નવીદિલ્હી : સંસદ, ન્યાયપાલિકા અને બંધારણ વિશે ચાલી રહેલી ચર્ચા બાબતે દેશના ચિફ જસ્ટીસ બી આર ગવઈએ અગત્યની ટીપ્પણી કરી છે. સીજેઆઇ ગવઇનું કહેવું છે કે દેશનું બંધારણ જ સૌથી ઉપર છે. લોકશાહીના ત્રણ અંગો એ હિસાબે જ કામ કરે છે. સીજેઆઇએ કહ્યું છે કે સંસદ પાસે બંધારણમાં ફેરફાર કરવાની શક્તિ જરૂર છે, પરંતુ બંધારણના મૂળ સ્વરૂપને ફેરફાર કરી શકે નહીં. કેટલાક એમ માને છે કે, સંસદ બંધારણ કરતા ઉપર છે, પરંતુ એ વાત સાચી નથી. ન્યાયાધિશો વિશે પણ સીજેઆઇએ ટીપ્પણી કરી હતી. સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે, સરકાર વિરુદ્ધ ચૂકાદા આપવાથી કોઈ ન્યાયાધિશને સ્વતંત્ર કહી શકાય નહીં.
રાહુલ ગાંધીએ સંઘ અને ભાજપ પર પ્રહાર કર્યા
આરએસએસના સર કાર્યવાહક દત્તાત્રેય હોસબોલેએ એવું નિવેદન કર્યું હતું કે, બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ દુર કરવા જોઈએ. આરએસએસએ પણ હોસબોલેના આ નિવેદનને ટેકો આપ્યો છે. રાહુલ ગાંધી જોકે આ બાબતે બગડયા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આરએસએસનો મુખવટો ફરીથી ઉતરી ગયો છે. આરએસએસને બંધારણ ખટકી રહ્યું છે. કારણ કે બંધારણ સમાનતા, ધર્મનિરપેક્ષતા અને ન્યાયની વાત કરે છે. રાહુલ ગાંધીએ સંઘ અને ભાજપ પર આક્ષેપ કર્યો છે કે એમને બંધારણ નહીં, મનુસ્મૃતિ જોઈએ છે. ગરીબો અને બહુજનોના અધિકાર છીનવીને એમને ફરીથી ગુલામ બનાવવાની ઇચ્છા સંઘની છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપતા કહ્યું છે કે, બંધારણને નાબુદ કરવાના સપના જોવાનું આરએસએસ બંધ કરી દે.
મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા વિરુદ્ધ ઠાકરે બંધુઓએ મોરચો ખોલ્યો
એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી હિન્દી ભાષા ફરજીયાત ના બનાવવી જોઈએ. જો કોઈ ભાષા શીખવવી હોય તો એની શરૂઆત પાંચમાં ધોરણ પછી કરવી જોઈએ. જોકે હિન્દી ભાષાને અવગણવી જોઈએ નહીં. શરદ પવારે કહ્યું હતું કે, 'હિન્દીને પ્રાથમિક શિક્ષણમાં ફરજીયાત કરવી જોઈએ નહીં, પરંતુ ત્યાર પછીથી હિન્દી ભાષા શિખવવા બાબતે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. દેશની મોટા ભાગની વસ્તી હિન્દી ભાષી છે.' બીજી તરફ હિન્દી ભાષાને મુદ્દે મનસેના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એક મંચ પર આવવાના છે. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાજ ઠાકરેએ હિન્દી ભાષાનો વિરોધ કરવો અનિવાર્ય છે.
અખિલેશ યાદવની નજીકની વ્યક્તિને યોગી સરકારમાં મોટી જવાબદારી મળશે
ક્રિકેટર અને સમાજવાદી પક્ષના ધારાસભ્ય તૂફાની સરોજના જમાઈ રીન્કુ સિંહને બેઝિક શિક્ષા અધિકારી (બીએસએ) બનાવવાનો હુકમ યોગી સરકારે કર્યો છે. રીન્કુની સગાઈ મછલીશહર લોકસભાના સાંસદ પ્રિયા સરોજ સાથે થઈ છે. કેરાકત વિધાનસભા બેઠકના ધારાસભ્ય તૂફાની સરોજ સપા પ્રમુખ અખિલેશ યાદવના ખાસ વ્યક્તિ ગણાય છે. રીન્કુ અને પ્રિયાના લગ્ન નવેમ્બર મહિનામાં થવાના છે. અખિલેશ યાદવની નજીકની વ્યક્તિને અગત્યની પોસ્ટ યોગી સરકારે આપી એનાથી કેટલાકને આશ્ચર્ય થયું છે. જોકે જાણકારોનું કહેવું છે કે રીન્કુ સિંહની યોગ્યતાને આધારે એમને આ પોસ્ટ મળી છે. આવી બાબતોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ રસ લેતા નથી.
