નવીદિલ્હી : મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશને કારણે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ થયું છે. પ્લેન ક્રેશના સમાચાર આવ્યા પછી તમામ વિચારી રહ્યા છે કે, કઈ ભૂલને કારણે અકસ્માત થયો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ટેકઓફ અને લેન્ડીંગ વખતે પાયલટ પર સૌથી વધુ દબાણ હોય છે. હવાની સ્પિડ, રનવેની સ્થિતિ, પ્લેનની સ્પીડ, ઉંચાઈ અને કંટ્રોલ દર સેંકડે બદલાતા રહે છે. લેન્ડીંગ વખતે નાની અમથી ભૂલ પણ મોંઘી પૂરવાર થાય છે. વરસાદ, ધુમ્મસ, ઝડપી પવન લેન્ડીંગ વખતે મુશ્કેલી ઉભી કરી શકે છે. નોર્મલ લેન્ડીંગમાં પ્લેન ધીમે ધીમે જમીન પર ઉતરે છે જો વિમાનની સ્પીડ વધુ હોય કે એન્ગલ ખોટો હોય કે પાયલટે મોડેથી ફલેયર કર્યું હોય તો વિમાન જમીન પર ઉતરવાની જગ્યાએ પડે છે જેને કારણે લેન્ડીંગ ગીયર તૂટી શકે છે. જો આમ થાય તો અચૂક પ્લેન ક્રેશ થાય છે. નિષ્ણાંતોનું કહવું છે કે અજીત પવારના પાયલોટોને કોઈ શંકા હોત અને તેઓ લેન્ડીંગ કરવાને બદલે ફરીથી વિમાનને ઉપર લઈ જતે તો બચી શકતે.
પવારનું ક્રેશ થયેલું વિમાન કેવું હતું
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેઓ જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા એ લિયરજેટ ૪૫ ટ ઇ વિમાન વીએસઆર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હતું. પવાર ચાર્ટર પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. લિયરજેટ ૪૫ ટ ઇ હાઇ પરફોર્મન્સ સુપર લાઇટ બિઝનેસ જેટ છે. આ વિમાન એની ઝડપ, ઇંધણ બચત અને ઉંચાઈ પર ઉડવા માટેની ક્ષમતા માટે જાણીતું છે. સામાન્ય રીતે આ વિમાનોનો ટૂકા અને મિડિયમ રૂટ્સના ઉંડાણ માટે ઉપયોગ કરવામાં આવે છે. વિમાનનું વિંગસ્પૈન આશરે ૪૮ ફીટ હોય છે અને એનું વજન લગભગ ૯,૭૫૨ કીલો હોવાનું કહેવાય છે. લિયરજેટ ૪૫ મોડેલ ૧૯૯૦ના દશકામાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ વિમાન સુપર લાઇટ બિઝનેસ જેટ કેટેગરીમાં આવે છે. વિમાનની કેબિનમાં ઉભા રહેવાની જગ્યા હોતી નથી. જોકે એની વધુ ઝડપ માટે આ પ્રકારના વિમાનની પસંદગી થાય છે. વીએસઆર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના અને માલિકિ હક્ક વી કે સિંહ પાસે છે.
છ વખત સુધી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી રહેલા અજીત પવાર કોણ હતા
મહારાષ્ટ્રના રાજકારણના પીઢ નેતા અજીત પવાર છેલ્લા ૧૩ વર્ષમાં છ વખત મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સમય માટે ઉપમુખ્યમંત્રી તરીકે તેઓ રહ્યા હતા. ૨૦૧૯ની ૨૩મી નવેમ્બરે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્યમંત્રી પદના સોગંદ લીધા હતા જોકે એ સરકાર ફક્ત એક દિવસમાં પડી ગઈ હતી. અજીત પવારનો જન્મ ૧૯૫૯ની ૨૨મી જુલાઈએ અહમદનગર જિલ્લામાં થયો હતો. શરદ પવારના મોટા ભાઈ અનંતકુમારના તેઓ પુત્ર હતા. એમના પિતા વિ. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. કાકા શરદ પવારની આંગળી પકડીને તેઓ રાજકારણમાં આવ્યા હતા. એમના ટેકેદારો એમને 'દાદા' તરીકે ઓળખતા હતા. અજીત પવારે રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૮૨થી કરી હતી ત્યારે તેઓ ફક્ત ૨૦ વર્ષના હતા. તેઓ પોતાની પહેલી ચૂંટણી સહકારી મંડળીમાંથી લડયા હતા.
આજથી નાણા મંત્રાલયના 100 અધિકારી- કર્મચારી 'નજર કેદ'
ફેબુ્રઆરીની ૧લી તારીખે રાષ્ટ્રીય બજેટ રજૂ થશે. નાણા મંત્રાલય તરફથી નોર્થ બ્લોકમાં આવેલા બજેટ પ્રેસમાં 'હલવા સમારોહ' રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાણામંત્રી સીતામરણ અને રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરી હાજર રહ્યા હતા. દર વર્ષે બજેટ રજુ કરતા પહેલા હલવા સમારોહનું આયોજન થાય છે. આ આયોજન પછી 'લોક ઇન' પીરીયડની શરૂઆત થાય છે. બજેટ તૈયાર કરનાર તેમજ મદદરૂપ થનાર નાણામંત્રાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ત્યાર પછી ઘરે જઈ શકતા નથી કે ફોન દ્વારા પણ કોઈના સંપર્કમાં રહી શકતા નથી. બજેટની કોઈપણ માહિતી બહાર લીંક ન થાય એ માટે આ કાળજી રાખવામાં આવે છે. નાણામંત્રાલય ઉપરાંત ટેક્સ વિભાગ, લેખા અને પ્રિન્ટીંગ પ્રેસ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ નજર કેદ રહે છે.
