Get The App

દિલ્હીની વાત : શંકરાચાર્યના આશિર્વાદ લઈને અલંકાર અગ્નીહોત્રીએ આંદોલન શરૂ કર્યું

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : શંકરાચાર્યના આશિર્વાદ લઈને અલંકાર અગ્નીહોત્રીએ આંદોલન શરૂ કર્યું 1 - image

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશના બરેલીના ભૂતપૂર્વ સીટી મેજીસ્ટ્રેટ અલંકાર અગ્નીહોત્રીએ સરકારી નોકરીમાંથી રાજીનામા આપ્યું હતું. વૈચારીક સંઘષ માટે તેઓ હવે આંદોલન કરવાના છે. વારાણસી સ્થિત જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના વિદ્યામઠ આશ્રમ ખાતે અલંકાર અગ્નીહોત્રી પહોંચ્યા હતા. શંકરાચાર્ય સાથે વાતચીત કર્યા પછી એમણે એમના આશિર્વાદ લીધા હતા. મુલાકાત મંત્રોચાર, શ્લોક - પાઠ અને વૈદિક પરંપરા વચ્ચે થઈ હતી. હવે અલંકાર અગ્નીહોત્રી આંદોલનની શરૂઆત કરશે. એમનું કહેવું છે કે જો ફેબુ્રઆરી મહિનાની ૬ તારીખ સુધીમાં કેન્દ્ર સરકાર એસસી-એસટી એક્ટ ખતમ નહીં કરે તો તેઓ ૭મી ફેબુ્રઆરીથી દેશભરના લોકો સાથે દિલ્હીની કૂચ કરશે. એમના કહેવા પ્રમાણે આ ફક્ત આંદોલન નથી પરંતુ દેશની વ્યવસ્થામાં આમુલ પરિવર્તનની શરૂઆત છે. અલંકાર અગ્નીહોત્રીએ મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય સાથે બનેલી ઘટના અને યુજીસીના નવા નિયમોથી વિચલીત થઈને રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી એમને નોકરીમાંથી હાંકી કઢાયા હતા.

'ઇસ્લામીક નાટો' બનાવવાનું મુનીરનું સપનું તૂટી ગયું

પાકિસ્તાન લશ્કરના વડા અસીમ મુનીરએ 'ઇસ્લામીક નાટો' બનાવવાનું સેવેલું સપનું તૂટી ગયું છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સુરક્ષા બાબતે થયેલી સમજૂતીનો ભાગ બનવા માટે તૂર્કીએ ઇન્કાર કર્યો છે. સાઉદી લશ્કરના એક અધિકારીના કહેવા પ્રમાણે તૂર્કી, સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે થયેલી સુરક્ષા સમજૂતી સાથે જોડાશે નહીં. આ પહેલા જોકે તૂર્કીએ આ સંગઠનમાં જોડાવા માટે વાતચીત કરી હતી. આ સુરક્ષા સમજૂતીને મુસ્લિમ વિશ્વનું નાટો કહેવામાં આવ્યું હતું. હવે જ્યારે તૂર્કી પાકિસ્તાન સાથે સુરક્ષા સમજૂતીમાં સામેલ નથી થવાનું ત્યારે પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવું થયું છે. ક્ષેત્રમાં વધી રહેલી તાણને કારણે ત્રણ મુસ્લિમ દેશો નાટો જેવું ગઠબંધન બનાવવા માંગતા હતા. ગયા વર્ષે દોહા ખાતે હમાસના બે નેતાઓને ઇઝરાયલએ જે રીતે ટાર્ગેટ કર્યા હતા એને કારણે મુસ્લિમ દેશોની ચિંતા વધી ગઈ હતી.

સુપ્રિમ કોર્ટે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને આરબીઆઇ ગવર્નરને ઝાટક્યા

સુપ્રિમ કોર્ટે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીને હેરાન કરવા માટે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને આરબીઆઇ ગવર્નરને ઝાટક્યા હતા. વાત એમ છે કે પ્રમોદ બજાજ ૧૯૮૦માં લશ્કરના અધિકારી તરીકે જોડાયા હતા. એક ઓપરેશન દરમિયાન કેપ્ટનને શારીરિક ઇજા થતા એમને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી એમણે સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી હતી અને ૨૦૧૨માં ઇન્કમટેક્સ કમિશનર બન્યા હતા. એમને લગભગ એક દશક સુધી ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા. આ બાબતે સુપ્રિમ કોર્ટે અગત્યની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ઇન્કમટેક્સ વિભાગ તેમજ ભૂતપૂર્વ રેવન્યુ સેક્રેટરી જેઓ આરબીઆઇના ગવર્નર છે એમની ઝાટકણી કાઢી છે. આ અધિકારીઓને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. જસ્ટીસ વિક્રેમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું હતું કે, ઇન્કમટેક્સ કમિશનરના પદ પર પ્રેમોશન મળવાની પૂરી શક્યતા હોવા છતાં એમને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. છેવટે એમને પદ પરથી દુર કરવામાં આવ્યા હતા. અરજી કરનારને જબરજસ્તીથી નિવૃત્ત કરવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશને ભારતની આર્થિક મદદની ટીકા

