નવીદિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અમાસના દિવસે સ્નાન કરવા જઈ રહેલા જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પ્રશાસને અટકાવ્યા હતા. આ વિવાદ ખૂબ ચગ્યો છે. અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કર્યા વગર પ્રયાગરાજથી પરત ફર્યા છે. આ સમગ્ર કિસ્સા પાછળના રાજકારણને સમજવા જેવું છે. કેટલાક એમ માની રહ્યા છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજુરી વગર અધિકારીઓ કડક પગલા લે નહીં. એવી પણ એક માન્યતા છે કે, યોગી આદિત્યનાથની મજબુત બનેલી હિન્દુત્વની છબીને નુકસાન પહોંચાડવા માટે યોજના બનાવવામાં આવી હતી. વિરોધ પક્ષો આ વિવાદ બાબતે ભાજપને જવાબદાર ઠેરવે છે. યોગી આદિત્યનાથના હિન્દુત્વ પર શંકા થઈ રહી છે ત્યારે એક એવી થીયરી પણ છે કે ભાજપના કેટલાક ટોચના નેતાઓ ઇચ્છતા હતા કે આ વિવાદ વકરે અને યોગી આદિત્યનાથની ઇમેજ ડાઉન થાય. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય જે રીતે શંકરાચાર્યની તરફેણમાં આવ્યા એનાથી માન્યતા દ્રઢ બની છે કે દિલ્હીમાં બેઠેલા ભાજપના કેટલાક નેતાઓને ઇશારે જ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે.
રાહુલ સામે એફઆઇઆરની અરજી કોર્ટે ફગાવી દીધી
લખનૌની કોર્ટે વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની કહેવાતી બ્રિટિશ નાગરીક્તા સામે એફઆઇઆર કરવાની અરજી ફગાવી દીધી છે. પોતાના હુકમમાં એસીજેએમ આલોક વર્માએ ટીપ્પણી કરી હતી કે આ અરજી કાયદાની પ્રક્રિયાનો દુરઉપયોગ છે. કોઈપણ વ્યક્તિની રાષ્ટ્રીયતા - નાગરીકતા નક્કી કરવાનો અધિકાર કોર્ર્ટ પાસે નથી. આ પ્રકારના કાયદાના દુરઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ નહીં. આ અરજી કર્ણાટક ભાજપના એસ વિજ્ઞોશન શિશિરે દાખલ કરી હતી. આક્ષેપ હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરીક્તા છે. એમની સામે પાસપોર્ટ નિયમ હેઠળ તેમજ ગુપ્તતા ભંગ હેઠળ કામ ચાલવું જોઈએ. શિશિરના આરોપ પ્રમાણે રાહુલ ગાંધી યુકે ખાતેની એક કંપની સાથે જોડાયેલા હતા અને ભારતમાં સાંસદ બન્યા પછી પણ એમનું નામ ઇંગ્લેન્ડની મતદાર યાદીમાં હતું.
ઉ.પ્રદેશના આઇએએસ અધિકારી પર માતાને મારવાનો આરોપ
ઉત્તર પ્રદેશ કેડરના ૨૦૦૭ બેચના આઇએએસ અધિકારી અભય સિંહ ફરીથી વિવાદમાં ફસાયા છે. એમની માતા રેખા સિંહે એમના ઉપર મકાનનો કબજો કરવો, ગાળો આપવી, ધમકી અને માનસિક ત્રાસ આપવા જેવા ગંભીર આરોપો મુક્યા છે. રેખા સિંહે આ બાબતની ફરિયાદ પણ દાખલ કરી છે. એમણે રાજસ્થાનના ચિત્તૌડગઢ સ્થિત આવેલું એમનું મકાન પડાવી લેવાનો આરોપ પણ એમના પુત્ર સામે મૂક્યો છે. રેખા સિંહનો આરોપ છે કે જાન્યુઆરી મહિનાની ૧ લી તારીખે અભય સિંહ એની પત્ની સાથે ચિત્તૌડગઢ પહોંચ્યા હતા અને ધમકી આપી હતી. એમણે ઘરમાં લગાડવામાં આવેલા સીસીટીવી પણ તોડી નાખ્યા હતા. પોતાના જીવને જોખમ જણાતા તેઓ એક ઓરડામાં સંતાઈ ગયા હતા. રેખા સિંહે પોતાના આક્ષેપના સમર્થનમાં કેટલાક મેસેજ, ઓડિયો અને વિડિયો પણ પૂરાવા તરીકે રજુ કર્યા છે.
