નવીદિલ્હી : બજેટ સત્રના ૭માં દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર વ્યક્ત કરવાનો પ્રસ્તાવ પસાર થઈ ગયો. ૨૦૦૪ પછી પહેલી વખત આ પ્રસ્તાવ વડાપ્રધાનના ભાષણ વગર થયો છે. ૨૦૦૪ની ૧૦મી જુને તે વખતના વિરોધ પક્ષે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહને આભાર પ્રસ્તાવ પર બોલવા દીધા નહોતા. હવે વારો કોંગ્રેસનો છે. ગૃહમાંથી સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના સાંસદ મણીકમ ટાગોરએ કહ્યું છે કે જ્યાં સુધી સંસદમાં રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવશે નહીં ત્યાં સુધી અમે વડાપ્રધાનને પણ બોલવા નહીં દઈએ. લોકસભા શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષના સાંસદોએ સૂત્રો પોકાર્યા હતા. સ્પીકરે પહેલી વખત ૬૫ સેંકડની અંદર બીજી વખત ૫ મીનીટની અંદર અને ત્રીજી વખત ૨ મીનીટની અંદર કાર્યવાહી સ્થગીત કરી હતી. જે રીતે કોંગ્રેસ આક્રમકતાથી ગૃહમાં સત્તાધારી પક્ષને દબાવી રહી છે એ જોતા બજેટ સેશનમાં સત્તાધારી પક્ષ માટે કોંગ્રેસ ઉપર કંટ્રોલ કરવો અઘરો છે.
રાહુલ ગાંધી અને રવનીત સિંહ બીટ્ટુ ફરીથી સામસામે થયા
વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકારના મંત્રી રવનીત સિંહ બીટ્ટુ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ ખૂબ ચગ્યો હતો. હવે સંસદના સત્ર દરમિયાન ફરીથી રાહુલ ગાંધી અને બીટ્ટુ સામસામે થઈ ગયા હતા. બંને સાથે મકરદ્વાર નજીક દેખાયા હતા. સંયોગવસાત બંનેએ લીલા કલરના કપડા પહેર્યા હતા. આ બાબતે બીટ્ટુએ કોંગ્રેસને ટોણો માર્યો હતો. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ રવનીત બીટ્ટુને મજાકમાં ગદ્દાર કહ્યા હતા અને સામે બીટ્ટુએ દેશના દુશ્મન ગણાવ્યા હતા. રાહુલ ગાંધી અને રવનીત સિંહ બંને એક જ ફ્રેમમાં દેખાયા હતા ત્યારે રાહુલ ગાંધીએ પહેરેલા લીલા રંગના સ્વેટર અને બીટ્ટુએ પહેરેલી લીલા રંગની પાઘડી વિશે બીટ્ટુએ કહ્યું હતું કે, આ રંગ ભાજપ માટે હર્યોભર્યો છે જ્યારે કોંગ્રેસ માટે સુકાઈ ગયેલો છે. જોકે આ વખતે રાહુલ ગાંધીએ કોઈ વળતો જવાબ આપ્યો નહોતો અને મો ફેરવી લીધું હતું.
પશ્ચિમ બંગાળ સરકારને સુપ્રિમ કોર્ટનો ફટકો
સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો છે કે, પોતાના કર્મચારીઓને ૨૦૦૯થી ૨૦૧૯ સુધીનું મોંઘવારી ભથ્થુ આપી દે. જસ્ટીસ સંજય કરોલ અને પી કે મીશ્રાની બેન્ચે મોંઘવારી ભથ્થાને કર્મચારીઓનો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. કોર્ટના કહેવા પ્રમાણે રાજકીય નાણા ક્ષમતા ગમે તે હોય, રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થુ આપવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ભૂતપૂર્વ જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક વિશેષ કમિટી પણ બનાવી છે. કોર્ટના હુકમ પ્રમાણે રાજ્ય સરકારે ૬ઠ્ઠી માર્ચ સુધીમાં બાકી રકમનો ૨૫ ટકા હિસ્સો ચૂકવી દેવા કહ્યું છે. કલકત્તા હાઇકોર્ટે પણ કર્મચારીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો જેને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે મોંઘવારી ભથ્થુ કોઈ સ્થિર વસ્તુ નથી, પરંતુ બદલાતું રહે છે.
બાંગ્લાદેશની ચૂંટણીની અસર દક્ષિણ એશિયાના રાજકારણ પર થશે
બે વર્ષમાં બાંગ્લાદેશમાં બીજી વખત સરકાર ચૂંટવાની તૈયારી થઈ રહી છે. ૨૦૨૪માં થયેલા બળવા પછી બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઘરભેગી થઈ હતી. ૧૨મી ફેબુ્રઆરીએ લગભગ ૧૩ કરોડ મતદારો રાષ્ટ્રીય ચૂંટણી માટે મતદાન કરશે. આ ચૂંટણી ફક્ત બાંગ્લાદેશ માટે નહીં, પરંતુ દક્ષિણ એશિયા માટે પણ મહત્વની છે. બાંગ્લાદેશના રાજકારણમાં બે મુખ્ય પક્ષો અવામી લીગ અને બાંગ્લાદેશ નેશનલીસ્ટ પાર્ટીનું મહત્વ રહ્યું છે. અવામી લીગની ગેરહાજરીમાં જમાત-એ-ઇસ્લામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. દક્ષિણ એશિયાના દેશોમાં રાજકારણ ધર્મ સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશ ચૂંટણીના પરિણામને કારણે કેટલાક દેશોમાં માઇગ્રેશન અને સરહદની સુરક્ષા પર મોટી અસર થશે. સરકાર કોની બનશે એના આધારે ભારત અને પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધો બદલાઈ શકે છે.
