Get The App

દિલ્હીની વાત : આરજેડીની હોંશિયારી સામે રાહુલની ચતુર ચાલ

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આરજેડીની હોંશિયારી સામે રાહુલની ચતુર ચાલ 1 - image

નવીદિલ્હી : બિહારમાં રાહુલ ગાંધીની 'વોટર અધિકાર યાત્રા'ના ઘણા ઉદ્દેશો હતા. તેઓ વોટ ચોરીનો મુદ્દો રાષ્ટ્રીયસ્તરે ઉઠાવવા માંગતા હતા એ ઉપરાંત બિહારમાં વધુ બેઠકો મેળવવાનું દબાણ પણ બનાવવા માંગતા હતા. છેલ્લી ચૂંટણીમાં આરજેડીએ કોંગ્રેસને લગભગ ત્રણ ડઝન બેઠકો જ આપી હતી. આ બેઠકો પર પણ છેલ્લી ત્રણચાર ચૂંટણીમાં કોંગ્રેસ કઈ ઉકાળી શકી નહોતી. કોંગ્રેસના નેતાઓએ લાલુપ્રસાદ યાદવના ઇશારે ચાલવું પડતું હતું. જોકે રાહુલ ગાંધીની યાત્રા પછી હવે પરિસ્થિતિ બદલાઈ છે. પોતાની માંગણી કરતા ઓછી બેઠકો માટે કોંગ્રેસ રાજી થાય તો પણ આ વખતે કોંગ્રેસ પોતાની જ પસંદગીની બેઠકો બાબતે સમાધાન નહીં કરે. બેઠકોની વહેંચણી માટે બનેલી સમિતિમાં પણ હવે કોંગ્રેસ વધુ માંગણી કરી શકશે. આ સમિતિમાં તેજસ્વી યાદવનું મહત્વ ઘણું છે પરંતુ રાહુલ ગાંધીની યાત્રા પછી હવે તેજસ્વી પણ અંદરખાને સમસમી ગયા છે.

કાયદો બનાવવામાં રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી

વિરોધપક્ષો શાસિત કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળે સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, કાયદો બનાવવામાં રાજ્યપાલની કોઈ ભૂમિકા હોતી નથી. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, બીલને મંજૂરી આપવી કે નહીં એ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. સીજેઆઇ બી આર ગવઈની બંધારણીય બેન્ચ સમક્ષ કર્ણાટક તરફથી સિનિયર વકીલ ગોપાલ સુબ્રમણ્યમએ કહ્યું હતું કે, રાજ્યપાલ પાસે કેટલાક પાવર છે પરંતુ વિધાનસભાના અધિકારની ઉપર તેઓ નથી. પશ્ચિમ બંગાળ તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, રાજ્યપાલ વિધાનસભામાં પસાર થયેલા બિલની યોગ્યતા ચકાસી શકે નહીં. હિમાચલ તરફથી સિનિયર વકીલ આનંદ શર્માએ દલીલો કરી હતી. વિરોધપક્ષના વકીલોએ એવી રજુઆત કરી હતી કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ફક્ત નામના જ પ્રમુખ છે.

અપશબ્દો માટે લાલુની બેટીએ શું કહ્યું

બિહારમાં કોંગ્રેસના મંચ પરથી દરભંગા ખાતે 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન નરેન્દ્ર મોદીની માતા માટે વપરાયેલા અપશબ્દનો વિવાદ હજી ચાલુ છે. આ બાબતે ભાજપે બિહાર બંધનું એલાન પણ આપ્યું હતું. હવે આ વિવાદમાં લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પણ ઝંપલાવ્યું છે. રોહિણીએ કહ્યું હતું કે, 'વડાપ્રધાન સાચુ જ કહે છે કે, અપશબ્દો બોલવા જોઈએ નહીં. જોકે બીજાની ટીકા કરતા પહેલા ભાજપે પોતાના ભૂતકાળ તરફ પણ જોવું જોઈએ. વડાપ્રધાને તો વિરોધપક્ષના નેતાઓ માટે વારંવાર નીચલા સ્તરની ભાષાનો ઉપયોગ કર્યો છે. કોઈની પણ માતાને ગાળ આપવી જોઈએ નહીં, એ વાત સાથે હું સહમત છું, પરંતુ ભૂતકાળમાં વડાપ્રધાન જ નહીં મુખ્યમંત્રી નિતિશકુમારએ પણ આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.'