આઝમ ખાનના પત્નીના નિવેદન પર અખિલેશનો વળતો જવાબ
આઝમ ખાનના પત્ની તનઝીન ફાતિમાએ અખિલેશ યાદવને બેકફૂટ પર મૂકી દીધા છે. જેલમાંથી આઝમ ખાનને મળીને બહાર નિકળ્યા પછી તનઝીન ફાતિમાએ કહ્યું હતું કે, એમને સમાજવાદી પક્ષ તરફથી કોઈ આશા નથી. સમાજવાદી પક્ષે આઝમ ખાનને પડતા મૂક્યા છે. કોંગ્રેસના ઇમરાન મસુદ જેવાઓ મુશ્કેલીમાં ફાયદો શોધે છે. તનઝીનના નિવેદન પર અખિલેશ યાદવએ જવાબ આપ્યો છે કે એમની પાસે ત્રણ વિકલ્પ છે. અમે શું કરી શકીએ છીએ. ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર એમના પર અન્યાય કરી રહી છે. આઝમ ખાન પર એક પછી એક કેસ કરવામાં આવે છે. હવે જો સરકાર બદલાય તો જ આઝમ ખાનને રાહત મળી શકે એમ છે. તમે બધા મળીને સરકાર બદલો. બીજો રસ્તો ન્યાયાલયનો છે. ત્રીજો વિકલ્પ ભગવાન છે.
લાલુ પરિવાર હરિયાણાના ચૌટાલાને રસ્તે
હરિયાણાના ચૌટાલા કુટુંબની યાદ બધાને હશે. લગભગ ૮ વર્ષ પહેલા ચૌટાલા પરિવારનું રાજકીય વિભાજન થઈ ગયું હતું. હવે આજ પરિસ્થિતમાંથી બિહારમાં લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ પસાર થઈ રહ્યું છે. પક્ષ અને કુટુંબમાંથી દુર કરાયેલા તેજપ્રતાપ એવો ઇશારો કરી રહ્યા છે કે, લાલુ પરિવાર પણ ચૌટાલા પરિવારના રસ્તે છે. પોતાને બીજા લાલુ પ્રસાદ યાદવ ગણાવનાર તેજપ્રતાપે કહ્યું છે કે, એમને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે. પિતા લાલુ પ્રસાદ યાદવના અસલી રાજકીય વારસદાર ગણાવીને એમણે કહ્યું હતું કે, મારો અવાજ, સ્ટાઇલ અને વિચારધારા પિતા જેવી જ છે. કદાચ એટલે જ હું કેટલાકને પસંદ નથી. સમય આવશે ત્યારે બધાને જવાબ આપવામાં આવશે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે બીએસપીનો હુંકાર
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને માયાવતીના ભત્રીજા આકાશ યાદવએ ચૂંટણીનું બ્યુગલ ફૂક્યું છે. એમના કહેવા પ્રમાણે બિહારમાં પણ માયાવતીનું સુશાસન મોડલ લાગુ કરવામાં આવશે. એક કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે, 'શાહુજી પહેલા શાસક હતા જેમણે ૫૦ ટકા અનામત લાગુ કરીને દલિતો અને પછાતોને સમાજમાં સન્માન અપાવ્યું હતું. એમણે જાતીવાદ, અંધવિશ્વાસ અને સ્ત્રી વિરોધી વિચારધારા સંદર્ભે નિર્ણાયક લડાઈ લડી હતી.' આકાશ આનંદએ કહ્યું હતું કે બિહારને આજે શાહુજી જેવા શાસકની જરૂર છે. અમે બિહારમાં સત્તા પર આવશું તો સમાજના નબળા વર્ગને સશક્ત બનાવીશું.
કર્ણાટક સીએમએ આંતરિક વિખવાદની અફવા ફગાવી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને જ્યારે રાજન્નાના નિવેદનો બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે તેને વધુ મહત્વ ન આપીને સવાલ ટાળતા કહ્યું કે કર્ણાટક કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી. સિદ્ધારામૈયાની નજીક મનાતા રાજન્નાએ ગુુરુવારે કહ્યું હતું કે ૨૦૧૩-૧૮ દરમ્યાન કોંગ્રેસી સરકારની સરખામણીએ આજની કર્ણાટક કોંગ્રેસમાં અનેક પાવર કેન્દ્રો છે. અગાઉ માત્ર એક જ સત્તાનું કેન્દ્ર હતું. તેમણે સિદ્ધારામૈયાને સંભાળીને કામ કરવાની સલાહ આપી. સિદ્ધારામૈયાની બદલી કરવામાં આવશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એવું બની પણ શકે. દરમ્યાન ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજન્નાના નિવેદન બાબતે પૂછવામાં આવતા તેમણે પણ આ બાબત વિશે કોઈ સ્પષ્ટ નિવેદન કરવાનું ટાળ્યું.
એઆઈએડીએમકેને ગઠબંધનની સરકારમાં રસ નથી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તમિલનાડુમાં દાવો કર્યો હતો આગામી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થશે અને ભાજપ ગઠબંધનની સરકારનો હિસ્સો બનશે.
જો કે એઆઈએડીએમકેના પ્રવક્તાએ શાહના નિવેદનથી વિપરીત જણાવ્યું કે તમિલનાડુમાં ગઠબંધનની સરકારનો કોઈ ઈતિહાસ નથી.
- ઈન્દર સાહની