વિરોધીઓના વકીલો પર એફઆઇઆર નોંધવા બાબતે કર્ણાટક હાઇકોર્ટ ચિંતીત
કર્ણાટકની કોર્ટોમાં આજકાલ એક ચિંતાજનક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફરિયાદીઓ દ્વારા પોતાના વિરોધીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સામે એફઆઇઆર નોંધાવવાનું પ્રમાણ વધી ગયું છે. વકીલાતના વ્યવસાય પર આની ખરાબ અસર થઈ રહી છે. કર્ણાટક હાઇકોર્ટ એક વકીલની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં એણે એક એફઆઇઆરને ચેલેન્જ કરી હતી. એક કેસ લડવાને કારણે વકીલને આરોપી બનાવવામાં આવ્યા હતા. એમના પર બીએનએસની કલમ ૬૯ (દગો કરીને યૌન સંબંધ બાંધવો વગેરે) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજી કરનારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અરજી કરનાર સામે એક મામુલી આરોપ છે કે ફરિયાદી સાથે જોડાયેલા બીજા એક કેસમાં એણે વકીલ પત્ર દાખલ કર્યું હતું. જસ્ટીસ એમ નાગપ્રસન્નાએ પોતાના હુકમમાં કહ્યું હતું કે, ફરિયાદીના વકીલો સામે વધી રહેલી એફઆઇઆરનો આ એક વધુ કિસ્સો છે.
પવારના વિમાન અકસ્માતમાં ભૂતપૂર્વ મંત્રી કઈ રીતે બચ્યા
વિમાન અકસ્માતમાં અજીત પવારના મૃત્યુથી બધા ચોંકી ગયા છે. ૨૮મી જાન્યુઆરીએ બારામતી ખાતે થયેલા અકસ્માતમાં અજીત પવાર સહીત પાંચ લોકોના મૃત્યુ થયા હતા. હવે આ બાબતે બીજી એક વાત પણ બહાર આવી છે. ભૂતપૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય સમાજ પક્ષના પ્રમુખ મહાદેવ જાનકરએ દાવો કર્યો છે કે, તેઓ એ જ દીવસે અજીત પવાર સાથે એજ વિમાનમાં બેસીને બારામતી જવાના હતા. અકસ્માતના થોડા દિવસો પહેલા એમની વાત અજીત પવાર સાથે થઈ હતી. પવારે એમને મુંબઈથી બારામતી એમની સાથે વિમાનમાં આવવાનું કહ્યું હતું. બંને એક જ ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરી કરવાના હતા. જાનકરે કહ્યું હતું કે, 'હું સમયસર મુંબઈ પહોંચી શક્યો નહોતો. મોડુ થવાને કારણે હું અજીત પવાર સાથે સવારની ફલાઇટમાં જઈ શક્યો નહોતો.' મહાદેવ જાનકર ધનગર (ગડરીયા) સંપ્રદાયના મોટા નેતા છે.
પૂણે જમીન ગોટાળામાં પાર્થ પવાર બચશે કે નહીં
મહારાષ્ટ્રના પૂણેમાં થયેલા જમીન કૌભાંડની તપાસ વિકાસ ખડગેના નેતૃત્વમાં થઈ રહી છે. કમિટિએ અત્યાર સુધીમાં સરકારને રીપોર્ટ સોંપ્યો નથી. મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ સ્વ. અજીત પવારના પુત્ર પાર્થ પવારની ફેવર કરી હોવાના સવાલમાં કહ્યું હતું કે રીપોર્ટ આવતા પહેલા કોઈને ક્લીનચીટ આપવાનો સવાલ જ નથી. પૂણેના પોશ વિસ્તાર મૂડવામાં ૪૦ એકર જમીન ૩૦૦ કરોડ રૂપિયામાં અમાડીયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચવામાં આવી હતી. પાર્થ પવાર એમાં ભાગીદાર હતા. જ્યારે ખબર પડી હતી કે આ પ્લોટ તો સરકારનો છે અને એ વેચી શકાય નહીં ત્યારે મોટો વિવાદ થયો હતો. આક્ષેપ છે કે, કંપનીને ૨૧ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી પણ છૂટ આપવામાં આવી હતી. બાવનકુલેના કહેવા પ્રમાણે કમીટીએ તપાસ રીપોર્ટ જમા કરાવવા માટે વધુ ૮ દિવસનો સમય માંગ્યો છે. આ રીપોર્ટ મહારાષ્ટ્રના ભવિષ્યના રાજકારણ પર ઊંડો પ્રભાવ પાડી શકે એમ છે.


