નવીદિલ્હી : બિહારમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય ગરમી વધી ગઈ છે. બિહારની ૨૪૩ વિધાનસભાની બેઠકો માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી થવાની શક્યતા છે. આ વખતે આ ચૂંટણીનું મહત્ત્વ વધારે છે. એનડીએ અને ઇન્ડિયા બ્લોક વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બીજી તરફ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ તમામ ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડશે. ચૂંટણી સંદર્ભે થયેલો એક સર્વે બહાર આવ્યો છે. આ સર્વે પ્રમાણે આજે બિહારમાં લોકસભાની ૪૦ બેઠકો પર ચૂંટણી થાય તો એનડીએની બહુમતી યથાવત રહેશે. સર્વે પ્રમાણે ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં ૪૭ ટકા મત મેળવનાર એનડીએ હમણા ૫૦ ટકા મત મેળવી શકે એમ છે. ઇન્ડિયા બ્લોકનો મત શેર ૩૯ ટકાથી વધીને ૪૪ ટકા પહોંચી શકે એમ છે.
બસપામાં આકાશ આનંદનું પ્રમોશન
બસપા સુપ્રિમો માયાવતીએ રાષ્ટ્રીયસ્તરના સંગઠનમાં ઘણા ફેરફાર કર્યા છે. ભત્રિજા આકાશ આનંદને બસપાના રાષ્ટ્રીય કો-ઓડનેટર તરીકેનું પ્રમોશન આપીને રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનમાં આ હોદ્દો રાષ્ટ્રીય પ્રમુખ પછીનો માનવામાં આવે છે.
આ સિવાય ચારની જગ્યાએ છ રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. નવી જવાબદારી પછી આકાશ આનંદ રાષ્ટ્રીય પ્રમુખની દેખરેખ હેઠળ કામ કરશે. એમની જવાબદારી બધા જ સેક્ટર કેન્દ્રીય તથા સ્ટેટ કો-ઓર્ડિનેટરો અને પ્રદેશ પ્રમુખોના કામની સમીક્ષા કરવાનું રહેશે. તેઓ સીધા માયાવતીને રીપોર્ટ કરશે. થોડા સમય પહેલા આકાશ આનંદને માયાવતીના વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી એકાએક એમની પાસેથી જવાબદારી લઈ લેવામાં આવી હતી.
સંઘમાં મોટા હોદ્દા પર કામ કરવા માટે અવિવાહીત હોવું જરૂરી છે કે નથી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને પૂછવામાં આવ્યું કે, શું સંઘમાં મોટો હોદ્દો મેળવવા માટે અવિવાહીત હોવું ફરજીયાત છે કે નહીં ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, 'જ્યારે સંઘનો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે, ભૈયાજી ઢાણી જેઓ એક સારા ખેડૂત હતા તેઓ સંઘના સરકાર્યવાહક હતા.
તેઓ સંપૂર્ણ રીતે સંસારી હતા. એવું નથી કે સંઘમાં સંસારી સ્વંય સેવક કામ નહીં કરી શકે. જોકે સંઘ સાથે જોડાયા પછી એમણે પુરો સમય આપવો પડે છે. સંસારી હોય છે એમણે પોતાની ગૃહસ્થી પણ સંભાળવી પડે છે. અમારૂ માનવું છે કે સ્વંય સેવક જે કોઈ કામ કરે એ સારી રીતે કરે. જો કોઈ ગૃહસ્થી સંભાળે છે તો સારી રીતે ગૃહસ્થી સંભાળે.'
સરકારે દિલ્હી હાઇકોર્ટના જજની ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું
સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ અને તત્કાલીન સુપ્રિમ કોર્ટ કોલેજિયમના સભ્ય જસ્ટીસ મદન બી લોકુરએ એક લેખમાં મોટો ધડાકો કર્યો છે. જસ્ટીસ લોકુરએ ન્યાયતંત્રની નિમણૂકો અને ટ્રાન્સફરમાં સરકારની દખલગીરી બાબતે ટીકા કરી છે. એમણે સુપ્રિમ કોર્ટ કોલેજિયમની પારદર્શિતા સામે પણ પ્રશ્ન કર્યા છે.
