Get The App

દિલ્હીની વાત : માલિકોને મનાવીને બિહારના શ્રમીકો ચૂંટણી માટે પરત ફરે છે

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : માલિકોને મનાવીને બિહારના શ્રમીકો ચૂંટણી માટે પરત ફરે છે 1 - image

નવીદિલ્હી : બિહારમાં વિધાનસભાની ચૂંટણીની ગરમી વધી રહી છે. બિહારમાંથી સૌથી વધુ શ્રમીકો બીજા રાજ્યમાં મજૂરી કામે જાય છે. દરેક રાજકીય પક્ષને ચૂંટણી વખતે આ બધા પ્રવાસી શ્રમીકોની જરૂર પડે છે. છઠના તહેવાર માટે બિહાર ગયેલા કેટલાક શ્રમીકો જો પરત બીજા રાજ્યમાં જાય તો ચૂંટણી ટાણે તેઓ બિહાર પરત ફરી શકે નહીં. જોકે લાખોની સંખ્યામાં છઠ પૂજા માટે આવેલા શ્રમીકો હવે ચૂંટણી સુધી રોકાઈ જવા માંગે છે. કેટલાક શ્રમીકો પોતાના માલિકોને વિનંતી કરીને લાંબી રજા પર આવ્યા છે, કારણ કે થોડા સમયમાં હવે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. છઠ પૂજા માટે બીજા રાજ્યોમાંથી એક સાથે ધસારો થવાને કારણે મુસાફરોને ટ્રેનમાં જગ્યા મળવી મુશ્કેલ બની જાય છે. કલાકો સુધી ઉભા રહીને પોતાના વતન પહોંચેલા બિહારના આ શ્રમીકો ચૂંટણીને કારણે પોતાના કર્મક્ષેત્રમાં પરત ફરવાના નથી.

પશ્ચિમ બંગાળની મોટી જીત

પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ખુશી વચ્ચે સુપ્રિમ કોર્ટે એમની તરફેણમાં હુકમ કર્યો છે. કેન્દ્ર સરકારે કલકત્તા હાઇકોર્ટના ચૂકાદાને ચેલેન્જ કર્યો હતો. હાઇકોર્ટે રાજ્યમાં મનરેગા યોજનાને ત્રણ વર્ષ પછી શરૂ કરવાનો હુકમ કર્યો હતો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) ૨૦૦૬ના વર્ષમાં યુપીએ સરકારે શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય લોકોને ઓછામાં ઓછા ૧૦૦ દિવસ રોજગારી આપવાનું વચન હતું કે જેથી મજૂરી કરનારાઓને કામ મળતું રહે. ૨૦૨૨ના માર્ચ મહિનામા કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળને મનરેગા ફંડ આપવાનું બંધ કરી દીધું હતું. કેન્દ્રની દલીલ હતી કે આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. હવે સુપ્રિમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના ૧૮મી જૂનના ચુકાદાને યથાવત રાખ્યો છે અને આ યોજના ફરીથી ચાલુ કરવા કહ્યું છે.

ફરી એકવાર કંગના રનૌતની માફી

પોતાના બેફામ વાણી વિલાસને કારણે સમાચારમાં રહેતી ભાજપની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત બોલે છે પહેલા અને વિચારે છે પછી. રનૌત સામે વારંવાર કોર્ટમાં કેસો થયા છે. બદનક્ષીના એક કેસમાં કંગના બઠીંડાની કોર્ટમાં હાજર થઈ હતી. ૨૦૨૧ના ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ એક ટ્વીટ કરી હતી જેને કારણે ખૂબ વિવાદ થયો હતો. આ બાબતે ભૂતકાળમાં કંગના અનેક વખત માફી માંગી ચૂકી છે અને ખાનગીમાં ભાજપ હાઇકમાન્ડની પણ માફી માંગી છે. હવે એણે પંજાબની એક વૃદ્ધ મહિલા ખેડૂતની માફી માંગીને કહ્યું છે કે, તે દરેક માતાનું સન્માન કરે છે. કોર્ટે કંગના રનૌતને જામીન આપી દીધા છે. કોર્ટે કંગના રનૌતને જાતે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું, કંગનાએ વિનંતી કરી હતી કે એ વિડિયો કોન્ફરન્સ મારફતે હાજર થશે.

