નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મતદારોને આકર્ષિત કરવા માટે દરેક રાજકીય પક્ષ પોતપોતાની રીતે તુક્કાઓ જાહેર કરે છે. બિહારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની જેમ દારૂબંધી છે. જોકે આ દારૂબંધી પણ ગુજરાતની જેમ પોકળ છે અને બુટલેગરો ફૂલ્યાફાલ્યા છે. જનસુરાજ પક્ષના નેતા પ્રશાંત કિશોરે લોકોને વચન આપ્યું છે કે, જો તેઓ સત્તા પર આવશે તો ગણતરીના સમયમાં જ દારૂબંધી દુર કરશે. દારૂબંધી વિશે એનડીએના પક્ષો કોઈ નિવેદન કરતા નથી. બીજી તરફ હવે આરજેડીના નેતા તેજસ્વી યાદવને પણ લાગ્યું છે કે દારૂબંધીનો મુદ્દો અગત્યનો છે. તેઓ હજી દ્વિધામાં છે કે દારૂબંધીની તરફેણ કરવી કે વિરોધ કરવો. જોકે દુધ અને દહીમાં પગ રાખવા માટે એમણે કહ્યું છે કે, જો મહાગઠબંધન સત્તા પર આવશે તો દારૂબંધીમાંથી તાડીને મુક્તિ આપવામાં આવશે. તાડી પર પ્રતિબંધ મૂકવાથી પાસી સમાજને નુકશાન થઈ રહ્યું છે.
આરએસએસની શાખા પર પ્રતિબંધ મામલે કર્ણાટક સરકારને કોર્ટની ફટકાર
કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ આદેશ સામે હવે કર્ણાટક હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. જસ્ટીસ એમ નાગાપ્રસન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજ્ય સરકાર અને હુગલી પોલીસ કમિશનરના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો છે. જસ્ટીસના કહેવા પ્રમાણે આ પ્રમાણે કરવાનો બંધારણીય અધિકાર ક્યાંથી મળી ગયો. ૧૮મી ઓક્ટોબરે રાજ્ય સરકારે કહ્યું હતું કે, પરવાનગી વગર ૧૦થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. આ સિવાય પાર્ક, રસ્તા અને રમત ગમતના મેદાનમાં પણ જો લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના કહેવા પ્રમાણે બંધારણના આર્ટીકલ ૧૯ (૧) (એ), ૧૯ (૧) (બી) હેઠળ લોકોને જે અધિકારો આપવામાં આવ્યા છે એના પર સરકાર પ્રતિબંધ મૂકી શકે નહીં.
'મુસ્લિમ યુવતી લાવો, નોકરી મેળવો'વાળા નિવેદન પર માયાવતી ભડક્યા
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદન 'મુસ્લિમ યુવતી લાવો, નોકરી મેળવો' પર હવે બસપાના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતી પણ ભડક્યા છે. એમણે કડક રીતે આ નિવેદનની ટીકા કરી છે. માયાવતીએ નિવેદનને વિકૃત અને ઘુણાસ્પદ ગણાવીને ભૂતપૂર્વ ધારાસભ્ય સામે પગલા લેવાની માગ પણ કરી છે. સિદ્ધારનગરના ડોમરીયા ગંજના ભૂતપૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપસિંહે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ નિવેદન ખૂબ વાયરલ થયું હતું. માયાવતીએ વળતા જવાબમાં સોશ્યલ મીડિયા એક્સ પર આ નિવેદનની ટીકા કરવા ઉપરાંત ઉત્તરાખંડ સહિત બીજા રાજ્યોમાં ધર્મપરિવર્તન તેમજ લવજેહાદ જેવા વિષયોને કારણે નફરત ફેલાવવામાં આવતી હોવાનો દાવો કર્યો છે. એમ મનાય છે કે ઉત્તર પ્રદેશમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં માયાવતી ફરી એમની મુસ્લિમ વોટ બેંક આકર્ષવા માંગે છે.
સેન્ટર ફોર નરેન્દ્ર મોદી સ્ટડીઝ સામે સીબીઆઇની ફરિયાદ
ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે કોઈક ભેજાબાજે 'સેન્ટર ફોર નરેન્દ્ર મોદી સ્ટડીઝ'ના નામે સેન્ટર શરૂ કર્યું છે. જાણીતી વ્યક્તિઓના નામનો ઉપયોગ કરીને દેશભરમાં કેટલાક ઠગો આવી ચાલબાજી કરતા હોય છે. જોકે વડાપ્રધાનની ઓફિસને આ બાબતની જાણ થતા આ ભેજાબાજ સામે કડક પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સીબીઆઇએ સેન્ટર સામે કેસ દાખલ કર્યો છે. થોડા સમયમાં જ સીબીઆઇની ટીમ સેન્ટર પર ત્રાટકશે એમ મનાઈ રહ્યું છે. વડાપ્રધાનનું નામ વટાવી ખાનાર સહેલાઈથી છટકી નહીં જાય એ માટે કેટલીક કડક કલમો પણ સીબીઆઇએ લગાડી છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, જીએસટીના દરમાં ઘટાડો થયો ત્યારે દેશના કેટલાક મોટા ઉદ્યોગગૃહોએ પણ મોદીના નામે પોતાની જાહેરાત છપાવી હતી. જોકે તેઓ બચી ગયા. આ અલીગઢી બચે એમ લાગતું નથી.
