Get The App

દિલ્હીની વાત : આ બે નેતા હશે ગણતંત્ર દિવસે ભારતના ખાસ મહેમાન

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આ બે નેતા હશે ગણતંત્ર દિવસે ભારતના ખાસ મહેમાન 1 - image

નવીદિલ્હી : ભારતએ આગામી ગણતંત્ર દિવસ ૨૦૨૬ માટે એક ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આ વખતે યુરોપીય સંઘ (ઈયુ)ના પ્રમુખ ઉર્ષુલા વોન ડેરલેન અને યુરોપિય પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત હશે કે કોઈ આતંરરાષ્ટ્રીય સંગઠનના બે પ્રમુખોને એક સાથે ભારતે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હોય. આ બંને ૨૦૨૬ના જાન્યુઆરી મહિનામાં દિલ્હી આવશે. એમ મનાય છે કે આ નિર્ણયથી ભારત - યુરોપીય સંઘના સંબંધો નવી ઉચાઇ પ્રાપ્ત કરશે. નવી દિલ્હી અને બ્રસેલ્સ આ બાબતની જાહેરાત ટૂક સમયમાં કરશે. દર વર્ષે ગણતંત્ર દિવસે વિદેશના મુખ્ય અતિથિને બોલાવવા માટે ઘણી માથાકુટ  થાય છે. પસંદગી ફક્ત ઔપચારીક નથી હોતી, પરંતુ એની પાછળ દેશની રાજકીય રણનીતિ અને આતંરરાષ્ટ્રીય સંબંધો પણ ધ્યાનમાં લેવાય છે.

'ડિસ્ટ્રીક્ટ જ્યુડીશ્યરીથી દુર રહો, અમારે આધિન ક્ષેત્ર છે'

રાજ્ય ન્યાયીક અધિકારીઓની સેવા નિયમ બનાવવાના સુપ્રિમ કોર્ટના ચુકાદા પર બે દશકથી વિવાદ ચાલી રહ્યો છે. હવે અલ્હાબાદ હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટને સાફ શબ્દોમાં કહ્યું છે કે આ બાબતે કોઈ હસ્તક્ષેપ નહીં કરે. હમણા જ સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટને ચૂકાદા બાબતે મોડુ કરવા માટે ઠપકો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'જે ન્યાયીક અધિકારીઓની સીધી ભરતી થઈ છે એવા જિલ્લા ન્યાયાધીશોને પ્રમોશન આપવાનું કામ સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટ પર છોડી દેવું જોઈએ. હાઇકોર્ટનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી હતી કે, સર્વોચ્ચ અદાલતોએ બંધારણ હેઠળ હાઇકોર્ટને પોતાના હકથી વંચીત કરવી જોઈએ નહીં. હવે સમય છે કે હાઇકોર્ટને મજબૂત કરવામાં આવે. વાત ઘણી આગળ નીકળી ગઈ છે.'

જેએનયુ વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી, એબીવીપી કયા મુદ્દે લડી રહી છે?

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય (જેએનયુ) વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. પ્રમુખપદ માટે વિકાસ પટેલ, ઉપપ્રમુખ માટે તાનીયાકુમારી મંત્રી માટે રાજેશ્વર દુબે અને સહમંત્રી માટે અનુજ ડમરાના નામ જાહેર કર્યા છે. જેએનયુ છાત્ર સંગઠનની ચૂંટણી હંમેશા ચર્ચામાં રહે છે એનું કારણ એ છે કે વર્ષો સુધી જેએનયુના વિદ્યાર્થી સંગઠન પર સામ્યવાદી પક્ષોનો પ્રભાવ રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી એબીવીપીએ કાઠુ કાઢયું છે. હવે એબીવીપી પોતાનું પ્રભુત્વ છોડવા માંગતો નથી. દિલ્હીમાં જ્યારે સીએએ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જેએનયુના કેટલાક વિદ્યાર્થી આગેવાનોએ સરકાર વિરુદ્ધ લડવાની આગેવાની લીધી હતી. એ વખતે ભાજપના નેતાઓને લાગ્યું હતું કે, જેએનયુમાં વિદ્યાર્થી સંગઠન પર એબીવીપીનો કબજો હશે તો ભવિષ્યમાં ઉપયોગી નીવડી શકે એમ છે.

