Get The App

આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીજેઆઇના માતા હશે

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીજેઆઇના માતા હશે 1 - image

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પોતાના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોની સિરિઝ શરૂ કરી છે. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં યોજાનાર વિજયાદશમી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચીફજસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી આર ગવઈના માતા ડો. કમલતાઇ ગવઇને આમંત્રણ આપવામાં આવ્યું છે. આરએસએસની અમરાવતી શાખા, અમરાવતીના કિરણનગર ખાતે આવેલા નરસમા મહાવિદ્યાલયના મેદાનમાં કાર્યક્રમ કરશે. આરએસએસના સિનિયર નેતા જે નંદકુમાર આ કાર્યક્રમના મુખ્ય વક્તા હશે. શતાબ્દિ વર્ષમાં આરએસએસએ દેશભરમાં એક લાખથી વધુ 'હિન્દુ સંમેલનો' તેમજ હજારો ગોષ્ઠીઓનું આયોજન કર્યું છે. લોકો સુધી પહોંચવા માટે સંઘના કાર્યકરો ઘરે ઘરે ફરીને  સંપર્ક કરી રહ્યા છે. જોકે કેટલાક રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, ચીફ જસ્ટીસના માતા જો સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જશે તો ખોટો સંદેશો જઈ શકે એમ છે.

વડાપ્રધાનના સલાહકાર સાનિયાલ સામે કોર્ટની અવમાનનાની ફરિયાદ

સુપ્રિમ કોર્ટના બે વકીલોએ દેશના એટર્ની જનરલ આર વેકંટરમણી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાનિયાલ વિરુદ્ધ કોર્ટની અવમાનનાની ફરિયાદ દાખલ કરવાની પરવાનગી માંગી છે. સંજીવ સાનિયાલએ કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતાની ૧૦૦મી વર્ષગાઠ સુધી 'વિકસીત રાષ્ટ્ર' બનાવવાની ભાજપ સરકારની મહત્વકાંક્ષાને આડે સૌથી મોટી બાધા ન્યાયતંત્ર છે. આ પરવાનગી સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનના ભૂતપૂર્વ મંત્રી અને પ્રવક્તા રોહીત પાંડે તેમજ એસોસીએશનના બીજા સભ્ય ઉજવલ ગૌડએ માંગી છે. કોર્ટના અપમાનના કાયદા ૧૯૭૧ની ૧૫મી કલમ મુજબ ખાનગી વ્યક્તિઓ દ્વારા ન્યાયતંત્રના અપમાનની કાર્યવાહી શરૂ કરતા પહેલા એટર્ની જનરલની પરવાનગી હોવી જરૂરી છે. કેટલાકનું માનવું છે કે, સાનિયાલ જવાબદારીવાળા પદ પર હોવાને કારણે એમણે જાહેર મંચ પરથી બોલતા પહેલા વિચારવાની જરૂર હતી.

દિલ્હી હાઇકોર્ટે મહુવા મોઇત્રાની ફરિયાદ ફગાવી

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઇત્રાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેને લોકપાલની સુનાવણીમાં સામેલ કરવામાં આવે નહીં. જોકે દિલ્હી હાઇકોર્ટે મહુવા મોઇત્રાની આ અરજી ફગાવી દીધી છે. કોર્ટે કડકાઇથી પૂછયું છે કે, એવું ક્યા લખ્યું છે કે, સુનાવણી વખતે કોઈ પક્ષની રજુઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે. મોઇત્રાની ફરિયાદ હતી કે નિશિકાંત દુબેએ ગુપ્તતા જાળવવાના લોકપાલની સૂચનાનો ભંગ કર્યો હતો અને એમણે કેટલાક દસ્તાવેજો મીડિયાને આપ્યા હતા. એમના કહેવા પ્રમાણે જે દિવસે લોકપાલએ નિશિકાંત દુબેને સાંભળ્યા હતા એ જ દીવસે એક ટીવી ચેનલ પર એનો રીપોર્ટ બતાવવામાં આવ્યો હતો. આ આધારે મોઇત્રાએ નિશિકાંત દુબેને રજુઆત કરવા સામે વાંધો લીધો હતો. સમગ્ર કેસ સંસદમાં પૈસા લઈને સવાલ પૂછવા સાથે જોડાયેલો છે.

