Get The App

દિલ્હીની વાત : 'વોટર અધિકાર યાત્રા'થી રાહુલની લોકપ્રિયતાનો ગ્રાફ ઉપર ગયો

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'વોટર અધિકાર યાત્રા'થી રાહુલની લોકપ્રિયતાનો ગ્રાફ ઉપર ગયો 1 - image

નવીદિલ્હી : રાહુલ ગાંધીનું બ્રાન્ડીંગ કરનારાઓના કહેવા પ્રમાણે 'ભારત જોડો યાત્રા'ની સફળતા પછી રાહુલ ગાંધીની ઇમેજમાં સુધારો થયો હતો. એજ રીતે 'વોટર અધિકાર યાત્રા'માં ભેગી થયેલી ભીડને જોતા લાગે છે કે, લોકોને રાહુલ ગાંધીની આ યાત્રા પસંદ આવી રહી છે. કેટલાક રાજકીય નીરિક્ષકો સવાલ કરી રહ્યા છે કે, આ 'વોટર અધિકાર યાત્રા'નો ફાયદો કોને થશે? એમ મનાય છે કે, 'વોટર અધિકાર યાત્રા'નો સંપૂર્ણ ફાયદો મહાગઠબંધનને થશે. જો તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની સરખામણી કરવામાં આવે તો આ યાત્રાથી રાહુલ ગાંધીને વધુ ફાયદો થયો છે. એમ મનાય છે કે, બિહારમાં કોંગ્રેસની ઇમેજ આરજેડીની બી ટીમને બદલે હવે કોંગ્રેસની સ્વતંત્ર ઓળખ ઉભી થઈ છે. રાજકીય જાણકારોનું માનવું છે કે, આ યાત્રા પછી હવે રાહુલ ગાંધી લાલુ પ્રસાદ યાદવની સૂચનાઓનું પણ પાલન કરવાના મૂડમાં નથી.

તમને કન્નડ આવડે છે, રાષ્ટ્રપતિને મુખ્યમંત્રીનો સવાલ

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ભાષાવિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ વચ્ચે આ બાબતે વાતચીતની આપલે થઈ એની ટીકા થઈ રહી છે. મૈસુરની યાત્રાએ ગયેલા રાષ્ટ્રપતિ મૂર્મૂને એક કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્યમંત્રીએ પૂછયું હતું કે, શું તમને કન્નડ ભાષા આવડે છે? આ સવાલના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જી નહીં. ત્યાર પછી સિદ્ધારમૈયાએ પોતાનું ભાષણ કન્નડ ભાષામાં શરૂ કર્યું હતું. સિદ્ધારમૈયાને ખબર હતી કે રાષ્ટ્રપતિ ઓડિસાના વતની છે. 

રાષ્ટ્રપતિને હિન્દી અને અંગ્રેજી ઉપરાંત પોતાની માતૃભાષા આવડે એ સ્વાભાવિક છે, પરંતુ કન્નડ ભાષાથી અજ્ઞાાત હોય એમાં કંઈ ખોટુ નથી. કેટલાક રાજકીય નીરિક્ષકોએ એવી ટીપ્પણી કરી હતી કે, સિદ્ધારમૈયાએ કમસે કમ એક મહિલા અને આદિવાસીનું સન્માન તો કરવું જ જોઈતું હતું.

રાજીનામાના 42 દિવસ પછી ધનખડે રહેઠાણ ખાલી કર્યું

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામા આપ્યા પછી તેઓ એકાએક દેખાતા બંધ થઈ ગયા હતા. ત્યાર પછી એવી અફવા ઉડી હતી કે, એમને ગુમ કરી દેવામાં આવ્યા છે. જોકે હવે જગદીપ ધનખડ દક્ષિણ દિલ્હીના છત્રપુર વિસ્તારમાં આવેલા અભય ચૌટાલાના ફાર્મ હાઉસ ખાતે રહેવાના છે. રાજીનામું આપ્યાના ૪૨ દિવસ પછી ધનખડએ ઉપરાષ્ટ્રપતિનું રહેઠાણ ખાલી કર્યું છે. ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ અભય ચૌટાલા અને ધનખડના કુટુંબ વચ્ચે જૂનો સંબંધ છે. 

ચૌટાલાના કુટુંબે ધનખડના કુટુંબને એમના ફાર્મ હાઉસ પર રહેવાનું નિમંત્રણ આપ્યું હતું. ધનખડ અભય ચૌટાલાના ફાર્મ હાઉસમાં ત્યા સુધી રહેશે જ્યાં સુધી એમને ટાઇપ - ૮ સરકારી બંગલો ફાળવવામાં નહીં આવે. ધનખડની નજીકની વ્યક્તિના કહેવા પ્રમાણે તેઓ પોતાના કુટુંબ સાથે સમય પસાર કરી રહ્યા છે. તેઓ ટેબલ ટેનીસ રમે છે અને યોગ પણ કરે છે.