આપના ધારાસભ્ય સામે અપહરણની ફરિયાદ

આમ આદમી પાર્ટીના શૂતરાણાથી ચૂંટાયેલા ધારાસભ્ય કુલવંતસિંહ બાજીઘર સામે અપહરણ અને જાણી જોઈને ઇજા પહોંચાડવાનો કેસ દાખલ થયો છે. એફઆઇઆરમાં ધારાસભ્યના પુત્રો અને સાથીઓના નામ પણ દાખલ કરવામાં આવ્યા છે. કરીમનગરના રહેવાસી ગુરુચરણસિંહ કાલાની ફરિયાદને આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. કાલાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે, કેટલાક લોકો એમને કૈથલના ખરકન ગામથી એક કારમાં જબરજસ્ટીથી ઉઠાવી ગયા હતા. એ લોકો પાસે બંદૂક અને લોખંડના સળિયા હતા. એ લોકો કાલાને બાંધીને નરવાના નહેર પાસે લઈ ગયા હતા અને ધારાસભ્ય અને એમના પુત્રોને વિડિયો કોલ કર્યો હતો. એ લોકોએ કાલાને સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. કાલાના કહેવા પ્રમાણે એણે ગામના સરપંચનો વિરોધ કર્યો હતો જે ધારાસભ્યનો ભાઈ છે.

એક્ટરએ બિહારની ચૂંટણીને નાટક ગણાવી, કહ્યું 50 વર્ષો સુધી ભાજપની સરકાર રહેશે

આજકાલ બિહાર વિધાનસભાની ચૂંટણી દેશમાં ચર્ચાય રહી છે. ભાગ્યે જ કોઈ જાણીતી વ્યક્તિ હશે કે જેણે બિહાર ચૂંટણી વિશે નુકતેચીની કરી નહી હોય. હવે એક્ટર, ફિલ્મ ક્રીટીક અને સોશ્યલ મીડિયામાં જાણીતા થયેલા કમાલ રસીદ ખાન ઉર્ફ કેઆરકેએ નવી વાત કરી છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એમણે ત્યાં સુધી કહ્યું છે કે બિહારની ચૂંટણી એ ફક્ત દેખાડો છે આવતા ૫૦ વર્ષ સુધી દેશમાં ભાજપની સરકાર રહેશે. કેઆરકેએ લખ્યું છે કે, 'મારા માટે બિહારની ચૂંટણી એક ડ્રામા છે કારણ કે ભાજપ બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ જીતશે. દેશ સંપૂર્ણ રીતે આરએસએસના સંકજામાં છે. આવતા ૫૦ વર્ષો સુધી ભાજપ હારશે નહીં. બીજા પક્ષના ઉમેદવારો શું કામ ચૂંટણી લડી રહ્યા છે એની ખબર નથી. બધાને જ ખબર છે કે ભાજપ જીતવાનો છે. કોંગ્રેસ અને આરજેડી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે એમને ખબર છે કે ભાજપની જ જીત નક્કી છે. જ્યારે પાંચ ટકા મતદારો જ ભાજપને મત આપે છે છતાં પણ ભાજપ જીતે છે.'

સંઘ દેશમાં એક લાખથી વધુ હિન્દુ સંમેલન યોજશે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં દેશભરની સામાજીક બાબત પર ચિંતન થશે. શતાબ્દી વર્ષ દરમિયાન સંઘ દેશભરમાં ગૃહસંપર્ક અભિયાનની સાથે હિન્દુ સંમેલન આયોજીત કરવાની પણ તૈયારી કરી રહ્યો છે. દેશ આખામાં ૧ લાખથી વધુ હિન્દુ સંમેલન થશે. ૩૦ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી યોજાનાર કાર્યકારી મંડળની બેઠકમાં સરસંઘચાલક, સરકાર્યવાહ, સહકાર્યવાહ સહીત ૪૦૭ કાર્યકરો ભાગ લેશે. બેઠકમાં સંઘના સિનિયર નેતાઓ પોતાના અનુભવો વર્ણવશે. નવી નીતી બાબતે પણ મંથન થશે. હિન્દુ સંમેલનની કાર્યયોજના વિશે પણ ચર્ચા થશે. ગૃહસંપર્ક અભિયાન દરમિયાન કેટલીક ખાસ વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવશે. ગુરુ તેગબહાદુરના ૩૫૦માં શહીદ વર્ષને દિવસે ખાસ સાહિત્ય અને કાર્યક્રમનું આયોજન પણ થવાનું છે.

જગદીપ ધનખડ 100 દિવસથી ચૂપ શા માટે છે

કોંગ્રેસે ફરી એક વખત ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા રાજીનામાની વાત યાદ કરી છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે જગદીપ ધનખડ કમસેકમ એક ફેરવેલના અધિકારી છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે ધનખડે રાજીનામું આપ્યાને ૧૦૦ દિવસ થયા છે છતા પણ ચૂપ શા માટે છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ કહ્યું છે કે ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ અગત્યની ઘટના બની ગઈ અને એને ૧૦૦ દિવસ થઈ ગયા. જયરામ રમેશએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ચોંકાવનારી વાત એ છે કે, ૨૧ જુલાઈની રાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું. ચોખ્ખુ હતું કે એમને આ કરવાની ફરજ પાડવામાં આવી હતી. ભલે તેઓ રાત-દિવસ વડાપ્રધાનના વખાણ કરતા હોય.'