ઉત્તર પ્રદેશમાં સપાના વધુ એક નેતા જેલની બહાર, રાજકારણ ગરમાયું

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જુગેન્દ્રસિંહ યાદવ અને અલીગંજના ભૂતપૂર્વ ધારાસભ્ય રામેશ્વરસિંહ યાદવને તમામ કેસોમાં જામીન મળી ગયા છે. ૨૦૨૩ના માર્ચ મહિનાની ૯મી તારીખે ગેંગસ્ટર કલમ હેઠળ ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખને પોલીસે પકડયા હતા. એમને ઇટા જેલમાં મોકલવામાં આવ્યા હતા. અઢી વર્ષ પછી તેઓ જેલની બહાર આવ્યા છે. એમના સમર્થકોને જ્યારે આ સમાચારની ખબર પડી તો મોટા ટોળા જેલ બહાર પહોંચ્યા હતા. જેલમાંથી છૂટયા પછી સપાના નેતા જિલ્લા પંચાયત ગયા હતા. એમના પત્ની રેખા યાદવ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. રામેશ્વરસિંહ યાદવ અને એમના ભાઈ સામે જમીનો પચાવી પાડવાના ગુના દાખલ થયા છે. આઝમ ખાન પછી હવે સપાના બીજા નેતાઓ પણ જેલ બહાર આવવાથી એમ મનાય છે કે, અખિલેશ યાદવના હાથ મજબૂત થયા છે.

બિહારમાં ભાજપે ચૂંટણી અભિયાન સમિતિના 45 સભ્યોની જાહેરાત કરી

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી તમામ પક્ષો કરી રહ્યા છે. ભાજપના મોટા નેતાઓ વારંવાર બિહારની મુલાકાતે જઈ રહ્યા છે. પક્ષે હવે વિધાનસભાની ચૂંટણી અભિયાન સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં કુલ ૪૫ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા નંબરે બિહાર ભાજપના પ્રમુખ ડો. દિલીપકુમાર જયેશ્વાલનું નામ છે. બીજા અને ત્રીજા નંબરે ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહાને રાખવામાં આવ્યા છે. આ સિવાય સમિતિમાં કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ, નિત્યાનંદ રાય, રાધામોહન સિંહ, મંગલ પાંડે, ડો. સંજય જયેશ્વાલ, ગોપાલ નારાયણ સિંહ, રવિશંકર પ્રસાદ, અશ્વિનિકુમાર ચોબે, રાજીવ પ્રતાપ રૂડી, સતીષચંદ્ર દુબે અને રાજભુષણ નિષાદના નામ છે. સાંસદ વિવેક ઠાકુરનો સમાવેશ કમિટિમાં થાય એવી શક્યતા નહોતી છતાં પણ એમનું નામ સમિતિમાં છે. ચૂંટણી પહેલાના પ્રચાર તેમજ ચૂંટણી સભાઓ વિશેના નિર્ણય આ સમિતિ લેશે.

ક્રિકેટરને આપેલી ચેલેન્જ આપના નેતાને ભારે પડી

'સૂર્યકુમાર યાદવ આજ તારી ઔકાત હોય તો...' આવા શબ્દો બોલીને આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજએ એશિયા કપની ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ચેલેન્જ કર્યા હતા. ભારદ્વાજની આ ચેલેન્જ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. હવે જ્યારે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યા પછી જે જાહેરાત કરી એની નોંધ દેશભરમાં લેવાઈ છે અને એને સૌરભ ભારદ્વાજના નિવેદન સાથે જોડવામાં આવે છે. જીત પછી સૂર્યકુમાર યાદવએ કહ્યુ હતુ કે આ ટૂર્નામેન્ટની દરેક જીત પહેલગામ હુમલાના પીડિતો અને સેનાને સમર્પિત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવએ ટૂર્નામેન્ટની સંપૂર્ણ કમાણી પહેલગામ હુમલાના પીડિતોને સમર્પિત કરી છે. ટૂર્નામેન્ટ શરૂ થઈ એ પહેલા આપના નેતાએ સૂર્યકુમાર યાદવને મેચની કમાણી પહેલગામ પીડિતોને આપવા ચેલેન્જ કરી હતી.

બિહાર ચૂંટણી પહેલા નિતિશકુમારને મોટો ફટકો

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સોશ્યલ મીડિયામાં જનસૂરાજ પાર્ટી અને જનસૂરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર છવાઈ ગયા છે. ચૂંટણીના પરિણામો કોઈપણ આવે, પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે પ્રશાંત કિશોર રાજકારણી તરીકે સ્વિકાર્ય બની ગયા છે. વિવિધ પક્ષોના સિનિયર નેતાઓ પણ જનસૂરાજ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેડીયુના ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી રાજેશ સિંહ કુશવાહા પોતાના સમર્થકો સાથે જસુપામાં જોડાઈ ગયા છે. રાજેશ સિંહ કુશવાહા જેડીયુમાં બુમરાવ વિધાનસભાના પ્રભારી પણ રહી ચૂક્યા છે. રાજેશના કહેવા પ્રમાણે તેઓ હવે બિહાર બદલવા માંગે છે અને બિહારના લોકોને પ્રશાંત કિશોર પાસે મોટી આશા છે.  એમની સાથે જેડીયુના કેટલાક સિનિયર નેતાઓ પણ જોડાતા નિતિશકુમારને મોટો ફટકો પડયો છે.