આ વર્ષના બજેટમાં ભારતે બાંગ્લાદેશને અપાતી આર્થિક મદદ અરધી કરી નાખી છે. ઇરાનના ચાબહાર બંદરની યોજના માટે પણ કોઈ રકમ ફાળવવામાં આવી નથી. ગયા વર્ષે બાંગ્લાદેશને મદદ કરવા માટે ૧૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા આ વર્ષે આ રકમ ૬૦ કરોડની કરી દેવામાં આવી છે. શેખ હસીનાએ દેશ છોડયો અને મોહમદ યુનુસ સત્તા પર આવ્યા ત્યારથી ભારત અને બાંગ્લાદેશના સંબંધો વણસી ગયા છે. ભારતે બાંગ્લાદેશને અપાતી સહાય ઓછી કરી છે, પરંતુ સંપૂર્ણ બંધ કરી નથી જેની ટીકા થઈ રહી છે. બાંગ્લાદેશ જેવા દેશોને ભારત શા માટે ગાઠના ગોપીચંદન કરીને મદદ કરે છે એ કોઈની સમજમાં આવતું નથી. એ જ રીતે ભારતે માલદીવને અપાતી આર્થિક સહાય પણ ઓછી કરી છે. સંપૂર્ણ બંધ કરી નથી.

ઉ. પ્રદેશમાં ઉપમુખ્યમંત્રીના ઘર બહાર હજારો શિક્ષકોનું વિરોધ પ્રદર્શન

૬૯ હજાર જેટલા કામચલાઉ સહાયક શિક્ષકોએ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ મૌર્યના ઘર બહાર દેખાવો કર્યા હતા. એમણે ઉપમુખ્યમંત્રીના નિવાસસ્થાનને ચારે તરફથી ઘેરી લીધું હતું. પોતાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઈ રહી નહી હોવાથી શિક્ષકો નારાજ છે. નારાજ શિક્ષકોએ સ્લોગનો પણ પોકાર્યા હતા. પરિસ્થિતિ વણસતી લાગતા સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઈ હતી. 'કેશવ ચાચા ન્યાય કરો ' જેવા સૂત્રો શિક્ષકોએ પોકાર્યા હતા. શિક્ષકોની ફરિયાદ છે કે હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો હતો સરકારે એને જાણીજોઇને લટકતો રાખ્યો છે. સમગ્ર કેસ હવે સુપ્રિમ કોર્ટ સમક્ષ છે. સરકાર જો ઇચ્છતે તો હાઇકોર્ટની ડબલ બેન્ચના ચુકાદાનો અમલ કરીને ન્યાય કરી શકતી હતી.

કેરળમાં મુખ્યમંત્રીના જમાઈની બેઠક પર ટીએમસીએ ઉમેદવાર નક્કી કરી નાખ્યા

થોડા મહિના પછી કેરળમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (યુડીએફ)એ અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે જાણવા મળતી માહિતી પ્રમાણે તૃણમુલ કોંગ્રેસના નેતા પીવી અનવર કોઝીકોડ જિલ્લાના બેપોર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. એલડીએફના ભૂતપૂર્વ ધારાસભ્ય અનવરએ સામ્યવાદીઓને છોડયા પછી વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બેપોર વિધાનસભા ક્ષેત્રમાં સક્રિય છે. એક એવી વાત પણ બહાર આવી હતી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પર્યટન મંત્રી પીએ મોહમદ રિયાઝ સામે ચૂંટણી લડશે. પીએ મોહમદ રિયાઝ મુખ્યમંત્રી પીનારઇ વિજયનના જમાઈ છે. બેપોર વિધાનસભા મતવિસ્તારમાંથી અનવરની જીત નક્કી મનાય છે. મુખ્યમંત્રીના જમાઈ સંપૂર્ણપણે નિષ્ક્રય હોવાની ટીકા પણ થઈ રહી છે.

આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મંત્રીઓના ઘરો પર હુમલા

આંધ્રપ્રદેશના વિજયવાળા જિલ્લાના ઇબ્રાહીમ પટનમ વિસ્તારના ભૂતપૂર્વ મંત્રી અને જોગી રમેશના ઘર પર હુમલો થયો હતો. મોટી સંખ્યામાં આવેલા લોકોએ એમના ઘરમાં ઘૂસી તોડફોડ કરી સામાન તોડી નાંખ્યો હતો. ઘરના એક હિસ્સામાં આગ લગાડવામાં આવી હતી. આ ઘટનાને કારણે એ વિસ્તારમાં ડર છવાઈ ગયો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ હુમલો એકાએક નહીં, પરંતુ યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે જોગી રમેશને જાણી જોઈને નિશાન બનાવાયા છે. હુમલાનું કારણ એ છે કે તેઓ જાણીતા પછાત વર્ગના નેતા છે. એક દિવસ પહેલા પણ ભૂતપૂર્વ મંત્રી અંબાતી રામ બાબુના ઘર અને ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ એવો છે કે ટીડીપીના કાર્યકરોએ એમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી આગ લગાડી હતી. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સામે કરેલા નિવેદનને કારણે અંબાતી રામ બાબુ ૧૪ દિવસ માટે જ્યુડીશિયલ કસ્ટડીમાં છે.