ઉમર - સરજીલની જામીન નામંજૂર કરતા હાઇકોર્ટે આવી ટીપ્પણી કરી હતી

દિલ્હી હાઇકોર્ટની બે અલગ અલગ બેન્ચે વર્ષ ૨૦૨૦માં દિલ્હીમાં થયેલા હુલ્લડોના કાવતરા માટે ૧૦ આરોપીઓની જામીન અરજી નકારી કાઢી છે. જસ્ટીસ નવીન ચાવલા અને જસ્ટીસ શાલીન્દર કૌરની બેન્ચે ૯ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. સરજીલ ઇમામ અને ઉમર ખાલીદ સહિત બીજા આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા કોર્ટે નિરિક્ષણ કર્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૦માં થયેલા કોમવાદી હુલ્લડમાં ૫૩ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. સેંકડો ઘાયલ થયા હતા અને ઘરો તેમજ દુકાનો સળગાવી નાખવામાં આવ્યા હતા. પોલીસએ અન્ય કલમો ઉપરાંત આતંકવાદ માટેની કલમ યુએપીએનો ઉપયોગ પણ કર્યો હતો. કોર્ટે નિરિક્ષણ કર્યું હતું કે, કેસની સુનાવણી લંબાઈ જવાથી જ જામીન આપી શકાય નહીં. પ્રાથમીક દ્રષ્ટિએ આરોપીઓ સામેના પુરાવા અને આરોપો યોગ્ય લાગે છે. ઘણા બધા સાક્ષીઓના નિવેદનો તેમજ દસ્તાવેજી પુરાવા પણ છે.

ઢળતી ઉંમરે મુરલી મનોહર જોષીએ સંઘની બેઠકમાં ભાગ લીધો

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી જેવા સિનિયર નેતાઓને સલાહકાર મંડળમાં મોકલી દેવામાં આવ્યા હતા. અડવાણી સમજી ગયા હતા કે હવે એમની રાજકીય કારકિર્દી પુરી થઈ ગઈ છે એટલે એમણે શાંતિથી ઘરે બેસવાનું નક્કી કર્યું. જોકે એમ લાગે છે કે વયોવૃદ્ધ મુરલી મનોહર જોષીને હજી જાહેર જીવનમાં દેખાવાની ઇચ્છા છે. આરએસએસના શતાબ્દી વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં મુરલી મનોહર જોષી હાજર રહ્યા હતા. એક કાર્યક્રમમાં તો જોષી મુખ્ય વક્તા પણ હતા. જોષીએ પ્રવચન આપતી વખતે લગભગ ૭૦ સ્લાઇડ્સ બતાવીને કહ્યું હતું કે, ફક્ત આર્થિક વિકાસ આપણું ધ્યેય હોવું જોઈએ નહીં. જોષીએ આવકમાં અસમાનતા, પ્રતિવ્યક્તિ દીઠ ઓછો જીડીપી અને સામાજીક તકલીફોનો ઉલ્લેખ પણ પ્રવચનમાં કર્યો હતો. ભાજપના વર્તુળોમાં પણ મુરલી મનોહર જોષીની હાજરી ચર્ચામાં રહી હતી.

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત સામે ઓબીસીની ચેતવણી

અધર બેકવર્ડ કલાસ (ઓબીસી) કાર્યકરતા લક્ષ્મણ હાકેએ કહ્યું છે કે, મરાઠાઓને 'કુણબી' જાતી પ્રમાણપત્ર આપવાની માંગણી સ્વિકારવાનો મહારાષ્ટ્ર સરકારને કોઈ હક નથી. એમ લાગે છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવી પરિસ્થિતિ છે. મરાઠાઓને ખુશ કરીને એમણે ઓબીસી વર્ગને નારાજ કર્યો છે. હાકેએ ચેતવણી આપી છે કે, સરકારના નિર્ણયની સામે ઓબીસી જ્ઞાાતિ રસ્તા પર ઉતરશે. મરાઠાઓ સામે જે રીતે ફડણવીસ સરકારે હથિયાર હેઠા મૂકી દીધા હતા એને કારણે એમના જ કેબીનેટ મંત્રી છગન ભૂજબળએ પણ નારાજગી બતાવી હતી. ઓબીસી નેતાઓનું કહેવું છે કે શું ઓબીસી માટેના અનામતની ટકાવારી ઓછી કરવામાં આવશે કે નહીં એની જાણ સરકારે કરવી જોઈએ.ાભાજપ મને ચૂંટણીમાં ટિકિટ નહીં આપે*

ભાજપ મને ચૂંટણીમાં ટિકિટ નહીં આપે

બિહારમાં ભાજપના મુસ્લિમ ચહેરો ગણાતા સૈયદ શાહનવાઝ હુસેન લાંબા સમય સુધી નેપથ્યમાં રહ્યા પછી હવે ફરીથી સમાચારમાં ચમકી રહ્યા છે. શાહનવાઝ હુસેન એનડીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ હતા. જોકે શાહનવાઝ હુસેન પોતે કબુલ કરે છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ એમને ટિકિટ આપશે નહીં. શાહનવાઝની માન્યતા છે કે તેઓ ફક્ત મુસલમાનોના નેતા નથી, પરંતુ હિન્દુઓમાં પણ એમની લોકપ્રિયતા છે. શાહનવાઝએ કહ્યું હતું કે, 'મને મારા પક્ષ પર પુરો ભરોસો છે. ભલે હું ચૂંટણી નહીં લડુ પરંતુ પક્ષ મારો ઉપયોગ પ્રચારમાં કરશે. હું ભાજપનો એક સામાન્ય કાર્યકર છું. પાર્ટી જે કોઈ કામ સોપશે એ કામ હું કરીશ. મારે ફક્ત ૧૮ ટકા (મુસ્લિમ)ના નેતા બનીને નથી રહેવું. ભાજપ સાથે જોડાયેલાઓએ હિન્દુ - મુસ્લિમ કરવું જોઈએ નહીં.'