમિયાન એમને પૈસા આપવામાં આવ્યા હતા. જે બંધારણના આર્ટીકલ ૧૪, ૨૧, ૧૧૨, ૨૦૨ અને ૩૨૪નો ભંગ છે. મતદાન વખતે બંને ચરણમાં સેલ્ફ - હેલ્પ ગુ્રપની ૧.૮ લાખ મહિલા લાભાર્થીઓને પોલીંગ બુથ પર હાજર રાખવા એ ગેરકાયદેસર હતું.
પુષ્કરમાં ઇઝરાયલ વિરોધી પોસ્ટર લગાડનારા બ્રિટિશરો ઘરભેગા
પ્રવાસી વિઝા પર ભારત આવેલા બે બ્રીટીશ નાગરીકોને ભારતે દેશ છોડવા માટે કહ્યું છે. આ બે બ્રીટીશ નાગરીકોએ પુષ્કરમાં જાહેર સ્થળોએ પેલેસ્ટાઇનને ટેકો આપતા અને ઇઝરાયલનો વિરોધ કરતા પોસ્ટરો ચોંટાડયા હતા. કોઈપણ વિદેશથી આવનાર પ્રવાસી દેશમાં રાજકીય પ્રવૃત્તિ કરી શકતા નથી. રાજસ્થાન પોલીસે આ બંને બ્રીટીશ નાગરીકોને નોટીસ આપી છે. ભારતની આ કાર્યવાહીને કારણે ઇઝરાયલ ખુશ થઈ ગયું છે. ઇઝરાયલના સોશ્યલ મીડિયા પર ભારતના આ પગલાને વખાણવામાં આવ્યું છે. ઇઝરાયલના હનનિયા નફ્તાલીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે 'પુષ્કરમાં ઇઝરાયલ વિરુદ્ધ નફરત ફેલાવવાની કોશિષ કરનારા બે બ્રીટીશ ટુરીસ્ટોને ભારતે હાંકી કાઢયા છે. આ લોકો યહુદી દેશને નિશાન બનાવવા માટે વિસાના નિયમોનો ભંગ કરી રહ્યા હતા. આવી વ્યક્તિઓ માટે ઝીરો ટોલરન્સ બતાવીને ભારતે યોગ્ય કામ કર્યું છે.'


