નવીદિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય ગરમી વધી રહી છે. બિહારમાં મુખ્ય સ્પર્ધા એનડીએના ત્રણ પક્ષ ભાજપ, જેડીયુ અને લોજપા (રામવિલાસ) અને આરજેડી - કોંગ્રેસ - ડાબેરી ઇન્ડિયા ગઠબંધન વચ્ચે છે. ભાજપ બિહાર ચૂંટણી વખતે ઘૂષણખોરોનો મુદ્દો ચગાવવા માંગે છે. બિહારની ડેમોગ્રાફીમા થઈ રહેલા ફેરફારને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે થયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપએ ઘૂષણખોરોનો મુદ્દો મુખ્ય બનાવ્યો હતો, પરંતુ એને ફાયદો થયો નહોતો. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અનુભવમાંથી કદાચ શીખ્યો નથી અને બિહારમાં પણ ઘૂષણખોરોના મુદ્દાને ચગાવવામાં આવશે. ભાજપ એવો પ્રચાર કરે છે કે ચૂંટણી કમિશન દ્વારા મતદારોની યાદીની તપાસ થઈ રહી છે એની સામે વિરોધ પક્ષોનો વિરોધ છે કારણ કે વિરોધપક્ષો ઘૂષણખોરોને બચાવવા માંગે છે.
આરએસએસના ૧૦૦ વર્ષ પૂરા થવાનો ઉત્સવ અયોધ્યામાં ઉજવાશે
વિજયાદશમી એટલે કે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરા થાય છે. ત્યાર પછી શતાબ્દી વર્ષની ઉજવણી થશે. શતાબ્દી વર્ષની શરૂઆતનો કાર્યક્રમ ઉત્તર પ્રદેશના અયોધ્યા ધામના રામકથા પાર્કમાં યોજાશે. આ કાર્યક્રમમાં સંઘના સરસંઘચાલક દત્તાત્રેય હોસબોલેનું ઉદબોધન હશે. કાર્યક્રમના અધ્યક્ષપદે ઋષભદેવ જન્મભૂમિ દિગમ્બર જૈન બડી મૂર્તિના પ્રમુખ અને પીઢાધિશ રવિન્દ્ર કિર્તી સ્વામી રહેશે. હંમેશા પ્રસિદ્ધિથી દુર રહેતું સંઘ આ વખતે કસર પૂરી કરવા માંગે છે. સંઘના કાર્યકરો ઘરે-ઘરે અને ગામેગામ જઈને પાસની વહેંચણી કરશે. નરેન્દ્ર મોદીના સ્વદેશી આંદોલન બાબતે પણ કાર્યકરો જાગૃતિ ફેલાવવાનું કામ કરવાના છે. કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે દરેકે પૂર્ણ ગણવેશ પહેરીને હાજર થવું. જે કોઈએ આરએસએસનો ગણવેશ પહેર્યો નહી હોય એમને કાર્યક્રમમાં આવવાની અનુમતિ નહીં અપાય.
કોંગ્રેસ મનમોહન સિંહના નામે રીસર્ચ સેન્ટર શરૂ કરશે
યુપીએ જ્યારે સત્તામાં હતી ત્યારે તમામ મહત્વના નિર્ણયો સોનિયા ગાંધી અને એમના રાજકીય સચીવ અહમદ પટેલ લેતા હતા. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ હતા અને એમને પૂરતુ માન પણ મળતું હતું. જોકે અહમદ પટેલના અકાળ અવસાન પછી કોગ્રેસ હાઇકમાન્ડે એમની યાદગીરી માટે કઈ કર્યું નથી. આ બાબતે મનમોહન સિંહ વધુ નસીબદાર નિકળ્યા છે. મનમોહન સિંહના નામે ઇન્દીરા ભવનમાં રીસર્ચ સેન્ટર અને લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે. આ બાબતે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ લખી છે. ગાંધીએ લખ્યું છે કે, મનમોહન સિંહની જિંદગી સાદગી, પ્રમાણીકતા અને સમર્પણ ભાવના માટે ઓળખવામાં આવશે. આ રીસર્ચ સેન્ટર એમને શ્રદ્ધાંજલી છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે કેન્દ્રીય મંત્રીઓ પણ ઝુકાવી શકે છે
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા બગહા અને રામનગર અનામત બેઠકો પર રાજકારણ ગરમાયું છે. એનડીએ અને ખાસ કરીને ભાજપના કેટલાક ઉમેદવારો ટીકીટ માટે પ્રયત્ન કરી રહ્યા છે. બગહા અને રામનગરમાં નવા અને યુવાન ચહેરાને તક આપે એવી સંભાવના છે. એમ મનાય છે કે કેન્દ્રીય મંત્રી સતિષચંદ્ર દુબે તેમજ મંત્રી અને ગોપાલગંજના ભૂતપૂર્વ સાંસદ જનકરામને પણ ટીકીટ મળી શકે એમ છે. એવી ચર્ચા થાય છે કે આ બંને વિધાનસભા ક્ષેત્રોમાં હાલના ધારાસભ્યો બગહાથી રામસિંહ અને રામનગરથી ભગીરથ જેવીની ટીકીટ કપાઈ શકે છે. બીજી તરફ પોતાની ટીકીટ બચાવવા માટે આ બંને મુખ્યમંત્રી નિતિશકુમારની આસપાસ પણ ફરી રહ્યા છે. એનડીએએ એમના તમામ નેતાઓને કહી દીધું છે કે જેમને ટીકીટ જોઈતી હોય એમણે સક્રીય રહેવું પડશે.
