નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, મતદાન યાદીની સુધારણાના કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ પાછલા દરવાજેથી નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ (એનઆરસી) લાગુ કરીને સામાન્ય માણસમાં ડર ફેલાવવાનો છે. બેનર્જીના કહેવા પ્રમાણે લોકોના મૂળભૂત અધિકારો જોખમમાં છે. મમતાએ કહ્યું હતું કે, 'હું દુ:ખ સાથે જોઈ રહી છું કે લોકોનો મતાધિકાર છીનવાઈ રહ્યો છે. એમનો ધાર્મિક હક્ક પણ ઝૂટવી લેવામાં આવ્યો છે. ગંદી ભાષાનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવે છે અને કોઈને માફ કરવામાં આવતા નથી. દલીતો, લઘુમતીઓ અને સામાન્ય હિન્દુ મતદારોને પણ છોડવામાં આવતા નથી. આ પાછળનો ઉદ્દેશ એનઆરસી લાગુ કરવાનો છે. અમે દુ:ખી અને આઘાતમાં છીએ.'
ચૂંટણી કરાવવાની આડમાં ચૂંટણી કમિશનર સાંસદો - ધારાસભ્યોના કામ કરી શકે નહીં
વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે, ચૂંટણી કમિશન ચૂંટણી કરાવવાની આડમાં સાંસદ અને ધારાસભ્યોના કામો પોતાને હસ્તક લઈ શકે નહીં. દેશના ચીફ જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચીની બેન્ચ સમક્ષ કેટલાક રાજ્યોમાં ચાલી રહેલા એસઆઇઆર અભિયાન બાબતે વિરોધ કરી રહેલાઓની અરજીઓ પર દલીલ થઈ રહી હતી. બેન્ચે ચૂંટણી કમિશનની સત્તાનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. સિંઘવી ઉપરાંત બીજા સિનિયર વકીલ કપિલ સિબ્બલએ પણ દલીલ કરી હતી કે ચૂંટણી કમિશન પોતાની બંધારણીય મર્યાદા ઓળંગે છે. એસઆઇઆરની પ્રક્રિયા દરમિયાન નાગરીકો પર અયોગ્ય દબાણ લાવવામાં આવે છે. સુનાવણી દરમિયાન સિંઘવીએ કહ્યું હતું કે, 'કોઈપણ રીતે એ કહી શકાય નહીં કે ચૂંટણી કમિશન બંધારણ પ્રમાણે સત્તાનો ત્રીજો સ્તંભ છે. સંસદમાં બનાવેલા કાયદા પોતાની ઇચ્છા અનુસાર બદલી શકાય નહીં.'
કોંગ્રેસ સામે મોટો સવાલ, બંગાળમાં કોની સામે લડે અને કઈ રીતે બચે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત પછી નરેન્દ્ર મોદીએ એજ સાંજે કહ્યું હતું કે હવે એનડીએનું ટાર્ગેટ બંગાળ છે. એમણે કહ્યું હતું કે જે રીતે ગંગા બિહાર થઈને બંગાળ જાય છે એ રીતે બિહારમાં ભાજપની જીત પણ બંગાળ સુધી જશે. બીજી તરફ બિહારના ખરાબ દેખાવ પછી બંગાળ વિધાનસભાની ચૂંટણી બાબતે પણ કોંગ્રેસ ચિંતીત છે. કોંગ્રેસ સામે સમસ્યા એ છે કે, બંગાળમાં તેઓ કોની સામે લડશે. મમતા બેનર્જી સામે? મમતાની પકડ પુરા રાજ્યમાં મજબૂત છે. બીજી તરફ ભાજપ પણ બંગાળમાં પગ જમાવી રહી છે અને કોંગ્રેસ સાઇડટ્રેક થઈ ગઈ છે. બંગાળમાં કોંગ્રેસની પડતી સતત થઈ રહી છે. ૨૦૧૧માં કોંગ્રેસે ટીએમસી સાથે ગઠબંધન કર્યું હતું અને ૪૨ બેઠકો જીતી હતી. ૨૦૧૬માં ડાબેરીઓ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે ૪૪ બેઠકો જીતી હતી. ૨૦૨૧માં એની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે ૯૨ બેઠકો પર લડયા છતાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી અને એનો વોટ શેર ફક્ત ૩ ટકા થઈ ગયો હતો.
મોહમદ યુનુસનું બેન્કીંગ મોડેલ તફડંચીવાળું નિકળ્યું
એકાએક જાહેર થયેલા ૫૦ વર્ષ જૂના દસ્તાવેજોને કારણે બાંગ્લાદેશની સૌથી વધુ ચર્ચીત સફળતા હલી ગઈ છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારી અમિનુલ હક પોલાસએ ૧૯૭૬થી ૧૯૮૩ સુધીના કેટલાક ખાનગી કાગળો જાહેર કર્યા છે. એમનો દાવો છે કે, આ બધી ફાઇલો માઇક્રો ક્રેડીટની મૂળ હકીકત હંમેશ માટે બદલી શકે છે. પોલાસના કહેવા પ્રમાણે આ દસ્તાવેજો સાફ બતાવે છે કે માઇક્રો ક્રેડીટ મોડેલની શરૂઆત ચીતગાઉ યુનિવર્સિટીની એક રીસર્ચ યોજનાથી થઈ હતી. ત્યાર પછી મોહમદ યુનુસએ તફડંચી કરીને આ રીસર્ચને ધીમે ધીમે પોતાને નામે કરી લીધું હતું. વિશ્વ સમક્ષ એમણે આ રીસર્ચને પોતાની શોધ ગણાવી હતી. વર્ષોથી દુનિયા જે મોડેલને યુનુસની શોધ માનતી હતી એ ખરેખર તો એક યુનિવર્સિટીએ કરેલી શોધ હતી. આ ધડાકો કરનાર ઇન્ટેલિજન્સ અધિકારી હમણા અજ્ઞાાત સ્થળે ખસી ગયા છે.
કર્ણાટકમાં કયા નેતાનું વજન વધુ
કર્ણાટક સરકારમાં ચાલી રહેલા વિવાદને કારણે ટૂંક સમયમાં જ દિલ્હીમાં એક બેઠક થશે. કોંગ્રેસે જોકે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અઢી - અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવાની ખાનગી ડીલ સંદર્ભે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે યુદ્ધ ચાલુ છે. એમ મનાય છે કે આ લડતમાં સિદ્ધારમૈયાનું વજન વધુ છે. રાજકીય સૂત્રોનું માનવું છે કે હમણા તો સિદ્ધારમૈયાને આંચ આવવાની નથી. હાઇકમાન્ડ જાણે છે કે સિદ્ધારમૈયા ઓબીસીના મોટા ગજાના નેતા છે. આ ઉપરાંત અહિંદા સંપ્રદાયના ૧૦૦થી વધુ ધારાસભ્યોનું એમને સમર્થન છે. કોંગ્રેસના કુલ ૧૩૭ ધારાસભ્યો છે. સિદ્ધારમૈયાની મરજી વગર કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન કરવું શક્ય નથી. શિવકુમાર અને એમના ટેકેદારો દ્વારા લાવવામાં આવેલા દબાણને કારણે કેબિનેટમાં ફેરફાર લંબાઈ શકે છે.
બિહારની હાર માટે કોંગ્રેસએ આઠ કારણો શોધી કાઢયા
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવ પછી હવે પોસ્ટમોર્ટમ ચાલુ થયું છે. મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલએ લગભગ ૭૦ ઉમેદવારો અને સાંસદો સાથે કેટલીક બેઠકો કરી છે. આ બેઠકોમાં હાર માટે જવાબદાર કારણોની ચર્ચા થઈ છે. બેઠકમાં હાજર નેતાઓ અને ઉમદેવારોએ હાર માટે અલગ અલગ કારણો આપ્યા છે. કેટલાક સિનિયર પદાધિકારીઓનો આરોપ છે કે, એસઆઇઆર અને વોટ ચોરી જેવા મુદ્દાઓ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું જ્યારે મોંઘવારી, શ્રમીકોનું પલાયન અને ભ્રષ્ટાચાર જેવા સ્થાનીક મુદ્દાઓને અવગણવામાં આવ્યા. પક્ષના કેટલાક હોદ્દેદારોનું માનવું છે કે, આરજેડી સાથે કરવામાં આવેલું ગઠબંધન પક્ષને નડી ગયું. કેટલાક એ તો આરજેડી સાથે ગઠબંધન તોડી નાખવાની વાત પણ કરી. જોકે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે, આરજેડી સાથે ગઠબંધન ચાલુ જ રહેશે.
ભારત પ્રત્યે મારી કોઈ વફાદારી નથી, નિકિ હેલીના પુત્રનું ચોંકાવનારૂ નિવેદન
અમેરિકા કે યુરપોપના દેશોમાં ભારતીય મૂળના કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે કેટલાક ભારતીઓ કારણ વગરના ઉત્સાહીત થઈ જાય છે. જેમના પરદાદાઓ પેઢીઓ પહેલા ભારતમાં વસતા હતા તેઓ ભારતીય બની જતા નથી. ભારતીય મૂળના અમેરિકી રીપબ્લિકન નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિકિ હેલીના પુત્ર નલીન હેલીએ પોતાના ભારતીય મૂળને નકારી કાઢયું છે. એક અમેરિકન અખબારને આપેલી મુલાકાતમાં ૨૪ વર્ષના નલીનએ કહ્યું છે કે એમની વફાદારી પુરેપુરી અમેરિકા પ્રત્યે છે. ભારત પ્રત્યે એમને કોઈ લાગણી નથી. નલીનએ કહ્યું હતું કે, મે હંમેશા અમેરિકાનું હિત જ જોયું છે. હું એ દેશ પ્રત્યે કોઈ વફાદારી નહીં રાખી શકું જ્યાં હું ક્યારેય ગયો નથી.