ભારતે અધિકારીઓ પરત બોલાવતા બાંગ્લાદેશે હાથ ઊંચા કર્યા
ભારતે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બાંગ્લાદેશ સ્થિત એમ્બેસિમાંથી પોતાના અધિકારીઓને કુટુંબ સહિત પરત ભારત બોલાવ્યા છે. બાંગ્લાદેશની કામચલાઉ સરકારના વિેદેશ બાબતના સલાહકાર મોહમદ તૌહીદ હુસૈનએ કહ્યું હતું કે, ભારતે પોતાના અધિકારીઓ અને કુટુંબીઓને બાંગ્લાદેશથી પરત બોલાવવા માટેનું કોઈ કારણ હતું નહીં. દેશમાં એવી કોઈ પરિસ્થિતિ બગડી નથી કે ભારતે આવું પગલું ભરવું પડે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓ આક્રમક થઈ રહ્યા છે એટલે અધિકારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલયે અધિકારીઓને દેશ પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશમાં ૧૨મી ફેબુ્રઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ઢાકા સિવાય ખૂલના, ચત્તોગ્રામ, રાજશાહી અને શીલહટમાં પણ ભારતની કચેરીઓ આવી છે.
મેડિકલ કોલેજમાં બનેલી દરગાહને નોટીસથી મદની છંછેડાયા
ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલી કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં હજરત હાજી હરમેન શાહ દરગાહ આવી છે. આ દરગાહ ગેરકાયદેર ગણાવીને સત્તાધિશોએ દરગાહ દુર કરવા નોટીસ મોકલી છે. જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમુદ મદનીએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. એમણે કોલેજના સત્તાધિશોને ચેતવણી આપી છે કે, વકફની મિલકતો સંબંધી દેશના કાયદાઓને માન આપે. નોટીસ તાત્કાલીક પાછી લે. આ દરગાહ ૭૦૦ વર્ષ જૂની છે. કોલેજની સ્થાપના ૧૯૧૨માં થઈ હતી. એમ કહેવું કે કોલેજના કમ્પાઉન્ડમાં દરગાહનું શું કામ છે એ ખોટુ છે. ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં ૭૦૦ વર્ષ જૂની આસ્થાના -એ-હજરત હાજી હરમેન શાહની દરગાહમાં આવેલા વુજુખાના, ઇબાદતગાહ અને જાયરીનો ને તોડી પાડવામાં આવ્યા હતા એ પણ ગેરકાનુની હતું.
ઘરેલું નોકરોના પગાર બાબતે સુપ્રીમ કોર્ટની ચિંતા
સુપ્રિમ કોર્ટમાં ઘરેલું નોકરોનો ન્યુનત્તમ પગાર નક્કી કરવામાં આવેલી જાહેરહીતની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ચોખ્ખુ કહ્યું છે કે આ કેસ ફક્ત અધિકારોનો નથી. આ કેસની અસર સામાજીક અને આર્થિક રીતે પણ પડી શકે છે. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ અરજી કરનારાઓને કહ્યું છે કે, કોર્ટે એ પણ જોવું પડશે કે એમના ચૂકાદાનું પરિણામ કેવું આવશે. એવી દલીલ કરવી સહેલી છે કે ઘરેલું નોકરોના કિસ્સામાં બંધારણનો આર્ટીકલ ૨૧, ૨૩, ૧૪, ૧૫ અને ૧૬નો ભંગ થઈ રહ્યો છે. જોકે અંતિમ પરિણામો વિશે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ. જો ન્યુનત્તમ પગાર નક્કી કરવામાં આવે તો લોકો ઘરેલું નોકર રાખવાનું જ બંધ કરી દેશે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન નોકરોને થશે.
ઉ.પ્રદેશના આઇએએસ અનામિકા સિંહનું વીઆરએસ મંજૂર
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) એ ઉત્તર પ્રદેશ કેડરના ૨૦૦૪ બેચના આઇએએસ અધિકારી અનામિકા સિંહનું વીઆરએસ મંજૂર રાખ્યું છે. આ સંદર્ભે ઉત્તર પ્રદેશ સરકાર હવે હુકમ પણ બહાર પાડશે જે ૩૦મી જાન્યુઆરીથી અમલમાં આવશે. અનામિકા સિંહને કેન્દ્રમાં પોસ્ટીંગ નહીં મળવાથી તેઓ નારાજ હતા. સિનિયર આઇએએસ અધિકારી હમણા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટ્રીમાં ફરજ નીભાવે છે. અનામિકા સિંહ ૨૦૩૮ માં નિવૃત્ત થવાના હતા આમ છતા એમણે નોકરી છોડવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારે પણ એમને નોકરી છોડવાની મંજૂરી આપી છે. એમ મનાય છે કે ઉત્તર પ્રદેશમાં એમની થતી વારંવારની બદલીઓથી તેઓ કંટાળી ગયા હતા. એમને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જવું હતું. આ બાબતે એમણે રાજ્ય સરકાર પાસે એનોસી પણ માંગ્યું હતું. કેન્દ્રમાં જવાની પરવાનગી નહીં મળતા તેઓ નારાજ થયા હતા.


