નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી મહાગઠબંધનમાં તડ પડવાની અટકળો થઈ રહી છે. હમણા જ હારના પોસ્ટમોર્ટમ દરમિયાન કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોએ આરજેડી સાથેના ગઠબંધનને હાર માટે જવાબદાર ગણાવ્યું હતું. આમાંથી કેટલાકએ તો કોંગ્રેસ હાઇકમાન્ડને આરજેડી સાથેનું ગઠબંધન તોડી નાખવાની સલાહ પણ આપી હતી. ત્યાર પછી રાજકારણ ગરમાયું છે. પક્ષના કોઈ મોટા નેતા તરફથી ગઠબંધન વિશે નિવેદન આવ્યું નથી. બિહારમાં કોંગ્રેસ ૭૧ બેઠકો પર લડી હતી અને ફક્ત ૬ સીટ પર જીત મળી હતી. આરજેડીને ૧૪૩ બેઠકોમાંથી ફક્ત ૨૫ બેઠકો પર જીત નસીબ થઈ હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસના ૧૦-૧૦ ઉમેદવારોને બોલાવીને એમનો અભિપ્રાય પૂછયો હતો. મોટા ભાગના ઉમેદવારોએ એવી ફરિયાદ કરી હતી કે તેજસ્વી યાદવને કોંગ્રેસના ઉમેદવાર જીતે એમા કોઈ રસ હતો નહીં. કેટલીક બેઠકો પર તો આરજેડીના કાર્યકરો સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહ્યા હતા.
ચૂંટણી પછી અક્કલ આવી..., રાજકારણ છોડયા પછી અવધ ઓઝાની ટીપ્પણી
કોચિંગ કલાસ ચલાવીને દિલ્હીમાં જાણીતા થયેલા અવધ ઓઝાએ પોતાની લોકપ્રિયતા વટાવવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે ચૂંટણીમાં એમને જે રીતે હાર મળી એ જોઈને એમણે રાજકારણને રામરામ કરી દીધા છે. હવે એમને અક્કલ આવી છે કે તેઓ રાજકારણ માટે યોગ્ય નથી. આપમાંથી રાજીનામું આપ્યા પછી ઓઝાએ એકાએક નરેન્દ્ર મોદીના વખાણ ચાલું કર્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ આપમાં જોડાયા હતા અને પટપડગંજ બેઠક પરથી ચૂંટણી લડયા હતા. મનિષ સિસોદિયાની જૂની બેઠક પર ચૂંટણી લડેલા અવધ ઓઝાએ ચૂંટણી જીતવા ઘણી મહેનત કરી હતી, પરંતુ સફળ થયા નહોતા. ચૂંટણી પછી તેઓ ફરીથી કોચિંગમાં સક્રિય થઈ ગયા હતા. હવે એમણે રાજકીય સન્યાસ લઈ લીધો છે.
શાહીનના લોકરમાંથી રોકડ રકમ અને દસ્તાવેજ મળ્યા
દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી ડો. શાહીન સઇદની તપાસ એનઆઇએ કરી રહી છે. શાહીનના ધૌજ ગામ સ્થિત અલ-ફલહા યુનિવર્સિટીના લોકરમાંથી રોકડ રકમ અને ઉર્દુમાં લખેલા દસ્તાવેજો મળ્યા છે. ડો. શાહીન ઉર્દુમાં નિષ્ણાંત છે. શાહીન હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દુમાં પણ લખતી હતી. ઉર્દુમાં લખવાનું કારણ એ હતું કે એનું લખાણ સામાન્ય માણસ સમજી શકે નહીં. એનઆઇએની ટીમ એને નેહરૂ ગ્રાઉન્ડ લોહામંડીમાં આવેલી કેમીકલની દુકાન પછી અલ-ફલહા યુનિવર્સિટીમાં લઈ ગઈ હતી. એનઆઇએએ યુનિવર્સિટીમાં શાહીનનું લોકર ખોલ્યું હતું. લોકરમાંથી રોકડ અને ઉર્દુ સાહિત્ય ઉપરાંત ઇલેક્ટ્રોનિક સાધનો મળ્યા હતા. જોકે એનઆઇએની ટીમને અહીંથી શાહીનના લગ્ન સંબંધીત કોઈ સર્ટિફિકેટ મળ્યા નહોતા. શાહીનના ફલેટ અને ઓફિસની તપાસ પણ કરવામાં આવી છે અને એનો વિડિયો પણ બનાવવામાં આવ્યો છે.
મુસ્લિમ પત્રકારના ઘરે બુલડોઝર ચાલ્યુ, હિન્દુ પડોશીએ પ્લોટ ગીફટ કર્યા
જમ્મુ-કાશ્મીરમાં એક મુસ્લિમ પત્રકારના ઘરે જ્યારે બુલડોઝર ચલાવવામાં આવ્યું ત્યારે એના હિન્દુ પડોશી મદદએ આવ્યા હતા. ભાજપ શાસીત રાજ્યોમાં બુલડોઝર ચાલે છે ત્યારે ભાજપના નેતાઓ વખાણ કરે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં બુલડોઝર ચાલ્યું ત્યારે ભાજપના નેતાઓએ એવી ટીકા કરી હતી કે પ્રધાન મંત્રી લોકોને ઘર આપવાની વાત કરે છે અને આ સરકાર લોકોના ઘર તોડી રહી છે. પત્રકારનું કહેવું હતું કે બુલડોઝર ચલાવતા પહેલા એમને કોઈ નોટીસ આપવામાં આવી નહોતી. જમ્મુ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ પત્રકાર અરફાઝ અહમદ ડૈંગનું ઘર તોડી પાડયું છે. પત્રકારના જણાવ્યા પ્રમાણે એમનું ઘર ૪૦ વર્ષ જૂનું હતું અને એમના પિતા પણ આ જ ઘરમાં રહેતા હતા. ગયા વર્ષે એમનું બીજુ એક ઘર પણ તોડી પાડવામાં આવ્યું હતું. ડૈંગ જમ્મુથી એક ન્યુઝ પોર્ટલ ચલાવે છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના કહેવા પ્રમાણે સરકારે આ કામગીરી કરી નથી પરંતુ ઉપરાજ્યપાલે નિમેલા એક અધિકારીએ ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. હવે પત્રકારના હિન્દુ પડોશી કુલદીપ શર્માએ એમને પ્લોટ ભેટમાં આપ્યો છે.
