Get The App

પવારના પ્લેન ક્રેશ માટે વિવાદાસ્પદ પાયલટ સામે આંગળી

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
પવારના પ્લેન ક્રેશ માટે વિવાદાસ્પદ પાયલટ સામે આંગળી 1 - image

નવીદિલ્હી : કોઈપણ વિમાની દુર્ઘટના બને છે ત્યારે સૌથી પહેલી શંકાની આંગળી પાયલટ સમક્ષ ચિંધાય છે. અજીત પવારનું પ્લેન ક્રેશ થયું એના પાયલટ સુમીત કપુર પાસે ૧૫,૦૦૦ કલાક વિમાન ઉડાડવાનો અનુભવ હતો. જોકે હવે બહાર આવેલી કેટલીક વાતો ચોંકાવનારી છે. એવીએશનના નિયમ પ્રમાણે ઊંડાણ પહેલા પાયલટે દારૂ પીધો હોવો જોઈએ નહીં. જોકે સુમીત કપુરે ૨૦૧૦ની ૧૩મી માર્ચે દિલ્હીથી બેંગ્લોર જતી ફલાઈટ ઊંડાવતા પહેલા દારૂ પીધો હોવાનું જાણવા મળ્યું હતું. એ જ રીતે ૨૦૧૭ની ૭મી એપ્રિલે તેઓ દિલ્હીથી ગૌહતી જતી ફલાઈટ ઉડાવતા પહેલા દારૂના નશામાં પકડાયા હતા. એ વખતે સત્તાધિશોએ એમને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. કોઈક કારણસર એમનું સસ્પેન્સન પાછુ ખેંચાયુ અને તેઓ ફરીથી ફલાઈટ ઉડાવવા લાગ્યા હતા. જોકે પાયલટે  દારૂ પીધો  હોય એટલે અકસ્માત કરે એ જરૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, આલ્કોહોલ પીધેલા પાયલટે પણ અદભૂત કુશળતા બતાવીને મુસાફરોના જાન બચાવ્યા હોય. જોકે કાયદો એ કાયદો છે એટલે ડ્રિંક એન્ડ ફલાઈટ કરનાર પાયલટ સામે ગંભીર પગલા લેવાય છે.

ભાજપની બેવડી નીતીની સ્વામી પ્રસાદ મૌર્યએ ઝાટકણી કાઢી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા કાયદા બાબતે ભાજપની બેવડી નીતિ ઉઘાડી પડી ગઈ છે. એસસી, એસટી અને ઓબીસીને ખુશ કરવા માટે ભાજપે નિયમોમાં ફેરફાર સૂચવ્યા હતા, પરંતુ સવર્ણો નારાજ થઈ જવાથી ભાજપ આગળ પણ વધી શકે એમ નહોતો. આ બાબતે ઉત્તર પ્રદેશના પીઢ રાજકારણી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, જે કાયદાને એસસી, એસટી અને ઓબીસીના હીતમાં ગણાવવામાં આવ્યો હતો એ જ કાયદો અમલમાં નહીં આવે એ માટે ભાજપે કાવતરૂ કર્યું છે. જો ભાજપની નીતિ ચોખ્ખી હોતે તો કોર્ટમાં કેમ સરકારના વકીલે ઢીલી વાત કરી. જો કાયદો બરાબર હતો તો સુપ્રિમ કોર્ટમાં સિનિયર વકીલને ઉતારવામાં કેમ નહીં આવ્યા? શું જાણી જોઈને ઢીલી રજૂઆત કરવામાં આવી? જો યુનિવર્સિટીઓમાં ૯૦ - ૯૫ ટકા એડમીશન જનરલ કેટેગરીમાં થતા હોય તો સામાજીક ન્યાય કયાં છે?

બાંગ્લાદેશને જરૂર પડી ત્યારે ભારતે બેવડ વળીને મદદ કરી

ભારત સરકારની જાહેરાતમાં વારંવાર એવો દાવો કરવામાં આવે છે કે, હાલની સરકાર વિદેશનીતિ બાબતે એકદમ મક્કમ છે. જોકે હકીકત કઈક અલગ જ છે. ભારત સાથે બગડેલા સંબંધો વચ્ચે ફરી એકવાર બાંગ્લાદેશને ભારતની મદદની જરૂર પડી હતી. બાંગ્લાદેશમાં કુદરતી ગેસની અછતને કારણે વિજળીની સમસ્યા છે. આંકડાકીય માહિતી પ્રમાણે બાંગ્લાદેશે ભારત પાસેથી વિજળીની આયાત વધારી દીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં જ વિજળીની માંગ ૩૮ ટકા વધી ગઈ હોવાથી ભારતે બાંગ્લાદેશને મદદ કરી છે. મતલબ કે બંને દેશો વચ્ચે બગડેલા સંબંધો છતાં ભારતે બાંગ્લાદેશને મદદ કરવાની ચાલું રાખી છે. આ સમાચાર જાણ્યા પછી ભાજપને ટેકો આપનાર કેટલાક રાષ્ટ્રવાદી વિચારકો પણ ચોંકી ગયા છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે જેએનયુમાં વિરોધ

યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી)માં નવા નિયમો બાબતે સુપ્રિમ કોર્ટે આપેલા સ્ટે પછી વિરોધ શરૂ થયો છે. સુપ્રિમ કોર્ટના સ્ટેને કારણે હવે ૨૦૧૨માં નક્કી થયેલા નિયમો લાગુ થશે. સુપ્રિમ કોર્ટના નિર્ણયથી નારાજ જેએનયુના વિદ્યાર્થીઓ સાબરમતી હોસ્ટેલની બહાર ભેગા થયા હતા અને કહેવાતા બ્રાહ્મણવાદના પૂતળાનું દહન કર્યું હતું. જોકે દેખાવો કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૫૦ હતી આમ છતા એને બહોળી પ્રસિદ્ધી મળી હતી. નવા નિયમોનો વિરોધ દેશભરમાં થયો હતો. કેટલાકનું માનવું છે કે સુપ્રિમ કોર્ટે દબાણમાં આવીને આ સ્ટે આપ્યો છે. જેએનયુના વિદ્યાર્થીઓએ ચૂકાદા સામે વાંધાજનક સૂ્ત્રો પણ પોકાર્યા હતા. યુજીસીએ કેમ્પસમાં ઇક્વીટી કમિટી બનાવવાનું નક્કી કરીને નવા નિયમો બનાવ્યા હતા. યુજીસીના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાં ભેદભાવના ગંભીર કિસ્સા જાણવા મળ્યા હતા.

હવે સુપ્રીમથી માંડીને નીચલી કોર્ટોમાં કેસનો ભરાવો ઘટશે

છેલ્લા ઘણા વર્ષોથી દેશની વિવિધ કોર્ટોમાં પડતર કેસોની વધતી સંખ્યા ચિંતાજનક બની રહી છે. હવે સુપ્રિમ કોર્ટે આ સમસ્યા હળવી કરવા માટે એઆઇ આધારીત એક નવા ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સીજેઆઇ સૂર્યકાંતએ આ ઘટનાને ઐતિહાસીક ગણાવી છે. સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે હવે ટેક્નીક, ખાસ કરીને એઆઇનો ઉપયોગ કરી ન્યાય કાર્યવાહી પારદર્શક અને ઝડપી બનાવવામાં આવશે. સીજેઆઇએ કહ્યું હતું કે અમે એઆઇનો ઉપયોગ ઓપરેશનલ એફિસયન્સી વધારવા તેમજ પડતર કેસના ઘટાડા માટે કરવાના છીએ. આ પહેલા સુપ્રિમ કોર્ટે દેશની વિવિધ હાઇકોર્ટો સાથે એક ડિજિટલ પાર્ટનરશીપની શરૂઆત કરી છે. એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મનો વિકાસ કરવામાં આવશે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ એક જ પ્લેટફોર્મ પર દેખાશે. આ પ્લેટફોર્મ પડતર કેસો એક સાથે બતાવશે અને કેસના ઝડપી નિકાલનું આયોજન થઈ શકશે.

અવિમુક્તેશ્વરાનંદ વિવાદમાં આવ્યો નવો ટ્વીસ્ટ

પ્રયાગરાજના માઘ મેળામાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કર્યા વગર પાછા ગયા એ બાબતે હવે અલગ અલગ વાતો બહાર આવી રહી છે. એક તરફ શંકરાચાર્યના ટેકેદારો એવી વાત કરી રહ્યા છે કે, ઉત્તર પ્રદેશના સત્તાધિશોએ એમનો સંપર્ક કરીને સ્નાન માટે ખૂબ આગ્રહ કર્યો હતો. જોકે સ્થાનિક પ્રશાસને આ વાત નકારી કાઢી છે. મારામારીનો કેસ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે, શંકરાચાર્યને ફરીથી સ્નાન કરવા માટે આગ્રહ કર્યો હોવાની વાત ખોટી છે. ૧૮મી જાન્યુઆરીએ થયેલી મારામારી સંદર્ભે સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદના પીઆરઓના કહેવા પ્રમાણે એમણે પ્રશાંસન પાસેથી લેખીત માફીની માંગણી કરીને એમના ભક્તોને મારનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ટ્રમ્પની નિતિઓને કારણે ગ્લોબલ બેલેન્સ બદલાઈ રહ્યું છે

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર ચીનની મુલાકાતે આવ્યા છે. છેલ્લા બે મહિનામાં પાંચ પશ્ચિમી દેશોના નેતાઓ ચીન આવી ગયા છે. સ્ટાર્મર પહેલા ફ્રાન્સ, કેનેડા, ફીનલેન્ડ અને આયરલેન્ડના નેતાઓ ચીનની મુલાકાત કરી ચૂક્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે કે, આટલા બધા પશ્ચિમી દેશોના નેતાઓ ચીન સાથે ડિપ્લોમેટીક સંબંધ સ્થાપવા માટે આતૂર હોય. યુનિવર્સિટી ઓફ સીડનીના આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાંત ડો. સ્ટુઅર્ટ રોલોકાએ કહ્યું હતું કે, ટ્રમ્પની કારણ વગરની આક્રમક નીતિને કારણે આંતરરાષ્ટ્રીય બેલેન્સ શીફટ થઈ રહ્યું છે. ટ્રમ્પે નાટો પર સવાલ ઉઠાવ્યા હતા અને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની માંગ કરી હતી જેને કારણે યુરોપના દેશો ભડકી ગયા છે. યુરોપના દેશોનું માનવું છે કે ટ્રમ્પની દાદાગીરીને કારણે હવે એમણે ચીન સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવા જોઈએ.