એનડીએ અને મહાગઠબંધન કરતા પણ બીએસપી આગળ
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી પૂરજોશમા ચાલી રહી છે. એનડીએ અને મહાગઠબંધનના પક્ષો બેઠકોની વહેંચણી માટે મીટીંગો કરી રહ્યા છે. જોકે માયાવતીની બહુજન સમાજ પાર્ટી આ બાબતે આગળ છે. બીએસપીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પક્ષે જાહેર કરેલી પહેલી યાદીમાં ભભૂઆથી લલ્લુ પટેલ, મોહનિયાથી ઓમ પ્રકાશ દિવાના અને રામગઢથી સતિષ યાદવ ઉર્ફે ચિંતુ યાદવ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બીએસપીના આ ત્રણે ચહેરાઓ અલગઅલગ ક્ષેત્રમાં જાણીતા છે. લલ્લુ પટેલ, ભભુઆ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય છે. ઓમ પ્રકાશ દિવાના જાણીતા ભોજપુરી ગાયક છે. સતિષ યાદવ આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબીકા યાદવના પુત્ર છે. ગયા વર્ષે પેટા ચૂંટણીમાં તેઓ ફક્ત ૧૩૬૨ મતોથી હાર્યા હતા. આ વખતે માયાવતી બિહાર વિધાનસભાની ચૂંટણી એકલે હાથે લડી રહ્યા છે.
ગુનેગારોને મુખ્યમંત્રી યોગીની વધુ એક વખત ચેતવણી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઇમેજ કડક મુખ્યમંત્રી તરીકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં પોતાની ભૂમિકા છે એનો સીધો કે આડકતરો પ્રચાર યોગી આદિત્યનાથ કરતા જ રહે છે. હવે એમણે ફરીથી એલાન કર્યું છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે બગાડશે તેમને કચડી નાખવામાં આવશે. એમણે કહ્યું હતું કે, 'દશેરો દુષ્ટો અને આતંકીઓનું દહન કરવાનો ઉત્સવ છે. બદમાશો સામે એવી કાર્યવાહી થશે કે તેઓ ફરીથી ભૂલો કરીને ગુનો કરવાનો વિચાર પણ કરશે નહીં.' સમગ્ર રાજ્યના પોલીસ અધિકારીઓને સૂચના છે કે, નાનો ગુનો કરનાર સામે પણ તરત જ ફરિયાદ દાખલ કરવામાં આવે. જે લોકો હિંસક હુમલાના માસ્ટર માઇન્ડ છે એમને ઓળખીને એમની સંપત્તિ જપ્ત કરવી તેમજ એના પર બુલડોઝર ફેરવવું. યોગી આદિત્યનાથ લગભગ દર પંદર દિવસે રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓને મળતા રહે છે.
સીજેઆઇ વિરૂદ્ધ અનિરૂદ્ધાચાર્યએ વિડિયો બનાવ્યો, નેહાસિંહ રાઠોડ લાલચોળ
કથાકાર અનિરૂદ્ધાચાર્ય વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા યુવતિઓ બાબતે એમણે આપેલા એક નિવેદનની ભારે ટીકા થઈ હતી. હવે ફરીથી એમણે વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ ખજુરાહો બાબતે આપેલા ચૂકાદા દરમિયાન કરેલા એક નિવેદન બાબતે અનિરૂદ્ધાચાર્યએ સીજેઆઇ વિરુદ્ધ ટીકા કરી છે. અનિરૂદ્ધાચાર્યનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કથાકારે કહ્યું હતું કે, 'જજ સાહેબને મારે એક સવાલ કરવો છે. જો બધુ જ ભગવાન કરશે તો તમે શું કરશો. તમારે ન્યાય કરવો જોઈએ.' અનિરૂદ્ધાચાર્યના વિવાદાસ્પદ વિડિયો પછી બિહારની લોકગાયકા અને ભાજપની ટીકાકાર નેહાસિંહ રાઠોડએ સોશ્યલ મીડિયા એક્સ પર અનિરૂદ્ધાચાર્યને ઉદ્દેશીને લખ્યું છે કે, 'આટલી હિંમત' ત્યાર પછી નેહાસિંહ રાઠોડએ સોશ્યલ મીડિયામાં અનિરૂદ્ધાચાર્ય વિરુદ્ધ ટીપ્પણી કરી છે.