ટ્રમ્પનું એક વધુ વિવાદીત નિવેદન, અમેરિકામાં 'ઇન્ડિયન' શબ્દ પર પ્રતિબંધ
અમેરિકાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયનોને અમેરિકામાં 'ઇન્ડિયન ' કહેવાય છે. ઇન્ડિયન એટલે ભારતીય નહીં, પરંતુ મૂળ નિવાસી રેડ ઇન્ડિયનો વારે તહેવારે વિવાદાસ્પદ નિવેદનો કરનાર ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે ઇન્ડિયન શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. અમેરિકામાં આજકાલ સાંસ્કૃતિક સંવેદનશીલતા પર ગંભીર ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે ઇન્ડિયન શબ્દનો ઉપયોગ નહીં થઈ શકે અને ફક્ત ઇન્ડિયન જ ઇચ્છે છે કે તમે આ શબ્દનો ઉપયોગ કરો. આ શબ્દ ઐતિહાસિક ભૂલને કારણે અસ્તિત્વમાં છે. જ્યારે ક્રિસ્ટોફર કોલમ્બસે વિચાર્યું હતું કે તેઓ ભારત પહોંચી ગયા છે અને એ ગેરસમજને કારણે મૂળ અમેરિકન રહેવાસીઓને ઇન્ડિયન કહેવામાં આવ્યા. આ પહેલા પણ ટ્રમ્પે અમેરિકના કેટલાક સંપ્રદાયો સંબંધીત વિવાદાસ્પદ મુદ્દાઓ વિશે ટીપ્પણી કરી હતી.
સિદ્ધારમૈયા વિ. ડી કે શિવકુમાર... બ્રેકફાસ્ટ મીટીંગ પર સમજૂતી થશે?
છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકનું રાજકારણ ચર્ચામાં છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલુ છે. અઢી વર્ષ પહેલા જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે એવું નક્કી થયું હતું કે અઢી વર્ષ પછી તેઓ ડી કે શિવકુમાર માટે ખુરશી ખાલી કરશે. હવે સિદ્ધારમૈયા ખુરશી ખાલી કરવા માંગતા નથી. આ બાબતે બંને જૂથના ટેકેદારોએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. કોંગ્રેસના ટોચના નેતાઓ જોકે ટેકેદારોને મળી રહ્યા નથી, પરંતુ ગૂચ ઉકેલવા માંગે છે. ભાજપ ટાંપીને જ બેઠુ છે કે નારાજ ધારાસભ્યો અલગ થઈ જાય તો એમને ભેગા કરીને રીસોર્ટમાં રાખવા. હવે એવી વાત બહાર આવી છે કે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે સમાધાન થઈ જશે. કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓએ મધ્યસ્થિ કરીને બંનેને સમજાવ્યા છે. હવે બ્રેકફાસ્ટ પર બંનેની સાથે મીટીંગ ગોઠવવામાં આવી છે. હમણા તો એમ મનાય છે કે આ મીટીંગ સફળ થશે તો કર્ણાટકમાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે.
ઘર ખાલી કરાવવા બાબતે રીતુ જયેસવાલએ રાબડીને સવાલ પૂછયો
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માંથી હાંકી કઢાયેલા બળવાખોર નેતા રીતુ જયેસવાલએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનપરિષદના નેતા રાબડી દેવીને કેટલાક સવાલો પૂછયા છે. પક્ષના ૨૫ ધારાસભ્યોની તાકાત અને જેડીયુ સાથેના ગઠબંધનની આશા તૂટી ગયા પછી આ સવાલ પૂછવામાં આવ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત પ્રાપ્ત કરનાર અપક્ષ ઉમેદવાર રીતુ જયેસવાલને આરજેડીની ટિકિટ નહીં મળવાથી બળવાખોર બની ગયા હતા. પક્ષે એમને હાંકી કાઢયા હતા. ચૂંટણીના પરિણામો પછી હવે રીતુ જયેસવાલ પક્ષના નેતૃત્વને સવાલો પૂછી રહ્યા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'જો પક્ષને ફક્ત ૨૫ બેઠકો મળી નહીં હોતે અને જેડીયુ સાથે ફરીથી ગઠબંધનની આશા હોતે તો શું સરકાર ૧૦, સરક્યુલર રોડનો બંગલો ખાલી કરાવી શકતે?' રાજ્ય સરકારે રાબડી દેવીના હાલના રહેવાસ્થનને ખાલી કરાવીને ૩૯, હાર્ડીંગ રોડ પર આવેલા મકાનમાં જવા કહ્યું છે. લાલુ યાદવ પણ આ જ મકાનમાં રહે છે.