ઓબીસી ક્વોટામાંથી અનામતની માંગણીને વિરોધ પક્ષનું સમર્થન નથી

મરાઠા અનામતની માંગણીને લઈને મનોજ જરાંગે પાટીલ મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન કરી રહ્યા છે. પાટીલને મહારાષ્ટ્રના વિરોધ પક્ષો દેખાડો પુરતો ટેકો આપી રહ્યા છે. વિરોધપક્ષના કેટલાક નેતાઓ એમને રૂબરૂ મળવા પણ ગયા હતા. જોકે કોઈપણ રાજકીય પક્ષ મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવાની માંગણી સાથે સહમત નથી. મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના ત્રણે પક્ષોએ એમના ધારાસભ્યોને દેખાવ પુરતા પાટીલને મળવા માટે મોકલ્યા હતા. એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારએ કહ્યું હતું કે, મરાઠાઓને અનામત આપવા માટે બંધારણમાં ફેરફાર કરવો પડે અને ૫૦ ટકા અનામતની મર્યાદા વધારવી પડે. એજ રીતે કોંગ્રેસનું કહેવું છે કે મરાઠાઓને અનામત આપવા માટે ઓબીસી ક્વોટા સાથે છેડછાડ કરી શકાય નહીં. મરાઠાઓને ઓબીસી ક્વોટામાં સામેલ કરવાથી રાજ્યના સામાજીક બંધારણને નુકશાન થઈ શકે એમ છે.

વડાપ્રધાન મોદીના સમર્થનમાં મુસ્લિમ નેતા

ભાજપના લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ દારૂલઉલુમ દેવબંધ સમક્ષ માંગણી મૂકી છે કે વડાપ્રધાનની માતા માટે બિભત્સ ભાષાનો ઉપયોગ કરનાર વિરુદ્ધ ઇસ્લામીક ફતવો જાહેર કરવો જોઈએ. જમાલ સિદ્દીકીએ દારૂલઉલુમ દેવબંધના મુખ્ય મૌલાના અબ્દુલ્લા મુઝાહીદને પત્ર લખીને આરોપી મહોમદ રીઝવી સામે ફતવો જાહેર કરવા માંગણી કરી છે. પત્રમાં એમણે લખ્યું છે કે, એક જવાબદાર નાગરીક અને ઇસ્લામીક મૂલ્યોનું અનુસરણ કરનાર વ્યક્તિ તરીકે હું આ કિસ્સો તમારા ધ્યાનમાં લાવવા માંગું છું. 

બિહારના દરભંગા જિલ્લામાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં મહોમદ રીઝવીએ નરેન્દ્ર મોદીના માતા માટે ખૂબ જ અપમાનજનક અને બિભત્સ ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો અને પોલીસે રીઝવીની ધરપકડ કરી છે.

'લોકો આપણને ચપ્પલથી મારશે'

પંજાબના સનૌરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ ચોકાવનારૂ નિવેદન આપ્યું છે. પંજાબની ભગવંત સરકાર પર નિસાન તાકતા એમણે કહ્યું છે કે, તેઓ પોતાના માણસોની સાથે ઉભા રહેશે અને એમનો અવાજ ઊઠાવશે. 

ભલે એમનો પક્ષ એમને પક્ષખારીજ કરે. ટાંગરી નદીમાં આવેલા પુર પછી એમણે આ નિવેદન આપ્યું હતું. હરમીત સિંહના નિવેદન પછી નારાજ થયેલી ભગવંત માન સરકારે એમની સુરક્ષા પાછી લઈ લીધી છે. હરમીત સિંહે કહ્યું છે કે, 'મને પહેલેથી જ ખબર હતી જ. મે ગઈ કાલે જ મારા કર્મચારીઓને કહ્યું હતું કે તેઓ તૈયાર રહે. દિલ્હીના નેતાઓને લાગે છે કે મને વિજિલન્સની તપાસ તેમજ બીજા કેસોની ધમકી આપીને ડરાવી શકાશે. દિલ્હીના નેતાઓ દબાણ લાવી રહ્યા છે.'

બિહાર વિધાનસભાની ચૂંટણી બીએસપી એકલે હાથે લડશે

બીએસપીના પ્રમુખ માયાવતીએ જાહેરાત કરી છે કે, એમનો પક્ષ બિહાર વિધાનસભાની ચૂંટણી પોતાની તાકાત પર લડશે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે પક્ષની બે દિવસની મીટીંગ પછી હવે પક્ષે સંગઠનાત્મક કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. માયાવતીએ કહ્યું હતું કે, 'બેઠકમાં પક્ષના હોદ્દેદારોની ખામીઓ દુર કરીને પહેલા કરતા વધુ સ્ફૂર્તી અને તાકાતથી આગળ વધવું પડશે. પક્ષના વિવિધ કાર્યક્રમો બાબતે પણ દરેકને જવાબદારી સોંપવામાં આવી છે.' માયાવતીના કહેવા પ્રમાણે પક્ષના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ તેમજ કેન્દ્રીય કો-ઓર્ડીનેટર અને રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ તથા બિહાર બીએસપીના સ્ટેટ યુનિટને કામગીરી સોંપવામાં આવી છે. બિહારની જરૂરિયાત જોઈને રાજ્યની તમામ વિધાનસભા બેઠકોને ત્રણ ઝોનમાં વહેંચીને પક્ષના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાશે.