નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ ડો. મોહન ભાગવતના નિવેદન પર નવો વિવાદ થયો છે. થોડા દિવસો પહેલાં ભાગવતએ નિવૃત્તીની વય બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એમના કહેવા પ્રમાણે ૭૫ વર્ષની ઉંમરે રિટાયર થઈ જવું જોઈએ એવું એમણે ક્યારેય કહ્યું નથી. આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે કોઈનું નામ લીધા વગર સોશ્યલ મીડિયા એક્સ પર ટીપ્પણી કરી છે. એમણે ટોણો મારતા લખ્યું છે કે, હું રીટાયર થઈશ નહીં, અને કોઈને થવા દઈશ નહીં. જ્યારે પોતાનો વખત આવ્યો ત્યારે નિયમ બદલી નાંખ્યો. આ બેવડું ધોરણ યોગ્ય નથી. પોતાની વાતમાંથી ફરી જનારાઓ ઉપર બીજા તો શું પોતાના જ વિશ્વાસ નહીં કરે. જેઓ વિશ્વાસ ખોઈ નાખે છે તેઓ સત્તા પણ ગુમાવી શકે છે.
સુદર્શન રેડ્ડીની મુશ્કેલી વધી શકે છે
ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહેલા સુદર્શન રેડ્ડી સામે હવે નક્સલવાદી હિંસાના પીડિતોએ પણ મોરચો માંડયો છે. આ લોકોએ સુદર્શન રેડ્ડીને ટેકો નહીં આપવાની અપીલ કરી છે. બસ્તર શાંતિ સમિતિના બેનર હેઠળ નક્સલી હિંસાના પીડિતોએ આરોપ મૂક્યો છે કે, સુપ્રિમ કોર્ટના તત્કાલીન ન્યાયાધિશ તરીકે રેડ્ડીએ સલવાજુડુમને બંધ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમને કારણે નક્સલાદીઓ સામે લડી રહેલા સલવાજુડુમના સભ્યો હતાશ થઈ ગયા હતા અને કેટલાકની જિંદગી પણ બરબાદ થઈ ગઈ હતી. ૨૦૧૧ના ડિસેમ્બર મહિનામાં તત્કાલીન ન્યાયાધિશ તરીકે રેડ્ડીએ ચૂકાદો આપ્યો હતો કે, માઓવાદી બળવાખોરો સામેની લડાઈમાં આદિવાસી યુવકોનો ખાસ પોલીસ અધિકારી તરીકેનો ઉપયોગ અમાન્ય છે. આ ગેરબંધારણીય છે.
રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા સાથે અખિલેશ પણ જોડાયા
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વોટર લીસ્ટ રિવિઝન (એસઆઇઆર)ના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા સાથે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ જોડાયા હતા. રાહુલ - તેજસ્વીની યાત્રા આરા પહોંચી ત્યારે અખિલેશ યાદવ પણ સાથે હતા. આરાના વિશાળ મેદાનમાં સભા યોજવામાં આવી હતી. ત્રણેય નેતાઓએ નરેન્દ્ર મોદી સરકારની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારમાં ગરીબોનો અવાજ દબાવવામાં આવે છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને લોકસભાની ચૂંટણીમાં મતોની ચોરી થઈ છે. અમે બિહારમાં એક પણ મતની ચોરી નહી થવા દઈએ. અખિલેશ યાદવનું માનવું છે કે જે રીતે બિહારમાં મતદારોનો ઉત્સાવ દેખાય રહ્યો છે એ જોતા બિહારમાં ભાજપની હાર નક્કી છે.
સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો મોટો દાવો
છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આક્ષેપ કરે છે કે, કેન્દ્ર સરકાર બંગાળી ભાષાને નિશાન બનાવે છે. એમણે આને 'ભાષાઈ આતંકવાદ'નું નામ આપ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં મોટો દાવો કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને આજુબાજુના વિસ્તારોમાંથી વ્યવસ્થિત રીતે ઘૂસણખોરીની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કામ કરવા માટે કેટલાક એજન્ટો પણ સક્રિય છે. શંકાશીલ બંગાળી ભાષી મુસ્લિમો બાંગ્લાદેશના નાગરીક હોવાના આરોપો સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ફક્ત બંગાળ જ નહીં બીજા કેટલાક વિસ્તારોમાંથી પણ ઘૂસણખોરી થઈ રહી છે.
બિહાર એનડીએમાં સીટ વહેંચણી બાબતે હજી સમાધાન થયું નથી
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનડીએમાં બેઠકોની વહેંચણીની ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પાર્ટી લોજપા (રામવિલાસ)એ બેઠકો બાબતે ભાજપને માહિતી આપી છે. ચિરાગ પાસવાનના બનેવીને જમુઇથી એલજેપી - આરના સાંસદ અરૂણ ભારતીએ દાવો કર્યો છે કે, એમનો પક્ષ એનડીએમાં રહીને ૪૩થી ૧૩૭ બેઠકો પર ચૂંટણી લડશે. એનડીએમાં બેઠકોની વહેંચણી બાબતે નિર્ણય થઈ ગયો હોવાની વાત એમણે નકારી કાઢી છે. ૨૦૦૦ની સાલમાં લોજપાની સ્થાપના થઈ ત્યાર પછી બિહાર વિધાનસભામાં પહેલી વખત નિતિશકુમારની પાર્ટી જેડીયુ સાથે મળીને ચિરાગ પાસવાનનો પક્ષ ચૂંટણીમાં ઉતરશે. ભારતીના કહેવા પ્રમાણે બેઠકોની સંખ્યા અને એનું લિસ્ટ ભાજપના એક મોટા નેતાને આપવામાં આવ્યું છે. લિસ્ટ ફાઇનલ થશે એટલે જાહેરાત કરવામાં આવશે.
તેજસ્વી યાદવ સામે પ્રશાંત કિશોર ચૂંટણી લડી શકે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે એનડીએ અને મહાગઠબંધન સિવાય જન સુરાજ પક્ષના પ્રશાંત કિશોર પણ ઝુકાવી રહ્યા છે. પ્રશાંત કિશોર દાવો કરતા રહે છે કે આ વખતે બિહારમાં એમના પક્ષની સરકાર બનશે. જોકે રાજકીય નીરીક્ષકો માને છે કે, પ્રશાંત કિશોરનો પક્ષ ગમે તેટલો સારો દેખાવ કરે પરંતુ સરકાર બનાવી શકે એ સ્થિતિમાં નથી. બીજી તરફ પ્રશાંત કિશોર ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવની સતત ટીકા કરી રહ્યા છે. તેજસ્વી યાદવ સામે ચૂંટણી લડવાની શક્યતા વિશે પ્રશાંત કિશોરએ નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરએ કહ્યું હતું કે લોકોની ઇચ્છા છે કે તેઓ રાધોપુરથી ચૂંટણી લડે. જોકે અંતિમ નિર્ણય પક્ષ લેશે. મે કહ્યું હતું કે જુલાઈ સુધીમાં તમામ ઉમેદવારોના નામ નક્કી થશે પરંતુ પક્ષની ઇચ્છા છે કે આ બાબતે ઉતાવળ કરવી જોઈએ નહીં. અમારા પક્ષમાં બધા ભેગા મળીને નિર્ણય લે છે.