નવમુ યુનિયન બજેટ તૈયાર કરનારી ટીમમાં કોણ છે
થોડા દિવસોમાં જ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. ફેબુ્રઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલા સિતારમણ નવમી વખત યુનિયન બજેટ રજૂ કરશે. બજેટ તૈયાર કરવાની જવાબદારી નાણામંત્રાલયની ખાસ ટીમ પાસે છે. આ ટીમમાં ઇકોનોમીક અફેર્સ સેક્રેટરી અનુરાધા ઠાકુર છે. અનુરાધા ટીમને લીડ કરે છે. ૧૯૯૪ બેચના આઇએએસ અનુરાધા ઠાકુર પ્રથમ વખત બજેટની જવાબદારી સંભાળી રહ્યા છે. રેવન્યુ સેક્રેટરી અરવિંદ શ્રીવાસ્તવ પર ટેક્સ પ્રપોઝલ તૈયાર કરવાની જવાબદારી છે. આમાં ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ પ્રપોઝલનો પણ સમાવેશ થઈ જાય છે. વુમલુનમંગ વુઅલનામ એક્સપેન્ડીચર સેક્રેટરી છે. એમને ગાર્ડિયન ઓફ ધ પર્સ કહેવામાં આવે છે. આ ઉપરાંત ફાયનાન્સિયલ સર્વિસીસ સેક્રેટરી એમ નાગા રાજુ, દીપમ સેક્રેટરી અરૂણીષ ચાવલા, પબ્લિક એન્ટરપ્રાઇઝીસ સેક્રેટરી કેઇમઓફેસ ચાલઇ તેમજ ચીફ ઇકોનોમિક એડવાઇઝર વી અનંત નાગેશ્વરન પણ બજેટ તૈયાર કરનારાઓની ટીમમાં છે.
લાલુનો નિર્ણય રોહીણી અને તેજપ્રતાપને કેમ પસંદ નહીં આવ્યો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કરારી હાર પછી પણ લાલુ પ્રસાદ યાદવએ પુત્ર તેજસ્વીને આરજેડીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. ટેકનીકલી આ જાહેરાત પછી તેજસ્વી પક્ષમાં નંબર બે ગણાશે. લાલુ યાદવ બિમાર રહેતા હોવાથી ખરેખર તો પાર્ટીના સર્વેસર્વા તેજસ્વી જ રહેશે. જોકે તેજસ્વી યાદવ માટે ભવિષ્ય સહેલું નથી. પક્ષની અંદર જ તેજસ્વીની ટીકા થઈ રહી છે. કુટુંબીઓ બળવો પોકારી રહ્યા છે. પટણામાં આરજેડીની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં ૨૫ રાજ્યોના પ્રતિનિધિઓ આવ્યા હતા. આ કાર્યકારીણીમાં કેટલાક ખાનગી રીતે તેજસ્વીની ટીકા કરતા હતા. મંચ પર ત્રણ ખુરશીઓ હતી જેના પર લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ બેઠા હતા. લાલુ પ્રેસાદ યાદવને સાંભળવામાં પણ મુશ્કેલી પડે છે. તેઓ એકને એક વાત વારંવાર કરતા રહે છે. લાલુ પ્રસાદ માટે પોતાની જવાબદારી તેજસ્વીને સોંપવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. જોકે લાલુ પ્રસાદનો આ નિર્ણય એમના બીજા પુત્ર તેજપ્રતાપ તેમજ પુત્રી રોહીણી આચાર્યને પસંદ આવ્યો નથી.
શું યુજીસી નિયમોને ચેલેન્જ કરી શકાય છે?
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા સૂચિત નિયમો સામે દેશમાં વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જાણીતા સિનિયર એડવોકેટ ઇન્દીરા જયસિંહે આ બાબતે કાયદાકીય પ્રકાશ ફેંક્યો છે. એમનંધ કહેવું છે કે આ નિયમો બાબતે થઈ રહેલી ટીકા અને દેખાવો ખોટા છે. આ નિયમો ૨૦૧૨થી લાગુ કરવામાં આવ્યા છે અને એને સુપ્રિમ કાર્ટની મંજૂરી છે. આ નિયમો પહેલા કરતા વધુ મજબૂત છે અને યુનિવર્સિટી કેમ્પસમાં જાતીગત ભેદભાવ રોકવા માટે બંધારણના આર્ટીકલ ૧૫ની ભાવનાને અનુસરે છે. જોકે બીજા એક એડવોકેટ નિરજ સિંહના કહેવા પ્રમાણે યુજીસી દ્વારા કરવામાં આવેલું વર્ગીકરણ ભેદભાવવાળુ છે. આ વર્ગીકરણ બંધારણના આર્ટીકલ ૧૪, ૧૫ અને ૨૧ની વિરુદ્ધમાં છે. ઇન્દીરા જયસિંહના કહેવા પ્રમાણે નવા નિયમોને ચેલેન્જ કરી શકાય એમ નથી.


