Get The App

દિલ્હીની વાત : જનરલ નરવણે સીડીએસ શા માટે બની શક્યા નહીં

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : જનરલ નરવણે સીડીએસ શા માટે બની શક્યા નહીં 1 - image

નવીદિલ્હી : જ્યારથી ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેનું પુસ્તક ચર્ચામા આવ્યું છે ત્યારેથી નરવણે કોણ છે એ જાણવાની ઈંતેજારી વધી રહી છે. હવે એક ડિફેન્સ એક્સપર્ટ રિટાયર્ડ મેજર જનરલ પી કે શહેગલે દાવો કર્યો છે કે એક તબક્કે લાગતું હતું કે, મનોજ નરવણેને સીડીએસ (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બનાવવામાં આવશે. નરવણે જોકે અગ્નીવિર યોજનાની વિરુદ્ધમાં હતા. સરકાર કોઈપણ હિસાબે અગ્નીવિરનો અમલ કરવા માંગતી હતી. ભવિષ્યમાં ટકરાવ નહીં થાય એ માટે નરવણેને સીડીએસ બનાવવામાં આવ્યા નહીં. એમના બદલે જનરલ રાવતને સીડીએસ બનાવવામાં આવ્યા. જોકે ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખે લખેલા પુસ્તકમાં એવું કઈ વિવાદાસ્પદ નથી કે દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થાય. જનરલ નરવણે ૨૦૨૨માં નિવૃત્ત થયા હતા. દેશની સુરક્ષા સાથે સંકળાયેલી કોઈપણ માહિતી નિવૃત્તીના પાંચ વર્ષ સુધી જાહેર કરી શકાતી નથી.

વાંગચૂક સરકારને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી લાગે છે

લદ્દાખના પર્યાવરણ એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂક છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં છે. એમના જામીન માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે સોનમ વાંગચૂક રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. આવી વ્યક્તિઓને વધુ ઝેર ફેલાવવાની પરવાનગી આપી શકાય નહીં. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ પ્રશન્ના ડી વરાલેની બેન્ચ સમક્ષ વાંગચૂકની ધરપકડ વિરુદ્ધની અરજી બાબતે સુનાવણી ચાલી રહી છે. કેન્દ્ર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ વાંગચૂકના ભાષણને દેશ માટે જોખમી ગણાવ્યું હતું. જિલ્લા મેજીસ્ટ્રેટે પરિસ્થિતિ જોઈને એમની ધરપકડ માટે યોગ્ય નિર્ણય લીધો હતો. મહેતાએ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ઉદાહરણ આપીને કહ્યું હતું કે યુવાનોને ભડકાવીને દેશ વિરુદ્ધ વાતાવરણ બગાડવું એ યોગ્ય નથી. ગયા વર્ષે ૨૪મી સપ્ટેમ્બરે લેહમાં હિંસા ભડકી ઉઠી હતી અને હિંસા માટે વાંગચૂકને જવાબદાર ગણવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ કરેલી મજાકને રવનીત સિંહ બિટ્ટુ સમજી શક્યા નહીં

સંસદના ગૃહનો બહિષ્કાર કરી રહેલા રાહુલ ગાંધી અને બીજા સાંસદો ગૃહની બહાર બેઠા હતા ત્યારે એક વિચિત્ર ઘટના બની ગઈ હતી. ગૃહની અંદર તો બધાના મગજ ગરમ હતા જ, પરંતુ સામાન્ય રીતે ગૃહની બહાર એક બીજા સાથે સોમ્ય વ્યવહાર રાખનાર મંત્રીઓ અને સાંસદો પણ અકળાયેલા લાગતા હતા. ગૃહની બહાર જ્યારે સસ્પેન્ડ થયેલા સાંસદો સાથે રાહુલ ગાંધી ઉભા હતા ત્યારે ત્યાંથી કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પસાર થઈ રહ્યા હતા. એ વખતે રાહુલ ગાંધીએ મજાકમાં એમની તરફ ઇશારો કરીને ટીપ્પણી કરી હતી કે, 'આ રહ્યા ગદ્દાર, એમનો ચહેરો જુઓ.' આટલું બોલીને રાહુલ ગાંધીએ એમની સાથે હાથ મેળવવા માટે હાથ લંબાવ્યો હતો અને કહ્યું હતું કે, 'હલો ભાઈ, મારા ગદ્દાર દોસ્ત... ચિંતા નહીં કરતા તમે પાછા કોંગ્રેસમાં આવવાના જ છો.' જોકે રાહુલ ગાંધીની આ હળવી ટીપ્પણી સાંભળીને રવનીત સિંહ બિટ્ટુએ ગુસ્સામાં રાહુલ ગાંધીને દેશના દુશ્મન કહ્યા હતા. ત્યાર પછી બંને વચ્ચે ગરમાગરમી થઈ હતી.

રાજા ભૈયાને રાઉઝ એવન્યુ કોર્ટે રાહત આપી

ઘરેલું હિંસાના કેસનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશ કુંડા વિધાનસભાના બાહુબલી ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફ રાજા ભૈયાને રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાજા ભૈયા વિરુદ્ધ દાખલ થયેલી પોલીસની ચાર્જશીટને માન્ય રાખવાનો ઇન્કાર કર્યો છે. રાજા ભૈયા સામે એમના પત્ની ભાનવી સિંહે ઘરેલું હિંસા (આઇપીસી ૪૯૮-એ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું હતું કે, જુના આક્ષેપોને ફરીથી રીપીટ કરવાથી ફોજદારી કાયદો લાગુ કરી શકાય નહીં. આ સિવાયના આરોપો સમય મર્યાદાની બહારના પણ છે. કલમ ૪૯૮-એ આઇપીસી હેઠળ પ્રાથમીક દૃષ્ટિએ ગુનો બનતો નથી. રાજા ભૈયાના પત્ની ભાનવી સિંહે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, એમના અને એમની પુત્રીના જીવને ખતરો છે. એમણે દિલ્હી પોલીસનું રક્ષણ પણ માંગ્યું હતું.