જસ્ટીસ લોકુરએ કહ્યું છે કે સરકારે જસ્ટીસ એસ મુરલીધરને દિલ્હી હાઇકોર્ટમાંથી ટ્રાન્સફર કરવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજિયમ પર વારંવાર દબાણ કર્યું હતું. જસ્ટીસ લોકુરના કહેવા પ્રમાણે જસ્ટીસ મુરલીધરએ આપેલા એક ચુકાદાથી કેન્દ્ર સરકાર નારાજ હતી. રીટાયર્ડ જસ્ટીસનું કહેવું છે કે, જસ્ટીસ એસ મુરલીધરથી નારાજ સરકારએ કોલેજિયમને દિલ્હી હાઇકોર્ટમાંથી એમની બદલી કરવા ફરજ પાડી હતી.
દક્ષિણના આ રાજ્યમાં ભાજપનો ગ્રાફ ઉપર ગયો
દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તામિલનાડુમાં પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહેલા ભારતીય જનતા પાર્ટીએ વધુ લાંબા સમય સુધી રાહ જોવી પડે એમ છે. હમણા જ થયેલા એક સર્વે પ્રમાણે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને ફક્ત ત્રણ બેઠકો મળી શકે એમ છે.
જોકે સર્વે પ્રમાણે વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધનના મતની ટકાવારી ઓછી થઈ શકે એમ છે. ખાસ અગત્યની વાત એ છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તામીલનાડુમાં ખાતુ ખોલી શક્યો નહોતો.
આ સર્વેમાં ભાજપના મતની ટકાવારીમાં વધારો તેમજ ત્રણ બેઠકો ઉપર જીતવાની ધારણા કરવામાં આવી છે. એમ મનાય છે કે આ આંકડાનું કારણ રાજ્યમાં ભાજપ અને એઆઇએડીએમકે વચ્ચેનું ગઠબંધન અને રાજકારણમાં અભિનેતા વિજયની એન્ટ્રી છે. સર્વે પ્રમાણે મળેલા આંકડાઓથી અનુમાન કરી શકાય કે વિજયની ટીવીકે, ડીએમકેના વિરોધીઓના મત કાપી શકે છે. છેવટે ફાયદો સ્ટાલીનના પક્ષને જ થઈ શકે.
હવે ખબર પડશે જસ્ટીસ શરદ શર્માને કયા જજે ફોન કર્યો હતો
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈએ જસ્ટીસ શરદ કુમાર શર્માના આક્ષેપોની તપાસ કરવાનો હુકમ કર્યો છે.
એનસીએલએટી (નેશનલ કંપની લો અપીલેટ ટ્રીબ્યુનલ) ચેન્નઇના જજ શરદ કુમાર શર્માએ એક કેસની સુનાવણી દરમિયાન પોતાને કેસથી દુર કરી દીધા હતા. એમણે આક્ષેપ કર્યો હતો કે કેસમાં ચૂકાદાને પ્રભાવિત કરવાની કોશિષ થઈ હતી. જસ્ટીસ શરદ શર્માનું કહેવું હતું કે ન્યાયતંત્રના એક ખુબ જ સન્માનિત સભ્યએ એક પક્ષના સમર્થનમાં ચૂકાદો આપવા એમનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર કિસ્સાની તપાસ સુપ્રિમ કોર્ટના મહામંત્રી કરશે. હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટના કોઈ જજે જસ્ટીસ શરદ કુમારનો સંપર્ક કર્યો હતો કે નહીં એની તપાસ પણ થશે. જો સંપર્ક કર્યો હોય તો કોણે કર્યો હતો એની તપાસ પણ થવાની છે.
મધ્યપ્રદેશમાં ઓબીસીને 27 ટકા અનામત આપવા તમામ પક્ષો સહમત
મધ્યપ્રદેશમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવા માટે ભાજપ અને કોંગ્રેસ સહીત તમામ રાજકીય પક્ષો સહમત થઈ ગયા છે. ભોપાલમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૩મી સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટમાં ઓબીસી અનામત પર નિયમિત સુનાવણી થવાની છે. આ માટે ૧૦ સપ્ટેમ્બર પહેલા દરેક પક્ષના વકીલો મળીને આયોજન કરશે. મીટીંગ પછી મુખ્યમંત્રી ડો. મોહન યાદવએ કહ્યું હતું કે, ૨૭માંથી ૧૩ ટકા હોદ્દાઓ હજી હોલ્ડ પર છે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે તેઓ ઇચ્છે છે કે, એમને પણ અનામતનો લાભ મળે. જોકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે સર્વપક્ષીય બેઠક તો લોકોને ભ્રમીત કરવાનું કાવતરૂ છે.