દેશના હવે પછીના સીજેઆઇ જસ્ટીસ સૂર્યકાંત કોણ છે

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ભૂષણ આર ગવઈએ જસ્ટીસ સૂર્યકાંતને હવે પછીના સીજેઆઇ તરીકે નિમણૂક કરવાની ભલામણ કેન્દ્ર સરકારને કરી છે. જસ્ટીસ સૂર્યકાંત ૨૪મી નવેમ્બરે દેશના ૫૩માં સીજેઆઇ તરીકે સોંગદ લેશે. જસ્ટીસ સૂર્યકાંતનો કાર્યકાળ એક વર્ષ અને બે મહિના સુધીનો હશે. તેઓ ૨૦૨૭ની ૯મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે. સીજેઆઇ ગવઇએ જસ્ટીસ સૂર્યકાંતના ખૂબ વખાણ કર્યા છે. એમણે કહ્યું છે કે બંને ન્યાયાધીશોની પૃષ્ઠભૂમી સરખી છે. બંને સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. ગવઇએ કહ્યું હતું કે, 'મારી જેમ જસ્ટીસ કાંત પણ સમાજના એ વર્ગમાંથી આવે છે કે જ્યાં દરેક તબક્કે સંઘર્ષ કરવો પડે છે. જે લોકોને પોતાના અધિકારોની રક્ષા કરવા માટે ન્યાયાપાલીકાની જરૂર પડે છે એમને જસ્ટીસ સૂર્યકાંત સમજી શકે છે. જસ્ટીસ કાંત બંધારણ, સેવા અને સિવિલ કેસોના નિષ્ણાંત ગણાય છે.

રાજ્યસભા ચૂંટણી પછી એનસીને બીજો ફટકો

નેશનલ કોન્ફરન્સમાં હવે ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ આગા સૈયદ રુહુલ્લાની લડાઈ ઉગ્ર બની રહી છે. સાંસદ રુહુલ્લાની ટીપ્પણીને કારણે નારાજ થયેલા એમના સમર્થકોએ મુખ્યમંત્રી વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાંસદ રુહુલ્લા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર સતત પ્રહાર કરી રહ્યા છે અને એમને અભિમાન છોડવાની સલાહ પણ આપે છે. બીજી તરફ મુખ્યમંત્રીએ વળતા જવાબમાં કહ્યું છે કે, બડગામના સાંસદ ચૂંટણી પ્રચાર નહીં કરે તો એમને કોઈ ફેર પડવાનો નથી. ઉમર અબ્દુલ્લાના ટેકેદારો સાંસદનું રાજીનામું માંગી રહ્યા છે. આગા સૈયદ રુહુલ્લા બડગામની પેટા ચૂંટણીથી દુર રહ્યા છે. આ ચૂંટણીમાં તેઓ નેશનલ કોન્ફરન્સ વિરુદ્ધ કામ કરતા હોવાના આક્ષેપ પણ છે. તેઓ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાને વારંવાર કફોડી સ્થિતિમાં મૂકી રહ્યા છે.

ફરહાનની ફિલ્મ સામે રસ્તા પર ઉતર્યો સમાજ

ફરહાન અખ્તરની આવી રહેલી ફિલ્મ '૧૨૦ બહાદુર' વિવાદમાં ફસાઈ છે. ૧૯૬૨ના ભારત - ચીન યુદ્ધના વિષય પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનો વિરોધ કરતા આહીર સમાજના હજારો લોકોએ ગુરુગ્રામમાં નેશનલ હાઇવે ૪૮ પર ભેગા થઈને દેખાવો કર્યા હતા. આહીર સમાજની માગણી છે કે, ફિલ્મનું નામ '૧૨૦ બહાદુર'ની જગ્યાએ '૧૨૦ વીર આહીર' કરવું જોઈએ. જો ફિલ્મનું નામ નહી બદલાય તો સમાજના લોકો ફિલ્મને રીલીઝ નહી થવા દે. આહીર રેજીમેન્ટ મોર્ચાના પ્રતિનિધિના કહેવા પ્રમાણે વિરોધ પ્રદર્શન વખતે આંદોલનકારીઓ ખેડકી ડોલા ટોલ પ્લાઝાથી દિલ્હી સુધી પગે ચાલીને ગયા હતા. ફિલ્મમાં ૧૩મી કુમાઉ રેજીમેન્ટના ૧૨૦ આહીર સૈનિકોના બલીદાનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યું નથી.

પ્રશાંત કિશોર બે રાજ્યોના મતદાર કઈ રીતે

જનસ્વરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર આક્રમકતાથી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ દરેક વિરોધપક્ષના નેતાઓ પર જાતભાતના આક્ષેપો કરે છે. એમણે બિહારની તમામ ૨૪૩ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે પ્રશાંત કિશોર સામે જ કેટલાક ગંભીર આક્ષેપો થયા છે. એમની નોંધણી બે રાજ્યોમાં મતદાર તરીકે છે. બિહાર અને પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં એમનું નામ છે. બંગાળમાં એમનું સરનામું ૧૨૧, કાલીઘાટ રોડ છે. આ જગ્યાએ ભવાનીપુરમાં તૃણમુલ કોંગ્રેસની ઓફિસ આવી છે. પ્રશાંત કિશોરએ પહેલા ટીએમસી સાથે રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરએ મમતા બેનર્જી માટે રાજકીય રણનીતિ બનાવી હતી. બિહારમાં એમનું નામ સાસારામ સંસદીય ક્ષેત્રના મતદાર તરીકે છે. આ વિસ્તારમાં જ પ્રશાંત કિશોરનું વતન પણ છે.