નવીદિલ્હી : અલ્હાબાદ હાઇકોર્ટે અરજી કરનારાની સંપત્તિ ગેરકાયદેસર રીતે તોડી પાડવા માટે અને રેવન્યુ રેકોર્ડમાં એક તરફી હુકમ કરવા બદલ ઉત્તર પ્રદેશ સરકારને ૨૦ લાખનો દંડ કર્યો છે. ઉત્તર પ્રદેશની સરકારની વારંવાર ટીકા થાય છે કે સુપ્રિમ કોર્ટના ચુકાદા છતા કેટલાક આરોપીઓના મકાનો તોડી પાડે છે. દંડ કરતી વખતે જસ્ટીસ આલોક માથુરએ ટીપ્પણી કરી હતી કે, 'ફક્ત વિવાદીત હુકમ રદ કરવાથી અરજી કરનારને ન્યાય આપી શકાય નહીં, કારણ કે એમની મિલકત અધિકારીઓએ ગેરકાયદેસર રીતે તોડી પાડી છે. જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલા લેવા અને નાગરીકને થયેલા નુકશાનને ધ્યાનમાં રાખતા યોગ્ય દંડ કરવો જરૂરી છે.' સંતદીન નામની વ્યક્તિએ કરેલા એક સિવિલ દાવામાં ચુકાદો એમની તરફેણમાં આવ્યો હતો. રેવન્યુ રેકોર્ડમાં એમનું નામ દાખલ થયું હતું. મિલકતમાં એમના પુત્ર અને ભાઇનું નામ માલિક તરીકે હતું. જોકે ત્યાર પછી થયેલા એક વિવાદને કારણે એની મિલકત તોડી પાડવામાં આવી હતી.
દિગ્વિજય સિંહના નિવેદન પછી થયેલો વિવાદ વધી રહ્યો છે
કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે સોશ્યલ મીડિયા પર આરએસએસના સંગઠનના વખાણ કર્યા હતા. ત્યાર પછી કોંગ્રેસના કેટલાક નેતાઓએ દિગ્વિજય સિંહના નિવેદનની ટીકા કરી હતી. દિગ્વિજય સિંહે ત્યાર પછી ફેરવી તોળ્યું હતું. આમ છતાં કોંગ્રેસ પ્રેમુખ મલ્લિકાર્જૂન ખડગેએ એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ કદી ધર્મનું રાજકારણ કરતી નથી. ચોંકી ગયેલા દિગ્વિજય સિંહે જવાબમાં કહ્યું હતું કે બીજેપી કોંગ્રેસમાં તડ પડાવવાની કોશિષ કરે છે. મારી વિચારધારા અને કોંગ્રેસના નેતાઓની વિચારધારામાં કોઈ મતભેદ નથી. પક્ષમાં કોઈ રીમોટ કંટ્રોલ નથી. જોકે કાર્યક્રમ દરમિયાન દિગ્વિજય સિંહ તિરૂવંતપુરમના સાંસદ શશી થરૂરની બાજુમાં બેઠા હતા. વિવાદમાં કોંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેડાએ પણ ઝંપલાવ્યું હતું. એમણે કહ્યું હતું કે, આપણે આરએસએસ પાસેથી શીખવાની કોઈ જરૂર નથી. જે સંગઠન ગોડસેના નામથી ઓળખાય છે એની પાસેથી ગાંધીના નામે બનેલા સંગઠને શીખવાની કોઈ જરૂર નથી.
'નહેરૂના પત્રો અને દસ્તાવેજો વડાપ્રધાન સંગ્રહાલયને પરત કરો'
કેન્દ્રના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને અપીલ કરી હતી કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ લખેલા પત્રો અને દસ્તાવેજો વડાપ્રધાન સંગ્રહાલય અને પુસ્તકાલયને પરત કરે. આ સંદર્ભે એમણે બીનજરૂરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, દસ્તાવેજ કોઈ એક કુટુંબ કે વ્યક્તિના નથી, પરંતુ સમગ્ર દેશનો વારસો છે. પ્રધાનમંત્રી સંગ્રહાલયની સ્થાપના નહેરૂના અવસાન પછી થઈ હતી. પહેલા એને નહેરૂ મેમોરીયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી (એનએમએમએલ) કહેવામાં આવતું હતું. આ સંગ્રહાલયમાં તમામ વડાપ્રધાનો સાથે જોડાયેલા દસ્તાવેજો રાખવામાં આવ્યા છે. ૧૯૭૦થી ૧૯૯૦ સુધીમાં નહેરૂ સાથે સંકળાયેલા સરકારી અને ગેરસરકારી દસ્તાવેજો, ખાનગી પત્રો, એમને આપવામાં આવેલા જવાબો સુરક્ષીત રાખવામાં આવ્યા હતા. પીએમએલએલમાં કુલ ૨.૫ કરોડ દસ્તાવેજો છે જેમાંથી ૪ લાખ દસ્તાવેજો ફક્ત જવાહરલાલ નહેરૂના છે.