બાંગ્લાદેશ પોતાના પત્રકારો પર જ કેમ ગુસ્સે થયું
બાંગ્લાદેશથી એક પત્રકારની ટીમ ભારત આવી હતી. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મહોમદ તૌહીદ હુસૈન ભારત આવેલા બાંગ્લાદેશી પત્રકારોથી નારાજ થયા છે. એમની નારાજગીનું કારણ પત્રકારોએ પૂછેલો એક સવાલ છે. પત્રકારોએ બાંગ્લાદેશની ચૂંટણીમાં ભારતની દખલગીરી બાબતે સવાલ કર્યો હતો. એમના કહેવા પ્રમાણે છેલ્લા ૧૫ વર્ષો દરમિયાન થયેલી કોઈપણ ચૂંટણીમાં ભારતને આવો સવાલ કોઈએ કર્યો નથી. ભારતે કહ્યું હતું કે, પડોશી દેશની ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય એ જરૂરી છે. એક પત્રકારે વિદેશ સલાહકારને કહ્યું હતું કે, બાંગ્લાદેશના રાજકીય પત્રકારોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળને ભારતના વિદેશ સચીવે કહ્યું હતું કે ભારત શેખ હસીનાને પાછા મોકલવા બાબતે અભ્યાસ કરી રહ્યું છે.
એનડીએના મુખ્યમંત્રી ચહેરા બાબતે ચિરાગ સંમત, ભાજપને રાહત
બિહાર વિધાનસભાની ચૂંટણી એટલા માટે રસીક બની રહી છે કે, એનડીએ અને મહાગઠબંધનના વિવિધ રાજકીય પક્ષો વચ્ચે હજી પણ કેટલીક બાબતે મતભેદ છે. એનડીએના મુખ્યમંત્રી ચહેરા બાબતે ભાજપે તો નિતિશકુમારના નામ પર મહોર મારી છે, પરંતુ હજી સુધી ચિરાગ પાસવાનનું મન પારખી શકાયું નહોતું. મહાગઠબંધને તો તેજસ્વી યાદવને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર પણ કરી દીધા છે. હવે ચિરાગ પાસવાનએ કહ્યું છે કે, જો એનડીએ જીતશે તો મુખ્યમંત્રી તરીકે નિતિશકુમાર જ હશે. ચૂંટણીનું નેતૃત્વ પણ તેઓ જ લઈ રહ્યા છે. ચિરાગ પાસવાને મહાગઠબંધન પર આક્ષેપ કર્યો છે કે તેઓ બધાને ડરાવી ધમકાવીને નામો જાહેર કરી રહ્યા છે. ચિરાગ પાસવાનના નિવેદન પછી ભાજપના શ્વાસ હેઠે બેઠા છે. ચિરાગ પાસવાનએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને પણ ટેકો આપ્યો છે.
શુભેન્દ્રુ અધિકારીને મોટી રાહત
ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા શુભેન્દ્રુ અધિકારીને મોટી રાહત મળી છે. કલકત્તા હાઇકોર્ટે અધિકારી વિરુદ્ધની ૧૫ એફઆઇઆર રદ કરી છે. શુભેન્દ્રુ અધિકારી સામે આ એફઆઇઆર ૨૦૨૧થી ૨૦૨૨ વચ્ચે દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ જયસેલ ગુપ્તાએ પહેલા આપેલા વચગાળાના હુકમો પણ રદ કરી દીધા છે જેમાં રાજ્યએ કોર્ટની પરવાનગી વગર અધિકારી વિરુદ્ધ કોઈપણ એફઆઇઆર દાખલ કરતા રોકવામાં આવ્યા હતા. શુભેન્દ્રુ અધિકારી પહેલા તૃણમુલ કોંગ્રેસમાં હતા. ૨૦૨૦માં તેઓ તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા હતા અને ત્યાર પછી જ એમની સામે જૂના કેસોમાં એફઆઇઆર કરવામાં આવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે ટીપ્પણી કરી હતી કે નક્કી કરવું મુશ્કેલ છે કે, ટીએમસીએ જાણી જોઈને અધિકારીના પહેલાના ગુના અવગણ્યા હતા કે નહીં.