કપીલ શર્માએ લોરેન્સ બીશ્નોઇ માટે શું કહ્યું

કોમેડી શોના હોસ્ટ કપીલ શર્માની લોકપ્રિય ભલે અંકબધ હોય, પરંતુ તેઓ બીશ્નોઇ ગેંગથી પરેશાન છે. હવે એમના કોમેડી શોની પાંચમી સીઝનની જાહેરાત પણ થઈ ગઈ છે. આ શોની જાહેરાતના કાર્યક્રમમાં અતિ ઉત્સાહમાં આવીને કપીલ શર્માએ ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઇ વિશે કોમેન્ટ કરી દીધી હતી. હોસ્ટે મજાકમાં એમને કહ્યું હતું કે, 'અમારી નજર, ભારતની નજર બહુ સમયથી તમારા પર છે. આશા છે કે ૧૧ દેશોની પોલીસની નજર પણ તમારા પર હશે.' આ સાંભળીને લોકો હસવા માંડયા હતા. કપીલ શર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, ૧-૨ દેશોના ગેંગસ્ટર પણ આજકાલ મારી પાછળ પડયા છે. આટલું કહીને તેઓ હસવા માંડયા હતા, પરંતુ એમની આંખોમાં ડર દેખાતો હતો. કપીલ શર્માના કેનેડા ખાતે આવેલા કાફે પર થોડા દિવસો પહેલા બીશ્નોઈ ગેંગે ગોળીબાર કરાવ્યો હતો. અત્યાર સુધીમાં કપીલના કાફે પર ત્રણ વખત ફાયરીંગ થઈ ચૂક્યું છે.

કારના દરવાજાના છૂપાયેલા હેન્ડલ પર ચીને શા માટે પ્રતિબંધ મૂક્યો

કેટલાક ઇલેક્ટ્રીક વાહનો (ઇવી)ના દરવાજા ખોલવા માટેના હેન્ડલો છૂપાયેલા હોય છે. ચીને આ વિવાદાસ્પદ ડિઝાઇન પર પ્રતિબંધ મૂકી દીધો છે. એલન મસ્કની ટેસ્લાએ આવા હેન્ડલો લોકપ્રિય બનાવ્યા હતા. ભારતમાં પણ કેટલીક બ્રાન્ડની કારો પર આ પ્રકારના હેન્ડલો હોય છે. ચીને મુકેલા પ્રતિબંધનું કારણ શાઓમીના બે ઇલેક્ટ્રીક વાહનોનો થયેલો અકસ્માત છે. આ બંને અકસ્માતમાં ઇલેક્ટ્રીક ફેલિયરને કારણે બંને કારના દરવાજા ખૂલી શક્યા નહોતા. ચીનના એક સરકારી મીડિયામાં આ અકસ્માતના રીપોર્ટ છપાયા હતા. અકસ્માત પછી ડ્રાયવરને બચાવવા માટે લોકોએ કારનો દરવાજો ખોલવાની કોશિષ કરી ત્યારે દરવાજો ખૂલ્યો હતો નહી. ચીનના આ પ્રતિબંધની અસર વિશ્વના બીજા દેશોમાં પણ થવાની શક્યતા છે. આ પ્રકારના હેન્ડલ ટેક્નીકલી અને મિકેનીકલી સલામત છે કે નહીં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પ્લેનમાંથી પ્રવાસીઓ ઉતરી જાય પછી ફલાઇટ એટેન્ડન્ટ શું કરે છે

વિમાન લેન્ડ થયા પછી પણ એરહોસ્ટેસની કામગીરી ખતમ થતી નથી. વિમાનમાંથી બધા પેસેન્જરો ઉતરી ગયા પછી એરહોસ્ટેસ શું કરે છે એ વિશે ભાગ્યે જ કોઈ વિચારતું હશે. વિમાન લેન્ડ થઈ ગયા પછી પણ એમની કામગીરી પુરી થતી નથી. વિમાનમાંથી બધા મુસાફરો નિકળી જાય અને પછીની ઉડાણ માટે વધારે સમય બાકી નહીં હોય તો એરહોસ્ટેસ વિમાનમાં જ રહે છે અને પછીની યાત્રાની શરૂઆત કરી દે છે. બધા યાત્રીઓ ઉતરી ગયા પછી ફલાઇટ એટેન્ડન્ટ કેબીન અને ટોયલેટની તપાસ કરે છે. કોઈ મુસાફર ભૂલથી પ્લેનમાં તો નથી રહી ગયોને એની તપાસ કરવામાં આવે છે. બેગ રાખવાના કમ્પાર્ટમેન્ટને પણ તપાસી લેવાય છે કે કોઈ યાત્રી સામાન ભૂલી ગયો તો નથી ને એની જાણ થાય. ત્યાર પછી એમણે કેટલાક ક્લેરીકલ કામ પણ કરવાના હોય છે. એમણે ફલાઇટ રીપોર્ટ ભરવાનો હોય છે જેમાં ફલાઇટ દરમિયાન પેસેન્જર સાથે થયેલી નાની મોટી વિગતો તેમજ ભોજન વિશેની વિગતો ભરવાની હોય છે.