રામભદ્રાચાર્યએ હિન્દુઓને આપેલી સલાહ પર નેહાસિંહનો વળતો જવાબ
બિહારના લોક ગાયકા નેહાસિંહ ભાજપ અને ભાજપના ટેકેદારના કટ્ટર વિરોધી છે. જગદગુરુ રામભદ્રાચાર્ય પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હમણા જગદગુરુ રામભદ્રાચાર્યએ એક નિવેદન આપી હિન્દુઓને કહ્યું હતું કે હિન્દુઓએ ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ. હવે આ બાબતે રાજકારણમાં ગરમી આવી ગઈ છે. રામભદ્રાચાર્યના નિવેદન સામે નેહાસિંહ રાઠોડએ વળતો જવાબ આપ્યો છે. રાઠોડએ કહ્યું છે કે, મોંઘવારી એટલી વધી ગઈ છે કે પરિવારને સાચવવુ અઘરુ બની ગયું છે. હું માનું છું કે નાનો પરિવાર સુખી પરિવાર. વધતી મોઘવારીને કારણે કુટુંબનું પાલન પોષણ મુશ્કેલ થઈ ગયું છે. ૩-૪ બાળકો પેદા કરવા કોઈ મોટી વાત નથી. બાળકોને સારૂ શિક્ષણ આપવું અને એમનો સારો ઉછેર કરવો જરૂરી છે. નોકરીમાં તમને ૧૫-૨૦ હજારનો પગાર મળતો હોય અને ૩-૪ બાળકો પેદા કર્યા હોય તો જીવન નિર્વાહ કઈ રીતે થશે.
બંગાળના ચૂંટણી કમિશનરને કેન્દ્ર સરકારે વાય પ્લસ સિક્યુરીટી કેમ આપવી પડી
ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનર મનોજ અગ્રવાલને વાય પ્લસ સિક્યુરીટી આપવી પડી છે. મનોજ અગ્રવાલની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એમની ઓફિસમાં કેન્દ્રીય દળો હાજર રહેશે. એમની સામે થયેલા વિરોધ અને દેખાવોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમની સુરક્ષા માટે ૨૦ સીઆઇએસએફ જવાનો તૈયાર રાખવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે ચૂંટણી કમિશને કોલકત્તામાં ચૂંટણી કમિશનની ઓફિસે સેન્ટલ ફોર્સની સિક્યુરીટી લાગુ કરવાનો હુકમ કર્યો હતો. કમિશન તરફથી સેન્ટ્રલ હોમ મિનિસ્ટ્રીના જોઇન્ટ સેક્રેટરી અનિલ સુબ્રહ્મણને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં ઇલેકશન કમિશનના સેક્રેટરી સુરજીતકુમાર મિશ્રાએ લખ્યું હતું કે, ચૂંટણી કમિશનની ઓફિસના બીજા અને ત્રીજા માળ પર સેન્ટ્રલ સિક્યુરીટી હોવી જરૂરી છે.
ચાર કરોડનો ટેક્સ ભરનાર કંપનીના માલિક કેમ દેશ છોડવા માંગે છે
બેંગલુરુના એક બિઝનેસ મેન રોહિત શ્રોફ દેશની ટેક્સ સિસ્ટમથી ખુબ વ્યથીત છે. એમનું કહેવું છે કે જે લોકો પ્રમાણીકતાથી ટેક્સ ભરે છે એમને વારંવાર તપાસ અને બીજી હેરાનગતીનો ભોગ બનવું પડે છે. રોહિતે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, છેલ્લા ૧૨ મહિનામાં એમણે જીએસટી અને ઇન્કમટેક્સ મળીને લગભગ ૪ કરોડ રૂપિયાનો ટેક્સ સરકારને આપ્યો છે. આમ છતાં એમને લાગે છે કે સરકાર વ્યવસાયીકો પર ભરોસો નથી કરતી. ભારતમાં ધંધો-વ્યવસાય કરવાની સ્થિતિ યોગ્ય નથી. આજ કારણે તેઓ ૨૦૨૬ સુધીમાં ભારત છોડીને વિદેશમાં બિઝનેસ કરશે. ભારતમાં વસ્તીના કુલ પાંચ ટકા જ લોકો ટેક્સ ભરે છે છતાં પણ એમણે સિસ્ટમનો ભોગ બનવું પડે છે. જેઓ પ્રમાણીક છે અને નિયમનું પાલન કરે છે એમને સૌથી વધુ તકલીફ થાય છે. આજ કારણે એમણે દેશ છોડવાનો નિર્ણય લીધો છે.
જસ્ટીસ સ્વામીનાથન પર વધુ ગંભીર આરોપો
તામિલનાડુની મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ જીઆર સ્વામીનાથન પર જાતિના આધારે ભેદભાવના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક વકીલે કહ્યું છે કે જસ્ટીસ સ્વામીનાથન બ્રાહ્મણીક ઇકોસીસ્ટમના સમર્થક છે. તેઓ ખાસ સમુદાયના વકીલો સાથે સાંઠગાંઠમાં કામ કરે છે. અનેક વકીલોએ એમના ચુકાદા સામે ફરિયાદ કરી છે. વકીલો જાણે છે કે આ પેટર્ન કેવી રીતે ચાલી રહી છે. કેટલાક વકીલોએ જસ્ટીસ સ્વામીનાથનને આરએસએસની વિચારધારા તરફ ઝુકેલા પણ ગણાવ્યા છે. સારનાથન નામના વકીલે આ આરોપ મુક્યા છે. મદ્રાસ હાઇકોર્ટના ૮ થી વધુ પુર્વ ન્યાયાધીશો અને અનેક વકીલોને પણ એમની સામે વિરોધ છે. ડીએમકે અને ઇન્ડિયા બ્લોકના ૧૨૦ સાંસદોએ સ્વામીનાથનને હટાવવા માટે લોકસભામાં મહાભિયોગની નોટીસ આપી છે.


